કોન્ટ્રાક્ટ ફાર્મીગ અને જમીન ખરીદીને લઇને રિલાયન્સ ગ્રુપ દ્વારા સ્પષ્ટતા

reliance jio 15026139619817139034 edited

નવી દિલ્હી, 04 જાન્યુઆરીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (આર.જે.આઇ.એલ.) દ્વારા આજે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવનારી પિટિશનમાં ભાંગફોડિયા તત્વો દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે કૃત્યને સંપૂર્ણ રીતે બંધ કરાવવા માટે તાત્કાલિક સરકારી હસ્તક્ષેપ કરવાની માગણી કરવામાં આવી છે. બંને રાજ્યોમાં થઈ રહેલા હિંસાત્મક કૃત્યના કારણે રિલાયન્સના કર્મચારીઓની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે અને મહત્વના કમ્યુનિકેશન ઇન્ફ્રસ્ટ્રક્ચર તથા વેચાણને નુકસાન પહોંચી રહ્યું છે અને પેટાકંપનીઓ દ્વારા સંચાલિત સર્વિસ આઉટલેટ્સની કામગીરીમાં વિક્ષેપ થઈ રહ્યો છે.

જે તત્વો તોડફોડ કરી રહ્યા છે તેમને સ્થાપિત હિતો ધરાવનારા અને વ્યાવસાયિક હરિફો દ્વારા ઉત્તેજિત કરવામાં આવે છે અને મદદ પણ કરાઈ રહી છે. રાજધાની નજીક ચાલી રહેલા કિસાન આંદોલનનો લાભ લઈને બદઇરાદો ધરાવનારા સ્થાપિત હતેચ્છુઓએ રિલાયન્સ વિરુદ્ધ અવિરત, મલિન તથા બદનામ કરવાનો ઇરાદો ધરાવતું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને કોઈ સત્યનો આધાર નથી.

માનનીય હાઇકોર્ટ સમક્ષ અમે રજૂ કરેલા અખંડનીય તથ્યો પરથી જુઠાણાનું અભિયાન ઉઘાડું પડી જાય છે. આ તથ્યો એ વાત પુરવાર કરે છે કે દેશમાં અત્યારે ચર્ચાઈ રહેલા ત્રણેય કૃષિ કાયદા સાથે રિલાયન્સને કોઈ લેવાદેવા નથી અને તેનાથી કોઈપણ રીતે તેને લાભ થવાનો નથી. ખરેખર તો, આ કાયદા સાથે રિલાયન્સના નામને જોડવાનો એકમાત્ર નકારાત્મક હેતુ અમારા વેપાર અને અમારી શાખને નુકસાન પહોંચાડવાનો છે.

whatsapp banner 1

રિલાયન્સ રિટેલ લિમિટેડ (RRL), રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (RJIL), અથવા અમારી પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની અન્ય કોઈપણ પેટાકંપનીએ ભૂતકાળમાં “કોર્પોરેટ” અથવા “કોન્ટ્રાક્ટ” ફાર્મિંગ કર્યું નથી, અને આ વેપારમાં પ્રવેશ કરવાનું અમારું કોઈ આયોજન પણ નથી.

રિલાયન્સ કે તેની કોઈપણ પેટાકંપનીએ “કોર્પોરેટ” અથવા “કોન્ટ્રાક્ટ” ફાર્મિંગના હેતુથી પંજાબ/હરિયાણા કે ભારતમાં અન્યત્ર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ખેતીની જમીન ખરીદી નથી. અમારું આવું કોઈ ભાવિ આયોજન પણ નથી.

ભારતના સંગઠિત રિટેલ વેપાર ક્ષેત્રે રિલાયન્સ રિટેલ અન્ય કોઈ સરખામણી ન કરી શકે તેવું અગ્રણી છે. તેના દ્વારા વેચવામાં આવતો માલ જેવા કે અનાજ, ખાદ્યાન્ન, ફળો અને શાકભાજી, રોજિંદા વપરાશની વસ્તુઓ, વસ્ત્રો, દવાઓ, વિવિધ બ્રાન્ડના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો સ્વતંત્ર ઉત્પાદકો અને સમગ્ર દેશમાં પથરાયેલા સપ્લાયરો પાસેથી મેળવેલા હોય છે. ખેડૂતો પાસેથી સીધું અનાજ ખાદ્યાન્ન ખરીદવામાં આવતું નથી. ખેડૂતોની મજબૂરીનો લાભ લેવા માટે લાંબા ગાળાના આપૂર્તિ કરાર ક્યારેય કરવામાં આવ્યા નથી કે સપ્લાયરો ખેડૂતો પાસેથી ઓછા દરે માલ ખરીદીને સપ્લાય કરે તેવી માગણી પણ કરવામાં આવી નથી, એટલું જ નહીં ભવિષ્યમાં પણ આવું કરવામાં આવશે નહીં.

1.3 અબજ ભારતીયોના “અન્ન દાતા” એવા ભારતના ખેડૂતો માટે રિલાયન્સને અપાર કૃતજ્ઞતા અને સવિશેષ આદર છે. રિલાયન્સ અને તેના સહયોગીઓ તેમને સમૃદ્ધ અને સશક્ત બનાવવા તમામ પ્રયાસો કરી છૂટવા કટિબદ્ધ છે. તેમની સેવાઓના ગ્રાહક તરીકે અમે સહભાગી સમૃદ્ધિ, સમાવિષ્ટ વિકાસ અને ન્યાયપૂર્ણ ન્યૂ ઇન્ડિયાના સંકલ્પ આધારિત ભારતીય ખેડૂતો સાથે મજબૂત અને સમાન ભાગીદારી તૈયાર કરવામાં વિશ્વાસ રાખીએ છીએ.

આ માટે, અનુકરણીય સખત મહેનત, નવીનતા અને સમર્પણ દ્વારા ખેડૂતો જે ઉત્પાદન મેળવે છે તેની ભારતીય ખેડૂતોને આગાહી આધારિત વાજબી અને નફાકારક કિંમતો મળે તેવી ખેડૂતોની મહેચ્છાને રિલાયન્સ અને તેના સહયોગીઓ ટેકો આપે છે. ખેડૂતોની આવક ટકાઉ ધોરણે નોંધપાત્ર વૃદ્ધિ પામે તેવું રિલાયન્સ ઇચ્છે છે અને આ લક્ષ્ય તરફ આગળ વધવાનું કામ કરે છે. ખરેખર, અમે અમારા સપ્લાયર્સને ન્યુનતમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) મિકેનિઝમ, અને / અથવા ખેતી પેદાશોના કિંમત નિર્ધારણ માટેની અન્ય કોઈપણ પદ્ધતિ કે સરકાર દ્વારા નિર્ધારિત અને અમલ કરવામાં આવી શકે તેવી પદ્ધતિનું કડક પાલન કરવા માટે ભારપૂર્વક જણાવીશું.

whatsapp banner 1

પંજાબ અને હરિયાણાના સત્તાધીશો અને ખાસ કરીને પોલીસનો રિલાયન્સ હૃદયપૂર્વક આભાર માને છે કે તેમણે તોફાનીઓ સામે ત્વરિત પગલાં લીધા. તેના કારણે તાજેતરના દિવસોમાં તોડફોડના બનાવોમાં ઘટાડો નોંધાયો છે. જોકે, માનનીય હાઇકોર્ટ સમક્ષ પિટિશન દ્વારા અમારી કંપની તોફાની તત્વો અને સ્થાપિત હિત ધરાવનારાઓ સામે શિક્ષાત્મક અને કડક પગલાં લેવાની માગણી કરે છે, જેનાથી રિલાયન્સ પંજાબ અને હરિયાણામાં ફરી એકવાર તેનો વેપાર સરળતાથી કરી શકે.

આ પણ વાંચો…

ગુજરાતના આ શહેરમાં હજારો આઈટી કંપની ઊભી થઇ, જાણો વિગત