Sayaji hospital: કોવિડની લહેરમાં સમર્પિત સેવા આપતા મેડીસીન વિભાગના ૪૦ ટકા સિનિયર અને ૬૦ ટકા જુનિયર તબીબો સંક્રમિત થયાં-વાંચો વિગત
- રાજ્યમાં પ્રથમ ટોસિલીઝુમેબ ઇન્જેક્શન સયાજી હોસ્પિટલ(Sayaji hospital)માં મેડીસીન વિભાગ દ્વારા કોરોનાના દર્દીને આપવામાં આવ્યું હતું
- આ વિભાગે ટેલી મેન્ટરિંગ દ્વારા વડોદરા ઝોનના તબીબોને પ્રોટોકોલ પ્રમાણે કોવિડ સારવાર નું સતત માર્ગદર્શન આપ્યું છે
વડોદરા, 01 જુલાઇઃSayaji hospital: કોરોના મહામારીમાં એસ.એસ.જી. હોસ્પિટલના મેડીસીન વિભાગ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી છે. કોવિડની લહેરમાં સમર્પિત સેવા આપતા સયાજી હોસ્પિટલના મેડીસીન વિભાગના ૪૦ ટકા સિનિયર અને ૬૦ ટકા જુનિયર તબીબો કોરોના સંક્રમિત થયા પણ સ્વસ્થ થઈને ફરીથી કોરોના દર્દીઓની સેવામાં જોડાઈ ગયા હતા. ઉપરાંત રાજ્યમાં પ્રથમ ટોસિલીઝુમેબ ઇન્જેક્શન સયાજી હોસ્પિટલમાં મેડીસીન વિભાગ દ્વારા કોરોનાના દર્દીને આપવામાં આવ્યું હતું. તેમજ આ વિભાગે ટેલી મેન્ટરિંગ દ્વારા વડોદરા ઝોનના તબીબોને પ્રોટોકોલ પ્રમાણે કોવિડ સારવારનું સતત માર્ગદર્શન પણ પૂરુ પાડવામાં આવ્યું હતુ.
એસ.એસ.જી. હોસ્પિટલ(Sayaji hospital)ના મેડીસીન વિભાગની કામગીરીનો ચિતાર આપતા તબીબી અધિક્ષક ડો.રંજન અય્યરે જણાવ્યું કે, મેડીસીન વિભાગ દ્વારા સમગ્ર કોવિડ મહામારી દરમિયાન પ્રાથમિક અને અત્યંત મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. માર્ચ-૨૦૨૦ થી શરૂ કરીને હાલ સુધી સમગ્ર વિભાગના તમામ સ્તરના અધિકારીઓ તેમજ રેસીડેન્ટ તબીબોએ એસ.એસ.જી. હોસ્પિટલ જ નહિં પરંતુ સમરસ હોસ્ટેલ, ગોત્રી હોસ્પિટલ, યજ્ઞપૂરૂષ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ (અમદાવાદ), એસ.વી.પી. હોસ્પિટલ (અમદાવાદ) તેમજ યુ.એન.મહેતા હોસ્પિટલ (અમદાવાદ) ખાતે પણ કોવિડ વિષયક સેવાઓ પૂરી પાડી છે.
માત્ર ૨૫૦ બેડની ક્ષમતા ધરાવતા મેડીસીન વિભાગના હસ્તક મેડીસીનના સામાન્ય દર્દીઓની સારવાર ઉપરાંત કોવિડના ૧૨૫૦ પથારીના દર્દીઓની સારવારની સીધી જવાબદારી બીજી લહેર દરમિયાન આવી હતી. આ સમગ્ર સમય દરમ્યાન વિભાગ દ્વારા આશરે એસ.એસ.જી. હોસ્પિટલ(Sayaji hospital) તેમજ સમરસ હોસ્ટેલ ખાતે ૨૦,૦૦૦ થી વધુ દર્દીઓની સારવાર આપવામાં આવી હતી. વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.ના જણાવ્યા અનુસાર હોમ કેર હેઠળ ના દર્દીઓને આપવામાં આવેલી સેવાનો આંકડો ઉમેરીએ તો અંદાજે ૨૨ હજારથી વધુ દર્દીઓને સારવાર સેવા આપવામાં આવી છે.
કોવિડના આઇસોલેશન વોર્ડ જેની ક્ષમતા માત્ર ૨૪ પથારીની હતી તે ક્રમશ: વધારીને ૧૨૫૦ પથારીની સુધી લઈ જવામાં આવી હતી. જેમાં ૩૦૦ આઇસીયુ બેડ હતા જે સારવારના અદ્યતન સાધનોથી સજ્જ હતા. કોવિડ વિભાગમાં ખાસ જહેમત લઇને ગંભીર દર્દીઓની સારવાર માટે ડાયાલીસીસની સુવિધા પણ રાતોરાત ઉભી કરવામાં આવી. તેમ ડો. રંજન અય્યરે ઉમેર્યું હતું. આ કપરા કાળમાં મેડીસીન વિભાગના લગભગ ૪૦ ટકા અધિકારીઓ (સીનીયર ડોક્ટર્સ) અને ૬૦ ટકા જુનિયર તબીબો કોવિડથી સંક્રમિત થયા પણ સાજા થઇને ફરી દર્દીઓની સેવામાં જોડાઇ ગયા હતા.
આ રોગ નવો હોવાથી વિભાગના ડોક્ટર્સ દ્વારા સતત નવી ગાઇડલાઇન અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થયેલી નવીન શોધખોળોનો તલસ્પર્શી અભ્યાસ કરી બધી જ સારવાર અને પરિક્ષણો હોસ્પિટલ(Sayaji hospital) ખાતે મળી રહે તે માટે અથાગ પ્રયાસ કરવામાં આવ્યા. તેમજ અનેક રીસર્ચ કામગીરી પણ હાથ ધરાઇ. રાજ્યમાં પ્રથમ ટોસીલીઝુમેબ ઇન્જકશન મેડીસીન વિભાગ દ્વારા જ અપાયુ હતુ તે બાબત નોંધનીય છે. વિભાગને ખ્યાલ હતો જ કે, આ લડાઇ એકલા હાથે લડી શકાશે નહિં તેથી બધાજ કોર તેમજ નોન કોર વિભાગો ઉપરાંત નર્સિંગ, પેરામેડીકલ સ્ટાફ, ફીઝીયોથેરાપી વિભાગ, વર્ગ-૪ના કર્મચારીઓ સાથે સંકલન કરી અશક્ય લાગતું કામ પાર પાડવામાં આવ્યું હતું.
સાથે જ ખાસ ફરજ પરના અધિકારી શ્રી વિનોદ રાવ, ડીન ડો. તનુજાબેનનુ માર્ગદર્શન મહત્વનુ બની રહ્યુ. તેમ શ્રી અય્યરે ઉમેર્યું હતું.
આ મહામારી દરમિયાન મેડીસીન વિભાગ દ્વારા વડોદરા ઝોનના બધા જ તબીબોને કોવિડના દર્દીઓની સારવાર સંબંધિત માર્ગદર્શન ટેલીમેન્ટરીંગ દ્વારા પૂરું પાડવામાં આવ્યું. હાલમાં ચાલી રહેલા મ્યુકોર માયકોસીસના દરેક દર્દીઓના કેસમાં પણ ડાયાબીટીસ કે અન્ય મેડીકલ તકલીફ તેમજ દવાની આડઅસરો તેમજ કીડની પરની અસરનું મોનીટરીંગ અને તે અંગેનું માર્ગદર્શન પણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. શરૂઆતમાં આ રોગ પ્રતિ ખૂબજ ભયથી જોવામાં આવતું અને સમગ્ર શહેરમાં જ્યારે કોઇપણ જગ્યાએ સારવાર નહોતી અપાતી ત્યારે એસ. એસ. જી. હોસ્પિટલ(Sayaji hospital)ના રેસીડેન્ટ તબીબો તેમજ વિભાગના સિનિયર તબીબો દ્વારા એન.આર.આઇ. શ્રી ચિરાગ પંડીતને આઇસોલેશન વોર્ડમાં સારવાર અપાઇ હતી જે સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા હતા.
આ સમગ્ર મહામારી દરમિયાન વિભાગનું સંચાલન ઓગષ્ટ ૨૦૨૦ સુધી ડો.સ્મિતાબેન ત્રિવેદીએ સંભાળ્યું હતુ અને ત્યારબાદ તેઓ વયોનિવૃત થતાં ડો.રૂપલ દોસીએ સંભાળ્યું. જે હાલમાં વિભાગના વડા છે. તેમણે આ વિભાગની કમાન સંભાળી કામકાજ આગળ ધપાવ્યું છે. વિભાગના બધાજ સિનિયર અધિકારીઓએ સમયાંતરે નોડેલ ઓફીસર તરીકેની એટલે કે દર્દીઓની સુવિધા અને સારવારલક્ષી તકેદારી તેમજ અન્ય વિભાગો, સગાસંબંધીઓ સાથે સંકલન ઉપરાંત નિયમિત દવાઓના પુરવઠાની સંભાળ રાખી આંકડાકીય માહિતી પૂરી પાડવાનું કાર્ય કરવામાં આવ્યું. બીજી લહેરની ચરમ સીમાએ એસ.એસ.જી.હોસ્પિટલ(Sayaji hospital) ખાતે ડો.મિનલ શાસ્ત્રી તેમજ સમરસ હોસ્ટેલ ખાતે ડો.કૃતિક બ્રહ્મભટ્ટની નોંધનીય સેવાઓ રહી.
દર્દીના મૃત્યુ બાદ ડેથ ઓડીટ તેમજ ડેથ ક્લેમ માટેના જરૂરી સર્ટીફીકેટ પણ મેડીસીન વિભાગ દ્વારા જ ચોકસાઈપૂર્વક આપવામા આવી રહ્યા છે. આમ, મેડીસીન વિભાગ ૧૫ મહિના કરતા વધુ સમયથી પરસ્પર સહયોગથી નિરંતર સેવા બજાવી રહ્યો છે. તેમ એસ.એસ.જી. હોસ્પિટલ(Sayaji hospital)ના તબીબી અધિક્ષક રંજન અય્યરે જણાવ્યુ હતું. તેમણે ૧ લી જુલાઈના રોજ ઉજવાતા ડોક્ટર્સ ડે નિમિત્તે સહુ સેવાભાવી તબીબો અને સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.