જિયો પ્લેટફોર્મ્સમાં હવે વિસ્ટા રૂ. 11,367 કરોડનું રોકાણ કરશે; 2.32 ટકા હિસ્સો ખરીદશે; જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 લાખ કરોડ થયું

ડિજિટલ ઇન્ડિયાનું વિઝન સાકાર કરવામાં મદદરૂપ થવા જિયો પ્લેટફોર્મ્સ સાથે વિશ્વના અગ્રણી સોફ્ટવેર અને ટેકનોલોજી ઇન્વેસ્ટર પાર્ટનર્સ સામેલ થયા

screenshot 20200330 201535 011547121253545919191

મુંબઈ, 8 મે, 2020:

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“જિયો પ્લેટફોર્મ્સ”)એ આજે જાહેરાત કરી હતી કે, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ (“વિસ્ટા”) જિયો પ્લેટફોર્મ્સમાં 2.32 ટકા હિસ્સો ખરીદશે. આ સોદા માટે જિયો પ્લેટફોર્મ્સમાં વિસ્ટા રૂ. 11,367 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ રૂ. 5.16 લાખ કરોડ થઈ છે. સાથે સાથે આ રોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફેસબુક પછી વિસ્ટા સૌથી મોટી રોકાણકાર બની જશે. આ સાથે જિયો પ્લેટફોર્મ્સે ત્રણ અઠવાડિયાથી ઓછા ગાળામાં અગ્રણી ટેકનોલોજી રોકાણકારો પાસેથી કુલ રૂ. 60,596.37 કરોડનું રોકાણ મેળવ્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી કંપની છે. જિયો એની જુદી જુદી ડિજિટલ એપ, ડિજિટલ ઇકોસિસ્ટમ અને ભારતના #1 હાઈ સ્પીડ કનેક્ટિવિટી પ્લેટફોર્મને એક છત હેઠળ લાવીને ભારતમાં ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. 388 મિલિયનથી વધારે સબસ્ક્રાઇબરને કનેક્ટિવિટી પ્લેટફોર્મની સેવા આપતી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ એ જિયો પ્લેટફોર્મની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે જળવાઈ રહેશે.

જિયો 1.3 અબજ ભારતીયો અને વ્યવસાયોને ડિજિટલ ઇન્ડિયા સાથે સક્ષમ બનાવવાનું વિઝન ધરાવે છે, ખાસ કરીને નાનાં વેપારીઓ, નાના વ્યવસાયો અને ખેડૂતોને. જિયોએ ભારતીય ડિજિટલ સર્વિસીસ સેગમેન્ટમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકનોલોજીમાં લીડર બનવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. જિયો દુનિયામાં ભારતને અગ્રણી ડિજિટલ અર્થતંત્રોમાં સ્થાન અપાવવાનો ઉદ્દેશ ધરાવે છે.

વિસ્ટા વિશ્વની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ પૈકીની એક છે, જે ઉદ્યોગોને નવી દિશા આપતી અને પરિવર્તનનો પવન ફૂંકતી સોફ્ટવેર, ડેટા અને ટેકનોલોજી અનેબલ્ડ કંપનીઓમાં રોકાણ કરીને એને વૃદ્ધિ કરવા માટે સક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિસ્ટાએ વિવિધ કંપનીઓમાં કુલ 57 અબજ ડોલરથી વધારેનું રોકાણ કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એની કંપનીઓનું નેટવર્ક સંયુક્તપણે દુનિયામાં એને 5મી સૌથી મોટી એન્ટરપ્રાઇટ સોફ્ટવેર કંપની બનાવે છે. એન્ટરપ્રાઇઝ સોફ્ટવેરમાં 20 વર્ષના રોકાણના અનુભવ સાથે વિસ્ટાનું માનવું છે કે, ટેકનોલોજીની પરિવર્તન કરવાની ક્ષમતા વધારે ઉજ્જવળ ભવિષ્ય એટલે સ્વસ્થ પૃથ્વી, સ્માર્ટ અર્થતંત્ર, વિવિધતાસભર અને સર્વસમાવેશક સમુદાય અને સમૃદ્ધિના વધારે વ્યાપક માર્ગની ચાવી છે. અત્યારે ભારતમાં વિસ્ટાની પોર્ટફોલિયોની કંપનીઓ 13,000થી વધારે કર્મચારીઓ સાથે નોંધપાત્ર કામગીરી ધરાવે છે.

એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર, ડેટા અને ટેકનોલોજી અનેબલ્ડ કંપનીઓમાં રોકાણ કરતી વિસ્ટાનું જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ આંતરરાષ્ટ્રીય સ્તરના ડિજિટલ પ્લેટફોર્મમાં રોકાણ કરવાનો વધુ એક પુરાવો છે, જે જિયોએ ઊભું કર્યું છે, જેને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉન્ડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન જેવી અદ્યતન ટેકનોલોજીનું પીઠબળ પ્રાપ્ત છે.

જિયો પ્લેટફોર્મ્સમાં વિસ્ટાના રોકાણ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “મને વિશ્વની અગ્રણી ટેકનોલોજી રોકાણકાર કંપનીઓ પૈકીની એક અને કિંમતી પાર્ટનર તરીકે વિસ્ટાને આવકારવાની ખુશી છે. અમારા અન્ય પાર્ટનર્સની જેમ વિસ્ટા તમામ ભારતીયોના લાભ માટે ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમની વૃદ્ધિને જાળવવા અને પરિવર્તન કરવાનું વિઝન ધરાવે છે. તેઓ ટેકનોલોજીની પરિવર્તન કરવાની ક્ષમતાને દરેક માટે ઉજ્જવળ ભવિષ્યની ચાવી માને છે. રોબર્ટ અને બ્રાયનના પરિવારો ગુજરાતમાંથી છે. આ બંને ઉત્કૃષ્ટ ગ્લોબલ ટેકનોલોજી લીડર છે, જેમની ભારતની વિકાસગાથામાં અને ડિજિટલ ઇન્ડિયન સોસાયટીમાં પરિવર્તિત થવાની સંભવિતતામાં વિશ્વાસ છે. અમે વિસ્ટાની પ્રોફેશનલ કુશળતા અને બહુસ્તરીય સપોર્ટનો ઉપયોગ કરવા આતુર છીએ, જેનો લાભ જિયોને મળશે.”

આ રોકાણ પર વિસ્ટાના સ્થાપક, ચેરમેન અને સીઇઓ રોબર્ટ એફ સ્મિથે કહ્યું હતું કે, “અમે ડિજિટલ સોસાયટીની સંભવિતતામાં માનીએ છીએ, જે જિયોએ ભારત માટે ઊભી કરી છે. જિયોની આંતરરાષ્ટ્રીય સ્તરની લીડરશિપ ટીમ સાથે પથપ્રદર્શક બનવાના મુકેશ અંબાણીના વિઝન સાથે કંપનીએ શરૂઆતથી જ ડેટા રિવોલ્યુશન કર્યું છે અને એને આગળ વધાર્યું છે. અમને ભારતમાં કનેક્ટિવિટીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ પ્રદાન કરતા જિયો પ્લેટફોર્મ્સમાં જોડાવાની ખુશી છે, જે દુનિયાનાં સૌથી વધુ ઝડપથી વિકસતા ડિજિટલ અર્થતંત્રો પૈકીના એક ભારતીય અર્થતંત્રને વેગ આપવા આધુનિક કન્ઝ્યુમર, સ્મોલ બિઝનેસ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પ્રદાન કરે છે.”

આ નાણાકીય વ્યવહાર નિયમનકારી અને અન્ય કાયદેસર મંજૂરીઓને આધિન છે.

આ સોદામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નાણાકીય સલાહકાર તરીકે મોર્ગન સ્ટેન્લી અને કાયદાકીય સલાહકાર તરીકે એઝેડબી એન્ડ પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલે કામ કર્યું હતું. વિસ્ટાના કાયદાકીય સલાહકાર તરીકે કિર્કલેન્ડ એન્ડ એલિસ એલએલપી અને શાર્દૂલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપનીએ કામ કર્યું હતું.