કોરોના સંક્રમણ નિયંત્રણ-જનજીવન પૂર્વવત કરવાની વ્યવસ્થા અંગે સર્વગ્રાહી વિચાર મંથન

¤ મુખ્યમંત્રીશ્રીની જિલ્લા-મહાનગરોના વહિવટીતંત્રના ફિલ્ડ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ
¤જિલ્લા કલેકટરો-મ્યુનિસીપલ કમિશનરો-પોલીસ કમિશનરો પોલીસ અધિક્ષક રેન્જ આઇ. જી કોરોના સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લામાં વિશેષ ફરજ પરના સચિવો સાથે
¤ ભાવિ રણનીતિ-કોરોના સંક્રમણ નિયંત્રણ-જનજીવન પૂર્વવત કરવાની વ્યવસ્થા અંગે સર્વગ્રાહી વિચાર મંથન-ફિડબેક મેળવ્યા
¤ જનજીવન પાટે ચડાવવા તબક્કાવાર વિવિધ સેવાઓ કોરોના સંક્રમણ નિયંત્રણ સાથે
¤સોશીયલ ડિસ્ટન્સીંગ-ફરજીયાત માસ્ક ઉપયોગ સહિતની સતર્કતા સાથે શરૂ કરવા રાજ્ય સરકારની
કવાયત
¤નાયબ મુખ્યમંત્રીશ્રી-ગૃહ રાજયમંત્રીશ્રીની ઉપસ્થિતી
¤કૃષિ-મહેસૂલ-ઊર્જા મંત્રીશ્રીઓ જિલ્લા મથકેથી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સહભાગી થયા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફરન્સની ચર્ચા-વિચારણા સંદર્ભે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, ફિલ્ડના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી.

તેમણે રાજ્યના જિલ્લા કલેકટરો, મહાનગરોના મ્યુનિસીપલ કમિશનરો-પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ રેન્જ આઇ.જી અને કોરોના સંક્રમણ નિયંત્રણ-માર્ગદર્શન માટે વિવિધ જિલ્લાઓમાં વિશેષ નિમાયેલા સચિવ કક્ષાના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી સાથેની બેઠકના સૂચનો – વિચાર વિમર્શ અંગે વિસ્તૃત વાતચીત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં નગરો-મહાનગરો સહિતના વિસ્તારોમાં જનજીવન પૂર્વવત થાય સાથો સાથ કોરોના સંક્રમણને પણ નિયંત્રણમાં રાખી શકાય અને મૃત્યુદર ઘટાડી શકાય તે અંગે ફિલ્ડમાં કાર્યરત આ અધિકારીઓના ફિડબેક અને સૂઝાવો મેળવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગરથી તેમજ રાજ્યના વરિષ્ઠ મંત્રીશ્રીઓ સર્વ શ્રી આર. સી. ફળદુ, કૌશિકભાઇ પટેલ અને સૌરભભાઇ પટેલ જિલ્લા મથકેથી આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યમાં જામનગર, જૂનાગઢ મહાનગર સહિત ૧પ૬ નગરપાલિકા વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં ખેતી, વેપાર ઊદ્યોગ રોજગારની દ્રષ્ટિએ જનજીવન સામાન્ય થતું જાય છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ ન ફેલાય અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન ઊદ્યોગ, દુકાનો, માર્કેટયાર્ડમાં કઇ રીતે જળવાય છે તેની વિગતો પણ આ અધિકારીઓ પાસેથી મેળવી હતી.

તેમણે જણાવ્યું કે, હવે આવનારા દિવસોમાં રાજ્યમાં તબક્કાવાર જે સેવાઓ ચાલુ કરી શકાય તેમાં પણ આ સોશિયલ ડિસ્ટન્સીંગ નિયમો અને કોરોના સંક્રમણનો વ્યાપ ન થાય તેની સતર્કતા તકેદારી સાથે ચાલુ કરવી જોઇએ.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ પબ્લીક ટ્રાન્સપોર્ટ, કેબ સેવાઓ, ઓટો રિક્ષા, બાર્બરશોપ સહિતની સેવાઓ શરૂ કરી શકવા અંગે પણ આ ફિલ્ડ અધિકારીઓના સૂઝાવો-ફિડબેક આવકાર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના સામે સાવચેતી માટે વારંવાર હાથ ધોવા, ફરજીયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવું જેવી આદતો સાથે જનજીવન પૂર્વવત પાટે ચડાવવાની પણ હિમાયત કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ખાસ કરીને વૃદ્ધો-વડિલ વયસ્કો, સગર્ભા માતાઓ, નાના બાળકો જેવા વલ્નરેબલ ગૃપમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટેની વિશેષ વ્યૂહ રચના તૈયાર કરવા માટે પણ ફિલ્ડ અધિકારીઓ પાસેથી ફિડબેક મેળવી આગળ વધવા જણાવ્યું હતું.

વિવિધ જિલ્લા કલેકટરો, કમિશનરોએ પણ પોતાના વિસ્તારની સ્થાનિક સ્થિતી અને કામગીરી સાથે ભવિષ્યમાં રાખવાની સતર્કતા અંગે મંતવ્યો સૂઝાવો વ્યકત કર્યા હતા.

મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, સચિવ શ્રી અશ્વિનીકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.