Rishikesh patel

Rain Update in Gujarat: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ૧૦૦ થી ૧૩૦ ટકા વરસાદ નોંધાયોઃ ઋષિકેશ પટેલ

Rain Update in Gujarat: છેલ્લા ૧.૫ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની ક્ષમતાથી બમણું પાણી એકત્ર થયું- મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ Rain Update in Gujarat: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યમાં જુલાઇ માસમાં સારો વરસાદ પડ્યા બાદ ઓગષ્ટ માસ દરમિયાન નહિવત વરસાદ રહ્યો અને સપ્ટેમ્બર માસમાં ફરી વખત સારો વરસાદ પડ્યો છે. મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારમાં વરસાદની ઘટ્ટ હતી ત્યાં પણ સારો વરસાદ છેલ્લા ત્રણ દિવાસમાં પડ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ૧૦૦ થી ૧૩૦ ટકા વરસાદ નોંધાયો છે.

વિરોધીઓ દ્વારા આ આપત્તિને માનવસર્જિત આપત્તિ કહી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે ત્યારે આ આપત્તિ કુદરતી આપત્તિ હોવાનો સ્પષ્ટ મત મંત્રી ઋષિકેશ પટેલે વ્યકત કર્યો હતો. કેચમેન્ટ વિસ્તાર, ઉપરવાસનો વરસાદ અને અન્ય રાજ્યમાંથી છોડવામાં આવેલું પાણી આ ત્રણેય કારણો ઉપરાંત છેલ્લા ૧.૫ દિવસમાં સતત પડી રહેલા વરસાદને કારણે હાલની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું તેમણે જણાવ્યું હતુ.

બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ સર્જાતા તા. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના નર્મદા બેસીન ધરાવતા બધા જ જીલ્લાઓમાં અતિભારે વરસાદ થયો હતો. આ સ્ટોર્મ નર્મદા બેઝીનને સમાંતર આગળ વધ્યુ. આમ ઉપરવાસમાંથી આવતું પાણી અને સતત પડી રહેલા વરસાદનું પાણી ભેગું થયુ અને આવરો વધ્યો.

મધ્યપ્રદેશનો ડેમ અંદાજીત ૮૫% સુધી ભરાયેલા હોવાથી પાણી યથાવત સ્થિતીમાં છોડવામાં આવ્યુ. ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડાતા તા.૧૬મી સપ્ટેમ્બરની વહેલી સવારથી પાણી વધવા માંડ્યું. ઇન્દિરાસાગર થી ૧૬મીએ સવારે ૭.૦૦ વાગે ૬.૬૭ લાખ ક્યુસેક નર્મદામાં પાણી છોડવામાં આવ્યુ. એ વખતે સરદાર સરોવરની સપાટી ૧૩૫.૩૭ મીટર હતી. ત્યારે ૩.૩૧ મીટર એટલે ૧૦૩૪ MCMનું કુશન હતુ.

૧૫મી સપ્ટેમ્બરે NCA ની નિર્ધારિત લઘુત્તમ રૂલ લેવલ ૧૩૮.૧૨ મીટર હતુ. ૧૬મીએ ઓમકારેશ્વર ડેમમાંથી વહેલી સવારે ૩.૦૦ વાગે ૩૮,૦૦૦ ક્યુસેકથી વધારી ૪.૫૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જે ૮ થી ૧૨ કલાકે સરદાર સરોવર સુધીમાં પહોંચ્યું. ઓમકારેશ્વર અને સરદાર સરોવર વચ્ચેના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હતો. જેથી ૧૬ મી સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગે ૫.૩૧ લાખ ક્યુસેક ફ્લડનો ઇનફ્લો શરૂ થયો. જે વધીને રાત્રે ૧૧.૦૦ વાગે ૨૨ લાખ ક્યુસેક થયો.

નીચેના વાસમાં તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી અને ૧૬ સપ્ટેમ્બરના ૧૦ વાગે ૪૫,૦૦૦ થી ક્રમશ: વધારી ૫ લાખ, ૮ લાખ અને ૧૨ વાગે ૧૬ લાખ ક્યુસેક થયું. મહત્તમ આવરો ૧૬ સપ્ટેમ્બરે ૨૨ લાખ થયો. સરદાર સરોવર ડેમની આસપાસના વિસ્તારોમાં ન્યુનતમ અસરો થાય તે ઉદ્દેશય સાથે ૧૭ સપ્ટેમ્બરે ૧૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.

૧૬ સપ્ટેમ્બરે જીવંત સંગ્રહ ૧૦૯ % થી વધુ આવ્યો હતો. ડેમ ૧૧૦ % ભરાય તેટલુ પાણી ફક્ત ૧ થી દોઢ દિવસમાં જ આવ્યું. ૧૬મી સપ્ટેમ્બરે કડાણા ડેમ ૧૨૪૯ MCMની ક્ષમતાના ૩૭ ટકા ભરેલો હતો જેમા ૧૭મીએ ૨૬૪૧ MCM પાણી આવ્યું. એટલે કે ડેમની ક્ષમતા કરતાં બમણું પાણી આવ્યું. ઉપરાંત ઉકાઇ ડેમ ૭૪૧૪ MCM અને ૨૪૦ ફીટ લેવલથી ૮૩ ટકા ભરેલ હતુ. જેમાં હાલ પાણીની આવક ૨,૨૭,૦૦૦ ક્યુસેક છે અને ૨,૯૦,૦૦૦ પાણી આઉટ ફ્લો છે.

ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓનું સ્થળાંતર અને નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી ૬૧૭ વ્યક્તિઓનું રેસ્ક્યું કરાયું છે. રાજ્યના ૨૨૭ ગામો વીજળી ગઇ હતી જેને યુધ્ધના ઘોરણે પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરાઇ છે.

વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવેલી છે. એટલુ જ નહિ વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ પણ વાંચો… Ambaji Bhadravi Poonam Mahamelo-2023: મંથન અપંગ કન્યા સેવા સંકુલની દિકરીઓએ જય અંબેના 21 લાખ જેટલાં મંત્રોનું લેખન કર્યુ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો