Kisan Samarpit Ek Jiwan

Kisan Samarpit Ek Jiwan: ભારતીય કિસાન સંઘના સ્વ.જીવણદાદાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ગાંધીનગરમાં સ્મરણિકા- ‘કિસાન સમર્પિત એક જીવન’ નું લોકાર્પણ કરાયું

Kisan Samarpit Ek Jiwan: વેપાર-ઉદ્યોગ-મૂડી રોકાણમાં વાઈબ્રન્ટ ગુજરાત નંબર વન છે, એમ પ્રાકૃતિક કૃષિમાં પણ નંબર-વન બનશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીનગર, 09 જાન્યુઆરીઃ Kisan Samarpit Ek Jiwan: વેપાર-ઉદ્યોગ-મૂડી રોકાણ; હર ક્ષેત્રમાં વાઈબ્રન્ટ ગુજરાત નંબર-વન છે, એમ આપણું ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં પણ નંબર-વન બનશે. દેશ અને દુનિયા ગુજરાત પાસેથી પ્રેરણા મેળવે એ પ્રકારે ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર થાય. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘના ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી માટે પ્રતિબદ્ધ બનીને બે વર્ષમાં ગુજરાતને રાસાયણિક ખેતીમુક્ત-ઝેરમુક્ત રાજ્ય બનાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.

ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશના સંસ્થાપક સ્વ.જીવણદાદાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં સ્વ. જીવણદાદાના જીવન પર આધારિત સ્મરણિકા- ‘કિસાન સમર્પિત એક જીવન’ નું લોકાર્પણ કરાયું હતું. આ પુસ્તકનું વિમોચન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, સ્વ. જીવણદાદાએ પોતાનું સમગ્ર જીવન ભારતીય કિસાન સંઘના ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. તેમનું જીવન સરળ, સાત્વિક અને રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત હતું.

ગુજરાતના ખેડૂતોની આવનારી પેઢી પણ મહાનાયક જીવણદાદાના જીવનમાંથી પ્રેરણા મેળવતી રહે એવું ઉમદા કામ આ સ્મરણિકાના પ્રકાશનથી થયું છે. જે અન્યના કલ્યાણ માટે જીવન જીવી જાય છે તે અમર થઈ જાય છે. મહાન કર્મયોગી જીવણદાદાનું જીવન તમામ ખેડૂતોને હંમેશા પ્રેરણા આપતું રહેશે. ૯મી જાન્યુઆરી; જીવણદાદાના નિર્વાણ દિન નિમિત્તે
ગાંધીનગરમાં મેડિકલ કોલેજ હોલ, સેક્ટર 12 માં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિ-ગ્રામવિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વાક્ય; “કિસાન રાજાઓનો પણ રાજા છે” નું સ્મરણ કરતાં કહ્યું કે, ઔદ્યોગિક ક્રાંતિ, વિકાસ અને પ્રગતિની સાથોસાથ ખેતપેદાશ અને ખેત ઉત્પાદનનું પણ વિશેષ મહત્વ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે, આત્મનિર્ભર ભારત માટે ખેડૂત આત્મનિર્ભર હોવો જોઈએ. ખેડૂતની ઉન્નતિ થશે તો રાષ્ટ્રની ઉન્નતિ થશે. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કિસાન ભાઈ-બહેનોને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગ્લોબલ વૉર્મિંગના વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવ્યા વિના છૂટકો નથી.

રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ્સના બેફામ ઉપયોગથી ભારતની ભૂમિ વેરાન થઈ ગઈ છે. જળવાયુ પ્રદૂષણ વધ્યું છે. ભૂમિ, હવા, પાણી અને ખેતપેદાશોથી આપણે ધીમું ઝેર લઈ રહ્યા છીએ. જો આમ જ ચાલ્યું તો આપણે આપણી આવનારી પેઢીને બિનઉપજાઉ-વેરાન જમીન વારસામાં આપીને જઈશું. તમામ સમસ્યાઓનું સમાધાન માત્ર અને માત્ર પ્રાકૃતિક ખેતી છે.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઓછા ખર્ચે વધુ સારું અને વધુ પ્રમાણમાં ઉત્પાદન મળે છે. પર્યાવરણ પણ સુધરે છે. જળસંચય થાય છે. મિત્ર જીવો – કીટકોનું રક્ષણ થાય છે. ગાય માતાનું જતન અને સંવર્ધન થાય છે તથા ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય છે. તેમણે સૌને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રહિતને પ્રાઘાન્ય આપી ભારતીય કિસાન સંઘ ખેડુતોનો સર્વાંગી વિકાસ કરવાનું કામ કરી રહ્યું છે, એમ કહી કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલે કહ્યું હતું કે, ગુજરાત પ્રદેશમાં કિસાન સંઘની કેડી કંડારવાનું કામ જીવણભાઇ પટેલની અથાગ મહેનત થકી શક્ય બન્યું છે.

આ સંઘ દ્વારા હમેંશા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપીને ખેડૂતોને તેમના હિત માટે સરકાર સામે લડત લડવા સક્ષમ બનાવ્યા છે. જીવણદાદાએ સમગ્ર જીવન કિસાનોને સમર્પિત કર્યું હતું. ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે. હાલના સમયમાં ખેતીને ટકાવી રાખવા માટે તેમણે પ્રાકૃતિક ખેતીને પ્રાઘાન્ય આપવા અનુરોધ કર્યો હતો.

આ સરકારના શાસનમાં હરહંમેશ કિસાનહિતને પ્રાઘાન્ય આપવામાં આવ્યું છે, તેવું કહી કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, ૨૦૪૭માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. આ સંકલ્પને સાકાર કરવા માટે ખેડૂતોની આવક બમણી કરવી ખૂબ જરૂરી છે. રાજય સરકારે સમયની માંગ અનુસાર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વઘારવાની દિશામાં સુચારું આયોજન કર્યું છે. તેમજ પ્રાકૃતિક ખેતી વઘે તે માટે સરકારે ગાય, ડ્રમ કે અન્ય જરૂરી ચીજવસ્તુઓ ખેડૂતો સરળતાથી લઇ શકે તે માટે વિવિઘ યોજનાઓ અમલી બનાવી છે.

ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં રૂપિયા ૧૮ હજાર કરોડથી વઘુના ખેતી પાકોની ખરીદી સરકારે ટેકાના ભાવથી કરી છે. તેમજ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં ખેડૂતોને થયેલા નુકશાનને સરભર કરવા માટે ૧૦ વર્ષમાં ૧૦ હજાર કરોડથી વઘુની સહાય ચુકવામાં આવી છે.

એક સમયે વીજ કનેકશન લેવું તે ખેડૂતો માટે જટિલ સમસ્યારૂપ વાત હતી, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, આ સરકારના શાસનમાં વીજ કનેકશનના જોડાણ માત્ર ત્રણ માસના ટુંકા ગાળામાં આપવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દાયકા જેટલા સમયથી ખેડૂતોને અપાતી વીજળીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

તેમણે ખેડૂતોની આવક બમણી કરવા માટે રાસાયણિક ખાતર પર સબસીડી, શૂન્ય ટકાએ રૂપિયા ૩ લાખ સુઘીની સહાય, કૃષિલક્ષી વિવિઘ ઓજારો-વાહનોની ખરીદી કરવા માટેની સહાય યોજનાઓ, પ્રઘાનમંત્રી ખેડૂત સન્માનનિધિ યોજના, બાગાયત પાકોના ઉત્પાદન કરવા માટેની યોજનાઓ જેવી કૃષિલક્ષી યોજનાઓની માહિતી આપી હતી.

સમારોહના આરંભે ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશના મહામંત્રી આર. કે. પટેલે સ્વાગત ઉદ્ભોધન કર્યું હતું. આ અવસરે સ્વ. જીવણદાદાના ધર્મપત્ની મિરાતબેન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમલભાઈ આર્ય, સહ સંગઠન મંત્રી ગજેન્દ્રસિંહ, પદ્મભૂષણ રજ્જૂભાઈ, રાષ્ટ્રીય કાર્યકારીણીના સભ્ય અંબુભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ દુધાત્રા અને ખેડૂત ભાઈ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… International Kite Festival-2024: એકતાનગરના નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છલકાયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો