PM gandhinagar

Gandhinagar railway station: આજના આ વિકાસકાર્યોનાં લોકાર્પણો નવા ભારતની ઓળખ માટે નવતર કડીરૂપ બનશે: વડાપ્રધાન

Gandhinagar railway station: ગાંધીનગર નવનિર્મિત રેલવે સ્ટેશન, પંચતારક હોટલ અને સાયન્સ સિટી ખાતે  નિર્મિત વિવિધ પ્રકલ્પો ગુજરાતના વિકાસમાંસીમાચિન્હ બની રહેશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

  • રોબોટિક ગેલેરી અને એક્વાટિક ગેલેરી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસાવૃત્તિ વધારશે, તો હોટેલ અને રેલવે સ્ટેશનના નિર્માણથી ઇકોનોમી અને ટૂરિઝમને વેગ મળશે
  • વડાપ્રધાનના ગુજરાત વિકાસના સ્ટાન્ડર્ડ બેંચમાર્કની  ગતિને વધુ ઝડપી બનાવવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ : મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી
  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રીડેવલપ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન, સાયન્સ સીટી ફેઝ-૨ના ત્રણ પ્રકલ્પોનું દિલ્હીથી કર્યુ વર્ચ્યુઅલી લોકાર્પણ : ગાંધીનગર વારાણસી એક્સપ્રેસ ટ્રેન અને ગાંધીનગર વરેઠા મેમુ ટ્રેનને લીલી ઝંડી આપી કરાવ્યુ પ્રસ્થાન

ગાંધીનગર, ૧૬ જુલાઈ: Gandhinagar railway station: રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ”ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’,  ૩૧૮ રૂમની સુવિધા ધરાવતી આધુનિક ફાઇવસ્ટાર હોટેલ,  અમદાવાદના સાયન્સસિટીમાં રૂ. ર૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી-૧ર૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી રોબોટીક ગેલેરી અને રૂ. ૧૪ કરોડના ખર્ચે આકાર પામેલા નેચર પાર્ક – એમ ત્રણ નવિન પ્રકલ્પો તથા ગાંધીનગર-વારાણસી નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન, સુરેન્દ્રનગર-પીપાવાવ ર૬૬ કિ.મી. રેલ્વે ઇલેકટ્રીફિકેશન, વડનગરને સાંકળી લેતા મહેસાણા-વરેઠાના ઇલેકટ્રીફાઇડ બ્રોડગેજ રેલ ખંડનું આજે તા.૧૬ જુલાઈના રોજ વર્ચ્યુઅલ લોકાર્પણ કરતી વેળા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીનું ભારત નવી આકાંક્ષા-નવયુવા અપેક્ષાનું ભારત છે. આજના આ વિકાસકાર્યોનાં લોકાર્પણો નવા ભારતની ઓળખ માટે નવતર કડીરૂપ બનશે.

તેમણે જણાવ્યું હતું કે, (Gandhinagar railway station) દેશનું લક્ષ્ય માત્ર ”કોન્ક્રીટ”ના માળખાઓ ઉભા કરવાનું જ નથી, કિન્તુ આ માળખાઓની સાથે ”કેરેક્ટર” – નવતર ચારિત્ર્યને જોડવાનું પણ છે. પૂર્વે ”અર્બન ડેવલપમેન્ટ” ના નામે જે કઈ થયું તેને છોડીને આપણે ઘણા આગળ વધ્યા છીએ. અમદાવાદમાં સાબરમતીના કાંઠે ‘લેક ડેવલપમેન્ટ ફ્રન્ટ”, સી-પ્લેન કે ઓપન જિમ્નેશિયમ કે કાંકરિયાની ફરતે અવનવા આકર્ષણો અંગે ક્યારેય કોઈ અમદાવાદીએ વિચાર્યું હશે ? આજે અમદાવાદ અને ગુજરાતના લોકો માટે આ નવા આકર્ષણો માત્ર મૂર્તરૂપ જ બન્યા નથી, તેણે સમગ્ર સમગ્ર ”ઇકો-સિસ્ટમ” બદલી નાખી છે !

આ પ્રસંગે ”સાયન્સ સીટી” ખાતે તૈયાર થયેલા ત્રણ નવા પ્રકલ્પો બાળકોને ”રિક્રિએશન” ની સાથે ”ક્રિયેટિવ” બનાવશે અને બાળકો તથા યુવાઓને વિજ્ઞાનમાં અભિરુચિ કેળવવાની દિશામાં અગ્રેસર પણ બનાવશે. અહીંના રોબોપાર્ક અને નેચર પાર્ક બાળકોના આકર્ષણનું કેન્દ્ર તો બનશે જ, સાથે-સાથે દેશની પ્રથમ અને એશિયાની પાંચમા ક્રમાંકની ”એક્વાટિક ગેલેરી” બાળકોનો સામુદ્રિક જૈવ સૃષ્ટિ સાથેનો અનુબંધ પ્રસ્થાપિત કરશે. ”રોબોટિક ગેલેરી”માં સંવાદ કરતા રોબો, ”રોબો કાફે” માં ભોજન પીરસતા રોબોટ્સના આકર્ષણો ની સાથે રોબોટ્સનો મેડિસિન-કૃષિ-સ્પેસ-ડિફેન્સના ક્ષેત્રોમાં ઉપયોગીતા અંગે બાળકો અને યુવાઓને નવા અનુભવો કરાવશે. વડાપ્રધાનએ સોશિયલ મીડિયા ઉપર તેમણે  પોસ્ટ કરેલી રોબોટિક ગેલેરીને તસ્વીરોને મળેલા સુખદ પ્રતિસાદનો ઉલ્લેખ કરી આ વ્યવસ્થા આપણા  દેશ અને ગુજરાતમાં નિર્માણ જ પામી હોવાનું ગૌરવ સૌની સાથે વહેંચ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ”સાયન્સ સીટી”નો શાળા-મહાશાળાના બાળકો-વિજ્ઞાનમાં રુચિ ધરાવતા બાળકો મહત્તમ ઉપયોગ કરશે. 

રેલવે પ્રકલ્પોના લોકાર્પણો બાદ મોદીએ જણાવ્યું હતું કે, રેલવે આધુનિક અને સશક્ત ભારતનો પર્યાય છે. ગાંધીનગર-વારાણસી ટ્રેનના માધ્યમથી આજે સોમનાથની ધરતી -વિશ્વનાથની ભૂમિ સાથે જોડાઈ રહી છે. રેલવેમાં નવા રિફોર્મની જરીરુયાત હોવા અંગે જણાવતા મોદીએ ઉમેર્યું હતું કે, અમે ભારતીય રેલવેને ”સર્વિસ” ના સ્વરુપે જ નહિ, પરંતુ ”એસેટ”ની દૃષ્ટિએ વિકસાવવાનું શરૂ કર્યું છે. આ કારણે રેલવેની ”શાખ” બદલાઈ રહી છે. હવે રેલવે વધુ સુવિધાયુક્ત-સ્વચ્છ-સ્પીડ અને સુરક્ષા ધરાવતી બની ગઈ છે.

આગામી દિવસોમાં ”ડેડીકેટેડ ફ્રિગેટ કોરિડોર” ના લીધે રેલવેની ગતિ વધુ વધશે. દેશની ”વંદે ભારત” અને ”તેજસ” જેવી ટ્રેનો તો પુરપાટ ઝડપે દોડવા લાગી છે, તે તેનું ઉદાહરણ છે, જે યાત્રિકોને નવો અનુભવ આપી રહી છે. રેલવેના કેવડિયા ટ્રેનોના લોકાર્પણ વખતે ”વિસ્ટા ડોમ” દ્વારા ”થ્રિલ ઓફ જર્ની” નો અનુભવ પણ લોકોએ કર્યો છે. મોદીએ જણાવ્યું હતું કે, હવે ટ્રેનો-ટ્રેક્સ તથા પ્લેટફોર્મ્સ પહેલાથી ઘણા સાફ અને સ્વચ્છ છે. તેનું કારણ છે, રેલવેમાં લાગેલા બે લાખથી વધુની સંખ્યામાં રહેલા ”બાયો-ટોઇલેટ્સ”. આ વ્યવસ્થાના કારણે સ્વચ્છતા વધી છે. આગામી દિવસોમાં દેશના મુખ્ય રેલવે-સ્ટેશનના આધુનિકીકરણ, 2-3 ટીયરમાં વાઇ-ફાઇની સુવિધા, માનવરહિત ફાટકોનું અદૃશ્ય થવું -સહિતના અનેક નવા આયાઓમે ભારતીય રેલવેને વિશ્વની આધુનિક રેલવેમાં સ્થાન અપાવ્યું છે.

રેલવે દેશના ખૂણે-ખૂણે પહોંચે તે માટે તેનું  ”હોરિઝોન્ટલ એક્સપાન્શન”, કેપેસીટી બિલ્ડીંગ, રિસોર્સીંગ તથા વર્ટીકલ એક્સપાન્શન કરવું આવશ્યક છે. આ માટે પીપીપી ધોરણે ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ કરીને રેલવેનો વિકાસ કરવો જરૂરી છે. વળી, ”ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન” સાથે તેની ઉપર એક પંચતારક હોટેલ નિર્મિત થઇ હોઈ તેનો પ્રારંભ થઇ ચૂક્યો છે, તેમ મોદીએ ઉમેર્યું હતું.
”ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન”, મહાત્મા મંદિર, દાંડી કુટિર, નવી ફાઈવ-સ્ટાર હોટલ તથા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલા આ તમામ આકર્ષણોના લીધે અહીં દેશ-વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો ભરપૂર પ્રમાણમાં આવશે અને આ કારણે ”મહાત્મા મંદિર”નું ”માહાત્મ્ય” પણ વધશે, તેવો આશાવાદ શ્રી મોદીએ વ્યકત કર્યો હતો.

હવે ઉત્તર-પૂર્વમાં રેલવે શરુ થઇ ચૂકી છે. આગામી થૉડા દિવસોમાં કન્યાકુમારીથી શ્રીનગરને જોડતી ટ્રેન શરુ થઇ જશે. વડનગર-મોઢેરા અને પાટણને આવરી લેતી ”હેરિટેજ સર્કિટ” પૈકીના વડનગર સ્ટેશનના નવીનીકરણથી હું ખુશ છું. વળી, સુરેન્દ્રનગર-પીપવવાના ઇલેક્ટ્રિફિકેશન લીધે ઉત્તર ભારતને જોડાતી આ ડબલડેકર કન્ટેનર ટ્રેનના લીધે વેપાર, રોજગાર અને સ્વ-રોજગારની તકો વધશે, તેવું પણ મોદીએ કહ્યું હતું.આ પ્રસંગે મોદીએ પરિવહનના તમામ સાધનોને ”મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી”થી જોડવાનો પણ આશાવાદ વ્યકત કરી તેનાથી ઓછા સમય, ઓછા ખર્ચે વધુ બહેતર સુવિધા પ્રાપ્ત થવાની સાથે ”આત્મનિર્ભર ભારત”’ની દિશામાં આપણે વધુ મજબૂતાઈથી અગ્રેસર થઇશું તેમ જણાવ્યું હતું

Whatsapp Join Banner Guj

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહે 35 વર્ષ પછી રાજ્યના પાટનગર ગાંધીનગર રેલવે સ્ટેશનના થયેલા આ સંપૂર્ણ કાયાકલ્પને સમગ્ર ગુજરાત અને ગાંધીનગર મતક્ષેત્રના નાગરિકો માટે ખૂબ આનંદનો દિવસ ગણાવ્યો હતો. શાહે જણાવ્યું કે ઘણા સમય પહેલાં જ્યારે આ રેલવે સ્ટેશનનો વિચાર, તેનું મૂર્ત સ્વરૂપ અને સ્પેશિયલ પર્પઝ વ્હિકલ બન્યા બાદ જ્યારે કન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું, ત્યારે અનેક લોકોને આ માત્ર એન્જિનિયરિંગ સાહસ લાગતું હતું, પરંતુ આજે આ સાહસ સફળ થયું છે અને આજે તેનું લોકાર્પણ નરેન્દ્રભાઈના હસ્તે થઈ રહ્યું છે. ગૃહમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાતનાં તમામ વિકાસકાર્યો વિશ્વસ્તરીય થાય, એવો તેમનો આગ્રહ અને લક્ષ્ય રહેતાં અને તેને અનુલક્ષીને જ આયોજન પણ કરવામાં આવતું હતું. તેમના આ દૃષ્ટિકોણના કારણે જ આજે ગુજરાતની અનેક વિકાસ યોજનાઓ વિશ્વસ્તરીય અને નમૂનારૂપ છે. ગાંધીનગરનું આ નવું રેલવે સ્ટેશન તેમજ બે નવી ટ્રેનનો પ્રારંભ નાગરિકો માટે અનેક રીતે ઉપયોગી બનશે. જ્યારે નવનિર્મિત પંચતારક હોટેલ ઇકોનોમી અને ટૂરિઝમને વિકસાવવામાં મહત્ત્વરૂપ થશે.

અમિતભાઈ શાહે જણાવ્યું કે મહેસાણા-વરેઠા વચ્ચે રેલવે ગેજ પરિવર્તન અને સુરેન્દ્રનગર-પીપાવાવ ૨૬૬ કિ.મી. રેલવેલાઇનનું ઈલેક્ટ્રિફિકેશન એ રેલવે દ્વારા નક્કી કરવામાં આવેલા ઈલેક્ટ્રિફિકેશન અને ગેજ પરિવર્તનની દિશામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. શ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ રેલવેએ ગુજરાતમાં અનેક નવી યોજનાઓ પૂર્ણ કરી છે. વિશ્વના સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણ પછી દેશની આઠ મહત્ત્વની જગ્યાઓ સાથે જોડવાની કામગીરી પણ રેલવે દ્વારા તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગાંધીનગર-વારાણસી ટ્રેનના માધ્યમ થકી ગાંધીનગરને બાબા વિશ્વનાથની નગરી સાથે જોડવાનું કામ પણ પૂર્ણ થયું છે. ગાંધીનગરથી વરેઠા વચ્ચે શરૂ થનારી મેમૂ સર્વિસ અનેક મુસાફરો માટે ઉપયોગી સિદ્ધ થવાની છે. જ્યારે વાવોલ અન્ડરપાસ બનવાના કારણે લગભગ વાહનચાલકોએ અઢી કિલોમીટર જેટલું અંતર ઓછું કાપવું પડશે.

આ તકે અમદાવાદના સાયન્સ સિટી ખાતે પણ લોકાર્પિત થનારી બે ગેલેરી અને એક નેચર પાર્કનો ઉલ્લેખ કરતાં શાહે ઉમેર્યું કે આ નવનિર્મિત એક્વેટિક ગેલેરી અને રોબોટિકસ ગેલેરી વિજ્ઞાનમાં રસ ધરાવનારા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની સાબિત થઈ રહેશે. આશરે ૧૧ હજાર ચોરસમીટરમાં ફેલાયેલી આ રોબોટિક ગેલેરીના માધ્યમથી માનવ રોબોટ સંવાદથી માંડીને કૃષિ, અંતરિક્ષ, રક્ષા સહિતના અનેક ક્ષેત્રમાં રોબોટના વિવિધ ઉપયોગો દર્શાવાયા છે. જ્યારે એક્વેટિક ગેલેરીમાં અનેક પ્રકારની દરિયાઈ જૈવ વિવિધતાનો બાળકો અનુભવ કરી શકે અને તેમની જિજ્ઞાસા સંતોષાશે. આ સિવાય આઠ હેક્ટરમાં નેચર પાર્કનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ નેચર પાર્કને બાયોલોજિકલ પાર્ક તરીકે વિકસાવવાની પણ યોજના છે.

આ પણ વાંચો…LIC profit: એ આ ત્રિમાસિકમાં શૅરબજારમાંથી મેળવ્યો રેકૉર્ડ નફો

આજે વડાપ્રધાનના હસ્તે લોકાર્પિત થઈ રહેલા આ તમામ પ્રકલ્પોને ગૃહમંત્રી અમિતભાઈ શાહે સમગ્ર ગુજરાતના વિકાસ માટે સીમા સ્તંભરૂપ ગણાવી, સમગ્ર ગુજરાતની જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર નવનિર્મિત રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે રેલ મંત્રી અશ્વિનભાઈ વૈષ્ણવે કહ્યું કે, રેલવેને વિસ્તૃત પરિવર્તન કરી નવી ઓળખ ઊભી કરવાનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો દ્ઢ સંકલ્પ છે. ગાંધીનગર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ અને રેલવે સ્ટેશન ઉપર જ પંચતારક હોટલનુ નિર્માણ  તેમના સંકલ્પને મૂર્તિમંત કરે છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં રેલ વિકાસનો મહત્વનો ફાળો રહેલ છે, તેમ જણાવતા રેલ મંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી ના સાત વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતીય રેલમાં અનેકવિધ ફેરફારો આવ્યા છે.


તેમણે ઉમેર્યુ કે, રેલ ક્ષેત્રે અનેક માળખાગત સુવિધાઓ ઉભી કરવી, વંદેભારત, તેજસ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેનની શરૂઆત, ગ્રીન રેલવે તેમજ અગાઉથી કાર્યરત રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન જેવી વિવિધ કામગીરી નરેન્દ્રભાઈ મોદીના  કાર્યકાળ દરમિયાન હાથ ધરવામાં આવી છે. કોરોના કાળમાં ભારતીય રેલવે ઓક્સિજન એક્સપ્રેસ બનીને જરૂરીયાતમંદો સુધી પ્રાણવાયુ સમો ઓક્સિજન પહોંચાડયો છે. હાલ રેલ્વે ઇતિહાસનો સુવર્ણયુગ કાળ ચાલી રહ્યો છે તેમ કહેવામાં કંઈ જ અતિશયોક્તિ નથી તેમ રેલવે મંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતની રાજધાની ગાંધીનગર થી ભગવાન શિવની નગરી વારાણસી-કાશી સુધી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન, પીપાવાવ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ઉદ્યોગોને સામાન પરિવહન માટે સુરેન્દ્રનગર-પીપાવાવ વચ્ચે 266 કિલોમીટર લાંબી રેલવે લાઈનનું ઈલેક્ટ્રિફિકેશનનું લોકાર્પણ તેમજ વડાપ્રધાનના વતન વડનગર સાથે જોડાયેલી મહેસાણા-વરેઠા ઈલેક્ટ્રિફાઈડ બ્રોડગેજ રેલવેનું આજે લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભેટ આપી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગાંધીનગર વર્ષોથી રેલવે સેવાઓથી વંચિત રાજધાની હતી પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ નવા પ્રોજેક્ટ્ તેમજ રેલવે ટ્રેનની ભેટ ગુજરાતને આપીને સર્વાંગી વિકાસના નવા સોપાન સર કરાવ્યા છે.

આ રેલ પ્રોજેક્ટથી કનેક્ટિવિટી અને સુવિધાઓમાં વધારો થશે. એટલું જ નહીં, મહાત્મા મંદિર જેવું વિશાળ કન્વેક્શન સેન્ટર, અતિ આધુનિક સુવિધાયુક્ત રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટેલથી દેશ-વિદેશથી ગાંધીનગરમાં આવનારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. વિશ્વસ્તરની મહત્વપૂર્ણ સમિટ તેમજ કોન્ફરન્સ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા પણ મહાત્મા મંદિર જેવા વિશાળ કન્વેક્શન સેન્ટર અને એક્ઝિબિશન સેન્ટરના માધ્યમથી મળશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશ-વિદેશથી આવનારા રોકાણકારો, ઉદ્યોગ-વેપારના પ્રતિનિધિઓને રહેવા માટે કન્વેક્શન સેન્ટરની નજીક વર્લ્ડ ક્લાસ સુવિધા મળે તે ઉદ્દેશથી ૩૧૮ રૂમની સુવિધાવાળી આધુનિક ફાઇવસ્ટાર હોટેલનું નિર્માણ થયું છે. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઇએ પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન જ ગુજરાતના બાળકો-વડિલો, યુવાઓની ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં રસ વધે તે માટે સાયન્સ સિટીનો વિકાસ કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે, બાળકો-વડિલો અને દરેકને મનોરંજનની સાથે જ્ઞાન આપતું સાયન્સ સિટીમાં અગાઉથી આઇ મેક્સ થિએટર, એસ્ટ્રોનોમી-સ્પેસ ગેલેરી કાર્યરત છે અને હવે આજે નવા ત્રણ પ્રકલ્પોનું લોકાર્પણ થયું છે. સાયન્સ સિટીમાં બનેલા ભારતના સૌથી મોટા માછલી ઘરમાં દેશ-વિદેશની અગિયાર હજાર જેટલી માછલીઓ જોવા મળશે અને અહીં લાગેલા કિયોસ્ક દ્વારા માછલીઓની જાણકારી પણ મળી રહેશે.
નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વિકાસનું સ્ટાન્ડર્ડ બેંચમાર્ક સેટ કર્યું છે. આ ડેવલોપમેન્ટ સ્ટાન્ડર્ડને બનાવી રાખીને વિકાસની ગતિને વધુ ઝડપી બનાવવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે આજે ગુજરાતના વિકાસની ચર્ચા અને તુલના દેશના અન્ય રાજ્યો જ નહીં પરંતુ વિશ્વના વિકસિત દેશો સાથે થઈ રહી છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે, મેન્યુફેક્ચરિંગ હબ છે અને સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ પ્રાપ્ત કરવા વાળું રાજ્ય બન્યું છે જેના મૂળમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે વિકાસ નો પાયો નાખ્યો હતો તે છે.ગુજરાતની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ સુધી લઈ જવા માટે પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગ દર્શનથી સાકાર થઇ રહેલા આ પ્રોજેક્ટ સીમાચિહ્નરૂપ બની રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંએ કહ્યું કે, પાછલા દોઢ વર્ષથી કોરોનાના કપરા કાળમાં વિશ્વના ઘણા દેશોમાં આર્થિક ગતિવિધિઓ-કામકાજ સ્થગિત થઈ ગયા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૨૫ કરોડ ભારતીયોએ ‘ન ઝુકના હૈ ન રુકના હૈ’ મંત્ર સાથે વિકાસની ગતિ, આર્થિક પ્રવૃત્તિઓ અને કારોબારને અટકવા દીધા ન હતા. વડાપ્રધાનના સુત્ર ‘કડાઈ ભી, દવાઈ ભી’ ને અનુસરીને રાજ્ય સરકારે જનતાને બહુવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. ગુજરાતમાં વિશ્વ કક્ષાની તમામ સુવિધાઓ હોય તે વડાપ્રધાનનું વિઝન રહ્યું છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ, સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો ટ્રેન, ગિફ્ટ સિટી, મહાત્મા મંદિર અને નવ નિર્મત રેલવે સ્ટેશન અને સાયન્સ સિટી ફેઝ-2 પ્રકલ્પોથી ગુજરાતની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે એમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત રાખવા માટેની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કોરોનાની બંન્ને લહેરમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોએ દ્રઢતાપૂર્વક મુકાબલો કરી કઠિન પરિસ્થિતિઓમાં વિકાસના કામોની ગતિ મંદ પડવા દીધી નથી.

ગુજરાતને અનેકવિધ પ્રોજેક્ટની ભેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો મુખ્યમંત્રીએ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રાજયના મુખ્ય સચિવ ડૉ. અનિલ મુકીમે સ્વાગત પ્રવચન કરતા કહ્યુ કે,પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના વીઝન અને મિશનને પરિપૂર્ણ કરતા આ નવુ ડેલોપ થયેલ રેલ્વે સ્ટેશન તથા બે નવીન ટ્રેઈન તથા સાયન્સસીટીના ત્રણેય પ્રકલ્પો ગુજરાતની વિકાસ યાત્રાને વેગવાન બનાવશે. તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ પ્રોજેકટો કાર્યરત કરાયા છે જે આવનારા સમયમા ગુજરાતની વૈશ્વિક ઓળખને વધારવામા મદદરૂપ બનશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર-વારાણસી સુપર ફાસ્ટ ટ્રેઈન અને ગાંધીનગર-વરેઠા મેમુ ટ્રેઈનને લીલીઝઃડી અપાવી પ્રસ્થાન કરાવ્યુ હતું.તેમજ સાયન્સ સીટીના નવીન ત્રણ પ્રકલ્પોનો પણ વડાપ્રધાન એ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રેલ રાજય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમૂખ સી.આર.પાટીલ, મંત્રીમંડળના સભ્યો, સાંસદઓ, ધારાસભ્યઓ અન્ય પદાધિકારીઓ સહિત રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.