ABVP Rastriya yatra

ABVP Rastriya yatra: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે ABVPની રાષ્ટ્રીય એકાત્મતા યાત્રામાં સામેલ પૂર્વોત્તર ભારતના યુવાનો…

ABVP Rastriya yatra: રાષ્ટ્રીય એકાત્મતા યાત્રા યુવાનો માટે આંતરરાજ્ય પ્રવાસ અને એક ભારત-શ્રેષ્ઠ ભારતના દર્શનનું આગવું માધ્યમ- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, 09 ફેબ્રુઆરી: ABVP Rastriya yatra: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ABVPની રાષ્ટ્રીય એકાત્મતા યાત્રા યુવાનો માટે આંતરરાજ્ય પ્રવાસ અને એક ભારત-શ્રેષ્ઠ ભારતના દર્શનનું આગવું માધ્યમ બની છે. “સ્ટુડન્ટ્સ એક્સપિરિયન્સ ઇન ઇન્ટર-સ્ટેટ લીવીંગ” (S.E.I.L.) કાર્યક્રમ અંતર્ગત આ યાત્રા પૂર્વોત્તર ભારતના વિદ્યાર્થીઓ સાથે સાંસ્કૃતિક અને વૈચારિક આદાન-પ્રદાનનું પણ માધ્યમ બની છે.

ABVP દ્વારા આયોજીત SEIL-રાષ્ટ્રીય એકાત્મતા યાત્રા અંતર્ગત પૂર્વોત્તર ભારતના ૩૦ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવ્યા છે. આ વિદ્યાર્થીઓએ ગુરૂવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પૂર્વોત્તર ભારત-સેવન સિસ્ટર્સ રાજ્યોનો ગુજરાત સાથેનો નાતો સદીઓ જૂનો છે. નવયુવાનોને આ સંબંધ સમજવામાં-જાણવામાં, SEIL યાત્રા મદદરૂપ થશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને દેશનું મોડેલ સ્ટેટ બનાવ્યું તેની અનુભૂતિ વિદ્યાર્થીઓને આ યાત્રા દરમ્યાન જરૂર થશે. સૌના સાથ, સૌના વિકાસની તેમની આ પરિપાટીનો લાભ હવે પૂર્વોત્તર રાજ્યો સહિત સમગ્ર દેશને મળી રહ્યો છે. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે ‘‘SEIL યાત્રા’’માં જોડાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત પ્રવાસ દરમ્યાન અહીંના મિત્રોને પૂર્વોત્તર ભારતના સેનાનીઓ વિશે અચૂક જણાવે.

આપણી ભાષા, પહેરવેશ, રહેણી-કરણી ભલે અલગ હોય પરંતુ આઝાદી માટે ભારતના દરેક રાજ્ય-પ્રાંતનો નાગરિક એક બની લડયો હતો. વિવિધતા વચ્ચે એકતા સાધીને આપણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એક ભારત-શ્રેષ્ઠ ભારત સાર્થક કર્યુ છે, હવે ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ABVP દ્વારા ૧૯૬૬થી નિયમિત પણે રાષ્ટ્રીય એકાત્મતા યાત્રાનું આયોજન, ખાસ કરીને પૂર્વોત્તર ભારતના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે.

આ વર્ષે સેવન સિસ્ટર્સ રાજ્યોમાંથી કુલ પ૦૦ જેટલા વિદ્યાર્થીઓ અલગ-અલગ ગૃપમાં ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસે છે. ગુજરાતમાં આવેલા વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ i-hub, ગાંધી આશ્રમ, અટલ બ્રીજ વગેરે સ્થળોની મુલાકાત અંગેના પ્રતિભાવો વ્યકત કર્યા હતાં.

આ પ્રસંગે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન જક્ષય શાહ, ABVPના હોદ્દેદારો સર્વે અશ્વિની શર્મા, સિમંતા કુમાર, યુતિબેન, ભાવેશભાઇ બરાડ, સમર્થભાઇ ભટ્ટ, રિદ્ધીબેન રામાનુજ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો: Ambaji Yagnopavit: અંબાજીમાં 11મો સમૂહ જનોઈ તથા સમૂહ લગ્નોત્સવ ઉજવાશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો