૭૫ વર્ષની ઉંમરના કોવિડ દર્દી રમેશચંદ્ર આર્ય સયાજી હોસ્પિટલની મ્યુઝિક થેરાપીનો પ્રયોગ એમને ગમી ગયો

Corona Patient 2

વડોદરા, ૦૨ ઓક્ટોબર: વાઘોડિયાના ૭૫ વર્ષની ઉંમરના રમેશચંદ્ર આર્ય કોવિડ પીડિત છે અને હાલમાં વડોદરાની સયાજી હોસ્પિટલની સુવિધા ખાતે સારવાર લઈ રહ્યાં છે.તેઓ અત્રેની દવા સાથે દુઆ ભરેલી અને સ્નેહ સભર સારવારથી ખૂબ ખુશી અનુભવી રહ્યાં છે.તેઓ પોતે બચપણથી સંગીત પ્રેમી છે.હાલમાં સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં તબીબી સારવારની સાથે દર્દીઓની ઝડપી સાજગી માટે મ્યુઝિક થેરાપી એટલે કે સંગીત સારવારનો વિનિયોગ કરવામાં આવ્યો છે.તેનાથી તેમની ખુશી અને તાજગીમાં વધારો થયેલો જણાય છે.
રૂમમાં જ સંગીત સંભળાવવાની જે વ્યવસ્થા કરી એનાથી મન પ્રફુલ્લિત થઇ ગયું એવી લાગણી વ્યક્ત કરતાં એમણે જણાવ્યું કે હું માનું છું કે સંગીત માનસિક શાંતિ આપે છે અને રોગ મુક્તિમાં મદદ કરે છે.
તેમણે જણાવ્યું કે અહી સારવારની ખૂબ જ સારી સુવિધાઓ છે.સ્ટાફ અને ડોકટરોના વાણી અને વર્તન પ્રેમાળ અને સૌજન્ય સભર છે.કોઈ તોછડું વર્તન કરતું નથી.સુવિધાઓ ખાનગી દવાખાના કરતાં ઘણી સારી છે.નવ દિવસથી સારવાર લઈ રહ્યો છું ,કોઈ કડવો અનુભવ નથી થયો.
સયાજી હોસ્પિટલના કોવિડ સારવારના વહીવટી નોડલ અધિકારી ડો. બેલિમે જણાવ્યું કે નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે કોરોના દર્દીઓને તબીબી સારવાર,ભોજન, અલ્પાહારની સુવિધાઓ આપવામાં આવે જ છે.તેની સાથે દર્દીઓ રાહત અને હળવાશ અનુભવે,તેમનું મન પ્રફુલ્લિત રહે તે માટે યોગ,કસરતો,રમતો રમાડવી, લાફીંગ અને હવે મ્યુઝિક થેરાપી ની નવી પહેલો કરી છે.એના સારા પરિણામો મળવાનો વિશ્વાસ છે.

loading…