Successful Story: સાહસી વનવાસી….!

Successful Story: !!વનવાસી!!

Successful Story: સ્ત્રી ધારે તે કરે ને પ્રેરણાનું ઝરણું બનીને અવતરે!! U.P.S.C.ની પરીક્ષા પાસ કર્યાં વિના કોઈ I.P.S.બને એ આપણને થોડું નવાઈભર્યું લાગે. પરંતુ ઝારખંડમાં આવા એક નહીં પરંતુ 24 Dy.S.P.ને I.P.S. તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાંથી એક છે, સરોજિની લકડા અને બીજા છે એમલ્ડા એક્કા. જેઓ કોન્સ્ટેબલથી જોઈન થઈને અત્યારે IPS બની ચૂક્યાં છે.

સામાન્ય ગામડામાંથી આવતાં અને કોન્સ્ટેબલથી IPS બનવા સુધીની સફર ખેડનારાં સરોજિની લકડાએ વાતચીત દરમિયાન એક મહિલા તરીકે તેમના સંઘર્ષ, પુરુષાર્થ અને સફળતાના શિખરે બિરાજમાન થવા સુધીની જર્ની વિશે તેમણે ઘણી વાતો કરી. જે અનેક સંઘર્ષરત લોકો માટે પ્રેરણા બળ પૂરું પાડનારી છે.

અભાવ અને ગરીબાઈમાં વીતેલા પોતાના બાળપણના દિવસો યાદ કરતાં સરોજિની કહે છે કે, ‘હું જ્યારે નાની હતી ત્યારે મને ઘરના સભ્યો ખૂબ જ ખીજાતા. કેમ કે હું થોડી થોડી વારે કંઈક ને કંઈક ખાતી રહેતી હતી. મને દર કલાકે જમવા જોઈતું હતું. અમે છ ભાઈ-બહેન હતા. ત્યારે અમારા ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી એટલે ઘરમાં સવારે એક જ ટાઈમ જમવાનું બનતું જે આખો દિવસ ચલાવવું પડતું.

માત્ર અમારા જ ઘરમાં નહીં લગભગ આખા ગામમાં પણ એવું જ હતું. સવારે 9-10 વાગ્યે દરેક ઘરમાં એક વાર જમવાનું બની જાય, અને થોડું વધારે બનાવવામાં આવે જેથી આખો દિવસ ચાલે. શહેરની જેમ 3 ટાઈમ જમવાનું ન બનતું. આ સ્થિતિમાં મારે દર કલાકે જમવા જોઈતું. તેના કારણે મારા પર મારા મમ્મી બહુ જ ગુસ્સે થતાં. એક વાર મારા નાની અમારા ઘરે આવ્યા હતા.

એક વાર મારા મમ્મીને મારા પર ખીજાતા જોઈને નાનીએ કહ્યું કે, ‘તમે એને ખીજાય નહીં, મોટી થઈને જરૂર મહાન બનશે. તમે એને ખીજાવ નહીં, એને જે જોઈએ એ આપો, ના ન પાડો.’ એ વાત મારા માટે ખરેખર આશીર્વાદ સમાન સાબિત થઈ. અત્યારે જ્યારે આ વાત યાદ કરું ત્યારે મને નાનીના એ શબ્દો યાદ આવે છે. એક દિવસ સ્કૂલમાંથી પિકનિકનું આયોજન કરવામાં આવ્યું. અમારા ગામથી લગભગ 40 કિલોમીટર દૂર નેતરહાટ છે. જ્યાં એક ઝરણું છે તો ચોમાસામાં હરિયાળીથી એ જગ્યા એકદમ ખીલી ઊઠે છે.

સ્કૂલ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે, આપણે બધા નેતરહાટ જઈશું… અને ફી નક્કી કરવામાં આવી ‘2 રૂપિયા’. એ સમયે 2 રૂપિયાની કિંમત ખૂબ વધારે હતી. હું ઘરે ગઈ અને પપ્પાને કહ્યું, ‘પપ્પા મારે નેતરહાટ જવું છે.’ તો પપ્પાએ પૂછ્યું કે, ‘કેમ?’. મે કીધું, ‘સ્કૂલમાંથી બધા જાય છે અને એક દિવસની પિકનિકનું આયોજન કર્યું છે.’

હું એકદમ હસતાં હસતાં અને ખુશીથી બોલતી હતી, મને હતું કે પપ્પા હમણાં ‘હા’ પાડી દેશે. પરંતુ તેઓ એકદમ શાંતિથી બોલ્યા, ‘કેમ? ત્યાં જવું જરૂરી છે? ત્યાં જવાની કોઈ જરૂર નથી.’- એમણે સીધી જ ના પાડી દીધી. હું ખૂબ જ નિરાશ થઈ ગઈ. એ સમયે હું તો રડવા સિવાય બીજું તો શું કરી શકું? હું ખૂબ જ રડી અને કશું જ જમી નહીં.

રાતે જ્યારે પપ્પા આવ્યા અને એમણે મને જોઈ કે હું ઉદાસ હતી અને સવારથી કશું જમી નથી તો એમણે મને કહ્યું કે, ‘બેટા, તું નેતરહાટ જવા માટે આટલી દુ:ખી કેમ છે? નેતરહાટ ન જવાયું તો શું થયું? સરખી રીતે ભણવામાં ધ્યાન આપીશ તો તું દેશ-વિદેશ ફરીશ.’- પછી ત્યારે તો એ બધું શાંત થઈ ગયું.

પણ જ્યારે 2016-17માં 14 મહિના સુધી જર્મની ભણવા માટે ગઈ, ત્યારે મને મારા પપ્પાના આ શબ્દો યાદ આવ્યા. અને મેં જર્મનીથી પપ્પાને 5-6 પેજનો એક પત્ર લખ્યો જેમાં આ વાતનો ઉલ્લેખ કર્યો કે, ‘તમે કહેલી વાત સાચી પડી’. હું અત્યારે જે કંઈ પણ છું એ મારા પિતાના આશીર્વાદના કારણે છું.’

સરોજિની લકડાનું બાળપણ ઝારખંડના રામસેલી નામના નાનકડા ગામમાં વીત્યું, એમના માતા-પિતા બંન્ને શિક્ષક હતાં. તેણી સાતમા ધોરણમાં આવી ત્યારે સંત રેસા ગર્લ્સ હાઇસ્કૂલમાં હોસ્ટેલમાં મૂકવામાં આવી. જે ગામથી 22 કિલોમીટર દૂર હતી. જ્યાં આગળનું ભણતર પૂર્ણ કર્યું.

સ્કૂલમાં ‘એન્યુઅલ સ્પોર્ટ્સ ડે’ વખતે તેમને એથ્લીટ કોચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘બિહાર સ્પોર્ટ્સ સેન્ટર માટે અમારે થોડા ખેલાડીઓનું સિલેક્શન કરવાનું છે, જો તું ભાગ લેવા ઈચ્છે તો લઈ શકે છે.’- આ સાંભળતાં જ સરોજિની લકડા એકદમ ખુશ થઈ ગઈ, કેમ કે તેમને નાનપણથી સ્પોર્ટ્સમાં રસ હતો, સ્પોર્ટ્સમાં આગળ વધવું હતું પણ મોકો નહોતો મળતો.

તરત જ એ તક ઝડપી લીધી, ભાગ લીધો, એટલું જ નહીં જીતી પણ અને એથ્લેટિક સેન્ટર માટે સિલેક્શન પણ થયું. સિલેક્શન થઈ જતાં સરોજિની લકડા ને ગર્લ્સ એથ્લેટિક સેન્ટરમાં લઈ જવામાં આવી અને આગળનું ભણતર અને એથ્લીટની તૈયારીઓ બંને ત્યાંથી જ એક સાથે શરૂ થયાં. એથ્લીટ કોચની એક ઓફરે એમના જીવનને નવી દિશા આપી.

પોતાની પ્રોગ્રેસિવ કરિયરની ઝળહળતી સફરને વર્ણવતાં સરોજિની કહે છે ‘પોલીસમાં કોન્સ્ટેબલથી I.P.S.સુધીની બઢતી વચ્ચે મેં CID, ACB, મહિલા બટાલિયન ઉપરાંત ગવર્નર હાઉસમાં પણ ફરજ બજાવી છે.’

આ બધાની વચ્ચે તેઓ ગર્વ અનુભવતા કહે છે કે, ‘મારા માટે સૌથી વધારે ગર્વની વાત તો એ છે કે, ‘હું સંત રેસા ગર્લ્સ એથ્લીટ સેન્ટર થી તૈયાર થઈને આગળ વધી હતી અને હાલમાં હું સમગ્ર સ્ટેટની સ્પોર્ટ ઓથોરિટી હેન્ડલ કરું છું, ત્યારે એ (સંત રેસા ગર્લ એથ્લીટ સેન્ટર)પણ મારા અન્ડરમાં જ આવે છે.

તો એ વાતથી હું ખરેખર ગૌરવ અનુભવી રહી છું. એક એથ્લીટથી લઈને ‘સ્પોર્ટ ડાયરેક્ટર ઓફ સ્ટેટ’ સુધીની સફર મારા માટે ખૂબ જ ગૌરવવંતી છે.’

અભ્યાસ માટે કરેલા સંઘર્ષની વાત કરતાં સરોજિની કહે છે, ‘ધોરણ 10 પછી આગળના ભણતર માટે અમારા ગામમાં સ્કૂલ નહોતી. એટલે મારે આગળના એજ્યુકેશન માટે રાંચી જવું પડે એમ હતું. કેમ કે ત્યાં સ્કૂલ અને ભણતર સારાં હતાં. સાથે મારે બેન્કની નોકરી માટે તૈયારી પણ કરવી હતી. પરંતુ રાંચી જવાની વાત તો દૂર ઊલટાનું મને ઘરેથી કહેવામાં આવ્યુ કે, ‘મારે એક વર્ષ ડ્રોપ લેવો પડશે.

કેમ કે મારી મોટી બે બહેનોનું ભણતર ચાલુ છે તો અત્યારે વધારે ખર્ચો થઈ શકે એમ નથી.’- આ સાંભળતાં જ હું એકદમ ભાંગી પડી. કેમ કે, મારું ભણતર તો એક વર્ષ બગડશે જ પણ ઉપરથી મારી સ્પોર્ટ્સ કરિયર પણ બગડશે. એ સમયે હું ખૂબ જ રડી… એ દરમિયાન એક દિવસ હું હોસ્ટેલમાં રડતી હતી, ત્યાં અમારા કોચ આવ્યા અને મને પૂછ્યું કે, ‘તું કેમ રડે છે?’ તો મેં એમને મારી સમસ્યા જણાવી અને મારું સ્પોર્ટ્સ બગડશે તેની ચિંતા પણ વ્યક્ત કરી.

આ વાત પછી એમણે પટના વિનંતી મોકલી કે, સ્પોર્ટ્સ માટે અમે ધોરણ 10 પછીના થોડા વિદ્યાર્થીઓને પણ રાખવા માંગીએ છીએ. અને સદનસીબે એ માટે ઓર્ડર પાસ પણ થઈ ગયો. આ માટે અમને 4 વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા અને જે આગળ અભ્યાસ માટે બહાર જઈ શકે એમ નહોતા. એ વિદ્યાર્થીઓને પણ આ નિર્ણયથી ઘણો ફાયદો થયો.’

સરોજિની એ દિવસોમાં ઓલરાઉન્ડર એથ્લીટ હતા. એમણે રેસ, જ્વેલીન થ્રો, ઊંચી કૂદ અને લાંબી કૂદમાં ડઝનેક મેડલ જીતીને રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. રમત-ગમતમાં પોતાની શરૂઆતની જર્ની વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, ‘1984માં SGFI (સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા દિલ્હીમાં એક એથ્લેટિક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે મારી કોઈ ચોક્કસ રમત નક્કી કરવામાં નહોતી આવી.

એટલે મને કહેવામાં આવ્યું હતું કે, ‘તું બરછી ફેંકમાં ભાગ લે.’- પરંતુ હું એ ગેમમાં બહુ કુશળ નહોતી અને ગેમ આડે એટલા બધા દિવસો પણ નહોતા કે હું તૈયારી કરી શકું. જેટલો સમય મળ્યો એમાં મેં થોડા દિવસો પ્રેક્ટિસ કરી. તેમ છતાં બરછી ફેંકની ફાઇનલમાં મેં 33 મીટરનો થ્રો કર્યો. એ સમયે 33 મીટરનો થ્રો ઘણો માનવામાં આવતો. એ થ્રોથી મને સિલ્વર મેડલ મળ્યો. જે મારા માટે પ્રથમ નેશનલ મેડલ હતો. એ મેડલથી મારો કોન્ફિડન્સ ખૂબ જ વધ્યો અને બધા બહુ ખુશ હતા. પણ આ તો હજુ શરૂઆત હતી.’

આપણને જ્યારે કોઈ નોકરી મળી જાય એટલે આપણે ભણવાનું મૂકી દેતા હોઈએ છીએ. પરંતુ સરોજિનીએ એવું કરવાને બદલે નોકરી સાથે સ્પોર્ટ અને ભણતર બન્ને ચાલુ રાખ્યાં. ભણતર પ્રત્યેની અભિરુચિ વિષે વાત કરતાં સરોજિની જણાવે છે કે, ‘મને 1986માં નોકરી મળ્યા બાદ પણ મેં મારી સ્પોર્ટ્સ પ્રેક્ટિસ અને ભણતર ચાલુ રાખ્યાં હતાં.

નોકરી કરતાં કરતાં જ મેં મારું ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું. ત્યારબાદ NIS ડિપ્લોમા પણ કર્યું.’ નોકરીની સાથોસાથ આટલું ઓછું હોય એમ સરોજિનીએ 2003-04માં જર્મનીથી જર્મન ભાષામાં સ્પોર્ટ્સ સાયન્સનું ભણતર પૂરું કર્યું. ત્યારબાદ 2016-17માં ઇન્ટરનેશનલ પાર્ટટાઈમ ઓલિમ્પિકનું ભણતર પણ પૂરું કર્યું છે

1986માં સ્પોર્ટ્સ ક્વોટાના આધારે સરોજિનીને પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલની નોકરી મળી. નોકરી શરૂ થયાના 1 વર્ષમાં જ એટલે કે, 1987માં તેમની બઢતી થઈ અને એમને A.S.I.બનાવવામાં આવ્યાં. તમને થશે કે, એક વર્ષમાં જ કેવી રીતે કોઈ કોન્સ્ટેબલથી A.S.I. બની શકે? એ નિયમ વિશે વાત કરતાં સરોજિની જણાવે છે કે, ‘એ સમયે એવો નિયમ હતો કે, જો તમે નેશનલ લેવલ પર એક ગોલ્ડ મેડલ જીતો તો તમને તુરંત જ પ્રમોશન મળે, જો 2 સિલ્વર મેડલ મેળવો તો પણ એક પ્રમોશન અથવા તો જો તમે 3 બ્રોન્ઝ મેડલ મેળવો તો પણ પ્રમોશન થાય.

મારી લગાતાર મહેનતને કારણે મને મેડલ મળતા ગયા અને આ જ નિયમના કારણે મારી બઢતી થતી રહી. 1989માં મને S.I.બનાવવામાં આવી. બાદમાં મારું પ્રમોશન થયું અને 1991માં હું ઇન્સ્પેકટર બની. અને લાસ્ટમાં 1992 સુધી મેં ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ રમવાનું ચાલુ રાખ્યું.

આ પણ વાંચો… Honey Benefits: સવારે ખાલી પેટે મધનું સેવન કરો, મળશે આ અદ્ભુત ફાયદાઓ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો