International Millets Year 2023

International Millets Year-2023: કૃષિબજાર ખાતે ચોર્યાસી તાલુકા કક્ષાનો કૃષિ મેળો મિલેટ્સ પ્રદર્શન યોજાયું

  • ઓછા ખર્ચે, ઓછા પાણીએ અને પ્રતિકૂળ આબોહવામાં પાકતા હોવાથી મિલેટ્સ પાકો ખેડૂતોને નાણાકીય ખર્ચમાંથી બચાવે છે, અને બમણી આવકનો સ્ત્રોત બને છે: ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ
  • મિલેટ ઓછાં પાણી અને ઓછા ઈનપુટની જરૂરિયાત સાથે જમીન સુધારણા અને પર્યાવરણ માટે પણ લાભકારક છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ

International Millets Year-2023: જિલ્લા વહીવટીતંત્ર અને સુરત એપીએમસી દ્વારા કૃષિબજાર ખાતે ચોર્યાસી તાલુકા કક્ષાનો કૃષિ મેળો મિલેટ્સ પ્રદર્શન યોજાયું

સુરત, 11 ઓક્ટોબરઃ International Millets Year-2023: યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ-૨૦૨૩ને આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે લોકોમાં મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ અંગેના જાગૃતિ અભિયાન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને સુરત એપીએમસીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખૉ ભાવિનીબેન પટેલની ઉપસ્થિતિમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સહારા દરવાજા, રિંગ રોડ સ્થિત એપીએમસી, કૃષિબજાર ખાતે ચોર્યાસી તાલુકા કક્ષાનો કૃષિ મેળો મિલેટ્સ પ્રદર્શન યોજાયું હતું.

મિલેટ્સના મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્વ અંગે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઈને વિશ્વના દેશો પણ અપનાવે તેવી વડાપ્રધાનની નેમ અને પ્રેરણાના કારણે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષરૂપે ઉજવવામાં આવી રહ્યું છે.

ખેતી ખર્ચ ઘટાડી, પ્રગતિશીલ અને આધુનિક ખેતપદ્ધતિ અપનાવીને ખેડૂતો મિલેટસનું વાવેતર કરી બમણી આવક મેળવી શકે છે. ઓછા ખર્ચે, ઓછા પાણીએ અને પ્રતિકૂળ આબોહવામાં પાકતા હોવાથી મિલેટ્સ પાકો ખેડૂતોને નાણાકીય ખર્ચમાંથી બચાવે છે, અને બમણી આવકનો સ્ત્રોત બને છે.

દેસાઈએ જણાવ્યું કે, આપણી પ્રાચીન પરંપરાસમા મિલેટ્સનો ઉપયોગ દૈનિક આહારમાં કરવામાં આવે તે માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. ખેડૂતો મિલેટ્સનું મોટા પ્રમાણમાં વાવેતર કરે અને નાગરિકો મિલેટ્સને દૈનિક આહારમાં સ્થાન આપે એ માટે સુરત એપીએમસી સતત પ્રયત્નશીલ છે. નાગરિકોના સુદઢ સ્વાસ્થ્ય માટે મિલે્ટસનો વધુને વધુ ખોરાકમાં ઉપયોગ થાય તે જરૂરી છે. જેના સેવનથી પોષણની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે જણાવ્યું કે, સદીઓથી મિલેટ પાકો આપણા આહારનો અભિન્ન ભાગ રહ્યા છે. અગણિત સ્વાસ્થ્યવર્ધક લાભો ઉપરાંત મિલેટ ઓછાં પાણી અને ઓછા ઈનપુટની જરૂરિયાત સાથે જમીન સુધારણા અને પર્યાવરણ માટે પણ લાભકારક છે. મિલેટ વર્ષની ઉજવણીથી લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ આવી રહી છે. મોટાપા, કેન્સર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને નિવારવામાં જુવાર ઉપયોગી છે.

આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં થતા રોગો સામે રક્ષણ પૂરું પાડી શરીરના સંતુલિત વિકાસમાં મિલેટ્સ ખૂબ મદદરૂપ થાય છે. જુવારનો ચારામાં અગણિત પોષકતત્વો રહેલા હોવાથી પશુઓને આપવાથી દુધની ક્ષમતામાં વધારો થાય છે. મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, કોદરા, નાગલી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે.

મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે એમ ભાવિનીબેન પટેલે ઉમેર્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતે સ્વાગત પ્રવચન કરી આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિબેન પટેલ, સંયુક્ત ખેતી નિયામક(વ) કે.વી.પટેલ, નાયબ ખેતી નિયામક(તાલીમ) એન.જી.ગામીત, સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડો.જે.એચ.રાઠોડ, ધી સુરત ડિસ્ટ્રિક કો-ઓ.બેંકના પ્રમુખ બળવંતભાઈ પટેલ, ઉપપ્રમુખ સુનિલભાઈ પટેલ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઈસ ચેરમેન હર્ષદભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સર્વઓ નિલેશભાઈ તડવી, જયશ્રીબેન રાઠોડ, અશોકભાઈ રાઠોડ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Vibrant Gujarat Global Summit 2024 Roadshow: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના રોડ શોનું નેતૃત્વ કરશે

Gujarati banner 01
देश की आवाज की खबरें फेसबुक पर पाने के लिए फेसबुक पेज को लाइक करें