fb

Decrease in Facebook users: ફેસબુકની રાજાશાહી વળતા પાણીએ 18 વર્ષમાં પહેલી વખત દૈનિક યુઝર્સની સંખ્યા ઓછી થઈ

Decrease in Facebook users: અનેક વિવાદોના કારણે વૈશ્વિક સ્તરે ટીકાઓનો સામનો કરનાર ફેસબૂકે ડિસેમ્બર ૨૦૨૧ના ત્રિમાસિક સમયમાં વૈશ્વિક સ્તરે પાંચ લાખ દૈનિક યુઝર્સ ગુમાવ્યા

બિઝનેસ ડેસ્ક, 04 ફેબ્રુઆરીઃ Decrease in Facebook users: દુનિયામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પાયો નાંખનાર કંપનીઓમાંની એક ફેસબૂકે હવે ટિકટોક અને યુટયૂબ દ્વારા આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે ફેસબૂકના ૧8 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત તેના દૈનિક યુઝર્સ બેઝમાં ઘટાડો નોંધાયો છે. અનેક વિવાદોના કારણે વૈશ્વિક સ્તરે ટીકાઓનો સામનો કરનાર ફેસબૂકે ડિસેમ્બર ૨૦૨૧ના ત્રિમાસિક સમયમાં વૈશ્વિક સ્તરે પાંચ લાખ દૈનિક યુઝર્સ ગુમાવ્યા હતા. દુનિયામાં હવે ટિકટોક અને યુટયૂબનું ચલણ વધતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબૂકની રાજાશાહી સામે જોખમ પેદા થયું છે. એટલું જ નહીં ડિસેમ્બર ત્રિમાસિકના નબળા પરિણામોના કારણે એક જ દિવસમાં ફેસબૂકની માર્કેટ કેપમાં રૂ. ૧૪.૯ લાખ કરોડ અને સીઈઓ ઝુકરબર્ગની સંપત્તિમાં રૂ. ૧.૭૯ લાખ કરોડનું ધોવાણ થયું હતું.


ફેસબૂકનું નામ બદલીને મેટા કરાયા પછી કંપનીએ સૌપ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. મેટાએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૧ના છેલ્લા ત્રિમાસિકમાં યુઝર્સની સંખ્યા ઓછી થવાથી નફા પર અસર પડી છે. તેનાથી કંપનીને મળતી જાહેરાતો પર સીધી રીતે અસર થશે. ૨૦૨૧ના ચોથા ત્રિમાસિકમાં ફેસબૂકના દૈનિક એક્ટિવ યુઝર્સની સંખ્યા ૨.૯૧ અબજ હતી. અગાઉના ત્રિમાસિકની સરખામણીમાં આ સંખ્યામાં કોઈ વધારો થયો નહોતો. મેટાને દૈનિક યુઝર્સમાં સૌથી વધુ નુકસાન ઉત્તર અમેરિકામાં થયું હતું. મેટાને જાહેરાત દ્વારા અહીંથી સૌથી વધુ કમાણી થતી હતી.

ફેસબુકના દૈનિક એક્ટિવ યુઝર્સની સંખ્યા સમગ્ર વિશ્વમાં અગાઉના ત્રિમાસિકમાં ૧.૯૩૦ અબજ હતી જે હાલ ઘટીને ૧.૯૨૯ અબજ થઇ ગઇ છે. એનાલિસ્ટોએ ફેસબુકના યુઝર્સની સંખ્યા ૧.૯૫ અબજ થવાની અપેક્ષા રાખી હતી. ૨૦૦૪માં શરૂ થયેલી ફેસબુકના યુઝર્સની સંખ્યામાં પહેલીવાર ઘટાડો થયો છે. ઉપરાંત વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ જેવા અન્ય મેટા એપ્સના યુઝર્સની સંખ્યામાં વધારો પણ એકંદરે ઓછો રહ્યો છે.
મેટાના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર ડેવ વેનેરે જણાવ્યું હતું કે, આગામી ત્રિમાસિકમાં કંપનીની આવક અંદાજ કરતાં ઓછી રહેવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Atharva the origin: આજે ધોનીએ પોતાની ગ્રાફિક નોવેલ અર્થવઃ ધ ઓરિજિનનો પહેલો લૂક રિલિઝ કર્યો, જુઓ ધોનીનો સુપરહીરો અવતારમાં

આ જાહેરાતના કલાકોમાં જ મેટાના શૅર ૨૨.૯ ટકા ગગડીને ૨૪૯.૦૫ ડોલર થઈ ગયો હતો. પરિણામે કંપનીની માર્કેટ કેપમાં એક જ દિવસમાં ૨૦૦ અબજ ડોલર (અંદાજે રૂ. ૧૪.૯ લાખ કરોડ) ઘટી ગઈ હતી. મેટા પ્લેટફોર્મના શૅરોમાં ૨૩ ટકાના ઘટાડાથી માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં અધધધ… ૨૪ અબજ ડોલરનું ધોવાણ થયુ છે, જે ઇતિહાસમાં કોઇ એક દિવસની અંદર વ્યક્તિગત સંપત્તિમાં અત્યાર સુધીના સૌથી મોટા ઘટાડામાંનો એક છે. અગાઉ નવેમ્બર ૨૦૨૧માં વિશ્વના સૌથી ધનકૂબેર અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની સંપત્તિમાં એક દિવસમાં ૩૫ અબજ યુએસ ડોલરનું ધોવાણ થયું હતું.  


સંપત્તિમાં એક જ દિવસમાં અબજો ડોલરના કડાકા સાથે ફેસબુકના સીઇઓ વર્ષ ૨૦૧૫ પછી પહેલી વખત દુનિયાના ટોચના ૧૦ ધનકૂબેરોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર માર્ક ઝુકરબર્ગની સંપત્તિ બીજી ફેબુ્રઆરીએ ઘટીને ૯૭ અબજ ડોલર (અંદાજે રૂ. ૭.૨૪ લાખ કરોડ) રહી ગઇ હતી જે અગાઉ ૧૨૦.૬ અબજ ડોલર (અંદાજે રૂ. ૯.૦૧ લાખ કરોડ) હતી.   
મેટા ઇન્કે ચોથા ત્રિમાસિકના અપેક્ષા કરતા નબળાં પરિણામ જાહેર કરવાની સાથે સાથે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે અપેક્ષા કરતા નબળું આઉટલૂક આપ્યુ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ચોખ્ખી આવક ૧૦.૨૯ અબજ ડોલર અને પ્રતિ શેર દીઠ આવક વર્ષ પૂર્વેના ૩.૮૮ ડોલરથી ઘટીને ૩.૬૭ ડોલર રહી છે. જોકે કુલ આવક વાષક તુલનાએ ૨૦ ટકાની વૃદ્ધિમાં ૩૩.૬૭ અબજ ડોલર થઇ છે. જ્યારે એનાલિસ્ટોએ આવક ૩૩.૪ અબજ ડોલર કે શેરદીઠ ૩.૮૫ ડોલર રહેવાની અપેક્ષા રાખી હતી.

દરમિયાન મેટાના સીએફઓ ડેવ વેનેરે જણાવ્યું હતું કે, ૨૦૨૧ના ડિસેમ્બર ત્રિમાસિકમાં ફેસબૂકની એકંદર વૃદ્ધિમાં નરમાઈનું એક કારણ ભારતમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા પ્રી-પેઈડ ડેટા પ્રાઈસમાં કરાયેલો ૨૫ ટકા સુધીનો વધારો પણ છે. તેમણે જણાવ્યું હતું કે, ‘એશિયા પેસિફિક અને રેસ્ટ ઓફ વર્લ્ડમાં કોરોનાના કારણે યુઝર્સની વૃદ્ધિ અટકી હતી. ભારતમાં પણ ડેટા પેકેજના ભાવ વધતાં વૃદ્ધિ મર્યાદિત રહી હતી.’

Gujarati banner 01