Shailesh Parmar 2

ભગવાન માટે કાયદો પણ ભાજપ માટે કાયદો નહીં: શૈલેષ પરમાર

Shailesh Parmar 2
  • ‘‘ઝુલ્‍મ ભી યે કરતે હૈ, સિતમ ભી યે કરતે હૈ, ફરિયાદ કરે તો કરે કિસસે, રાજ ભી યહી કરતે હૈ”
  • ભાજપ સરકાર કોરોનાના કાળમાં શ્રીકૃષ્‍ણ ભગવાનની યાત્રા ના કાઢી શકે પરંતુ પોતાના રાજકીય ભગવાનની યાત્રા કાઢી શકે
  • ભગવાન માટે કાયદો પણ ભાજપ માટે કાયદો નહીં
  • શ્રીકૃષ્‍ણ ભગવાનની રથયાત્રામાં ચેપ લાગે અને ભાજપના રાજકીય ભગવાનની યાત્રામાં ચેપ ન લાગે.
  • ભાજપ સફેદ કોલર માફીયાઓ લાવ્‍યા છે, જે કોરોના જેવા છે ‘‘દેખાતા નથી”
  • ક્રાઈમ રોકવા માટે સરકારની ઈચ્‍છાશક્‍તિ હોવી જોઈએ:શૈલેષ પરમાર

અમદાવાદ,૨૩ સપ્ટેમ્બર: આજરોજ વિધાનસભા ગૃહમાં રજૂ થયેલ ગુજરાત ગુંડા અને અસામાજીક પ્રવૃત્તિઓ (અટકાવવા બાબત) વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, ગઈકાલે રજૂ થયેલ ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત વિધેયક, આજે રજૂ થયેલ ગુજરાત ગુંડા અને અસામાજીક પ્રવૃત્તિઓ (અટકાવવા બાબત) વિધેયક અને આવતીકાલે જમીન પચાવી પાડવા માટેનું વિધેયક આવવાનું છે. ભાજપ સરકારે 25-25 વર્ષ પછી આ બિલો લાવવા પડયા છે એનો મતલબ કે રાજ્‍યમાં અસામાજીક પ્રવૃત્તિ કરતો કોઈ ગુંડો જેનો જન્‍મ 25 વર્ષ પહેલાં થયો હશે એટલે કે ભાજપ સરકાર બની ત્‍યારે એનો જન્‍મ થયો હતો. એ જ્‍યારે મેચ્‍યોર થયો ત્‍યારે એમને ખબર પડી કે અમારો છોકરો ગુંડો થઈ ગયો છે. રાજ્‍યમાં અનેક કાયદા અને કલમો હોવા છતાં પણ સરકારે સુધારા કેમ કરવા પડે ? એટલે કહેવાય છે કે – ‘‘ઝુલ્‍મ ભી યે કરતે હૈ, સિતમ ભી યે કરતે હૈ, ફરિયાદ કરે તો કરે કિસસે, રાજ ભી યહી કરતે હૈ.”

શ્રી પરમારે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર 25 વર્ષની નિષ્‍ફળતાઓને છુપાવવા માટે બિલ લઈને આવી છે. ભાજપ દ્વારા હંમેશા એક જ વાત કરવામાં આવે છે કે કોંગ્રેસ સરકારમાં અમદાવાદ શહેરમાં રથયાત્રા એ બુલેટ પ્રુફમાં રથયાત્રા કાઢતા હતા. શ્રીકૃષ્‍ણ ભગવાન વર્ષમાં એક વખત અમદાવાદની પ્રદક્ષિણા કરે છે અને એના મોસાળ સરસપુર જાય છે. કોંગ્રેસ ક્‍યારેય ગુંડાઓ, અસામાજીક તત્ત્વો, કોમવાદીના તાબે નહોતો થયો. ભલે બુલેટપ્રુફ તો બુલેટપ્રુફ પણ ભગવાન શ્રીકૃષ્‍ણની રથયાત્રા કઢાવેલ હતી. ભાજપ સરકાર કોરોનાના કાળમાં શ્રીકૃષ્‍ણ ભગવાનની યાત્રા ના કાઢી શકે પરંતુ પોતાના રાજકીય ભગવાનની યાત્રા કાઢી શકે તેવો છે. શ્રીકૃષ્‍ણ ભગવાનની રથયાત્રામાં ચેપ લાગે અને ભાજપના રાજકીય ભગવાનની યાત્રામાં ચેપ ન લાગે. આ તે કેવો કાયદો ? ભગવાન માટે કાયદો પણ ભાજપ માટે કાયદો નહીં !

loading…

શ્રી શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, ઈચ્‍છાશક્‍તિ હોય તો ક્રાઈમને 100% રોકી શકીએ એટલે જ તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી એવું જરૂર કહેતા હતા કે, એક્‍ટની જરૂર નથી, એકશનની જરૂર છે. અત્‍યારે સરકાર એકશનમાં આવે એવી વિનંતી કરું છું. ભાજપ સરકાર વારંવાર કહે છે કે અમદાવાદ શહેર કોંગ્રેસના આ માફીયાના નામે જાણીતું હતું, ફલાણું શહેર કોંગ્રેસના આ માફીયાના નામે જાણીતું હતું, પરંતુ તમે ઈતિહાસમાં જાઓ અને વાંચો કે તે માફીયાઓની દશા કોણે કેવી રીતે કરી અને તેનું શું થયું તો તમને એનો જવાબ મળી જશે. કોંગ્રેસના રાજમાં શહેર તરીકે ગુંડા ઓળખાતા હોય અત્‍યારે ભાજપના 25 વર્ષના શાસન બાદ ગુજરાતની દશા એ છે કે, ગુજરાતના ગામડા ગુંડાઓથી ઓળખાય છે.  દારૂના માફીયા, જુગારના માફીયા, બળાત્‍કારી માફીયાઓ કચ્‍છના, શિક્ષણના માફીયા, ટેન્‍ડરોના માફીયા, ખાણ-ખનીજના માફીયા, આ માફીયાની વ્‍યાખ્‍યાને શું કરવું આપણે ? ભાજપ એવા માફીયાઓ લાવ્‍યા છે કે જે કોરોના જેવા છે અને દેખાતા નથી, તેનું નામ છે સફેદ કોલર માફીયા, જે કોરોનાની જેમ દેખાતા નથી.

ભાજપ સરકાર પર નિશાન સાધતાં શ્રી પરમારે જણાવ્‍યું હતું કે, અક્ષરધામ, ગોધરાકાંડ, સિવિલ હોસ્‍પિટલમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટ, ગુજરાતના શહેરોમાં થયેલ બોમ્‍બ બ્‍લાસ્‍ટ શું કોંગ્રેસના શાસનમાં થયા હતા ? તો હંમેશા કોંગ્રેસ પર જ આક્ષેપ કેમ ? જ્‍યારે ઉભા થાવ ત્‍યારે 25 વર્ષ પહેલાંની વાત ! જ્‍યારે 25 વર્ષની વાત કરશો તો ઈંટ કા જવાબ પથ્‍થર સે મિલેગા તેની તૈયારી રાખજો. સરકારને ક્રાઈમ રોકવામાં કોઈ રોકતું નથી, પોલીસને કોઈ રોકતું નથી. આ ક્રાઈમ ક્‍યાંથી ઉભો થાય છે તે જોવું ખૂબ જરૂરી છે. ક્રાઈમ રોકવાની ઈચ્‍છાશક્‍તિ હોવી જોઈએ. ક્રાઈમ રોકવા માટે શું સરકારની ઈચ્‍છા શક્‍તિ નથી, શું સરકારની ઈચ્‍છા છે તો મંત્રીશ્રીની ઈચ્‍છાશક્‍તિ નથી, જો મંત્રીશ્રીની ઈચ્‍છાશક્‍તિ છે તો પોલીસની ઈચ્‍છાશક્‍તિ નથી ? આવા અનેક સવાલો લોકોના મનમાં ઉત્‍પન્‍ન થાય છે.

Banner City 1

શ્રી પરમારે કટાક્ષ કરતાં ઉદાહરણ આપતાં જણાવ્‍યું હતું કે, સરકાર રમશે ગુજરાત, જીતશે ગુજરાતની વાતો કરે છે. રાજ્‍યમાં એક બસસ્‍ટેન્‍ડના નાકે બસની રાહ જોઈને બે યુવાનો બેઠા હતા અને બસ આવી નહોતી એટલે બંને જણા બસની રાહ જોત જુગાર રમતા હતા. પોલીસ આવી. પોલીસે બંનેને પકડયા કે ભાઈ તમે જાહેરમાં જુગાર કેમ રમો છો ? તેમણે કહયું કે, તમે અમને પકડી નહીં શકો ? તો કહે કેમ ? બસસ્‍ટેન્‍ડ ઉપર જાહેરાત હતી જેની પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, તેમાં લખ્‍યું છે કે ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’. ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસને એમ કહેવામાં આવે છે કે, આ બિલનો તમે વિરોધ કેમ કરો છો ? તો બિલનો વિરોધ એટલા માટે કરીએ છીએ કે 25-25 વર્ષ સુધી રાજ્‍યની જનતાએ તમને મેન્‍ડેટ આપેલો છે સરકાર ચલાવવા માટે. સરકાર ચલાવ્‍યા પછી આ ગુંડાઓ રાજ્‍યમાં ફુલ્‍યા-ફાલ્‍યા છે, તેમાં વાંક-ગુનો કોનો છે ? સરકાર ગુંડાઓને દબાવી નથી શકી. સરકાર ગુંડાઓને માથે લઈને ફરે છે અને પછી જ્‍યારે બિલ લઈને આવે છે ત્‍યારે અમે વિરોધ કરીએ છીએ.

શ્રી પરમારે અંતમાં જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવાની જવાબદારી સરકારની છે અને વિપક્ષ તરીકે ધ્‍યાન દોરવાની જવાબદારી અમારી છે. સરકારનું ગૃહમાં વારંવાર ધ્‍યાન દોરીએ છીએ. જે પણ બનાવો બને છે એમાં મીડીયા દ્વારા, પત્રકાર દ્વારા, આઈ.બી. દ્વારા કે વિપક્ષ દ્વારા જ્‍યારે સરકારનું ધ્‍યાન દોરતા હોઈએ ત્‍યારે સરકારની જવાબદારી બને છે કે કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિની જાળવણી કરે. રાજ્‍ય સરકાર પોતાની જવાબદારીમાંથી મુક્‍ત ન થઈ શકે. લોકોની શાંતિ-સલામતી જળવાય એ કામ રાજ્‍ય સરકારનું છે, વિપક્ષનું નથી. રાજ્‍ય સરકાર જ્‍યાં ભૂલ કરતી હશે, લોકોને જ્‍યાં તકલીફ પડતી હશે એની વાત કરવાનો અધિકાર અમારો છે. રાજ્‍ય સરકારની નિષ્‍ફળતા છુપાવવા માટેના બિલને કોંગ્રેસ પક્ષ કોઈપણ સંજોગોમાં સમર્થન આપી શકે નહીં.