IELTS Scam Case

IELTS Scam Case: મહેસાણાના ચાર યુવકોને અમેરીકા મોકલવાનું કૌભાંડ, કેનેડાથી અમેરીકા જતા બોટમાંથી પકડાયા, કોર્ટ સામે અંગ્રેજી ના આવડ્યું

IELTS Scam Case: આ ચારેય ગામના યુવકો અંગ્રેજી આવડતું ન હોવા છતાં IELTSમાં 8 બેન્ડ મેળવીને પહેલાં કેનેડા પહોંચ્યા

મહેસાણા, 01 ઓગષ્ટ: IELTS Scam Case: ગુજરાતીઓની વિદેશ જવાની લાલચ એટલી વધી ગઈ છે કે હવે ત્યાં પહોંચવા માટે ગમે તે કરવા તૈયાર હોય છે. વિદેશ જવુ હવે સપનુ નહિ, પણ કૌભાંડ અને ક્રાઈમ બની ગયુ છે. લોકો ગમે તે હદ સુધી ક્રાઈમ કરવા તૈયાર બને છે. ત્યારે મહેસાણાથી જે કૌભાંડ બહાર આવ્યુ છે તે વિચારીને તમે થરથરી જશો. IELTS માં 8 બેન્ડ મેળવી 4 યુવાનને અમેરિકા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવાનો સામે તપાસ કરવામાં આવી છે. કેમ કે આ ચારેય ગામના યુવકો અંગ્રેજી આવડતું ન હોવા છતાં IELTSમાં 8 બેન્ડ મેળવીને પહેલાં કેનેડા પહોંચ્યા હતા.

ત્યારબાદ કેનેડાથી અમેરિકા જતાં સમયે બોટમાં પકડાઈ ગયા હતા. ત્યારબાદ ચારેય યુવાનોને અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં ચારેય યુવકો કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી બોલી ન શકતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે અમેરિકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી અને પછી મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મહેસાણા એસપીએ એસઓજી પોલીસને તપાસ સોંપતા IELTS પરીક્ષા લેનાર સંસ્થા અને એજન્ટોની સામે તપાસ શરૂ કરી છે.

8 બેન્ડથી અમેરિકા પહોંચેલ વિદ્યાર્થીઓ

  • પટેલ ધ્રુવ રસિકભાઈ, માંકણજ
  • પટેલ નીલ અલ્પેશકુમાર, ધામણવા
  • પટેલ ઉર્વીશ શૈલેષભાઈ, જોટાણા
  • પટેલ સાવન રાજેન્દ્રકુમાર, સાંગણપુર

આ પણ વાંચોઃ ED arrest Sanjay Raut: EDએ મધરાતે શિવસેનાના નેતા સંજય રાઉતની કરી ધરપકડ, આજે PMLA કોર્ટમાં કરાશે રજૂ

ભારતથી કેનેડા અને અમેરિકા જવા માટે હવે ભારતીય ગેરકાયદે રસ્તો અપનાવવા લાગ્યા છે. વિદેશ જવા માટે  IELTSની પરીક્ષા આપવી જરૂરી છે, અને તેમાં સાર બેન્ડ લાવવા પણ જરૂરી છે. ત્યારે અંગેજી લખી-વાંચી-બોલી ન શક્તા પટેલ યુવકોએ મોટા તિકડમ કરીને IELTSમાં 8 બેન્ડ લાવી દીધા અને કેનેડા પહોંચી ગયા. આ યુવકો મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના વતની છે. જેઓ ગત 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફતે હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોઇ યુએસએ પોલીસે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા અને અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહોતા. અને સમગ્ર ભાંડો ખૂલ્યો છે. 

અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખીને મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. એજન્સીના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ગત 23 મે 2022ના રોજ મહેસાણા જિલ્લા પોલીસવડાને આ અંગે પત્ર લખ્યો હતો. જેના બાદ મુંબઈ એમ્બેસીના પત્રના આધારે જિલ્લા પોલીસવડાએ મહેસાણા એસઓજીને તપાસ સોંપી છે. 

કોણે આચર્યુ કૌભાંડ
વિદેશમાં જવા માટે ઉત્તર ગુજરાતમાં અનેક એજન્ટો સક્રિય છે. જેઓ ગેરકાયદે રીતે લોકોને અમેરિકા-કેનેડા પહોંચાડે છે. ત્યારે પહેલીવાર IELTS બેન્ડમાં છેડછાડ કરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે હવે આ કેસમાં અનેક નામો ખૂલી શકે છે. આ ચાર વિદ્યાર્થીઓએ કયા સેન્ટરથી પરીક્ષા આપી, કોણે તેમને 8 બેન્ડ આપ્યા તે દિશામાં તપાસ કરાશે. ત્યારે આ કેસમાં આગામી દિવસોમાં મોટા માથાના નામ ખૂલે તેવી શક્યતા છે. 

આ પણ વાંચોઃ Canada Immigration: કેનેડા જવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર, ઈમિગ્રેશન વિભાગે આપી આ ખાસ સુચના

Gujarati banner 01