pfizer

આવી ગઇ કોરોનાની વેક્સિન, આવતા સપ્તાહથી બ્રિટનમાં શરુ થશે વેક્સિનેશન

pfizer sixteen nine

અમદાવાદ, 02 ડિસેમ્બરઃ યુનાઇટેડ કિંગડમે ફાઇઝર અને બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂપી આપી દીધી છે. અમેરિકા અને યુરોપીય સંઘના નિર્ણય પહેલા ફાઇઝર અને બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપનારો યુનાઇટેડ કિંગડમ પહેલો પશ્ચિમી દેશ બની ગયો છે. આ વેક્સિન આવતા અઠવાડિયાથી બ્રિટન ખાતે ઉપલબ્ધ થશે. બ્રિટન સરકારે આ વેક્સિન સરળતાથી દરેક નાગરિકને મળી જાય એ માટે તેના ડોક્ટરોને સ્ટેન્ડ બાય રાખ્યા છે.

અમેરિકા ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેકની જોઇન્ટ કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 95 ટકા અસરકારક સાબિત થઈ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, વેક્સિન ઉંમરલાયક લોકો પર અસરકારક રહી છે. એની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. ફાઈઝર ડિસેમ્બર સુધી વેક્સિનના 5 કરોડ ડોઝ તૈયાર કરવાની યોજના ધરાવે છે. ફાઈઝરની ફેઝ-3માં ટ્રાયલમાં આશરે 44 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ પૈકી 170 લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા. એમાંથી 162 દર્દી એવા હતા કે જેમને વેક્સિન નહીં, પણ પ્લેસિબો આપવામાં આવી હતી.

કોરોનાના ઈલાજ માટે ફાઈઝરની વેક્સિન ભારતમાં લાવવા માટે ઘણી અડચણો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે, દેશમાં આ રસીને રાખવા તેમજ તેના લોજિસ્ટિક માટે સુપર કોલ્ડસ્ટોરેજની સગવડતા નથી. આ પરિસ્થિતિમાં રસીને ભારત માટે ઉપલબ્ધ કરાવવી થોડી મુશ્કેલ છે. આ ઉપરાંત ફાઈઝરની વેક્સિનની કિંમત પણ ઘણી ઊંચી છે.

whatsapp banner 1

ફાઈઝરની કોરોના વેક્સિન ભારતમાં ઉપલબ્ધ બને એ માટે ભારત સરકાર કંપની સાથે વાત કરવા માટે તૈયાર છે. કયા લેવલે કેવી તૈયારીઓ કરવી પડશે એ માટે પણ સરકાર સક્રિય રીતે માહિતી મેળવી રહી છે. અત્યારે સૌથી મોટો પ્રશ્ન સુપર કોલ્ડસ્ટોરેજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે. ભારતનાં મોટાં અને મેટ્રો શહેરોમાં પણ આ પ્રકારની સગવડતા પૂરતા પ્રમાણમાં નથી.

કંપનીએ દાવો કર્યો છે કે, 2020ના અંત સુધીમાં 5 કરોડ ડોઝ અને 2021ના આખર સુધીમાં તે 1.3 અબજ વેક્સિન ડોઝ બનાવવા સક્ષમ છે. હાલના સંજોગોને જોતાં રસી 30 દિવસની અંદર ઉપયોગમાં લેવાઈ જશે, એટલે એને સ્ટોર કરવા માટે કોઈ તકલીફ ઊભી થશે નહિ.

ઉલ્લેખનીય છે કે, જે દેશે વેક્સિન શોધી છે તે સૌથી વધારે કોરોના સંક્રમણની દૃષ્ટિએ બ્રિટન વિશ્વમાં સાતમો દેશ છે. બ્રિટનમાં 16 લાખ 43 હજાર 86થી વધારે કેસ નોંધાયા છે, જ્યારે 59 હજાર 51થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ 1,415 લોકો ગંભીર છે. અહીં કુલ 4.37 કરોડ લોકોના ટેસ્ટ કરાયા છે.