Rajesh

Rajesh Won Gold Medal in Running Event: ગુજરાતના રાજેશે 200 મીટર રેસમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

Rajesh Won Gold Medal in Running Event: ગુજરાતના ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એસએઆઈ)માં તાલીમાર્થી રાજેશે 200 મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

  • 200મી. ચેમ્પિયન રાજેશ માટે પગ ગુમાવવો એ અવરોધક ન હતું

અમદાવાદ, 12 ડિસેમ્બરઃ Rajesh Won Gold Medal in Running Event: ગઈકાલે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં જ્યારે ટી64 કેટેગરીની 200 મીટરની ફાઇનલ શરૂ થઇ ત્યારે અહીંથી હજારો કિલોમીટર દૂર તમિલનાડુના તંબારામમાં આવેલી અન્નાયલાનકન્ની કોલેજમાં મોટા પડદા પર તેનું લાઇવ ટેલિકાસ્ટ થઇ રહ્યું હતું, કારણ કે આ કોલેજના બ્લેડ રનર્સમાંના એક રાજેશ કે પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લઇ રહ્યા હતા.

કોલેજ પ્રશાસન ઇચ્છતું હતું કે દરેક બાળક રાજેશને પરફોર્મ કરતા જુએ કારણ કે તેની વાર્તા ઘણી હિંમતની છે. રાજેશે પોતાના પ્રદર્શનથી જેએલએન સ્ટેડિયમના ટ્રેકને ઝળહળતો કર્યો અને 200 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો. 

આ પછી રાજેશે મંગળવારે પણ લોંગ જમ્પમાં ભાગ લીધો હતો પરંતુ તે નિરાશાજનક રીતે પાંચમા સ્થાને રહ્યો હતો. પરંતુ માત્ર 6 મહિનાની ઉંમરે પગ ગુમાવનાર રાજેશના અંગત જીવનમાં નિરાશા કે હતાશા જેવા શબ્દો માટે કોઈ સ્થાન નથી.

ગાંધીનગર (ગુજરાત)ના SAI સેન્ટર ખાતે નીતિન ચૌધરીની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરતા રાજેશનું અંગત જીવન એવી ઘટનાઓથી ભરેલું છે કે કોઈને પણ નિઃસાસા નાખે, પરંતુ તે ક્યારેય પોતાને દયાનો વિષય માનતો નથી. રાજેશ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવવા માંગે છે.

રાજેશે કહ્યું, “હું ભારતના ગોલ્ડ મેડલ વિજેતા પેરાલિમ્પિયન મરિયપ્પન થંગાવેલુ જેવું નામ કમાવવા માંગુ છું. હું જર્મન પેરા લોંગ જમ્પ એથ્લીટ માર્કસ રેહમ જેવો બનવા માગું છું, જેણે ટી64 લોંગ જમ્પ કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. 

અપંગતા મારા માર્ગમાં ક્યારેય અવરોધ બની ન હતી. મેં તેની ક્યારેય મારા પર અસર થવા દીધી નથી અને હંમેશાં એક સામાન્ય વ્યક્તિની જેમ જ વિચારતો હતો. મેં મારી જાતને કદી પણ દયાનો વિષય બનાવી નથી.”

જ્યારે રાજેશને પૂછવામાં આવ્યું કે શું તે જન્મથી જ વિકલાંગ છે, ત્યારે રાજેશે કહ્યું, “ના, હું જન્મથી અપંગ નથી. હું એક સામાન્ય બાળક તરીકે જન્મ્યો હતો, પરંતુ મારા પગમાં ચેપ લાગવાને કારણે, મારે સારવાર લેવી પડી હતી. 

ઈન્જેક્શન આપતી વખતે મારા પગમાં સોય તૂટી ગઈ હતી અને આ કારણે ઝેર ફેલાઈ ગયું હતું. પછી, મારા માતાપિતાની સલાહને અનુસરીને, ડોકટરોએ મારો જીવ બચાવવા માટે મારો પગ કાપી નાખ્યો, “રાજેશને તેની વેદના યાદ આવી.

રાજેશે જણાવ્યું કે, 10 મહિનાની ઉંમરે તેને પહેલો કૃત્રિમ પગ મળ્યો, જેની મદદથી તેણે પોતાનું ભવિષ્યનું જીવન જીવવાનું શરૂ કર્યું, પરંતુ જ્યારે તે સાતમા ધોરણમાં હતો ત્યારે તેના માતા-પિતા તેને છોડીને ચાલ્યા ગયા.

રાજેશના જણાવ્યા અનુસાર, “કૃત્રિમ પગ મેળવ્યા પછી જીવન સામાન્ય લાગતું હતું, પરંતુ પછી મારા માતાપિતા પરસ્પર સંમતિથી અલગ થઈ ગયા. અમને કોઈનો સાથ મળ્યો નથી. મને અને મારા જોડિયા ભાઈને અમારા દાદા અને દાદી સાથે રહેવાની ફરજ પડી હતી. મારા દાદાએ ઓટો ચલાવીને અમારો ઉછેર કર્યો છે.”

કૃત્રિમ પગ હોવા છતાં તે કેવી રીતે દોડવા લાગ્યો તે અંગે 24 વર્ષીય રાજેશે જણાવ્યું હતું કે, “હું છેલ્લા પાંચ કે છ વર્ષથી બ્લેડ રનિંગ કરું છું. મેં મારી સફર 2018માં શરૂ કરી હતી પરંતુ વર્ષ 2016માં, રિયો પેરાલિમ્પિક્સમાં ટેલિવિઝન પર ટી 42 કેટેગરીના હાઈ જમ્પ ગોલ્ડ મેડલ જીતનારા મરિયપ્પનથાંગાવેલુને જોઈને મને પ્રેરણા મળી હતી અને ત્યારથી મેં નક્કી કર્યું હતું કે મારે પણ ઓલિમ્પિયન બનવું છે.”

રાજેશે વધુમાં જણાવ્યું હતું કે, “એક દિવસ મારા એક મિત્રે ફોન કરીને કહ્યું કે, દેશ માટે રમવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે. તમે વિજયને મળો છો, જે તામિલનાડુના પ્રથમ વ્હીલચેર પ્લેયર છે. હું જ્યારે તેમને નેહરુ સ્ટેડિયમ ખાતે મળ્યો ત્યારે તેમણે મને બ્લેડ રનિંગ કરવાની સલાહ આપી હતી. 

મેં 2018માં પ્રેક્ટિસ શરૂ કરી હતી અને બે વાર નેશનલ્સ રમ્યો હતો. મેં માર્ચ 2023માં પુણેમાં યોજાયેલી 21મી પેરા નેશનલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી, તમિલનાડુ સરકારે મને નવી બ્લેડ આપી, જેની કિંમત 7.50 લાખ રૂપિયા છે.

રાજેશે કહ્યું કે તેમનો હેતુ પેરાલિમ્પિક્સ અને પેરા એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો છે. “હું પેરાલિમ્પિક અને પેરા એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવા માંગુ છું. અત્યારે હું ગોવામાં 9થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનાર પેરા નેશનલની તૈયારી કરી રહ્યો છું. ત્યાં ઠંડી ઓછી છે, તેથી મારું પ્રદર્શન વધુ સારું રહેશે. આ પછી હું ફેબ્રુઆરી 2024માં દુબઈમાં યોજાનારી ગ્રાં પ્રીની તૈયારી કરવા માંગુ છું.”

આ પણ વાંચો… Biparjoy Sahayata Rashi: ગૃહ મંત્રાલયે ચક્રવાત બિપરજોયથી અસરગ્રસ્ત ગુજરાતને કરોડોની નાણાકીય સહાય મંજૂર કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો