Raghavji patel

Viksit Gujarat: વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની કેડી કંડારતું એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર

Viksit Gujarat: રાજ્યમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસથી આવનાર ૨૫ વર્ષમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રની કાયાપલટ થશે: કૃષિ મંત્રી રાઘવ પટેલ

ગાંધીનગર, 19 જાન્યુઆરીઃ Viksit Gujarat: ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાત આજે ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે તો અગ્રેસર બની જ રહ્યું છે, સાથે જ ગુજરાત કૃષિ ઉદ્યોગ હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. છેલ્લા બે દશકમાં ગુજરાતે કૃષિ અને બાગાયત ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી છે. હવે સમય કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન અને માર્કેટિંગનો છે.

કૃષિ મંત્રી રાઘવ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આવનાર ૨૫ વર્ષમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રની કાયાપલટ થશે. રાજ્યના વિકાસમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. આટલું જ નહીં, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડવા માટે પણ સક્ષમ છે. હાલમાં ભારતના એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના નિકાસમાં ગુજરાત અગ્રેસર છે.

કૃષિ મંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતના કૃષિ ઉત્પાદનો વિવિધતાનો ભંડાર છે. ખેડૂતો દ્વારા ઉત્પાદિત પાકોમાં મૂલ્યવર્ધનની સંભાવનાઓ પુષ્કળ છે. પાકનું મૂલ્યવર્ધન અને માર્કેટિંગ કરી તેને વેચવામાં આવે અથવા નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ ઉપરાંત નવી રોજગારીનું પણ સર્જન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનથી આ દિશામાં આગળ વધતા ગુજરાત સરકાર હવે ખેડૂતો સાથે કૃષિ ઉદ્યોગોને પણ પ્રાધાન્ય આપશે.

સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (૨૦૧૬-૨૦૨૧) અંતર્ગત ગુજરાતના એગ્રો ફૂડ પ્રોસેસિંગ કરતા ૪૯૦થી વધુ એકમોને રાજ્ય સરકાર દ્વારા મૂડી રોકાણ તથા બેંક લોન પર વ્યાજ સહાય પેટે રૂ. ૩૨૭ કરોડની નાણાકિય સહાય આપવામાં આવી છે. ગુજરાતમાં કૃષિ પ્રોસેસિંગના એકમોની સ્થાપના થવાથી ગુજરાતની ખેત-પેદાશોમાં મૂલ્ય-વર્ધનની તકોમાં અભૂતપૂર્વ વધારો થયો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ-૨૦૨૨ હેઠળ પણ કૃષિ ફૂડ પ્રોસેસિંગને ‘થ્રસ્ટ સેક્ટર‘ તરીકે ઓળખી કાઢવામાં આવ્યું હતું. આજે ભારતની કૃષિ નિકાસમાં ગુજરાતનો ફાળો વધારે છે. રાજ્યની કૃષિ પેદાશો તેમજ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ વૈશ્વિક સ્તરે નિકાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે.

તાજેતરમાં જ આણંદ ખાતે ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે ‘એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતની લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ’ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ માટે વિષય નિષ્ણાંતો દ્વારા વિવિધ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

આ પ્રિ-વાયબ્રન્ટ સેમિનાર દરમિયાન રૂ. ૪૮૭૦ કરોડના કુલ ૭ MoU સાઇન કરાયા હતા. આ ઉપરાંત ગાંધીનગર ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને વેગ મળે તે માટે રૂ. ૩૨૭૫ કરોડના કુલ ૯ MoU સાઇન કરવામાં આવ્યા હતા, તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું.

મંત્રીએ વધુમાં કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગુજરાત એગ્રો દ્વારા એગ્રો ફૂડ પ્રોસેસિંગ સંદર્ભે પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત એગ્રો પવેલિયનમાં FPO અને PMFME યોજનાના લાભાર્થીઓને નાના સ્ટોલ વેચાણ અર્થે વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાયબ્રન્ટ સમિટમાં લગભગ ૨૫ જેટલી B2B/B2G મીટીંગો થઇ હતી, જેમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગના ઉદ્યોગકારો, મશીન મેન્યુફેક્ચર કંપનીઓ અને નાના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો.

એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને વિકસાવવા માટે ગુજરાત પાસે ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી, કૃષિ ઉત્પાદોની વિવિધતા સહિત જરૂરી તમામ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ છે. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના મહત્વને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોનો સંસ્થાગત રીતે વિકાસ થાય તે માટે ઇન્ડેક્ષ-એ (એગ્રી એક્ષ્ટેન્શન બ્યુરો) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઇન્ડેક્ષ-એ ભારત સરકારની તમામ સંસ્થાકીય વ્યવસ્થાઓ સાથે લાઈઝન કરી, ગુજરાતનાં એગ્રી બિઝનેશ સેકટરને વેગ આપશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો… Boeing India Engineering & Technology Center: પ્રધાનમંત્રીએ બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો