Sydney Ram Utsav

Sydney Ram Utsav: રામ ભક્તિમાં મગ્ન થયું ઓસ્ટ્રેલિયા, રામા ફાઉન્ડેશન દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય મહોત્સવ

Sydney Ram Utsav: રામા ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ લઈને ઓસ્ટ્રેલિયાનાં આઈકોનિક પ્લેસ ગણાતાં હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ખાતે ભજન કીર્તન કરવામાં આવ્યા

અહેવાલ: વૈભવી જોશી, સિડની

સિડની, 22 જાન્યુઆરીઃ Sydney Ram Utsav: દેશભરમાં હાલ રામ નામની જ ચર્ચા છે. આશરે પાંચસો વર્ષની આતુરતાનો અંત આવ્યા બાદ ભગવાન શ્રી રામનાં મંદિરની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આખો દેશ હાલ રામ નામની ભક્તિમાં ડૂબી રહ્યો છે, ત્યારે મારી જેમ વિદેશમાં વસતાં ગુજરાતીઓ અને ભારતીયો પણ આમાંથી બાકાત નથી. વતનને છોડીને સાત સમુંદર પાર ગયેલા મારાં જેવા કેટલાંય ગુજરાતીઓ વિદેશની ધરતી પર પણ રામનાં નામનો જયઘોષ કરી રહ્યા છે.

ગયું વર્ષ મારાં માટે અત્યંત યાદગાર રહ્યું કેમકે ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ ગયાં વર્ષે સિડની ખાતે યોજાયો અને આ કાર્યક્રમનું સંચાલન કરવાની મને અમૂલ્ય તક મળી જે મારાં જેવી એક કૃષ્ણપ્રેમી માટે તો આજીવન સંભારણું બની રહ્યું. તો આ વર્ષ પણ મારાં માટે એટલું જ યાદગાર રહેશે કેમકે આ વર્ષે અયોધ્યામાં યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રતિકૃતિ સમાન સિડનીમાં યોજાયેલાં શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનાં ભવ્ય મહોત્સવનાં કાર્યક્રમનું સંચાલન કરવાની અભૂતપૂર્વ ક્ષણ પણ મારાં ભાગે આવી. આ બદલ બંન્ને સંસ્થાઓની હું આજીવન ઋણી રહીશ કે મને આવા ઉત્તમ કાર્યક્રમમાં મારી સેવા આપવા માટે યોગ્ય ગણી.

આ પ્રભુની ઈચ્છા અને આશીર્વાદ હોય તો જ શક્ય બને. એથીય વિશેષ તો મારી દીકરી શાન્વી અને મારી ખાસ સખી Harita Mehta નો દીકરો પ્રહર આ બંન્નેની જોડીએ ફરી એક વાર કમાલ કરી અને અમારી કર્મભૂમિ ઓસ્ટ્રેલિયા અને જન્મભૂમિ મા ભારતી એમ બંનેનાં નેશનલ એન્થમ સ્ટેજ પર ગાઈને અમારું માથું ગર્વથી ઊંચું કર્યું એ પણ પ્રભુ શ્રી રામનાં આશીર્વાદ જ ને. આ કાર્યક્રમ તમામ સિડની વાસીઓ માટે આજીવન સંભારણું બની રહ્યો તો મને થયું આ કાર્યક્રમનો આનંદ આપ સહુ સાથે પણ વહેંચું. તો ચાલો તમને પણ લઈ જઉં આ કાર્યક્રમની આરંભથી અંતની સફર માણવા.

Sydney Ram Utsav 1

અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉત્તેજનાનો માહોલ છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર અયોધ્યા જ રામમય નથી બન્યું પરંતુ વિશ્વનાં અનેક શહેરોમાં અનેક કાર્યક્રમો દ્વારા આ ઉત્સવની ઉજવણી થવાની છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા,અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની અને જાપાન સહિત ૬૦થી વધુ દેશોમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પાવન અવસરે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ અને ભારતીય સમુદાયમાં પણ અનેરો ઉત્સાહ છવાયો છે. અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખા ઓસ્ટ્રેલિયામાં અનેકવિધ કાર્યક્રમોનાં આયોજન શરુ થઈ ગયા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઓસ્ટ્રેલિયાનાં સિડની શહેર ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને એટલું જ નહીં પણ મોટાં પાયે રામ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ માટે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો દ્વારા ખાસ Shri Rama Foundation Australia ની રચના કરવામાં આવી છે. આ સંગઠનનાં બેનર હેઠળ બધા જ સ્વયંસેવકો અને ઘણી બધી ધાર્મિક સંસ્થાઓએ એક્ઠા થઈને રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી. આ ઉજવણી માટે પ્રિ ઈવેન્ટ અને મુખ્ય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિ ઈવેન્ટ અંતર્ગત રામા ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ લઈને ઓસ્ટ્રેલિયાનાં આઈકોનિક પ્લેસ ગણાતાં હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ખાતે ભજન કીર્તન કરવામાં આવ્યા અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાઈ હતી.

રામા ફાઉન્ડેશનનાં સ્વયંસેવકોનું માનવું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તેનાથી અમે બધા અત્યંત ખુશ છીએ પણ અમે અયોધ્યા જઈને પ્રત્યક્ષ રૂપથી એમાં સહભાગી નથી થઈ શકવાના એટલે અમે અહીંયા જ તેની ઉજવણી કરી રહ્યા છીએ. સાથે જ લોકોમાં પણ જાગૃતિ આવે કે રામ ભારતીયોનાં આરાધ્ય દેવ છે અને અયોધ્યા જેવી પવિત્ર જગ્યા પર મંદિર નિર્માણ થઈ રહ્યું છે. એટલે જ ખાસ ઓસ્ટ્રેલિયાનાં સિડનીમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઈવેન્ટ માટે સેંકડો સ્વયંસેવકોએ કોઈ પણ લાભ વગર સેવા આપી છે. સાથે જ જુદી જુદી ધાર્મિક સંસ્થાઓએ ભેગા થઈને અહીં ફૂડ સ્ટોલ્સ પણ કર્યા હતાં. જો કે તેનો હેતુ ધંધાકીય નથી. આ ઈવેન્ટમાં જે પણ આવક થશે, તે બધી જ અયોધ્યા ખાતે રામ મંદિરનાં નિર્માણમાં મોકલી આપવામાં આવશે. ગઈકાલે અહીંના પ્રખ્યાત બ્લેકટાઉન શો ગ્રાઉન્ડમાં રામા ફાઉન્ડેશન દ્વારા ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતીઓનો ગઢ ગણાતા હરિશપાર્ક અને માર્સડેન પાર્ક વિસ્તારમાંથી ગાડીઓની સાથે ભગવાન રામની રથયાત્રા નીકળી હતી અને શો ગ્રાઉન્ડ પર પહોંચી હતી.

હું અને મારી સંચાલક મિત્ર અર્ચના અમે શો ગ્રાઉન્ડ પર પહેલેથી જ હાજર હતાં કેમકે આ આખા કાર્યક્રમનું સંચાલન અમારે બંન્નેએ સંભાળવાનું હતું. આ શો ગ્રાઉન્ડ પર નાનકડી પરેડ પણ યોજાઈ, જેમાં ભારતીય સંસ્કૃતિનાં દર્શન થયાં. જ્યાં સુધી નજર ફેરવો ત્યાં સુધી માનવ મહેરામણ ઉમટ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સહુ પ્રથમ ગણેશ વંદનાથી કરવામાં આવી.

ત્યારબાદ હાજર રહેલાં મહાનુભાવોએ પોતાની અનુભૂતિનું વર્ણન કર્યું. એ પછી તલવારબાજીનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું જેણે સહુનાં રોમેરોમમાં અદમ્ય જુસ્સો ભરી દીધો. ત્યારબાદ હનુમાન ચાલીસાનાં પાઠ અને રામધૂન પણ કરવામાં આવ્યા. સાથે જ ભગવાન રામની થીમ પર જુદાં-જુદાં કલ્ચરલ પરફોર્મન્સ પણ થયાં, જેમાં શ્રી રામના જીવનકાળની ઘટનાઓ દર્શાવવામાં આવી હતી અને અયોધ્યા વિશે માહિતી આપવામાં આવી હતી.

સહુથી વધુ જોશ અને જુસ્સો અનુભવી પેઢી એટલે કે વડીલો અને આવનારી પેઢી એટલે કે બાળકોમાં જોવા મળી રહ્યો હતો. તો વળી યુવાવર્ગ પણ એટલા જ ઉત્સાહથી કાર્યોમાં લાગેલો હતો. રામાયણને લગતા પ્રશ્નોનાં સાચા જવાબ આપી બાળકોએ મારાં મનમાં ક્યાંક ઊંડે-ઊંડે એ શ્રદ્ધાનાં બીજ રોપ્યાં હતાં કે વડીલોનાં માર્ગદર્શનમાં આપણી સનાતન સંસ્કૃતિની ધરોહર આવનારી પેઢી ચોક્કસ જાળવશે.

એ સિવાય Juhi Bhavsar જુહી ભાવસાર દ્વારા ચલાવાતી અહીંની ખૂબ જ જાણીતી નૃત્ય સંસ્થા Nrityam Sydney Dance Studio દ્વારા અત્યંત સુંદર શાસ્ત્રીય નૃત્ય રજુ કરવામાં આવ્યાં જેણે સહુનાં મન પર રામ નામની મહોર લગાવી દીધી હતી. આખાંય કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ટૂંકમાં રજુ કરેલું રામાયણ હતું જે માત્ર ૨૪ કલાકનાં ટૂંકા ગાળામાં અહીંના ભારતીય સમુદાયનાં લોકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આખુંય વાતાવરણ જય શ્રી રામનાં જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

આખરે શ્રી રામની પૂજા અને આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને છેલ્લે ફાયર વર્ક્સ એટલે કે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. આમ તો ઓસ્ટ્રેલિયામાં ફાયરવર્ક્સ કરવાની પરવાનગી મળવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ શ્રીરામનાં સ્વાગતનો આનંદ મનાવવા માટે અહીં રામ ફાઉન્ડેશનનાં મુખ્ય કાર્યકર્તાઓએ ખાસ પ્રયત્નો કરીને સ્થાનિક તંત્ર પાસેથી આતશબાજી કરવાની પરવાનગી મેળવી હતી.

આ પરવાનગી મળે એમાં અહીંના સ્થાનિક રાજકારણીઓનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો. ઘણા બધા ભારતીય મૂળનાં રાજકારણીઓએ હાજરી પણ આપી હતી જેમાં સમીર પાંડે, મોનિન્દર સિંઘ અને સુમન સહા મુખ્ય હતાં. એ સિવાય પણ અહીંની ઘણી બધી સામાજિક સંસ્થાઓનાં મુખ્ય સભ્યો અને ગુજરાતી સમુદાયનાં અગ્રણી સભ્યોની હાજરી હતી.

બાળકો માટે અલગ-અલગ રાઇડ્સ અને ફેસ પેઇન્ટિંગ જેવી પ્રવૃત્તિઓ પણ હતી જેમાં બધાએ રામનું નામ લખાવ્યું હતું. આ આખોય કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં અહીંના સ્પોન્સર્સનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો અને ઘણી બધી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓનાં કાર્યકર્તાઓનાં સાથ અને સહકારથી આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે સંપૂર્ણ થયો.

આ પણ વાંચો… Surat Ram Utsav: ‘જય શ્રી રામ’ના જયઘોષ સાથે રામમય બની સુરતની નવી સિવિલ હોસ્પિટલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો