Multi Purpose Cyclone Shelter

Multi Purpose Cyclone Shelter: વાવાઝોડા સહિતની આફતમાં દરિયાકાંઠાના લોકો માટે સલામતીનું સરનામું બનતા મલ્ટી પર્પઝ સાયકલોન શેલ્ટર

Multi Purpose Cyclone Shelter: સરકાર દ્વારા દ્વારકા ખાતે વર્ષ ૨૦૨૧માં તૈયાર કરાયેલા પાકા મલ્ટી પર્પઝ સાયકલોન શેલ્ટર અસરગ્રસ્તો માટે રાહતરૂપ બન્યા

અમદાવાદ, 15 જૂનઃ Multi Purpose Cyclone Shelter: બિપરજોય પ્રકારના વાવાઝોડા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ લાવતા હોય છે. ભારે કરંટનાં લીધે દરિયાનું પાણી દરિયાકાંઠા નજીકના ગામોમાં ઘૂસીને જાનમાલની તારાજી સર્જતું હોય છે. વાવાઝોડાના સમયે ભારે પવનના કારણે કાચા મકાનો અને વૃક્ષો તૂટી પડવાના જોખમના કારણે લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં આશ્રયસ્થાનની જરૂર રહેતી હોય છે.

ગુજરાત દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. આથી વાવાઝોડા, દરિયાઈ તોફાનો અને ભારે વરસાદ જેવી આપત્તિઓ અહીં વારંવાર જોવા મળે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સમયાંતરે આવતા વાવાઝોડામાં લોકો માટે સલામત આશ્રયસ્થાન પૂરું પાડવાના આશયથી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા મલ્ટી પર્પઝ સાયક્લોન નાં કાયમી શેલ્ટરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે વર્ષ ૨૦૨૧માં દ્વારકા જિલ્લામાં વરવાળા, પિંડારા, ગાંધવી અને ગાંગડી ખાતે ચાર મલ્ટી પર્પઝ સાયકલોન શેલ્ટર તૈયાર કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાનાં જોખમને ધ્યાને રાખી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આવા નાગરિકો માટે આ શેલ્ટર સેન્ટરો સલામતીનું સરનામું બન્યા છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કિનારા નજીકના વિસ્તારો, ઝૂંપડપટ્ટી વિસ્તાર, કાચા મકાનમાં રહેતા મજૂર વર્ગ સહિતના વિસ્તારોમાંથી યુદ્ધના ધોરણે સ્થળાંતર કરાયેલા નાગરિકો આફત પૂરતા આ પાકા સાયકલોન શેલ્ટરમાં પોતાના પરિવાર સાથે સુરક્ષિત થયા છે.

દ્વારકા તાલુકાના વરવાળા ગામ ખાતે આવેલા શેલ્ટરમાં ઝવેરનગર અને મોતીનગર સહિતના ગામોના કુલ ૪૦૦થી વધુ લોકોને અહીંયા આશરો લઈ રહ્યા છે. વહીવટી તંત્ર તરફથી અહી જમવા સહિતની આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

દરિયાકાંઠે આવેલા ઝવેરનગર ગામના ચકુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, અહીંયા ન્હાવા, જમવાની સાથે-સાથે રહેવાની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. મારા પરિવારના ૬ લોકો સાથે અમે અહીંયા આવ્યાં છીએ. વાવાઝોડાની આગાહી સમયે પોલીસ અમારા ઘરે-ઘરે આવી અમારા ખબર અંતર પૂછતાં હતાં. ત્યારબાદ પાણી અને પવનના જોખમના કારણે અમારા લોકોનું અહીંયા સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સરકાર અમારા જેવા સામાન્ય લોકોનું પણ ઘરનાં માણસની જેમ ધ્યાન રાખી રહી છે. અમારે અહીંયા કોઈ તકલીફ નથી. તેમની વાતમાં સહમત થતાં તેમના પત્ની રાધાબેને જણાવ્યું હતું કે, અમને લોકોને અહીંયા લાવીને સરકારે ખૂબ જ સારું કાર્ય કર્યું છે. અહિયાં બધા જ સાહેબો આવીને અમારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખી રહ્યા છે.

અન્ય એક અસરગ્રસ્ત જયાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, વાવાઝોડાની આગાહી થતા અમને સરકારે બસોમાં બેસાડી અહીંયા લાવ્યા છે. અમારા પરિવારના લોકોની સાથે-સાથે વિસ્તારના બધા જ લોકો અહીંયા સલામત સ્થળે આવી ગયા છીએ. અહીંયા બધા જ લોકો અમે એક જ પરિવારની જેમ રહીએ છીએ. ચા,પાણી, જમવાની બધી જ વ્યવસ્થાનું સરકાર તરફથી સારું આયોજન કરવામાં આવ્યું છે.

ઝવેરનગર વિસ્તારના ગીતાબેન વાઘેલા જણાવે છે કે, ત્રણ ચાર દિવસથી અમે અહીંયા આવ્યા છીએ. અહીંયા અમે સલામત છીએ. સરકાર, ગ્રામ પંચાયત અને સરપંચ તરફથી ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. તાલુકાની સરકારી હોસ્પિટલ દ્વારા પણ અહી સારી સુવિધાઓ આપવામાં આવે છે.

અમારા બાળકો માટે પણ રૂમની સારી વ્યવસ્થા છે. અમારા માટે અહી અમારો સમાન મુકવા માટે લોકર સાથેના કબાટની પણ સુવિધા છે. સવારે ચા-નાસ્તો અને બાળકોને બિસ્કીટ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

વરવાળા સેન્ટર ખાતે ફરજ બજાવતા આચાર્ય શાંતિલાલ ભાઈ જણાવે છે કે, વરવાળા ખાતે તા. ૧૨થી ઝવેરનગર અને મોતીનગર વિસ્તારના તમામ લોકોનું અહીંયા સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગ તરફથી લોકોની સંભાળ માટે અહીંયા શિક્ષકોને ફરજ સોંપણી કરવામાં આવી છે. આ સેન્ટર પર ATDO અને ગ્રામ પંચાયત તલાટીને દેખરેખની કામગીરી સોંપવામાં આવી છે. સમયાંતરે જિલ્લા વહીવટી સ્ટાફ પણ આ સેન્ટરની મુલાકાત લે છે.

આ કેન્દ્ર ઉપર આરોગ્યલક્ષી સુવિધાઓ માટે બે આરોગ્યકર્મીઓ ૮-૮ કલાકની શિફ્ટમાં ૨૪*૭ ઉપલબ્ધ કરાવાય છે અને ઓપીડી પણ ચલાવવામાં આવે છે. દૂષિત પાણીના જોખમને ધ્યાને રાખી પાણીનું ક્લોરીનેશન પણ કરવામાં આવે છે. પ્રસુતિની વાર છે અને પરિવાર સાથે રહેવા ઇચ્છે છે તેવી સગર્ભા બહેનો અને નાના બાળક સાથે માતાઓ પણ અહી આશરો મેળવ્યો છે. પ્રાથમિક સારવાર માટેની દવાઓ પણ અહી ઉપલબ્ધ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને ગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ શેલ્ટર સેન્ટરોની મુલાકાત લઈ ઉપ્લબ્ધ વ્યવસ્થાનું નિરિક્ષણ કરી યોગ્ય માર્ગદર્શન સૂચના આપ્યા હતા. જિલ્લામાં કુલ ૬૫૦૦થી વધુ લોકોનું સલામતીના કારણોસર સ્થાળાંતર કરાવવામાં આવ્યું છે. જે પૈકીના ૫૩૧ જેટલા અસરગ્રસ્તો જિલ્લાના ચાર શેલ્ટર સેન્ટર ખાતે આશ્રય મેળવી રહ્યા છે.

આ પણ વાંચો… Sawan Month 2023: આ વખતે શ્રાવણ માસમાં આઠ સોમવાર આવશે, જાણો ક્યારે છે પહેલો સોમવાર…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો