Bhanuben prajapati sarita 600x337 1

નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-7 (Sudhani jindagini safar part-7)

સુધાની જિંદગીની સફર ભાગ-7 (Sudhani jindagini safar part-7)

” અંજલી સુધાને લઈને પોતાના ઘરે નીકળી ગઈ. રસ્તામાં સુધા ખૂબ જ રડતી હતી અંજલી એ કહ્યું : ભાભી તમે કોના માટે આંસુ સારી રહ્યા છો! એમને તો હંમેશને માટે તમને ભુલાવી દીધા છે તો તમે પણ તમારું હૃદય કઠણ કરો અને મારી સાથે ચાલો. “

” સુધાએ કહ્યું : અંજલીબેન હું મારા ભાગ્યને રડી રહી છું. મને મારા પ્રેમ પર વિશ્વાસ હતો. મને એમ હતું કે દુનિયા ભલે બદલાઈ જાય પરંતુ તુષાર ક્યારેય બદલાશે નહીં. એ મને સમજશે, મારા પ્રેમ પર વિશ્વાસ રાખશે, આજે મારા પ્રેમનું તેને ગળું દબાવી દીધું, મારા બાળકોને છીનવી લીધા. મારી જિંદગીને નર્ક સમાન બનાવી દીધી અને આ ઘર માટે મે શું નથી કર્યું! હું ગામડેથી શહેરમાં તુષારને એક નવી સારી જિંદગી મળી રહે એટલા માટે લાવી હતી. તમારા મમ્મી – પપ્પાની મેં દિવસ – રાત સેવા કરી છે. મકાન બનાવવા માટે મેં બે જોબ સ્વીકારી હતી. હું તુષારને આર્થિક મદદ કરવા માંગતી હતી એટલે મેં ખૂબ જ મહેનત કરી હતી અને કંપનીના કામ માટે હું બહાર ગઈ.

મારી સાથે પણ વિશ્વાસઘાત થયો પરંતુ તુષારે તો સમજવું જોઈએ કે હું ત્યાં એકલી હતી. મેં ત્યાં કેવી રીતે બધાનો સામનો કર્યો હશે. મારી કોઈ પણ વાતને સાંભળવા માટે તૈયારી દર્શાવી નહીં. એક વખત મને સાંભળી હોત તો મને ખુશી થાત. તુષારે મને સમજવાની કોશિશ કરી નહિ. ઘણી વખત નજરે જોયેલું પણ ખોટું હોય છે એને વિડીયોમાં મને જોઈ લીધી દરેક તસવીરને સાચી માની લીધી પરંતુ અંજલીબેન મારો આત્મા અને મન પવિત્ર છે. મેં જાણી જોઈને કોઈ ભૂલ કરી નથી હું ત્યાં છેતરાઈ ગઈ છું અને મને પણ ખબર નહોતી કે મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત ફોરેનમાં થશે નહીંતર હું ક્યારેય પણ ત્યાં જવાનો પ્રયત્ન ન કરત. હવે તમે જ કહો, હું પોતાની સત્યઘટના કોને કહું… કોને સંભળાવુ… મારા પર કોઈ વિશ્વાસ કરી શકે એવું કોઈ છે જ નહીં.

અંજલીએ કહ્યું : ભાભી હું તમારા પર પૂરેપૂરો વિશ્વાસ મુકું છું. મને ખબર છે કે ભાભી તમે આ ઘર માટે પોતાની જાતને નીચોવી દીધી છે. તમે આખા ઘરને પારસમણિ ની જેમ ઉજળું બનાવ્યું હતું. આજે મારો ભાઈ મારા માતા – પિતા જે સુખ સગવડ ભોગવે છે એ તમારા પ્રતાપે છે પરંતુ આજે એ તમારો અહેસાન ભૂલી ગયા છે અને મને ખૂબ દુઃખ થાય છે કે આજે તમને ઘરની બહાર નીકળી દીધા પરંતુ ભાભી હું મજબૂર છું.

મને પણ એ લોકોએ એમનાથી કાયમને માટે સંબંધ તોડી દીધો છે હવે પણ હું લાચાર છું પરંતુ સુધાભાભી હું તમને મારા ઘરે લઈ જઈને તમને તમામ સુખ – સગવડો રહે તેવો પ્રયત્ન ચોક્કસ કરીશ. તમે મારી પાસે સલામત રીતે જીવન જીવી શકશો. તમે ક્યારેય એવું ન વિચારશો કે એકલા છો હું તમારી એક બહેન જેવી ઘણો તો બહેન અને મિત્ર જેવી ગણો તો એક મિત્ર છું માટે હવે તમે બધું જ ભૂલી જાઓ અને મારા ઘરે આવીને નવેસરથી નવી જિંદગીની શરૂઆત કરો.

સુધાએ કહ્યું : અંજલીબેન મને ખબર છે કે તમને મારી પ્રત્યે ખુબ જ લાગણી છે પરંતુ તમારા મમ્મી – પપ્પા અને તમારા ભાઈના લીધે હું તમારા ઘરે વધારે તો નહીં જ રહી શકું કારણ કે આજનો સમાજ તમને મેણા મારશે. જે મને સહન નહીં થાય કારણ કે મારા કારણે હવે હું કોઈને પણ કંઈ તકલીફ આપવા માંગતી નથી. હું તમારે ત્યાં આવી રહી છું પરંતુ જ્યારે મને નવી જોબ મળશે એટલે હું તમારા ઘરેથી બીજા ઘરે ભાડે મકાન લઈને જતી રહીશ. હા, તમને મળવા આવતી રહીશ. તમે મને ખોટી ના સમજો તો સારું.

અંજલીએ કહ્યું : સુધા ભાભી તમે ખૂબ સમજુ અને સ્વાભિમાની સ્ત્રી છો એટલે મને પણ ખબર છે કે તમે મારા ઘરે વધુ નહીં રોકાવ પરંતુ મારી ઈચ્છા છે કે તમે વધારે નહીં પરંતુ તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે ત્યાં સુધી તમારે મારી સાથે રહેવું જ પડશે પછી તમે ખુશીથી તમારા ભાડાના મકાનમાં રહેવા જઈ શકો છો.

સુધાએ કહ્યું કંઈ વાંધો નહિ અંજલીબેન તમારી લાગણીને વશ થઇને હું તમારી સાથે રહેવાનો પ્રયત્ન કરીશ પરંતુ મારી સગવડ થશે એટલે હું તમારી રજા મંજૂરી લઈ જતી રહીશ. વધુ આગળ ભાગ-8

✍️ભાનુબેન બી પ્રજાપતિ “સરિતા”

આ પણ વાંચો…નવલકથા; ઉર્જાનું લગ્ન જીવન (Urjanu lagna jivan part-2)

Whatsapp Join Banner Guj