GIFT–IFSC

GIFT–IFSC: ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ ઑથોરિટીની દેખરેખ હેઠળ ૩૦૦થી વધુ એકમો દ્વારા ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ

GIFT–IFSC: ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે GIFT–IFSC માટે નિયંત્રક સંસ્થા IFSCAએ સ્થાપિત કર્યા નવા સીમાચિહ્નો, ૧૧ બિલિયન યુએસ ડોલરનું સરેરાશ દૈનિક ટર્નઓવર ધરાવતા IFSC હેઠળના બે આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ

IFSCA હેઠળની સિદ્ધિઓ
¤ IFSCA હેઠળ ૩૧૦થી વધુ એકમો દ્વારા નાણાકીય વ્યવહારોમાં અત્યાર સુધીમાં ૧૪૦ ટકા નોંધપાત્ર વૃદ્ધિ
¤ ૨૨ બેંકોએ આશરે ૩૨ બિલિયન યુએસ ડોલરનો એકીકૃત એસેટ બેઝ બનાવ્યોઃ ૨૦૭ બિલિયન યુએસ ડોલરના બેંકિંગ વ્યવહારોની સુવિધા

નવી દિલ્હી, 26 જુલાઇ: GIFT–IFSC: તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે ફાઈનાન્સિયલ હબ બનાવવાના વિઝન સાથે ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક-ગિફ્ટ સિટીનું નિર્માણ કર્યું હતું. ‘ગિફ્ટ સિટી’ વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી આજે ખરા અર્થમાં દેશના ગ્રોથ એન્જિન તરીકે ભૂમિકા ભજવી રહ્યું છે. જેમાં આગામી તા. ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ ઑથોરિટીના ભવનનો પાયો નાંખવામાં આવશે તે ફાઈનાન્સયલ ક્ષેત્ર માટે દેશભરમાં માઈલસ્ટોન સાબિત થશે.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં વૈધાનિક નિયંત્રક સત્તામંડળ તરીકે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શરૂ કરાયેલી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)એ નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૧૦થી વધુ એકમોએ IFSCA હેઠળ કામગીરી શરૂ કરી છે. નાણાકીય વ્યવહારોમાં આ એકમો મારફતે અત્યાર સુધીમાં ૧૪૦ ટકા વૃદ્ધિ નોંધાવી છે.

વધુમાં, IFSCAના નિયમનકારી કાર્યક્ષેત્ર હેઠળની ૨૨ બેંકોએ આશરે ૩૨ બિલિયન યુએસ ડોલરનો એકીકૃત એસેટ બેઝ બનાવ્યો છે, જેને કુલ મળીને આશરે ૨૦૭ બિલિયન યુએસ ડોલર બેંકિંગ વ્યવહારોની સુવિધા પૂરી પાડી છે. IFSCમાં ‘ઇન્ટરનેશનલ બુલિયન એક્સેન્જ (IBX)’ અને ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સેન્જ (IIBX)’ એમ બે આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ સામૂહિક રીતે આશરે ૧૧ બિલિયન યુએસ ડોલરનું સરેરાશ દૈનિક ટર્નઓવર ધરાવે છે.

આ પણ વાંચોઃ Kargil diwas: ભારતનાં લશ્કરી કૌશલ્યની યાદ અપાવતો આજનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ

આ તમામ મેટ્રિક્સ IFSCA દ્વારા થતી કામગીરીમાં ગિફ્ટ સિટીનું વૈશ્વિક ક્ષેત્રે મહત્વ પ્રતિબિંબિત કરે છે, જેને ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ, લંડનના તાજેતરના અહેવાલમાં પણ સ્વીકારવામાં આવ્યું છે. જેમાં GIFT-IFSCને વૈશ્વિક સ્તરે ટોચના ૧૫ કેન્દ્રોમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે આગામી બેથી ત્રણ વર્ષમાં વધુ આગળ વધશે તેવી અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે, IFSCAને ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સમાં નાણાંકીય સેવાઓના બજારને વિકસાવવા-નિયમન કરવા અને તેની સાથે જોડાયેલી આકસ્મિક બાબતો માટે તેને ચાર સ્થાનિક નાણાંકીય ક્ષેત્ર RBI, SEBI, IRDAI અને PFRDAના નિયંત્રક તરીકેની સત્તાઓ આપવામાં આવી હતી. માત્ર બે વર્ષમાં IFSCAએ GIFT-IFSC ને વૈશ્વિક નાણાંકીય લેન્ડસ્કેપ પર સફળતાપૂર્વક સ્થાન આપવા માટે વિવિધ પહેલ શરૂ કરી છે.

ઉચ્ચ સલાહકારી અભિગમ અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રણાલીઓ સાથે સ્થાપિત તથા સિદ્ધાંત-આધારિત નિયમનકારી માળખા સાથે આ સંસ્થાએ બેન્કિંગ, મૂડી બજાર, વીમો વગેરે જેવા પરંપરાગત નાણાંકીય વ્યવસાયો તેમજ ફિનટેક, એરક્રાફ્ટ લીઝિંગ, ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર્સ, ટ્રેડ ફાઇનાન્સિંગ વગેરે જેવા વ્યવસાયિક પ્રવૃત્તિઓના વિકલ્પો મજબૂત કરીને વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

આ પણ વાંચોઃ Lumpy skin disease: લમ્પી સ્કીન ડિસીઝની પ્રવર્તમાન પરિસ્થિતી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

Gujarati banner 01