Banner

Mandal Becharaji: માંડલ બેચરાજીના ઔદ્યોગિક વિકાસથી સ્થાનિક ધંધા-રોજગારને મળ્યો વેગ

Mandal Becharaji: માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજનથી છેવાડાના ગામો સુધી પહોંચ્યો વિકાસ

ગાંધીનગર, 18 નવેમ્બર: Mandal Becharaji: વિશ્વના સૌથી મોટા ઓટો મોબાઈલ હબ તરીકે ઉભરી રહેલુ માંડલ બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્ર (MBSIR) એ ઓટો મોબાઈલ અને ઓટો કોમ્પોનેન્ટ્સનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનું કેન્દ્ર છે. મારૂતિ સુઝુકી અને હોન્ડા જેવી જાણીતી કંપનીઓ સ્થાપિત થવાના કારણે અહીંના સ્થાનિક ધંધા-રોજગારને પણ વેગ મળ્યો છે.

આ અંગે વાત કરતા સ્થાનિક રહેવાસી રણજીતભાઈ ઠાકોર કે જેઓ છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં આવેલા સીતાપુર ગામમાં ટી સ્ટોલ ચલાવે છે, તેમણે જણાવ્યું કે માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન બન્યું, એ પહેલા માત્ર ગામના લોકો અને એક ગામથી બીજે ગામ જતા લોકો જ ચા પીવા માટે ક્યારેક આવતા. હવે MBSIR બનવાના કારણે કનેક્ટિવિટિ વધી છે, જેથી ટી- સ્ટોલ પર આવતા ગ્રાહકોની સંખ્યા પણ વધી છે. અન્ય રાજ્યોમાંથી આવતા લોકો અને કંપનીઓમાં કામ કરતા લોકોના કારણે વકરામાં પણ વધારો થયો છે.

પહેલા અમારે દિવસમાં ₹3 થી 4 હજાર જેટલો રોજનો વકરો થતો હતો. પણ હવે માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન બન્યા પછી, આજે બમણો વકરો થાય છે. હવે તો અમે પોતાની એક નાની દુકાન પણ શરૂ કરી છે. ધંધાની આવક વધવાના કારણે જીવન ધોરણમાં પણ સુધારો આવ્યો છે. અમારા જૂના ઘરને ફરીથી નવું બનાવ્યું છે. બાળકોને સારુ શિક્ષણ પણ આપી શકીએ છીએ.

20 વર્ષ પહેલા સીતાપુરને પછાત ગણવામાં આવતું, આજે ગામમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે: કનુદાનભાઈ ગઢવી, ખેડૂત
સ્થાનિક ધંધાની સાથે ખેડૂતોને પણ સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન બનવાના કારણે લાભ થયેલ છે, આ અંગે વાત કરતા સીતાપુરના ખેડૂત કનુદાનભાઈ ગઢવી જણાવે છે કે, 20 વર્ષ પહેલા સીતાપુરને પછાત ગણવામાં આવતું. ચાર જિલ્લાની સરહદે આવતા સીતાપુરની જમીનના ભાવો માંડ ₹10 હજાર પ્રતિ વીઘા મળતા.

આજે સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન બનતા જમીનોના ભાવો પણ ઉંચકાયા છે. સાથે કંપનીની CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) પ્રવૃત્તિઓના ભાગરૂપે ગામમાં શૌચાલય અને કમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. MBSIRના કારણે સીતાપુર તથા આસપાસના ગામના લોકોને અહીં સ્થપાઈ રહેલી કંપનીઓમાં રોજગારી મળી રહી છે.

માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના દસમા સંસ્કરણના આયોજન તરફ આગળ વધી રહ્યું છે. 20 વર્ષ પહેલા શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનના ફળસ્વરૂપે ગુજરાતને અનેક એવા મેગા પ્રોજેક્ટ્સ મળ્યા છે, જે ગુજરાતના ભવિષ્યના વિકાસને સંચાલિત કરશે. એમાંનો એક મેગા પ્રોજેક્ટ છે, માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાના કારણે 20 વર્ષ પહેલા રાજ્યના જે વિસ્તારો પછાત ગણાતા હતા, એવા વિસ્તારોમાં આજે અનેક તકો ઉભી થઈ છે. વિશ્વના મોટા ઉદ્યોગપતિઓ ગુજરાત રાજ્યમાં રોકાણ કરી રહ્યા છે, ત્યારે વિશ્વની અગ્રણી મારૂતિ સુઝુકી કંપનીના નવા પ્લાન્ટની બહુચરાજી પાસે સ્થાપનાની સાથે જ આ વિસ્તારના ધંધા-રોજગારે હરણફાળ ભરી છે. આગામી સમયમાં આ વિસ્તારનો અકલ્પનીય વિકાસ થશે.

MBSIRમાં ફેઝ-1ના કાર્યો થયા પૂર્ણ

અનેક રોકાણો સાથે માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR) એ ઓટોમોબાઇલના ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે બની ચૂક્યું છે અને અહીં મારૂતિ સુઝુકી અને હોન્ડા જેવી જાણીતી કંપનીઓ સ્થાપિત થયેલી છે. કુલ 102 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં નવ ગામો આવેલા છે, જેમાં હાંસલપુર, સીતાપુર, ઉઘરોજ, ઉઘરોજપુરા, ભગાપુરા, ગીતાપુર, ઉકરડી, ચાંદણકી અને શિહોરનો સમાવેશ થાય છે.

હાલ આ વિસ્તારમાં ફેઝ-1ની અંદર આવતા રોડ અને કનેક્ટિવિટિના કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે આગામી બે વર્ષમાં સ્ટ્રીટ લાઈટ, ગટરલાઈન, પીવાના શુદ્ધ પાણી જેવા ફેઝ-2ના કાર્યો પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો… Rajkot Division Special Campaign: રાજકોટ ડિવિઝન દ્વારા ટ્રેનોમાં જ્વલનશીલ પદાર્થોનું વહન કરનારાઓ સામે ચાલી રહી છે વિશેષ ઝુંબેશ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો