Urja part 18

Urja part-18: ઉર્જાનું વૈધવ્યજીવન…ભાગ 1

Urja part-18: પ્રકરણ:18 ઉર્જાનું વૈધવ્યજીવન…ભાગ 1

Urja part-18: દિકરી ઉર્જાને પ્રભુના ભરોસે સાસરીમાં છોડી,અંજનાબહેનને હિંમત આપી દિલીપભાઈ અને બીનાબહેન બેઉ ઘર તરફ વળ્યા,ઉર્જા એકાંત માં દાદીની ઝેરવાણીને સતત વાગોળી રહી હતી.
અંજનાબહેન પોતાના મૃત દિકરાના આત્માને શાંતિ મળે તે માટે કોઈ કસર ન છોડી,પૂજા વિધી કરાવવામાં કોઈ પાછું વળીને ન જોયું,પરંતુ દિકરો અમાનત સ્વરૂપે એની પત્નીને મુકી ગયો હતો,એને પ્રેમ,હૂંફ, આઘાતમાંથી ઉગારવાની બદલે મોતની જવાબદાર હોવાનો અહેસાસ એને કરાવતાં રહ્યા ઉર્જાના શા હાલ છે એજ તો દરકાર લેવાની અંજનાબહેન અને પારિજાતભાઈ ભૂલી ગયેલા.

  આ વાત ને હવે ત્રણ મહિના થઈ ગયા.
ઉર્જાએ ક્યારેય પોતાની જાતને આટલી દિલગીર નોહતી સમજી કે જે આજ સમજી રહી હતી.

    ગોદાવરી દાદીની ઝેરવાણીના પડઘા સતત તેનાં કાને ગૂંજી રહ્યા હતા.ઉર્જાને આ કલંક સાથે જીવવું ભારે પડી રહ્યું હતું,કોઈ સ્ત્રી વિધવા થાય છે,એતો આમ પણ માનસિક રીતે તૂટેલી હોય છે,પરંતુ સમાજની આ રુઢી આગમાં ઘી હોમવાની ભૂમિકા ભજવે છે,તમને પરાયા કરતાં પોતાના જ તમને તોડી રાખે છે.ઉર્જા પોતાની જાતને ઉગારે એ પહેલા તો દાદીની કાળવાણી એ તેને તોડી રાખી દીધી.ઉર્જા પણ હવે પોતાના નસીબ પર હવે હસવુ આવી રહ્યું હતું છે,”આ શું હતું જેને મેં દિલથી ચાહ્યો એતો મને જ ન મળ્યો પરંતુ જે મળ્યો એ પણ ન ટક્યો આનાથી તો વધારે નિયતિ કોઈનો શું ઉપહાસ કરી શકે?”આ વાતમા ઉર્જાનું દર્દ છલકાઈ રહ્યુ હતું.મમ્મીજીનુ અતિશય મમતાવશ થઈ જવું,એ બાબતે તો પ્રણયને જીવનથી હાથ ધોવડાવ્યા.આમાં હું ખોટી દંડાઈ રહી છું,અને આમ પણ એ જીવતા હતા ત્યારે તો મેં એમની કદર ન કરી.

હવે કોઈને જવાબદાર માની કાંણ માડી રડવું એતો યોગ્ય નથી.પ્રણયના મૃત્યુ માટે ઉર્જા જવાબદાર છે,ઉર્જાના ભમરાળા નસીબે કોઈનો દિકરો છીનવી લીધો,એવા દિલને ભેદી નાંખે તેવા શબ્દોરૂપી મેણું ઉર્જાને રાત્રે સુવા પણ ન દેતું,સાસુ સસરાનુ ઓચિંતુ વર્તન બદલાઈ જવું એ સમજ આવે પરંતુ પોતાના પિયરિયાનુ આમ અચાનક વર્તન બદલાઈ એ તો એની સમજ બહાર હતું.
         બીનાબહેન દાદી જોડે ઝગડો કરી ઉર્જાને થોડા દિવસ ઘરે લાવ્યા.આશય એ હતો કે વાતાવરણ બદલાય તો ઉર્જા આ બધું ભુલી પોતાના જાતને પહેલાં જેવી સ્વસ્થ કરી નાંખશે.

પરંતુ,તેમની આ ઉક્તિ અહીં ખોટી પડી.દાદી ગોદાવરી ઉર્જાને વારંવાર વિધવા હોવાનું મેણું મારવાનો એક અવસર ન ચૂકતા.
દાદી ઉર્જાને વારંવાર કલંકિની,ડાકિની,કોઈના દિકરાને ભરખી જનાર ડાયન હોવાનો અહેસાસ કરાવતા આ મેણાને પચાવી જીવવાની શક્તિ હવે ઉર્જામાં ક્ષીણ થઈ ગયેલી.

       ઉર્જાએ ઘરમાં કંઈ અડકવુ નહીં,તામસી ખોરાક ખાવો નહીં,જેટલા દિવસ ઉર્જા પિયર છે એટલા દિવસ આ નિયમ ચુસ્તપણે પાળવો તેવો આગ્રહ દાદી રાખતાં.ઉર્જાએ સરખા કપડાં પણ પહેર્યા હોય તો દાદી ગોદાવરી વરસી પડતાં કે ત્યાં સુધી કે જ્યાં સુધી ઉર્જા રડી ન પડે.દિકરીનુ આવું અપમાન પિતાથી જીરવાતુ નોહતુ પરંતુ તેઓ લાચાર હતા.તેઓ બીનાબહેનને ઈશારાથી ઉર્જાનું ધ્યાન રાખવાનું સમજાવી ગયાં.
      પરંતુ દાદી ગોદાવરીએ જે કોલાહલ મચાવ્યો હતો એ હવે સહનશક્તિ બહાર હતો.તેઓ ચા પીને ફટાફટ ઓફિસમાં ચાલી ગયા.પરંતુ દિલમાં કૂણાશ ત્યાગી દીધી.

દિલીપભાઇ ફેંસલો કરતાં કહે”ઉર્જા હવે તારા માટે આ ઘરનાં દરવાજા કાયમ માટે બંધ છે,તારે જ્યાં જવું હોય ત્યાં જાજે,દિકરીની ડોલી ભલે પિયરમાંથી જાય છે,પરંતુ અર્થી સાસરીમાંથી જ ઉપડે છે.આજ રીત સદીઓથી ચાલતી આવી છે.અને ચાલતી રહેશે.કેમકે રોજ રોજના તમાસા નથી સહન થતાં તારી મમ્મી અને હું પણ માણસ છીએ અમારે સમાજમાં રહેવાનું હોય સમાજમાં તારી વાતો થાય છે,કે દિલીપભાઈની દિકરી અભાગણી પોતાના પતિને ખાઈ જનાર…આવા ગાળો સમાન શબ્દો બોલી લોકો થૂંકે છે.હવે તુ જ કહે દિકરા અમારે અહીં રહી જીવવાનું છે. “ઉર્જાને પોતાના પિતા પાસે આવી આશા નોહતી.

પરંતુ પોતાના નસીબને દોષ આપી અપમાન સહન કરવું તેને યોગ્ય ન લાગ્યું.સવારે પોતાની બેગ પેક કરી ઉર્જાએ સાસરી તરફ મીટ માંડી.જાતા જાતા દાદીએ એક તિરસ્કારભર્યા વચનો ઉચ્ચારતા કહ્યું.”અહીં ન આવતી પાછી તારે ત્યાં મરવું હોય તો મરજે આમ પણ તારા જેવી છપરપગીને આખીય જીંદગી ઘરમાં કોણ રાખે!”વધુમા કહે આતો અંજનાબહેન અને પારિજાતભાઈ બહુ મોટા હ્રદયના છે કે તને રાખે છે.”

ત્યાં જ બીનાબહેન કહે બસ…કરો મમ્મી…હાથમાં ભગવાનની માળા અને મનમાં આટલો મેલ.પોતાની લાચાર દિકરીને મદદ કરવાની તો ક્યાં રહી આવી કાળવાણી ઉચ્ચારતા જરાક તો લાજો…શું તમે સતસંગમા જઈને કોઈની લાગણી દુભાય એવું ઝેર ઓકવાનુ શીખ્યા છો!”દિલીપ ભાઈ કંઈ બોલે એ પહેલાં જ બીનાબહેન તમને અટકાવે છે,ઉર્જાના પપ્પા આજ મને ન રોકતા,મને જ્યાં સુધી તમારી મમ્મી બોલી ત્યાં સુધી ઠીક એને મારી મમતાને ગાળો આપી છે,મારી દિકરીને આવી રીતે હેરાન કરશે એ મને બિલકુલ સહન નહીં થાય…

વધુમાં બીનાબહેન કહે અરે…રામ… રામ…માળા ફેરવી ફેરવી મણકા તુટી ગયા પણ આ ડોશીને મગજમાં સતસંગનો છાંટોય ન આવ્યો.આટલું કહેતાની સાથે જ બીનાબહેન આંક્રદ કરતાં કહે” ઉર્જાના પપ્પા હું જાણું છું કે,તેની સાસરીમાં તેનું કોઈ નથી એ દાદીના મેણાટોણાથી બચવા ગઈ છે.જો મારી દિકરી કંઈ થઈ ગયું તમે બે માં દિકરો મારુ ભયંકર રૂપ જોશો કહી દઉ છું તમને…”

જો…અલ્યા દિલિપ…તારી બાયડી મારી હારે ચેવી રીતે વાત કરે….શું જોઈ રહ્યો છે,ઘરની લાજ શરમ નેવે મૂકી છે,સાસુનું માન ઈજ્જત કરવાનું ભુલી ગઈ છે.દિલીપભાઈ તેમની મમ્મીને હાથ જોડી કહે “ભગવાનની કસમ તમે સાસુ વહુ શાંત થાવ…સવાર સવારમાં તમારું ચાલું થઈ ગયું મમ્મી તારી તો સાઠે બુદ્ધિ નાઠી છે કે શું પહેલા ઉર્જા અને હવે બીના એકકામ કર આ ઘરમાં તું એકલી રહે…હું ને બીના બંને અહીંથી ચાલ્યા જઈએ….જો તારામાં થોડીય લાજ શરમ બચી હોય તો અમને ન રોકતી.તને તારું આ ઘર સદાયને માટે મુબારક.”આટલું કહી દિલીપભાઈ ઓફીસે ગયા,બીનાબહેન ઘરનાં કામમાં પરોવાઈ ગયાં.
       
      ઘરમાં શાંતિ જળવાય એ હેતુથી દિલીપભાઈએ ઉર્જા જોડે ના સબંધો નહીંવત્ કરી નાંખ્યા.
      
ઉર્જા બધી ઘટના અને પ્રણય સાથે વિતાવેલી પળોને યાદ કરી રડી રહી હતી,ઉર્જાના રુમમાંથી આવતો ડૂસકાંનો અવાજ અંજનાબહેનનું ધ્યાન ખેંચતો હતો.અધકચરો ખુલ્લો દરવાજો જોઈ અંજનાબહેને દરવાજો ખટખટાવ્યો પણ ઉર્જાએ કંઈ જવાબ ન આપ્યો તો અંજનાબહેન સીધા નોક કર્યા વગર જ ઉર્જાના રૂમમાં ઘૂસી ગયા.ઉર્જા પોતાની જાતને સ્વસ્થ કરતાં સાસુને આવકાર આપતાં કહે”મમ્મી તમે અહીં…અચાનક…”
અંજનાબહેનની આંખોમાં અપરાધ ભાવ છલકાઈ રહ્યો હતો.


        હવે આગળ…….પ્રકરણ: 19

આ પણ વાંચોIntjaar part-3: “કુણાલ ત્યાં આવે છે. તો પણ રીના તેના ચહેરાના ભાવ સહેજ બદલવા દેતી નથી.”

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *