43rd Inter Frontier Wrestling Cluster 2023

43rd Inter-Frontier Wrestling Cluster-2023: બી.એસ.એફ.ની ૪૩મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગિતા-૨૦૨૩ નું ભવ્ય સમાપન

  • મોસમ BFF ના વીર જવાનોના જુસ્સાને ડગાવી શકતી નથી, જવાનો મોસમના મિજાજને બદલી નાખવા સમર્થ છે: આચાર્ય દેવવ્રત

43rd Inter-Frontier Wrestling Cluster-2023: વિજેતા ટીમો અને ખેલાડીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ટ્રોફી અને ઇનામો અપાયા

ગાંધીનગર, 29 જુલાઈઃ 43rd Inter-Frontier Wrestling Cluster-2023: સીમા સુરક્ષા દળ-બી.એસ.એફ.ના ગુજરાત ફ્રન્ટિયરના યજમાનપદે ગાંધીનગરમાં ૪૩મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગિતા-૨૦૨૩નું આયોજન કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રૉફી-મેડલ્સ અને પ્રમાણપત્રો અર્પણ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બી.એસ.એફ.ના જવાનો રમતના મેદાનોમાં અને દેશની સીમાઓ પર વિજયી થાય અને ભારતનું ગૌરવ-પ્રતિષ્ઠા વધારે એવી શુભકામનાઓ પાઠવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વિજેતાઓને અભિનંદન આપ્યા અને અન્ય ખેલાડીઓને વધુ મહેનતપૂર્વક પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ધોધમાર વરસાદ વચ્ચે પણ અડગ ઊભા રહેલા બી.એસ.એફ.ની વિવિધ ટીમોના રમતવીરોને સંબોધીને તેમણે કહ્યું કે, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દેશની સીમાઓ સાચવી બેઠેલા બી.એસ.એફ.ના જવાનો ભારતીય સેના કરતાં પણ અગ્રેસર ફરજ બજાવે છે.

આ મોસમ આવા વીર જવાનોના જુસ્સાને ડગાવી શકતી નથી, બલકે આ જવાનો મોસમના મિજાજને બદલી નાખવા સમર્થ છે. રમતગમત સ્પર્ધાઓના સુંદર આયોજન બદલ તેમણે બી.એસ.એફ. ગુજરાતના મહાનિરીક્ષક રવિ ગાંધી અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.

ગાંધીનગર બીએસએફ માં તા. ૨૫ થી ૨૯ જુલાઈ દરમિયાન ૪૩મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગીતાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં સીમા સુરક્ષા દળની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમાના કાશ્મીર, જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત તથા ભારત-બાંગ્લાદેશ સીમા પર તહેનાત ઉત્તર બંગાળ, દક્ષિણ બંગાળ, ગૌહાટી, મેઘાલય, મણીપુર-કછાર અને ત્રિપુરા સહિત કુલ ૧૧ ફ્રન્ટિયરોની ટીમોએ ભાગ લીધો હતો‌.

આ પ્રતિયોગિતામાં કુસ્તી, બૉક્સિંગ, વેઈટ લિફ્ટિંગ, કબ્બડી અને બૉડીબિલ્ડીંગ સ્પર્ધાઓમાં ૯૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પાંચ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં કુસ્તી (ફ્રી સ્ટાઈલ) માં ગુજરાત વિજેતા થયું હતું. જ્યારે પંજાબ રનર્સ અપ રહ્યું હતું. ગ્રેકો રોમન સ્ટાઇલમાં ઉત્તર બંગાળ વિજેતા થયું હતું જ્યારે રાજસ્થાન રનર્સ અપ રહ્યું હતું.

બૉડીબિલ્ડિંગમાં જમ્મુ ફ્રન્ટિયર વિજેતા અને ગુજરાત રનર્સ અપ રહ્યું હતું. વેઇટ લિફ્ટિંગમાં મણીપુર-કછાર વિજેતા રહ્યું હતું જ્યારે ગુજરાત રનર્સ અપ રહ્યું હતું. કબડ્ડીમાં જમ્મુ વિજેતા અને દક્ષિણ બંગાળ રનર્સ અપ રહ્યું હતું. જ્યારે બોક્સિંગમાં ગુજરાત વિજેતા અને જમ્મુ તથા ત્રિપુરા સંયુક્તપણે રનર્સ અપ રહ્યા હતા.

બેસ્ટ બૉક્સર પવન (ગુજરાત), બેસ્ટ કબડ્ડી પ્લેયર અજીતસિંહ (દક્ષિણ બંગાળ), બેસ્ટ વેઇટ લિફ્ટર બાદલ નાઈક (ગુજરાત), બેસ્ટ બૉડીબિલ્ડર અશોકકુમાર (જમ્મુ), બેસ્ટ રેસલર (ફ્રી સ્ટાઈલ) નરેન્દ્ર (ગુજરાત) અને બેસ્ટ રેસલર (ગ્રેકો રોમન સ્ટાઇલ) ભૂરુ સેન (ઉત્તર બંગાળ) આ વિજેતાઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે બેસ્ટ પ્લેયર ટ્રોફી અર્પણ કરાઈ હતી.

પ્રતિયોગિતાના સમાપન સમારોહમાં બી.એસ.એફ.ની મહિલા બટાલીયને યોગનું અને જવાનોએ મલખમનું નિદર્શન કર્યું હતું. જમ્મુ ફ્રન્ટિયર અને દક્ષિણ બંગાળની કબડ્ડી ટીમો વચ્ચે પ્રદર્શન મેચ યોજાઇ હતી, જેમાં દક્ષિણ બંગાળની ટીમ વિજેતા થઈ હતી. સમાપન સમારોહમાં ભવ્ય પરેડ ઉપરાંત ટીમોની માર્ચપાસ્ટ યોજાઇ હતી. બી.એસ.એફ.ના જવાનોએ આસામનું બિહુ લોકનૃત્ય અને પંજાબનું ભાંગડા રજૂ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે બુલેટિનનું વિમોચન કરાયું હતું.

પ્રતિયોગીતાના સમાપન સમારોહમાં લેડી ગવર્નર દર્શનાદેવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહના પ્રારંભે બી.એસ.એફ. ગુજરાતના મહાનિરીક્ષક રવિ ગાંધીએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. સમારોહના અંતે ઉપમહાનિરીક્ષક આર.એસ. શક્તાવતે આભાર દર્શન કર્યું હતું.

આ પણ વાંચો… G20 Empower Summit: ગુજરાતમાં 1થી 4 ઓગસ્ટ દરમિયાન G20 એમ્પાવર સમિટ યોજાશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો