82 New Ambulance Launch 1

82 New Ambulance Launch: ગાંધીનગર ખાતેથી નવી 82 એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કરતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

  • નાગરિકોને ૨૪x૭ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધઃ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ

82 New Ambulance Launch: ગાંધીનગર ખાતેથી ૫૦ નવી ૧૦૮ એમ્બ્યુલન્સો અને જિલ્લા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલો માટે નવી કુલ ૩૨ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કરતાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ

ગાંધીનગર, 12 ઓક્ટોબરઃ 82 New Ambulance Launch: આજે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી ૫૦ નવી ૧૦૮ એમ્બ્યુલન્સો અને જિલ્લા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલો માટે નવી કુલ ૩૨ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કર્યુ હતું. રાજયનાં નાગરિકોને ૨૪x૭ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, નવી ૮૨ એમ્બ્યુલન્સો નાગરિકોની સેવામાં કાર્યરત કરવામાં આવી છે. પ્રિ-હોસ્પિટલ કેર સાથે દર્દીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં ૧૦૮ એમ્બ્યુલન્સનું અમૂલ્ય યોગદાન રહેલું છે.

મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ જિલ્લાના શહેરો, તાલુકા અને છેવાડાના ગામ સુધી ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૪x૭ વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે નાગરિકો માટે આશિર્વાદ સમાન છે.

મંત્રીએ ઉમેર્યું કે, તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે  હદયરોગ, કેન્સર, કીડની,પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્‍માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં ૨૪ કલાક કાર્યરત અધ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ યોજના અમલી છે.

82 New Ambulance Launch

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ૧૦૮ સેવાની વધતી લોકપ્રિયતા, વિશ્વસનિયતા અને તેની કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ તેની ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને એમ્બ્યુલન્સના સ્ટાફને તાલીમ આપવા માટે અધ્યતન ટ્રેનીંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવ્યું છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ૧૦૮ ઈમરજન્સી મેડીકલ સેવા હેઠળ પ્રતિ માસ સરેરાશ ૪૨ લાખ કિ.મીનું સંચાલન કરવામાં આવે છે.

આ સેવાની ગુણવત્તા તેમજ પ્રતિસાદ સમય જાળવી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે. ૧૦૮ સેવાનો વ્યાપ, એમ્બ્યુલન્સના કાફલાની કાર્યક્ષમતા અને ગુણવતા વધે તે માટે જૂની થયેલ એમ્બ્યુલન્સોને બદલવા માટે રાજય સરકાર દ્વારા પ્રતિ વર્ષ નવી એમ્બ્યુલન્સોની બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે. આ અનુસંધાને જૂની થયેલ એમ્બ્યુલન્સોને તબદીલ કરવા માટે કુલ-૫૦ નવી એમ્બ્યુલન્સોનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની વિશેષતા વિશે મંત્રીએ વધુમાં જણાવ્યું કે, એમ્બ્યુલન્સ અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન જેવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS) થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જાય છે અને સમયનો બચાવ થાય છે પરિણામે ઝડપથી એમ્બ્યુલન્સ મોકલી શકાય છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ ૪૨૦૦ થી ૪૪૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે સેવા પૂરી પાડવામાં આવે છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ૧૦૮ નંબર પર આવેલા ૯૯ % જેટલા ફોન કોલનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય કક્ષાની સરખામણીએ પણ સૌથી શ્રેષ્ઠ છે. ૧૦૮ એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૮ મિનિટ જેટલો છે જયારે શહેરી વિસ્તારમાં ૧૧ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં ૨૨ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે.

દર ૨૧ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના કરવામાં આવે છે. ઉપરાંત, ૧ કરોડ ૫૩ લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, ૨.૧૭ લાખથી વધુ પોલીસ અને ૬.૨ હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે. અત્યાર સુધી ૪૭.૯ કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિકટ પરિસ્થિતીમાં મૂકાયેલ ૧૪ લાખથી વધુ મહામુલી માનવ જિંદગીઓને બચાવવામાં આવી છે. ૫૧.૭૭ લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને, ૧,૩૩,૪૮૫ થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવી છે. રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકારના લક્ષયાંકોને સિદ્ધ કરવામાં ૧૦૮ સેવાનો મહત્વનો ફાળો રહેલ છે. “ ૧૦૮ સીટીઝન મોબાઇલ એપ્લીકેશન ” ૩ લાખ કરતા વધુ લોકોએ ડાઉનલોડ કરી છે.

પોરબંદર અને ઓખા ખાતે માછીમારો માટે દરિયામાં ૧૦૮ એમ્બ્યુલન્સ જેવી મેડીકલ ઈમરજન્સી સેવા બોટ કાર્યરત છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગ, GUJSAIL અને EMRI GHS સાથે મળી સંકલિત રીતે ચલાવે છે.

આ સેવા હેઠળ કુલ ૩૭ જેટલા ઓર્ગન અને તેમજ ગંભીર દર્દીઓનું પરિવહન કરવામાં આવ્યું છે. આપાતકાલમાં પ્રત્યેક સેકન્ડનો બચાવ થઈ શકે અને માનવીની અમૂલ્ય જીન્દગી બચાવી શકાય તે માટે ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેશ ૧૦૮ ઇમરજન્સી સેવા અને એમ ગવર્નસની વ્યવસ્થા અમલી છે.

આ પ્રસંગે આરોગ્ય કમિશનર શાહમિના હુસેન, NHM ડાયરેક્ટર રેમ્યા મોહન, ૧૦૮ ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Education Summit at Kevadia: કેવડિયા ખાતે આગામી તા.૨૬ ઓક્ટોબરે શિક્ષણ સમિટનું આયોજન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો