jamnagar PM birthday

Jamnagar PM Birthday: જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિનને સેવાદિન તરીકે ઉજવાયો

Jamnagar PM Birthday: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે સાંસદ પૂનમબેન ની ઉપસ્થિતી માં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦ સહિતની યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કાર્યક્ર્મ યોજાયો

  • સેવા ભાવના સાથે જ સંવેદનાના સમન્વયથી લોક ઉત્થાનની કામગીરીમાં ગુજરાત સરકાર સતત આગળ વધી રહી છે -મંત્રી ઋષિકેશ પટેલ

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૭ સપ્ટેમ્બર:
Jamnagar PM Birthday: રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિને “ગરીબોની બેલી સરકાર” થીમ હેઠળ રાજયભરમાં કાર્યક્રમ યોજાયા હતા. જે અન્વયે જામનગર શહેરના ટાઉનહોલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓને કીટ તેમજ પ્રમાણપત્ર વિતરણ અને સ્વચ્છતા અનુલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર સરપંચોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, પ્રધાન સેવક નરેન્દ્ર મોદીના જન્મદિન (Jamnagar PM Birthday) નિમિત્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અર્પણ કરી આ દિનને સેવા દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં માતાઓ અને બહેનોને ચૂલાથી આરોગ્યલક્ષી અનેક તકલીફો થતી સાથે જ પ્રદૂષણનો દર પણ તેનાથી વધતો, પ્રધાનમંત્રીએ ઉજજ્વલા યોજના થકી આ તકલીફો દૂર કરી અનેક બહેનોને શ્વાસ અને ફેફસાંથી થનારી બીમારીઓથી બચાવી છે. પ્રધાનમંત્રી ઉજજ્વલા યોજના થકી મહિલા આરોગ્ય માટેની દરકારની પહેલ થઇ અને સાથે જ પ્રદુષણનો દર પણ ઘટયો છે. પ્રધાનમંત્રીએ ગરીબ માતા-બહેનોના આરોગ્યની દરકાર સાથે તેમના સશક્તિકરણના માધ્યમ પણ વિકસાવ્યા છે.

આ પણ વાંચો…Danta PM Birthday: દાંતા તાલુકા મથકે ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રમોદી નો આજે કેક કાપી ને તેમના જન્મદિવસ ની ઉજવણી કરાઈ હતી

સાથે જ કોરોનાકાળ દરમિયાન અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી તો મુખ્યમંત્રી બાળ સેવા યોજના થકી સરકાર તેઓના વડીલ બની છે. સરકાર દ્વારા સૌની યોજના થકી સૌરાષ્ટ્રને પાણીદાર બનાવાયું, તો સેવા ભાવના સાથે જ સંવેદનાના સમન્વયથી લોક ઉત્થાનની કામગીરીમાં ગુજરાત સરકાર સતત આગળ વધી છે. આજે અઢી લાખ કરોડના બજેટ સાથે ગુજરાત સરકાર આ વિકાસ યાત્રામાં દરેક વર્ગને સાંકળીને આવશ્યકતા ધરાવનાર દરેક લાભાર્થીને આ રૂપિયા સીધા તેમના ખાતામાં પહોંચાડી રહી છે.

ઉજજવલા યોજના ૨.૦ અંતર્ગત કાર્યક્રમના સ્થળે પ્રવાસી શ્રમિકો, ગરીબી રેખા હેઠળના ૧૫૦ લાભાર્થીઓને ગેસકીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી પ્રથમ ગેસ બોટલ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

Jamnagar PM Birthday

વધુમાં કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોનામાં વાલી ગુમાવનાર બાળકોને પણ સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં કાર્યક્રમમાં વર્ચ્યુલી ઉપસ્થિત રહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લાભાર્થી બાળકોના ખાતામાં ઑનલાઇન સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લાના ૨૦ બાળકોને પણ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ગ્રામીણ કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાની ખાવડી, વરણા, બાદનપર અને લીંબુડા ગામના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. સ્વાગત પ્રવચન ડી.આર.ડી.એ.ના નિયામક રાજેન્દ્રસિંહ રાયજાદાએ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, પ્રભારી સચિવ નલીનભાઈ ઉપાધ્યાય, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, કમિશનર વિજય ખરાડી વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj