Kharif pak 2

ગયા વર્ષે થયેલા પાક વાવેતર કરતા આ વર્ષે ૧૪૫૭૧ હેકટર વધુ વાવેતર

Kharif pak 3
  • ખરીફ મોસમ: ગયા વર્ષે ૧૫ મી ઓગસ્ટની આસપાસના સમયગાળામાં થયેલા પાક વાવેતર કરતા આ વર્ષે ૧૪૫૭૧ હેકટર વધુ વાવેતર
  • વડોદરા જિલ્લાની ખેતીલાયક કુલ જમીન પૈકી ૧૭૫૮૬૮ હેકટર જમીનમાં ખેડૂતોએ કર્યું વાવેતર
  • ૧૪ પ્રકારના અનાજ કઠોળ તેલીબિયાં અન્ય પાકો અને શાકભાજી થી જિલ્લાના ખેતરો બનશે હર્યાભર્યા

રિપોર્ટ:બી.પી.દેસાઈ

વડોદરા જિલ્લાના ખેતરો ૧૪ પ્રકારના અનાજ ,તેલીબિયાં,કઠોળ,અન્ય પાકો અને શાકભાજી થી હર્યાભર્યા બનવા જઈ રહ્યાં છે.હકીકતમાં ઘણાં પાકો ઉગી નીકળ્યાં છે અને ખેતરોમાં લીલી ચાદર પથરાઈ છે.હાલના વરસાદ થી રહી સહી કસર પૂરી થઈ છે અને વાવેતરને વેગ મળ્યો છે.
ચોમાસાની વાત કરીએ તો આ વર્ષે પણ લગભગ ગયા વર્ષની મોસમનું પુનરાવર્તન થયું છે.ચિંતા કરાવ્યા પછી હાલ સંતોષકારક કહી શકાય તેવો વરસાદ થયો છે.જો કે ધીમીધારે વરસાદ વરસતા રાહત પણ થઈ છે.


ગયા વર્ષે ૧૬ મી ઓગસ્ટ સુધીમાં જિલ્લાના કૃષિકારોએ ૧૬૧૨૯૭ હેકટર જમીનમાં રોપણી કરી હતી.આ વર્ષે ૧૪મી ઓગસ્ટ સુધીમાં ૧૭૫૮૬૮ હેકટર જમીનમાં વાવેતર થયું છે.એટલે કહી શકાય કે હાલની પરિસ્થિતિ એ જિલ્લામાં ગયા વર્ષની સરખામણીમાં માં અત્યાર સુધીમાં ૧૪૫૭૧ હેકટર વધુ જમીનમાં વાવેતર થયું છે જે સંતોષકારક પાક પરિસ્થિતિ દર્શાવે છે.


જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવા જણાવે છે કે હાલમાં ડાંગર ના વાવેતર – રોપણી માટે આદર્શ ગણાય એવો વરસાદ પડી રહ્યો છે અને એ રોપણી પૂરી થયા પછી દિવેલાની રોપણી વેગ પકડશે.હાલમાં વધતા ઓછા પ્રમાણમાં દિવેલાનું વાવેતર થઇ જ રહ્યું છે.કુલ વાવેતરમાં ઘાસચારાના પાકોનું વાવેતર પણ ધ્યાનમાં લેવામાં આવે છે.આમ,ખેડૂતો માત્ર માનવી ની નહિ પાલતુ પશુધન માટે ભોજનનો ભંડાર ભરવાની પણ કાળજી લે છે.

Kharif pak 2

કેટલાંક પાકો એવા છે જેમનું જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવેતર થાય છે જેમાં ડાંગર,તુવેર,દિવેલા,સોયાબીન,કપાસ અને શાકભાજીનો સમાવેશ થાય છે.જિલ્લાના તાલુકાઓમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ ૨૫૪૫૭૪ હેકટર જમીનમાં ખરીફ મોસમમાં પાક વાવેતર થયું હતું એટલે કે ચોમાસું પાકો લેવામાં આવ્યાં હતાં.
વર્તમાન ખરીફ મોસમમાં ધાન્ય પાકોની વાત કરીએ તો સહુ થી વધુ ડાંગરનું વાવેતર ૨૩૧૮૦ હેક્ટરમાં થયું છે.આમ તો ડાંગરની ખેતીમાં ડભોઇ મોખરે રહેતો તાલુકો ગણાય પરંતુ હાલમાં ડભોઇ કરતાં વાઘોડિયા તાલુકામાં ડાંગર વધુ વવાઈ થઈ છે.વાઘોડિયામાં ૮૫૭૨ હેક્ટરમાં તો ડભોઇમાં ૭૨૦૬ હેક્ટરમાં ડાંગર વવાઈ છે.અન્ય ધાન્ય પાકોમાં વધતા ઓછા પ્રમાણમાં બાજરી,જુવાર,મકાઈ અને અન્ય અનાજોનો સમાવેશ થાય છે.

Kharif pak

ભોજન થાળમાં દાળ ના રૂપે રસથાળ બનાવતા કઠોળ પાકોની વાત કરીએ તો હાલમાં સહુથી વધુ ૨૨૨૮૫ હેક્ટરમાં તુવેરનું વાવેતર થયું છે જે સ્વાદિષ્ટ લીલવાની કચોરી ભરપૂર ખાવા મળશે એવી આશા આપે છે.પાદરા અને કરજણ તાલુકાઓ તેના વાવેતરમાં હાલમાં મોખરે છે.ખૂબ ઓછા પ્રમાણમાં મગ અને અડદ નું વાવેતર કરાયું છે.


તેલીબિયાં ની શ્રેણીમાં સોયાબીનનો પ્રમાણમાં જિલ્લા માટે નવો કહિ શકાય એવો સોયાબીનનો પાક ૯૬૪૪ હેક્ટરમાં વાવવામાં આવ્યો છે.તેલીબિયાં તરીકે ઉપયોગી સોયાબીન લોટ અન્ય રીતે ઉપયોગમાં લેવાય છે અને પ્રોટીન નો ઘણો ઉત્તમ સ્ત્રોત ગણાય છે.તે પછી દિવેલાનું વાવેતર ૩૨૩૦ હેક્ટરમાં થયું છે અને થોડાક પ્રમાણમાં મગફળી અને તલ વાવવામાં આવ્યા છે.


જિલ્લામાં સહુ થી વધુ ૭૯૧૬૭ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે જેમાં કરજણ અને ડભોઇ મોખરે છે.કપાસિયા તેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ જોતાં તેની ગણના હવે તેલીબિયાં પાકમાં પણ કરી શકાય.આ ઉપરાંત થોડા ઘણાં પ્રમાણમાં તમાકુ અને ગુવારનું વાવેતર કરવામાં આવ્યું છે.૧૬૦૪૩ હેક્ટરમાં વિવિધ પ્રકારના શાકભાજી વાવવામાં આવ્યા છે અને સ્વાભાવિક રીતે એમાં વડોદરાની શાકવાડી ગણાતો પાદરા તાલુકો મોખરે છે.વડોદરા અને કરજણ તાલુકાઓમાં પણ શાકભાજીનું નોંધપાત્ર વાવેતર થયું છે.જ્યારે મૂંગા પશુઓની ભૂખ ભાંગવા ૨૦૫૮૭ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.