arjun modhwadia

Gujarat congress: ગુજરાત સરકારના માહિતી વિભાગના વર્ગ-૧, ૨ અને ૩ના અધિકારીઓની ભરતી સંપૂર્ણપણે ભ્રષ્‍ટાચાર વિશે કોગ્રેંસેનું મહત્વનું નિવેદન

Gujarat congress: કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ સદરહુ પરીક્ષાઓ રદ્દ કરીને ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફત પુનઃપરિક્ષા લઈને સદરહુ કમલમ્‌ પ્રેરિત ભરતી કૌભાંડના ભાગીદારોની ધરપકડ કરવાની માંગણી કરી

ગાંઘીનગર, 22 ડિસેમ્બરઃ Gujarat congress: ગુજરાત સરકારના માહિતી વિભાગના વર્ગ-૧, ૨ અને ૩ના અધિકારીઓની ભરતી સંપૂર્ણપણે ભ્રષ્‍ટાચારી તરીકા કાનુન વિરોધી પ્રક્રિયાથી કરી હોવાનો આક્ષેપ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ સદરહુ પરીક્ષાઓ રદ્દ કરીને ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફત પુનઃપરિક્ષા લઈને સદરહુ કમલમ્‌ પ્રેરિત ભરતી કૌભાંડના ભાગીદારોની ધરપકડ કરવાની માંગણી કરી હતી.

અર્જુનભાઈ મોઢવાડીયાએ છેલ્લા વર્ષોમાં ગુજરાતની ભાજપ સરકારે કમલમ્‌ ગુજરાત સરકારના માહિતી અધિકારી વર્ગ-૧, ૨ અને ૩ના કમલમ્‌ સંચાલિત ૧૦મા ભરતી કૌભાંડની માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, ગુજરાત સરકારના મુખ્‍યમંત્રી કાર્યાલય હેઠળના માહિતી અને પ્રસારણ વિભાગની માહિતી અધિકારી વર્ગ-૧ની ૮ તથા વર્ગ-૨ની ૧૫ સહિતની ૨૩ જગ્‍યાઓ ની ભરતી કરવાની હતી. કાયદા મુજબ વર્ગ-૨ કે તેથી ઉપરના સંવર્ગ જગ્‍યાઓની ભરતી ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફતે જ કરવાની હોય છે. ભરતીમાં માત્ર ગોબાચારી કરવાના ઈરાદાથી રાજ્‍ય સરકારે પોતે જ એક સમિતિ બનાવીને ભરતી કરવાનો ઠરાવ કરેલો હતો. તે સંદર્ભે વર્ગ-૧ તથા વર્ગ-૨ના રાજ્‍ય માહિતી અધિકારીઓની ભરતી કરવા માટે જાહેરાત આપીને આવેદનપત્રો મંગાવ્‍યા હતા. જર્નાલિઝમમાં માસ્‍ટર ડીગ્રી ધરાવતા ૧,૨૦૦ ઉમેદવારોએ અરજી કરી હતી. રાજ્‍ય સરકારે આ ઉમેદવારોની પરીક્ષા લેવા માટે બહારની ‘એજન્‍સી’ને કામ સોંપ્‍યું હતું. આ પરીક્ષાઓમાં ૪૯૦ ઉમેદવારો ‘પાસ’ થયા હતા. તે પૈકી ૧૩૮ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરીને ૧૦૮ ઉમેદવારોને ઈન્‍ટરવ્‍યુ માટે બોલાવ્‍યા હતા.


આશ્‍ચર્યની વાત તો એ છે કે આ ઈન્‍ટરવ્‍યુમાં રાજ્‍ય સરકારના માહિતી વિભાગના એક્ષટેન્સન હેઠળના ત્રણ નિવૃત્ત અધિકારીઓને બેસાડવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત એક બહારના નિષ્‍ણાતે તો પોતાના ટ્‍વીટર એકાઉન્‍ટ પરથી માહિતી અધિકારીના ઈન્‍ટરવ્‍યુ વખતે કેવી તૈયારી કરવી તે બાબતની ટીપ્‍સ આપીને પોતે ઈન્‍ટરવ્‍યુમાં બેસવાના છે તેવી ‘જાહેરાત’ કરી દીધી હતી. આ ઈન્‍ટરવ્‍યુ કમિટીનું પાંચનું કોરમ હોવા છતાં અલગ-અલગ દિવસોમાં અલગ-અલગ સંખ્‍યામાં નિષ્‍ણાત સભ્‍યોએ ઈન્‍ટરવ્‍યુ લીધા હતા. સમિતિના અધ્યક્ષ હાજર રહ્યા ન હોતા. માર્કીંગ સ્‍કીમ શું હતી ? અને કેવી રીતે અને કોણે માકર્સ આપવાના છે તે બાબતે આજ દિવસ સુધી સૌ અંધારામાં છે. કમિટીના તમામ સભ્‍યોએ તમામ ઉમેદવારોને સમાન ધોરણોથી પ્રશ્નોત્તરી કરવી જોઈએ તેને બદલે અલગ-અલગ સભ્‍યોએ અલગ-અલગ રીતે આ પ્રક્રિયા કરી છે.

નિષ્‍ણાતોની કમિટીમાં સરકારમાં નિવૃત્તિ પછી એક્‍સટેન્‍શન ઉપર રહેલા માનીતા ત્રણ અધિકારીઓએ કમલમ્‌ના ઈશારે આખો ખેલ પાડયો છે. માહિતી વિભાગનો કબજો આ ત્રણ નિવૃત્ત કર્મચારીઓ પાસે છે અને આ ત્રણેય અધિકારીઓએ કમલમ્‌ના મળતીયાઓને ગોઠવવા કાનુન વિરોધી આ ભ્રષ્‍ટાચારી તરીકો અપનાવ્‍યો છે. એક ઉમેદવાર જેઓ વર્ગ-૨ના અધિકારી તરીકે માહિતી અધિકારી તરીકે સેવા આપે છે તેઓ ખાતાકીય પરીક્ષા આપીને વર્ગ-૧માં પ્રમોશન મેળવવા બે વખત પરીક્ષામાં નિષ્‍ફળ ગયા હતા, પરંતુ આ જ અધિકારી સીધી ભરતીની પ્રક્રિયામાં વર્ગ-૧માં પ્રથમ ત્રણમાં સ્‍થાન મેળવેલ છે. બાકીના વર્ગ-૨ના બે અધિકારીઓએ પણ એક થી ૧૦ માં સ્થાન મેળવ્યું છે.

માહિતી અધિકારી વર્ગ-૩ની ૭૭ જગ્‍યાની ભરતી માટે જર્નાલિઝમમાં ડીપ્‍લોમા કોર્સ કરેલો હોવાની લાયકાત જરૂરી હતી. આ ભરતી પ્રક્રિયામાં આઠ હજાર ઉમેદવારોએ અરજી કરી હતી. પસંદગી માટે ભરતી પ્રક્રિયાની પરીક્ષા લેવાની જવાબદારી બહારની એજન્‍સીને આપી હતી. આ પરીક્ષામાં ૧,૧૯૦ ઉમેદવારો ઉત્તીર્ણ જાહેર થયા હતા અને તેઓના પ્રમાણપત્રોની ચકાસણી થઈ હતી. આ ભરતી પ્રક્રિયા હજી સુધી પૂર્ણ થઈ નથી. દરમ્યાનમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓની ભરતી પ્રક્રિયા ઉપર નામદાર હાઈકોર્ટે સ્ટે આપેલ છે.
ગુજરાત સરકારની ખાતાકીય અને ગૌણ સેવા પસંદગી મંડળ મારફત થતી પસંદગી પ્રક્રિયામાં ગોબાચારી થાય જ છે, પરંતુ વર્ગ-૧ અને ૨ની પરીક્ષાઓ તો ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફત કરાવવાની કાનુની જોગવાઈ હોવા છતાં કયા કારણોસર આ પરીક્ષાઓ ખાતાકીય રીતે બહારની એજન્‍સીને કામ સોંપવાનું કારણ શું હતું ? પરીક્ષાઓ પૂર્ણ થયા પછી નિષ્‍ણાતોની નિમણુંકમાં લાગવગશાહી કેમ કરવામાં આવી ? મહિલાઓ અને એસસી / એસટી / ઓબીસી / ઈબીસી અનામતના ધોરણો કેમ ન જળવાયા ? આ બાબતે રાજ્‍ય સરકાર જવાબ આપે અને કૌભાંડીઓની ધરપકડ કરીને આ પરીક્ષાઓ ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફત લેવાની અર્જુનભાઈએ માંગણી કરી હતી.

( ડૉ. મનિષ એમ. દોશી )
મુખ્ય પ્રવક્તા

આ પણ વાંચોઃ About solar policy: SSDSP સોલાર પ્રોજેક્ટર્સ માં MSME સબસીડી મળી રહે તેવી ઊર્જામંત્રી પાસેથી આશા- વાંચો વિગત

Whatsapp Join Banner Guj