Ravi Shankar

Friendship Day 2023: પોતાનામાં મૈત્રીભાવ કેળવો!

Friendship Day 2023: !!મૈત્રીભાવ!!

Friendship Day 2023: આજે એકલતાની વૈશ્વિક મહામારી ફેલાઈ ગયેલી છે. કેટલા બધા લોકોને એવું લાગે છે કે તેમને કોઈનો પ્રેમ નથી મળી રહ્યો. પરંતુ તમે ખાતરીપૂર્વક જાણી લો કે તમને ખૂબ જ પ્રેમ કરવામાં આવી રહ્યો છે. પૃથ્વી તમને નજીકથી પકડી રાખે છે અને આ હવા પણ. પૃથ્વી તમને પ્રેમ કરે છે; એટલા માટે તો તે તમને ટટ્ટાર પકડી રાખે છે.

ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પૃથ્વી તેનો પ્રેમ વ્યક્ત કરે છે. ઈશ્વર તમને પુષ્કળ પ્રેમ કરે છે. એક વાર તમને આની ખાતરી થશે તો તમને ક્યારેય એકલું નહીં લાગે. એક પક્ષીય પ્રેમમાં ઈશ્વર સૌથી વધારે પીડિત છે. તે તમને કેટલો બધો પ્રેમ કરે છે અને તમે તે જાણતા પણ નથી.

કોઈ માણસનો સંગાથ તમારા જીવનમાંની એકલતાને ના ભરી શકે. એવું થાય તો પણ એ બહુ લાંબુ ટકતું નથી. એક વાર જો તમે થોડો વખત એકલા રહેવાનું માણતા શીખી જાવ તો તમને એકલું નહીં લાગે. એવી કોઈ વ્યક્તિ ના હોય કે જેને પોતાની જાત સાથે રહેવામાં મજા આવે છે તેનું વ્યક્તિત્વ કંટાળાજનક હોઈ શકે. જો તમને તમારી પોતાની સંગત કંટાળાજનક લાગતી હોય તો બીજા કોઈને તે કેવી રીતે ગમે? કોઈ પણ સંગત દૂરથી તો બહુ સારી લાગે છે.

જે લોકો આખો સમય બીજાની સંગતમાં રહેતા હોય છે તેઓ એકાંત અનુભવવાનું ઝંખે છે અને જે લોકો હંમેશા એકાંતમાં રહે છે તેમને કોઈની સંગત વગર એકલું લાગી શકે છે. દરેક વ્યક્તિ એક સમતુલન શોધે છે. હું તમને પર્વતો તરફ ભાગી જવાનું નથી કહેતો. પરંતુ તમે જેમની નજીક છો, જેમની સાથે તમને લાગણીથી બંધાયેલા છો તેમનાથી અવારનવાર થોડું અંતર બનાવો.

દરરોજ થોડી વાર દુનિયા અને તેની તમામ બાબતોથી દૂર થઈ જાવ અને પોતાની જાત સાથે રહો અને ધ્યાન કરો. તો તમે એકલા હશો ત્યારે પણ એકલતા નહીં લાગે. સેવા કરવી અને અન્યોને મદદરૂપ થવું એ એકલતાના અનુભવમાંથી બહાર આવવા માટેનો સમર્થ ઉપાય છે. તમે જે સેવા કરશો તે તમારામાં એક મોટું પરિવર્તન લાવે છે.

તમે એકલા હોવ તે દરેક સમયે તમે તમારી પોતાની મર્યાદાઓથી પરિચિત થતા હોવ છો. તમારી મર્યાદા, તમારી સરહદ એ તમારા દુખનું મૂળ કારણ છે. કૃતજ્ઞ બનો અને શાંતિ માટે પ્રાર્થના કરો.એ જ ક્ષણે તમે રાજી થશો અને પરિસ્થિતિ ગમે તેટલી નિરાશાજનક હશે તો પણ તમે પાર પડશો.

તમે ઉત્સાહી અને આત્મવિશ્વાસુ બનવા પોતાની જાત પર દબાણ નથી કરી શકતા. જ્યારે તમને નિરાશાજનક લાગે ત્યારે પ્રાર્થના અને શરણાગતિ કરો. તમે જોશો કે તમે તમારો

ઉત્સાહ અને આત્મવિશ્વાસ પાછા મેળવ્યા છે. અતિ આનંદ, સુખ કે ભયંકર દુખ હોય તો પણ આપણામાં એવો એક હિસ્સો છે જેને તે કંઈ સ્પર્શતું નથી. આપણી એવી ઈચ્છા હોવી જોઈએ કે આપણે જેને પણ મળીએ તે ખુશ થાય અને ખુશી ફેલાવે.

એકલતામાંથી બહાર આવવા માટે તમે તમારી સાથે કંઈક સામ્ય ધરાવતી વ્યક્તિ સાથે મિત્રતા કેળવો. પરંતુ જ્ઞાનમાં ઋચી ધરાવતા મિત્રો મળવા જવલ્લે છે કે જે એકબીજાનો ઉધ્ધાર કરી શકે. પરંતુ એ યાદ રાખો કે જ્યારે પરિસ્થિતિ મુશ્કેલ હોય ત્યારે તેઓ તમારામાંથી શ્રેષ્ઠને અભિવ્યક્ત કરાવે અને જ્યારે સારો સમય હોય ત્યારે તમને દુનિયાનું શ્રેષ્ઠ મળે. જીવનમાં આ બન્નેના અંશ હોય છે.

જ્યારે તમને એવું લાગે કે તમે સંપૂર્ણપણે અલિપ્ત થઈ ગયા છો તો સંસર્ગના અનુભવ માટે સંઘર્ષ ના કરો. વિશ્રામ કરો. આ એના જેવું છે કે તમે જ્યારે નિંદ્રાધીન હોવ છો ત્યારે તમે એકદમ નજીકના લોકોના પણ સંપર્કમાં નથી હોતા. તમે તમારી સાથે નિંદ્રાવસ્થામાં બીજા કોઈને નથી લઈ જઈ શકતા. તેમાં તમે એકલા જ જાવ છો. એકલતા લાગે તે સમયે આખા સર્જનને, સ્મિત સાથે, એક સ્વપ્નની જેમ જુઓ.એ પાણીમાં પરપોટા જેવું છે, ક્ષણિક.

પાછું વળીને તમે જે જે લોકોને મળ્યા છો,જેમની સાથે રમ્યા છો, દસ વર્ષ પહેલા થયેલી ઘણી સારી અને ખરાબ ઘટનાઓ યાદ કરો.અત્યારે તેમાંનું કશું નથી.બધું પસાર થઈ ગયું છે.અને દુખ અને એકલતાની એ બધી લાગણીઓ પણ જતી રહેશે.તો શા માટે તમારે સંપર્કમાં આવવું છે,અને શેના?બધું જ ક્ષણિક છે અને તમે શાશ્વત છો.માટે, જ્યારે તમને એવું લાગે કે તમે અલિપ્ત થઈ ગયા છો તો દુખી ના થશો.સ્મિત સાથે તેનો સ્વીકાર કરો.ધ્યાન કરો.તમને ખૂબ સંતુલિત લાગશે અને તમારામાં એક ઊંડાણેથી તાકાત જન્મશે.

આ પણ વાંચો… Dang Forest Ecosystem: ઇકો સિસ્ટમને સંતુલિત કરતી વન વિભાગની વધુ એક અનોખી પહેલ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો