Pragnent Rajkot edited

વિધીબેન શાહને સલામત પ્રસુતિ વડે માતૃત્વના ઓરતાને પૂર્ણ કરતી રાજકોટની કોવિડ હોસ્પિટલ

Pragnent Rajkot edited

આઈ.વી.એફટેકનોલોજીથી સગર્ભા કોરોના દર્દીની સફળ પ્રસુતિ

બેન, તમારી તબિયત કેમ છે ?

સારૂ છે. પણ મારા બાળકને કેમ છે ? ક્યાં છે ?

ચિંતા ના કરો, એ અહીંયા જ છે. એકદમ તંદુરસ્ત છે અને ત્રણ કીલોનો છે આપનો બાબો.

મને જોવા દોને.

હા, વહેલી તકે જ તમને તેની સાથે મળાવી દઈશુ.

ઉપરોક્ત સંવાદ છે, આધુનિક આઈ.વી.એફ. ટેકનોલોજીના સહારે માતૃત્વ ધારણનું વરદાન પ્રાપ્ત કરનાર  વિધીબેન ધવલભાઇ શાહ અને ડો. શિતલબેન પ્રજાપતિ વચ્ચેનો,  જેઓએ હાલમાં જ કોરોના સંક્રમિત સગર્ભાની રાજકોટ ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સફળ પ્રસુતિ કરાવી છે.

 કોઇપણ મહિલા જયારે માતૃત્વની તિવ્ર ઝંખના રાખતી હોય અને તેને આ ઝંખનાને સાકાર કરવા આધુનિક આઈ.વી.એફ. ટેકનોલોજીનું શરણ લેવું પડયું હોય તેવા સમયે આ સગર્ભા બહેનને પોતે કોરોના પોઝીટીવ છે. તેની જાણ થાય ત્યારે તે પોતાના માથે આભ તુટી પડયા જેવી લાગણી અનુભવે છે, જેનું વર્ણન શબ્દોમાં અશકય છે. આવા સમયે રાજકોટની કોવીડ-૧૯ ડેડીકેટેડ હોસ્પીટલે રાજકોટની સગર્ભા વિધી બેનને સીઝેરીયન થકી સફળ પ્રસુતિ કરાવી તેના માતૃત્વના ઓરતાને પરિપૂર્ણ કર્યા છે.

આકરી કસોટીના અંતે માતૃત્વના સમણાને સાકાર થવાની લાગણીથી સંવેદનાસભર આર્દસ્વરે કોવીડ-૧૯ હોસ્પીટલના ડોકટર અને સ્ટાફની સારવારને શતશત વંદન કરતા વિધીબેન જણાવે છે કે, “કોવીડ-૧૯ના દર્દીઓ માટે સમર્પણના ભાવ સાથે કાર્યરત અહિંના ડોક્ટર અને સ્ટાફનો આભાર માનવા શબ્દો ખુટી પડે. આ તમામ ડોકટર અને સ્ટાફે મને પરિવારની ખોટ સાલવા નથી દીધી. ડોકટર શીતલબેન પ્રજાપતિ અને ડો. અનવરભાઇ સહિતના તમામ સ્ટાફે મારી આપ્તજનસમી દરકાર રાખી સંપૂર્ણ સહકાર અને હુંફ આપી છે. જેને કારણે હું આજે માતૃત્વનો પરમ આનંદ અનુભવી રહી છું.”      

Pragnent Rajkot 2

કોવિડ -૧૯ના દર્દીની સીઝેરીયન કરી સફળ પ્રસુતિ કરાવનાર ડો. શિતલબેન પ્રજાપતિ કહે છે કે, વિધીબેને આઈ.વી.એફ ટેકનિકની ત્રીજી સાયકલ પછી બાળક કન્સીવ કર્યું હતુ. પરંતુ તેઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તા. ૪ સપ્ટેમ્બરના રોજ તેઓ કોવિડ-૧૯ હોસ્પીટલ ખાતે દાખલ થયા હતા. તેઓની તમામ બાબતનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ તેઓ અને ડો. અનવરભાઇએ તેઓની સીઝેરીયન પધ્ધતિથી પ્રસુતિ કરવાનો નિર્ણય લઇને તા. ૫મી સપ્ટેમ્બરના રોજ તેઓની સીઝેરીયન દ્વારા સફળ પ્રસુતિ સંપન્ન કરી હતી. જેમાં વિધીબેને ત્રણ કિલો વજનના બાળકને જન્મ આપ્યો છે. કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અન્વયે જન્મ પછી ૪૮ કલાક બાદ નવજાત શીશુનો કોવીડ ટેસ્ટ કરવામાં આવે છે તે મુજબ તા. ૭ મી સપ્ટેમ્બરના રોજ રેસીડેન્ટ પિડિયાટ્રીશીયન ડોકટર દ્વારા નવજાત બાળકનો કોવિડ-૧૯ રીપોર્ટ લેવામાં આવેલ, જે આજરોજ નેગેટીવ આવતા નવજાત બાળક પરિવારને સોંપવામાં આવતા પરિવારજનોમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાયો છે.        

સામાન્ય રીતે સિઝેરીયન બાદ ૮ દિવસ પછી માતા અને બાળકને ડીસ્ચાર્જ આપવમાં આવે છે. પરંતુ વિધીબેન કોરોના પોઝીટીવ હોવાથી તેઓના કોરોના પોઝિટિવ રીપોર્ટ બાદ ૧૦ દિવસ પછી કોરોના રીપોર્ટ  નેગેટીવ આવ્યા બાદ જ તેઓને ડીસ્ચાર્જ આપવામાં આવશે.    

આમ, આકારી તપસ્યાને અંતે માતૃત્વ ધારણ કરનાર માતાના સમણાને પરિપૂર્ણ કરવામાં સહભાગી બન્યાનો આનંદ તેઓના ચહેરા પર આત્મસંતોષ રૂપે ઝળકી રહ્યો હતો.

અહેવાલ:રશ્મિન યાજ્ઞિક/રાજ લક્કડ