Maruti Suzuki India completes 40 years

Maruti Suzuki India completes 40 yrs: PM મોદીએ ભારત-જાપાન સંબંધોને મજબૂત બનાવવામાં પૂર્વ વડાપ્રધાન સ્વ. શિન્ઝો આબેને યાદ કર્યા

Maruti Suzuki India completes 40 yrs: ઈલેક્ટ્રોનિક વ્હિકલ-EVનો વધતો વ્યાપ એ દેશમાં ઑટો મોબાઇલક્ષેત્રે સાયલન્ટ રિવોલ્યુશન-મૌન ક્રાન્તિની શરૂઆત છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

ગાંધીનગર, 28 ઓગષ્ટઃ Maruti Suzuki India completes 40 yrs: મારુતિ-સુઝુકી કંપનીના ભારતમાં 40 વર્ષ થવાના પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ભારત અને સુઝુકીના પારિવારિક સંબંધો હવે 40 વર્ષથી પણ વધુ જૂના અને મજબૂત બન્યા છે. તેમણે કહ્યું કે, મારુતિ-સુઝુકીની સફળતા પણ ભારત અને જાપાનની મજબૂત ભાગીદારી દર્શાવે છે. તેમણે દેશમાં વધી રહેલા ઈલેક્ટ્રોનિક વ્હિકલ-EVના વધતા વ્યાપને દેશના ઑટો મોબાઇલક્ષેત્રે સાયલન્ટ રિવોલ્યુશન-મૌન ક્રાન્તિની શરૂઆત ગણાવી હતી.

આ પ્રસંગે વડાપ્રધાનના હસ્તે ગુજરાતના હાંસલપુર ખાતે રૂ.૭૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુઝુકીના ઇલેક્ટ્રીક વ્હિકલ બેટરી ઉત્પાદન પ્લાન્ટનું ખાતમૂહુર્ત તથા હરિયાણા ખારખોડા ખાતેના મારૂતિ સુઝુકીના વ્હિકલ મેન્યુફ્રેક્ચરિંગ ફેસિલિટી પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ હતુ.

વડાપ્રધાનએ જણાવ્યું કે, છેલ્લાં આઠ વર્ષમાં બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. આ સાથે જ આજે શરૂ થઈ રહેલા બે નવા પ્રકલ્પોની સાથે સુઝુકી માટે પણ ભારતમાં ઉજ્જવળ ભાવી સંભાવનાઓની તકો રહેલી હોવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, આજે ગુજરાત-મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનથી લઈને યુપીના બનારસમાં રુદ્રાક્ષ કેન્દ્ર સુધીના વિકાસના અનેક પ્રોજેક્ટ ભારત-જાપાન મિત્રતાના ઉદાહરણ છે અને જ્યારે આ મિત્રતાની વાત આવે છે, ત્યારે દરેક ભારતીય ચોક્કસપણે અમારા મિત્ર, જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શિન્ઝો આબેજીને યાદ કરે છે. જ્યારે આબેશાન ગુજરાત આવ્યા ત્યારે તેમણે અહીં વિતાવેલો સમય ગુજરાતના લોકો પ્રેમપૂર્વક યાદ કરે છે. આજે પીએમ કિશિદા આપણા દેશોને નજીક લાવવા માટે કરેલા પ્રયાસોને આગળ વધારી રહ્યા છે.

મોદીએ કહ્યું કે, ગુજરાત અને જાપાન વચ્ચે જે સંબંધો રહ્યા છે તે રાજદ્વારી વર્તુળો કરતાં પણ ઊંચા રહ્યા છે. મને યાદ છે કે જ્યારે વર્ષ ૨૦૦૯માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારથી જાપાન ગુજરાત સાથે ભાગીદાર દેશ તરીકે સંકળાયેલું રહ્યું છે. આ બાબતની ખુશી વ્યક્ત કરતાં વડાપ્રધાનએ કહ્યું કે ગુજરાતે સુઝુકી સાથેનું પોતાનું વચન પાળ્યું છે અને એ જ રીતે સુઝુકીએ પણ ગુજરાતની ઈચ્છાઓને સન્માન સાથે પુરી કરી છે. જેના પરિણામે ગુજરાત આજે વિશ્વમાં ટોચના ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યું છે.

વડાપ્રધાનએ ઉમેર્યું કે, જાપાનના રોકાણકારોને ગુજરાતમાં રહીને પણ જાપાન જેવો અનુભવ થાય તે માટે ગુજરાતમાં મિની જાપાન બનાવવાના તેમના સંકલ્પને તેમણે યાદ કર્યો. આને સાકાર કરવા માટે અનેક નાની નાની બાબતોનો ખ્યાલ રાખીને અનેક પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં જાપાનીઝ વાનગીઓ સાથે વિશ્વ-કક્ષાના અનેક ગોલ્ફ કોર્સ અને રેસ્ટોરન્ટ્સની રચના તેમજ જાપાનીઝ ભાષાનો પ્રચાર સહિતનાં ઉદાહરણોનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, અમારા પ્રયાસો હંમેશાં જાપાન માટે ગંભીરતા અને આદર ધરાવે છે. તેથી જ સુઝુકી સાથે લગભગ 125 જેટલી અન્ય જાપાનીઝ કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે. અમદાવાદમાં JETRO સંચાલિત સપોર્ટ સેન્ટર ઘણી કંપનીઓને પ્લગ-એન્ડ-પ્લેની સુવિધા પૂરી પાડે છે. જાપાન ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ફોર મેન્યુફેક્ચરિંગ ઘણા લોકોને તાલીમ આપી રહી છે. વડાપ્રધાનએ અમદાવાદ ખાતેના ઝેન ગાર્ડનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જાપાન અને ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવવાના ઉદાહરણરૂપ છે. તેમણે એમ પણ ઉમેર્યું કે નજીકના ભવિષ્યમાં આવો જ ગાર્ડન સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે વિકસાવવાનું પણ આયોજન છે. તેમણે ગુજરાતની વિકાસયાત્રામાં ‘કાઈઝેન’ના યોગદાનની નોંધ લેતા કહ્યું કે વડાપ્રધાનપદ સંભાળીને દિલ્હી ગયા બાદ ત્યાં પણ કાઈઝેનના પાસાઓને PMO અને અન્ય વિભાગોમાં પણ લાગુ કરવામાં આવ્યા હતા.

ઈલેક્ટ્રિક વાહનો વિશે વાત કરતા મોદીએ કહ્યું કે ઈલેક્ટ્રિક વાહનોની એક મોટી વિશેષતા એ છે કે તે મૌન એટલે કે સાયલન્ટ હોય છે, પછી તે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, તે અવાજ કરતાં નથી. આ સાયલન્ટ માત્ર તેના એન્જિનિયરિંગ વિશે નથી, પરંતુ તે દેશમાં એક સાયલન્ટ રિવોલ્યુશન એટલે કે મૌન ક્રાન્તિની પણ શરૂઆત છે. તેમણે કહ્યું હતું કે EV ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સરકાર દ્વારા છેલ્લાં આઠ વર્ષથી મજબૂત પાયો તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ પ્રયાસોના ભાગરૂપે ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે આવકવેરામાં છૂટ અને લોન પ્રક્રિયાને સરળ બનાવવા જેવા અસંખ્ય પગલાં પણ સરકાર દ્વારા લેવામાં આવ્યા છે.

ઓટોમોબાઈલ અને ઓટોમોબાઈલ ઘટકોના ઉત્પાદનમાં PLI યોજનાઓ દાખલ કરવા માટે ઝડપી ગતિએ કામ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમ જણાવી વડાપ્રધાનએ ઉમેર્યું કે મજબૂત ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે અનેક નીતિવિષયક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. 2022 ના નાણાકીય બજેટમાં બેટરી સ્વેપિંગની નીતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે આતમવિશ્વાસપૂર્વક જણાવ્યું કે આના કારણે પુરવઠો, માંગ અને ઇકોસિસ્ટમના મજબૂતીકરણ સાથે, EV ક્ષેત્ર પ્રગતિ કરશે.

વડાપ્રધાનએ વધુમાં ઉમેર્યું કે ભારતે COP-26માં જાહેરાત કરી છે કે તે વર્ષ ૨૦૩૦ સુધીમાં non-fossil sources (બિન-અશ્મિભૂત સ્રોતો)માંથી તેની સ્થાપિત વિદ્યુત ક્ષમતાના 50 ટકા હાંસલ કરશે. અમે વર્ષ 2070 માટે ‘નેટ ઝીરો’ લક્ષ્ય નક્કી કર્યું છે. વડા પ્રધાને જણાવ્યું હતું. વડાપ્રધાનએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે મારુતિ સુઝુકી બાયોફ્યુઅલ, ઇથેનોલ બ્લેન્ડિંગ અને હાઇબ્રિડ ઈવી જેવી વસ્તુઓ પર પણ કામ કરી રહી છે. વડાપ્રધાને એ પણ સૂચન કર્યું કે સુઝુકી કોમ્પ્રેસ્ડ બાયોમિથેન ગેસ-CBG સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તંદુરસ્ત સ્પર્ધા અને પરસ્પર શિક્ષણ માટે વધુ સારું વાતાવરણ ઊભું કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે ઉમેર્યું કે તેનાથી દેશ અને વેપાર બંનેને ફાયદો થશે. ભારતની આઝાદીના અમૃતકાળના આગામી 25 વર્ષમાં ભારત તેની ઊર્જા જરૂરિયાતો માટે આત્મનિર્ભર બને તે અમારું લક્ષ્ય છે. ઊર્જા વપરાશનો મોટો હિસ્સો પરિવહન ક્ષેત્રમાં હોવાથી, આ ક્ષેત્રમાં નવીનતા અને પ્રયાસો આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. આ સાથે જ તેમણે આ લક્ષ્ય હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતમાં સુઝુકી મોટર કોર્પોરેશનના મેનેજમેન્ટને સફળતાના ચાલીસ વર્ષ પૂરા કરવા બદલ અભિનંદન પાઠવતા કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત અને જાપાન વચ્ચેની આર્થિક અને સાંસ્કૃતિક ભાગીદારીને એક નવું પરિમાણ આપ્યું હતું. ગુજરાતની વિકાસયાત્રામાં જાપાનની સુઝુકી કંપનીનું મહત્વનું યોગદાન રહ્યું છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૨માં શરૂઆત થઈ ત્યારથી મારુતિ કંપનીનું સંચિત રોકાણ રૂ.૧૬ હજાર કરોડ સુધી પહોંચી ગયું છે.

તેમણે કહ્યુ કે, ગુજરાત સરકારની EV નીતિનો લાભ લઈને, મારુતિ સુઝુકીએ બેટરી ઉત્પાદન અને ઓટોમોટિવ રિસાયક્લિંગ સુવિધાઓમાં અંદાજે રૂ.૧૦ હજાર કરોડનું રોકાણ કરવા પ્રતિબધ્ધતા દર્શાવી છે. ભારતનો પ્રથમ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ પણ ગુજરાતમાં સ્થાપવામાં આવનાર છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા આઠ વર્ષમાં ગુજરાતે ડબલ એન્જિન સરકાર થકી વિકાસ કર્યો છે જેના પરિણામે ગુજરાત આજે દેશભરમાં સૌથી શ્રેષ્ઠ ઔદ્યોગિક વિકાસ ધરાવતું રાજ્ય બન્યું છે. છેલ્લા આઠ વર્ષમાં ભારતમાં થયેલા રૂ.૩૧.૩ લાખ કરોડના કુલ રોકાણ સામે ગુજરાતમાં ૫૭ ટકા એટલે કે અંદાજે રૂ.૧૭.૭ લાખ કરોડનું રોકાણ થયુ છે, તે ડબલ એન્જિન સરકારને પરિણામે થયેલા ઝડપી વિકાસનું પરિણામ છે. આજે દેશના ઉત્પાદન ક્ષેત્રે આશરે અઢાર ટકાના યોગદાન સાથે ગુજરાત અગ્રિમ રાજ્યોમાં છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૦૦ થી માર્ચ ૨૦૨૨ સુધીમાં ગુજરાતને મળેલી સંચિત એફડીઆઈને ધ્યાનમાં લેતા, તે લગભગ ૫૧ બિલિયન યુએસ ડોલર છે.

તેમણે કહ્યુ કે, ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત બેસ્ટ પરફોર્મર સ્ટેટ રહ્યું છે. લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં પણ ગુજરાત મોખરે છે. નીતિ આયોગના એક્ષ્પોર્ટ પ્રીપેડનેસ ઈન્ડેક્ષમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે, સાથે સાથે ભારત સરકારના ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં પણ ગુજરાત પહેલા સ્થાને છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર આવનાર સમયની જરૂરિયાતને આધારે માળખાકીય સુવિધાઓ જેવી કે ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીલ્સ, ફિનટેક અને નાણાકીય સેવાઓ, સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેશન તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણને વિશેષ પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાનએ રાજયની અવિરત વિકાસયાત્રા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ જેવી અપ્રતિમ ભેટ આપી છે. જેના પરિણામે ગુજરાતમાં રોકાણ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રે ક્રાંતિ આવી છે.

આ પણ વાંચોઃ Chote morari bapu join aap: ગુજરાતના જાણીતા કથાકાર સંત છોટે મોરારીબાપુ તેમના સેંકડો સમર્થકો સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા

વડાપ્રધાનના દિશાનિર્દેશ હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાયોટેક્નોલોજી પોલિસી અને નવી આઇટી પોલિસી પણ લાગુ કરવામાં આવી છે. આ નવીન નીતિઓને કારણે રોકાણકારો માટે ગુજરાત ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ’ બન્યુ છે અને આવનારા સમયમાં હજુ વધુને વધુ રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષાશે તેવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

જાપાન વડાપ્રધાન કિશિદા
આ પ્રસંગે પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરતા જાપાનના વડાપ્રધાન કિશિદાએ જણાવ્યું હતું કે, ચાર દાયકા દરમિયાન મારુતિ સુઝુકીની વૃદ્ધિ ભારત અને જાપાન વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને મૂર્ત સ્વરૂપ પ્રદાન કરે છે. ભારતીય બજારમાં રહેલી ક્ષમતાને ઓળખી કાઢવા માટે તેમણે સુઝુકીના મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી. તેમણે આ સફળતાનો શ્રેય ભારતના લોકો અને ભારત સરકારની સમજણ અને સમર્થનને પણ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે લેવાયેલા વિવિધ સહાયક પગલાંઓને કારણે ભારતે આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અન્ય ઘણી બધી જાપાનીઝ કંપનીઓએ ભારતમાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો છે. આ વર્ષને વિશેષ ગણાવતા તેમણે ભારત જાપાન સંબંધોના 70 વર્ષને યાદ કર્યા હતા તેમજ પ્રધાનમંત્રી મોદી સાથે મળીને જાપાન ઇન્ડિયા “વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી” તેમજ “ફ્રી અને ખુલ્લા ઈન્ડો સ્પેસિફિક”નું સપનું સાકાર કરવા માટે પ્રયત્નો કરવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આ કાર્યક્રમમાં હરિયાણાથી વર્ચ્યુઅલ જોડાઇને જણાવ્યું હતું કે, હરિયાણા રાજ્યમાં મારૂતિ કંપનીનો ત્રીજો પ્લાન્ટનો આરંભ થાય છે, તે વાતનો મને ખૂબ જ આનંદ છે. પ્રધાનમંત્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારે અમારા રાજ્યમાં અનેક પ્રોજેક્ટ સ્થાપન કર્યા છે. જેના કારણે હરિયાણાની વિકાસની ગતિ તેજ બની ગઈ છે.


તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણાના વિકાસનો આરંભ મારૂતિ કંપનીના પ્લાન્ટ થકી થયો હતો. રાજ્યમાં ગુરગાવ શહેરના વિકાસમાં મારૂતિનો સહયોગ પણ ખૂબ જ રહયો છે. હરિયાણામાં સ્થપાનાર મારૂતિના નવીન પ્લાન્ટ થકી ૧૦ હજાર યુવાનોને રોજગારી મળશે. બિઝનેસ કરવા માટે બીટુબી, બીટુજી સહિત વિવિધ પદ્ધતિ છે જ્યારે અમે એચ.ટુ.એચ (હાર્ટ ટુ હાર્ટ) બિઝનેશ કરીએ છીએ.

૪૦ વર્ષની ઉજવણી નિમિત્તે ટી. સુઝુકીએ જણાવ્યું હતું કે, ભારત અને જાપાને ઓક્ટોબર 1982માં સંયુક્ત સાહસ કરાર કર્યો હતો. અમે આ ઉજવણી વડાપ્રધાન મોદી અને ભારતના લોકો પ્રત્યે નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરવા માટે કરી છે. મારુતિ સુઝુકી ભારત અને જાપાન વચ્ચે સૌથી સફળ સંયુક્ત વેન્ચર તરીકે ઓળખાય છે અને ભારત સુઝુકી જૂથના સૌથી મહત્વપૂર્ણ દેશોમાંનો એક બની ગયો છે. ગત વર્ષે સુઝુકી જૂથે સમગ્ર વિશ્વમાં 28 લાખ ઓટોમોબાઈલનું ઉત્પાદન કર્યું હતું જેમાંથી 60%થી વધુ ઉત્પાદન ભારતમાં થયું હતું. ઉપરાંત, ભારતમાંથી ગત વર્ષે સૌથી વધુ નિકાસ, 2.4 લાખ યુનિટ જેટલી થઈ હતી. આજે ભારત સુઝુકી જૂથમાં વૈશ્વિક ઓટોમોબાઈલ ઉત્પાદન હબ તરીકે નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી અમે ગુજરાતમાં સુઝુકી મોટરના નવા પ્લાન્ટનું ઉદઘાટન ગુજરાતમાં કર્યું છે. જે વાર્ષિક 7.5 લાખ યુનિટ ઉત્પાદન ક્ષમતાના સાથે સંપૂર્ણપણે કાર્યરત છે, જેનું ઉત્પાદન આ વખતે 20 લાખ યુનિટને પણ વટાવી ગયું છે. અમે હવે 10,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે ગુજરાતમાં ઈલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદનની તૈયારી કરી રહ્યા છીએ. વધુમાં અમે વિવિધ સંસાધનો માટે શૈક્ષણિક અને સ્ટાર્ટઅપ્સમાં ભારત સાથેના અમારા સંબંધોને મજબૂત કરીશું. સુઝુકી ભારતમાં સારા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે, તે માટે અમે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માનીએ છીએ.

મારુતિ સુઝુકીના અધ્યક્ષ આર. સી ભાર્ગવે જણાવ્યું હતું કે, સુઝુકીના અધ્યક્ષ ઓસામુ સુઝુકીએ અમારા પર મૂકેલો વિશ્વાસ અમારી સફળતાનું મુખ્ય પરિબળ છે. આ ૪૦ વર્ષના ગાળામાં અમે શીખ્યા કે કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે મજબૂત ટીમ વર્ક શક્ય છે. અમારા 98% કામદારો આવકવેરો ચૂકવે છે અને મોટા ભાગના લોકો તેમના ઘર અને ગાડીના માલિક છે. અમે સપ્લાય ચેઇનની મજબૂત ભૂમિકાનું મહત્ત્વ સમજીએ છીએ. ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત કરી અમે ગુણવત્તામાં સતત સુધારો કેવી રીતે કરવો તે શીખીએ છીએ. મારુતિ સુઝુકી એકલી ક્વાર્ટર મિલિયન યુનિટ કારનું વેચાણ કરીને ભારતીય કારની મોટી નિકાસકાર બની ગઈ છે. મારુતિ સુઝુકી કાર્બન ઉત્સર્જન ઘટાડવા સરકારના કાર્યક્રમ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં 2025થી ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરશે જે કાર્બન ઉત્સર્જન ઘટાડશે.

આ પ્રસંગે સાંસદ સી. આર. પાટીલ, રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત કંપનીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ A Doctor delivered 20 babies in one day: અમદાવાદના એક ડોક્ટરે એક જ દિવસે 20 બાળકોનો જન્મ કરાવીને સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Gujarati banner 01