Nal Se Jal Yojana

Nal Se Jal Yojana: આઝાદી બાદ પ્રથમવાર ધોલેરા તાલુકાના મહાદેવપુરા ગામના ગ્રામજનોને મળી ‘નલ સે જલ’ની ભેટ

Nal Se Jal Yojana: ‘નલ સે જલ’ યોજના અંતર્ગત મહાદેવપુરા ગામને ૧૦૦ ટકા નળ જોડાણથી આવરી લેવાયું

અમદાવાદ, 09 મેઃ Nal Se Jal Yojana: ‘જળ એ જ જીવન છે’. શુદ્ધ જળ સંસાધનો એ માનવીને કુદરત તરફથી મળેલી અણમોલ ભેટ છે. પાણીનો જ્યારે અભાવ થાય ત્યારે જ તેનો ખરો પ્રભાવ સમજાય છે. રાજ્ય સરકારની ‘નલ સે જલ’ યોજનાને પરિણામે સેંકડો ગામોના લાખો ઘરો સુધી પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય થયું છે. આ યોજના અંતર્ગત વાસ્મોના પ્રયાસોથી અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં આવેલા મહાદેવપુરા ગામે ૧૦૦ ટકા ‘નલ સે જલ’ની લક્ષ્યપ્રાપ્તિની સિદ્ધિ હાંસલ કરી છે.

આ અંગે વાત કરતા અમદાવાદ વાસ્મોના ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર ભીખાભાઇ એસ.રબારી તેમજ અમદાવાદ વાસ્મોના કાર્યપાલક આર.જે બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર ધોલેરા તાલુકાના મહાદેવપુરા ગામની વસ્તી ૧૬૦૫ છે. ગામના કુલ ૫૧૦ ઘરોમાં નળ કનેક્શનની કામગીરી રૂ. ૨૧.૦૬ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે.

આમ, પાણી પુરવઠાની જૂથ યોજનાઓ અને વાસ્મોના અથાગ પ્રયાસોથી ધોલેરા તાલુકાના મહાદેવપુરા ગામમાં જળક્રાંતિ થઈ છે. વર્ષો જૂની પાણીની સમસ્યાઓનું ‘જલ જીવન મિશન’ અંતર્ગત નિરાકરણ આવ્યું છે. ગામના પ્રત્યેક ઘરે નળ અને જળ પહોંચતાં ગ્રામજનોને પાણી માટેની રઝળપાટમાંથી મુક્તિ મળી છે.

ભીખાભાઇએ વધુમાં જણાવ્યું કે, મહાદેવપુરા ગામમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ગામનાં તમામ કુલ- ૫૧૦ ઘરોમાં નળ કનેકશન આપવામાં આવ્યા છે. આઝાદી બાદ પ્રથમવાર ધોલેરા તાલુકાના મહાદેવપુરા ગામના ગ્રામજનોને ‘નલ સે જલ’ ની ભેટ મળી છે. એટલું જ નહીં, સંપ મારફત ગામમાં સૌ પ્રથમ વખત પાણી વિતરણ કરવામાં આવ્યું છે, જેથી ગામમાં સૌ લોકો ખુશ-ખુશાલ છે.

ગામની જૂની પાણી સમિતિ તથા હાલની નવી પાણી સમિતિએ સાથે રહીને ગામને પાણી અપાવવા સહિયારા પ્રયાસો હાથ ધર્યા અને ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. ગામલોકોએ વાસ્મો, લોકફાળો ભરનાર ટાટા પાવર કંપની, તેમજ માહિતી સંસ્થા- ધોલેરાનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો.

વાસ્મોની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત મહાદેવપુરા ગામમાં રૂ. ૨૧.૦૬ લાખની યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ કુલ ૫૬૪૩ મીટર પાઇપ લાઇનની કામગીરી શરૂ થતા ગામ લોકોમાં આનંદનો પાર ન રહ્યો. આ ઉપરાંત ગામમાં ૧.૦૦ લાખ લીટર ક્ષમતાનો ભૂગર્ભ સંપ, પંપીંગ મશીનરી, તથા વીજ કનેકશનની કામગીરી સહિતની તમામ કામગીરી ‘નલ સે જલ’ યોજના અંતર્ગત પૂર્ણ કરવામાં આવી છે.

હાલમાં ગામમાં જૂથ યોજનાનું પાણી ઘેર-ઘેર મળવાથી બહેનોને બેડા લઇને પાણી ભરવા જવામાંથી મુક્તિ મળી છે. બાળકો નિયમિત શાળાએ જતા થયા છે, બહેનોને ઘરકામ, ખેતી તથા આજીવિકાની કામગીરીમાં વધુ સમય મળવા લાગ્યો છે. આમ, વાસ્મોના નલ સે જલ યોજનામાં સહયોગ તથા મહાદેવપુરાની પાણીદાર પાણી સમિતિના અથાગ પ્રયત્નોથી ગામની પીવાનાં પાણીની વિકટ સમસ્યાઓનો અંત આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જલ જીવન મિશનનો ઉદ્દેશ દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવીને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. જેના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં ‘નલ સે જળ’ યોજના અંતર્ગત દરેક ઘરને નળ મારફતે પાણી પૂરું પાડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો… Amrit Awas Utsav: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 12 મેના રોજ ગાંધીનગર ખાતે ઉજવાશે અમૃત આવાસોત્સવ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો