Rain 1

Rain in Gujarat: ગુજરાતમાં સિઝનનો 95 ટકા વરસાદ નોંધાયો, વાંચો સંપૂર્ણ અહેવાલ…

Rain in Gujarat: રાજ્યના 207 જળાશયોમાં 93 ટકા જળસંગ્રહ થયો

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ Rain in Gujarat: રાજ્યમાં ઓગસ્ટ કોરો ધાકોર જતાં ખેડૂતોના પાકને મોટુ નુકસાન જવાની ભિતી સેવાઈ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં મધ્યથી જ વરસાદે ફરીવાર રમઝટ બોલાવતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે. બીજી તરફ રાજ્યમાં વરસાદની 20 ટકાથી વધુ ઘટ હતી. જે હવે વરસાદ થતાં પુરાઈ ગઈ છે.

રાજ્યમાં સિઝનનો 95 ટકાથી વધુ વરસાદ ખાબકી ગયો છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 40 ઈંચ જેટલા વરસાદની જરૂર હોય છે તેની સામે 32 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિની વાત કરીએ તો, કચ્છમાં 138 ટકા, ઉત્તર ગુજરાતમાં 85 ટકા, મધ્ય ગુજરાતમાં 93 ટકા, સૌરાષ્ટ્રમાં 112 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 84 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો 32 ઈંચ સાથે 95.17 ટકા વરસાદ ખાબક્યો છે.

ઓગસ્ટમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ નહીં થવાથી સિંચાઈ અને પીવાના પાણીની તંગી ઉદ્ભવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. બંને ઝોનના જળાશયોમાં પણ પાણીનો જથ્થો ખાલી જવાની અણીએ હતો પરંતુ હવે વરસાદ થવાથી રાજ્યના તમામ ઝોનમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી દૂર થઈ ગઈ છે.

સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા જળસંગ્રહ

ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા જળસંગ્રહ નોંધાયો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર આજની સ્થિતિએ રાજ્યમાં મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.30 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં 3,34,080 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે. જે કુલ જળસંગ્રહ શક્તિના 100 ટકા જેટલો નોધાયો છે.

સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય 206 જળ પરિયોજનાઓમાં 4,98,312 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે. જે કુલ જળસંગ્રહ શક્તિના 89.29 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યભરના કુલ 28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 14 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 75.67 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92.11 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 95.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 59.53 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 78.77 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 27 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 63 જળાશયો મળી કુલ 90 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 28 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 20 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો… Trains Affected News: ભારે વરસાદને કારણે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો