WhatsApp Image 2020 08 31 at 11.37.09 AM

જામનગર શહેરમાં જુદા જુદા છ સ્થળે થી પાણીમાં ફસાયેલી ૩૨ વ્યક્તિઓને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી ને બચાવી લીધી

ટીટોડી વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ત્રણ બાળકોને ફાયરના જવાનોએ પોતાના ખંભા પર બેસાડીને સલામત રીતે બહાર કાઢ્યા

રિપોર્ટ:જગત રાવલ

૩૧ ઓગસ્ટ,જામનગર શહેરમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ પછી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ભારે જલભરાવના કારણે અનેક લોકો પાણીમાં ફસાયા હતા. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી ની રાત્રીભર વરસતા વરસાદે દોડધામ ચાલુ રહી હતી, અને જુદા-જુદા ૬ વિસ્તારોમાંથી ૩૨ વ્યક્તિને રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે બચાવી લીધા છે, જે પૈકી બે વ્યક્તિને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં પહોંચાડી છે. ચીફ ફાયર ઓફિસર ની રાહબરી હેઠળ ૨૦થી વધુ ફાયરના જવાનોએ રાત્રેભર કવાયત કરી હતી.

જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. શહેરની જુદી જુદી સોસાયટીઓમાં પાણી ભરાવાના કારણે કેટલાક લોકો પાણીમાં ફસાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી દ્વારા તમામ સ્થળોએ પહોંચી જઈ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર કે.એન.બિશ્નોઇ ની રાહબરી હેઠળ ફાયર ના ૨૦ જેટલા જવાનોએ ગઈકાલે રાત્રે સૌપ્રથમ ગુરુદ્વારા નજીક જલારામ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણીની અંદર ફસાઈ ગયેલા છ વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લીધા હતા. ત્યાર પછી મંગલબાગ વિસ્તારમાંથી એક વ્યક્તિ ને પાણીમાંથી બહાર કાઢી ૧૦૮ નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી હોસ્પિટલ માં પહોંચાડ્યો હતો. તે જ રીતે નવાગામ (ઘેડ) વિસ્તાર નજીક ભીમ વાસમાં પાણીમાં ફસાઈ ગયેલા એક યુવાન ને બહાર કાઢી લીધો હતો.જોકે તે બેશુદ્ધ બની ગયો હોવાથી તેને પણ સારવાર માટે જી.જી હોસ્પિટલ માં પહોંચાડ્યો હતો.

WhatsApp Image 2020 08 31 at 11.37.08 AM 2

જામનગરમાં ટીટોડી વાડી વિસ્તારમાં પાણીની અંદર ફસાઈ ગયેલા નાના ત્રણ બાળકો સહિત પાંચ વ્યક્તિઓને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી લીધા હતા. અને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડયા હતા. જેમાં ત્રણેય બાળકોને ફાયરના જવાનોએ પોતાના ખંભા પર ઊંચકીને સહી-સલામત બહાર કાઢી લીધા હતા.

જામનગરના વોર્ડ નંબર છ માં ગણપત નગરમાં પાણીની અંદર એકી સાથે ૧૯ લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડ શાખાની ટુકડી એ રેસ્ક્યુ બોટ સાથે પહોંચી જઈ એક પછી એક તમામ લોકોને પાણીમાંથી બહાર કાઢી લીધા હતા, અને સલામત સ્થળે પહોંચાડયા હતા. ગઇકાલે રાત્રીના દસ વાગ્યા થી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જુદા જુદા સ્થળો પરથી ૩૨ લોકોને સહીસલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે