Naman munshi image 600x337 1

An open letter to Lakshmi: ધનતેરસના દિવસે મા લક્ષ્મીને એક ખુલ્લો પત્ર


An open letter to Lakshmi: સૂર્યના સમાન કાંતિવાળી, કમળ પર બિરાજમાન માતા લક્ષ્મી, પ્રણામ વંદન નમસ્કાર. હે માતા, તમે મઝામાં જ હશો. આજે ધનતેરસ. આજે તમને વિશેષરૂપે યાદ કરવામાં આવે છે. આમ તો અમે આખું વરસ જ તમને ઘડીએ ઘડીએ યાદ કરતા જ હોઈએ છીએ, કરવા જ પડે છે. ભલે અમે અનેક દેવી-દેવતાઓની ઉપાસના કરીએ પરંતુ મોટાભાગના લોકોનો છેવટનો ઉદ્દેશ તો તમારી જ કૃપા પ્રાપ્ત કરવાનો હોય છે. તમારી કૃપા થાય તો જીવન ધન્ય થઇ જાય છે. ધનતેરસના દિવસે માતા તમારી, કુબેરજી તેમજ ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે પણ વિશેષ મહિમા તો તમારો જ રહે છે.

હે માતા તમારા આઠ સ્વરૂપ – અષ્ટલક્ષ્મી સ્વરૂપો ધનલક્ષ્મી, યશ લક્ષ્મી, આયુલક્ષ્મી, વાહનલક્ષ્મી, સ્થિરલક્ષ્મી, સત્યલક્ષ્મી, સંતાનલક્ષ્મી તેમજ ગૃહલક્ષ્મી છે.

An open letter to Lakshmi

પરંતુ વ્યવહારમાં તો બે જ નામનું ચલણ છે. જે ધન તરીકે ઓળખાય અને પૂજાય છે; તે એક તો ધોળી લક્ષ્મી અને બીજું કહેતા – લખતા શરમ લાગે, દુઃખ થાય પણ તમારાથી શું છુપાવવું; બીજું નામ કાળી લક્ષ્મી. માતા આ પૃથ્વી પરના લોકો પણ કેવા અજાયબ; તમારા આઠ નામ ઉપર બીજા બે. વળી સાચું કહુંને મા તો જેમની પાસે કાળી લક્ષ્મી વધારે હોય ને તે વધારે સમૃદ્ધ, સુખી તેમજ મોભેદાર મનાય છે આજના જમાનામાં. ધોળી લક્ષ્મી મેળવવા તનતોડ મહેનત કર્યા પછી ખાસ સમૃદ્ધિ દેખાતી નથી. ધોળી લક્ષ્મી રળનારને વેદિયા કે વેઠિયાનું ઉપનામ અપાય છે. આવું કેમ થાય છે તેના કારણ તો તમે જાણો. ધોળીમાં તો ટેક્ષ પણ ભરવો પડે ને. અમે તો ધોળી ને કાળી કરવામાં પાવરધા જ છીએ.

અરે કેટલાક તો પાછા તમને હાથનો મેલ કહે અને આવું કહેવા માટે લાખોના ખર્ચે આયોજન કરી – કરાવી લોકોના હાથમાંથી મેલ સાફ કરી પોતે ભેગો કરી જાય છે. તમને હાથનો મેલ જાહેરમાં કહેનાર, ખાનગીમાં તો તમને જ સર્વસ્વ માનતા હોય છે. જયારે કેટલાક મહાનુભાવો ધનનો સાચે જ પરમાર્થના કાર્યમાં ઉપયોગ કરે છે, તેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. તમે તો ચંચળ પણ છો, કેટલીક વાર તો ચંચળતા એટલી વધારે હોય છે કે ઘણાના જીવનમાં આવક રૂપે પધારતા પહેલા જ ખર્ચ રૂપે જવાની તૈયારી કરી દો છો.

તમારા વગર જીવન શક્ય જ નથી, કોઈપણ પ્રકારે તમારી હાજરી ઘણા બધા કષ્ટો દૂર કરી નાખે છે, સરળ કરી નાખે છે. તમે જ્ઞાન અને ધનના દ્વારા સમગ્ર સંસારનું પાલનપોષણ કરો છો. તમારા વગર સંસારના કોઈપણ કાર્ય ચાલી નથી શકતા. જ્યાં તમારો વાસ છે, જેના પર તમારી કૃપા છે તેનો બેડો પર જ થાય છે.

અમે અમારા ઘરની વહુ કે દીકરીને પણ લક્ષ્મી કહીએ છીએ પરંતુ કેટલાક પરિવારને આ પુત્રી રૂપી લક્ષ્મી નડતરરૂપ લાગે છે તો કેટલાક કુટુંબમાં આ સાપનો ભારો ગણાય છે, અને જન્મતા પહેલા જ ભૃણહત્યા દ્વારા મારી નાખવામાં આવે છે. આવા અધમ કૃત્યમાં ભાગીદાર થતા ડોક્ટરો રૂપિયા રૂપી લક્ષ્મીથી કબાટો ભારે છે. આવી રીતે પ્રાપ્ત થતી લક્ષ્મીને જ કાળી લક્ષ્મી કહેવાતી હશે. આ જ સ્ત્રી રૂપી લક્ષ્મીને લંપટ સાધુઓ કે અધમ આત્માઓ લૂંટી લેતા હોય છે.

આંગળી ઝાલીને ટાઢ-તાપ વેઠીને મોટા કરનાર પણ ધન છે, તો પાટી – સ્લેટમાં અક્ષર ચીતરાવી જીવતરના ભણતર અને ઘડતર કરનાર એ શિક્ષકો, મિત્રો સાથે ક્રિકેટ રમતા એકાદ ઘરનો કાચ ફૂટ્યો ને નામ છુપાવનાર મિત્ર, જીવનની નાનીમોટી જરૂરિયાતને એમના શોખ સમજીને પુરી કરનાર, જેમના થકી જીવતરની વાડી લીલી થઈ એવા સંતાન, કુટુંબ પહેલા દેશ અને મારા પહેલા તમે આવું વિચારી જીવનાર સરહદના જવાનો, ધોમધખતા તાપમાં ય અનાજ ઉગાડનાર ખેડૂતો, અનેકના રોગો મટાડનાર કે જીવ બચાવનાર ડોક્ટરો, પ્રામાણિકતા થી સેવા કરનાર સરકારી કર્મચારીઓ, વાર-તહેવાર ભૂલી લોકોની સલામતી માટે સજાગ રહેતા પોલીસ- કર્મચારીઓ પણ એક અથવા બીજી રીતે મહામૂલ્ય ધનના જ સ્વરૂપો છે. પરંતુ અમે તો નોટોના ઢગલા કે સિક્કાના ખણખણાટને જ ધન માનીએ છીએ, પૂજીએ છીએ.

પત્રના અંતમાં જણાવવાનું કે તમે તો જાણો જ છો છેલ્લા બે વરસથી આવેલી ભયાનક મહામારીમાં અનેક લોકો આર્થિક રીતે મોટી મુશ્કેલીનો સામનો કરે છે, જે લોકો માગી નથી શકતા તેઓ મૂંગે મોઢે સહન કર્યે જાય છે, માતા એટલી જ વિનંતી કરવાની કે ભક્ત તૂટી જાય તે પહેલા કૃપા કરવાનું રાખજો. સમસ્ત ભુવન જેની યાચના કરે છે, કામના કરે છે તે લક્ષ્મી સ્વરૂપ સર્વને પ્રાપ્ત થાઓ એ જ શુભેચ્છા સાથે વિરામ લઉં છું.
જય મા લક્ષ્મી.

આ પણ વાંચો…Sabarmati jail case: જેલની બહાર ખંડણીનો ધંધો, હવે જેલની ભીતરમાં ફૂલ્યો ફાલ્યો..

Whatsapp Join Banner Guj