PM Modi

22 Years Of Modi Government: મોદી સરકારની ગુજરાતથી દિલ્હી સુધી 22 વર્ષની સ્વર્ણિમ સફર, જાણો તેમની ઉપલબ્ધિઓ…

22 Years Of Modi Government: 22 વર્ષ પહેલા મોદીએ સંભાળ્યું હતું ગુજરાતનું સુકાન

ગાંધીનગર, 07 ઓક્ટોબરઃ 22 Years Of Modi Government: 7 ઓક્ટોબર, 2001 આ તારીખ નરેન્દ્ર મોદી અને ગુજરાત સહિત ભારતીય રાજકારણના ઈતિહાસની મહત્વપૂર્ણ તારીખ છે. નેપથ્યમાં રહીને સંઘના સ્વયંસેવકથી ભાજપના સંગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવનાર નરેન્દ્ર મોદીએ આ દિવસે ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. અત્યાર સુધી ચૂંટણીના રાજકારણથી જોજનો દૂર રહેલા મોદીએ 51 વર્ષની ઉંમરમાં પહેલી વખત ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

મુખ્યમંત્રીનું સુકાન સંભાળ્યા બાદ ‘અગ્નિપથ’ પર ચાલવું તેમની નિયતિ બની ગઇ હતી અને મોદીનો સ્વભાવ મુશ્કેલીઓનો મક્કમતાપૂર્વક સામનો કરવાનો રહ્યો છે. તેથી તમામ પ્રકારના વિરોધીઓ વચ્ચે તેઓ બસ તેમના માર્ગ પર આગળ વધતા રહ્યા. જેવી રીતે આગમાં તપીને સોનું બને છે, બસ એવી જ રીતે રાજકારણના ‘અગ્નિપથ’ ની ભીષણ આગમાં નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ વધુ નિખરીને ઉભર્યું છે.

જ્યારે મોદી ગાંધીનગરની ખુરશી પર બેઠા, ત્યારે ગુજરાતનું રાજકીય અને સામાજિક પરિદૃષ્ય કંઇક એવું હતું કે મુખ્યમંત્રી તરીકે શાસન કરવું એક મોટો પડકાર હતો. કચ્છના પુનર્નિર્માણના વિરાટ પડકારથી લઇને રાજ્યમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોની કથળી રહેલી સ્થિતિ સિવાય, ઉદ્યોગ અને મૂડી રોકાણ ક્ષેત્રમાં આકરી પ્રતિસ્પર્ધાનો સામનો કરવા માટે મોદીએ એક નવી યોજના તૈયાર કરી.

શાસન ચલાવવાની મોદીની પોતાની એક અલગ રીત છે. કહેવાય છે કે મુખ્યમંત્રી બન્યા બાદ વહીવટી અધિકારીઓ સાથે પહેલી બેઠકમાં તેઓ શાંત બેઠા રહ્યા અને અધિકારીઓને તેમના વિચારો વ્યક્ત કરવાનું કહ્યું. આ રીતે લોકોની ક્ષમતાને ઓળખવાની તેમની રીત ચોંકાવનારી હતી.

મોદીએ ગુજરાતમાં તેમની પારીની શરૂઆત સાથે જ સર્વપ્રથમ સુશાસનની સ્થાપના પર ભાર મૂક્યો. ઔદ્યોગિક રાજ્ય તરીકે ધુંધળી થયેલી ગુજરાતની છબિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચમકાવવા માટે અથાક પ્રયાસો કર્યા. નરેન્દ્ર મોદીએ લોક ફરિયાદોનું ટેક્નોલોજીના માધ્યમથી સમાધાન કરવા માટે ‘સ્વાગત’ના રૂપમાં એક ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કર્યું, જે તે સમયે દેશમાં આ પ્રકારનો એકમાત્ર કાર્યક્રમ હતો.

અધિકારીઓને તેમણે વાતાનકૂલિત કચેરીઓમાંથી બહાર નીકળીને લોકો સાથે સંવાદ સ્થાપિત કરવાની શીખ આપી. મોદીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, ગુણોત્સવ, કૃષિ મહોત્સવ, પશુ આરોગ્ય મેળા, ખેલ મહાકુંભ અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા કાર્યક્રમોના માધ્યમથી ગુજરાતના વિકાસનું એક નવું મોડલ રજૂ કર્યું.

મોદીએ પ્રવાસનની વિરાટ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અનેક કાર્યક્રમ શરૂ કર્યા. ‘ખુશ્બૂ ગુજરાત કી’ પ્રવાસન અભિયાનથી ગુજરાતના પ્રવાસન આકર્ષણો દેશ અને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યા. લાંબા સમયથી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહેલા ગુજરાતમાં તેમણે આયોજનપૂર્વક કામગીરી શરૂ કરી.

નર્મદા જેવી વિશાળ નદી હોવા છતાં ગુજરાતની આ સ્થિતિથી તેઓ ચિંતિત હતા. સરદાર સરોવર ડેમના નિર્માણમાં અનેક વિઘ્નો આવી રહ્યા હતા. પણ તેમણે આ મહત્વાકાંક્ષી પરિયોજનાને સાકાર કરવાનો અટલ સંકલ્પ પૂર્ણ કર્યો. આજે નર્મદાના પાણી, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યા છે અને ખેડૂતો માટે વરદાન સાબિત થયા છે.

નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા એ ઘટનાને 22 વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા છે. આજે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે અને સમગ્ર વિશ્વમાં તેમનો ડંકો વાગી રહ્યો છે. પ્રસ્તુત છે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે કરેલા કાર્યો અને વિવિધ ક્ષેત્રોમાં શરૂ કરેલી યોજનાઓ અને કાર્યક્રમોની એક ઝલક:

કૃષિ:

એક શુષ્ક રાજ્ય ગણાતા ગુજરાતને કૃષિ ક્ષેત્રમાં સફળતાની ઉંચાઈઓ પર લઈ જવું એ નરેન્દ્ર મોદીનું ઉલ્લેખનીય કાર્ય છે. ખેતી અને ખેડૂતોની મુશ્કેલીઓને સમજીને તે દિશામાં વિવિધ કાર્યક્રમો અને નીતિઓ અમલી બનાવવામાં આવી. આઇ-ખેડૂત પોર્ટલ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ, શૂન્ય ટકાના વ્યાજદરે ખેડૂતોને લોન, ટેકાના ભાવે કૃષિ ઉત્પાદનોની ખરીદી, નર્મદા નહેર અને સુજલામ સુફલામ યોજના દ્વારા સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી વગેરે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે લેવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાંઓ છે.

આજે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા વાર્ષિક ₹6000ની સહાયતા સીધી ખેડૂતોના બેંક ખાતાઓમાં જમા થાય છે. સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 22 વર્ષોમાં 69,000 કિમી લાંબા કેનાલ નેટવર્કનું નિર્માણ થયું છે. આદિવાસી ક્ષેત્રોમાં સિંચાઈની સુવિધાઓ વધી છે. મોદીએ સૂક્ષ્મ સિંચાઇનો વિસ્તાર વધાર્યો અને સાથે જ સોઇલ હેલ્થ કાર્ડ યોજના પણ શરૂ કરી, જેનાથી ખેડૂતોને તેમની જમીન માટે કયો પાક શ્રેષ્ઠ છે તેની જાણકારી મળતી થઈ.

ગુજરાત આજે મગફળી અને એરંડિયાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન પર અને કપાસના ઉત્પાદનમાં બીજા સ્થાન પર છે. વર્ષ 2002માં જ્યાં ધાન્ય પાકોનું ઉત્પાદન 23.48 લાખ મેટ્રિક ટન હતું, તે 2023માં વધીને 87.21 લાખ મેટ્રિક ટન થયું છે. તે જ રીતે બાગાયત પાકોનું ઉત્પાદન 2002માં 62.01 લાખ મેટ્રિક ટનની સરખામણીએ 2023માં 264.44 લાખ મેટ્રિક ટન પહોંચ્યું છે. ગુજરાતમાં ચેકડેમોની સંખ્યા 2002માં 3500 હતી જે 2023માં વધીને 1,65,000 થઈ છે.

પશુપાલન:

નરેન્દ્ર મોદીએ રાજ્યમાં પશુ આરોગ્ય મેળા અભિયાન શરૂ કર્યું, જે અંતર્ગત 2002-03 થી 2022-23 દરમિયાન 76,600 પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે હેઠળ છેલ્લા 22 વર્ષોમાં 3.19 કરોડથી વધુ પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે અને 3.74 કરોડથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. દૂધ ઉત્પાદનની વાત કરવામાં આવે તો, 2002માં ગુજરાતનું દૂધ ઉત્પાદન 60.89 લાખ મેટ્રિક ટન હતું, જે 2023માં વધીને 167.22 લાખ મેટ્રિક ટન પર પહોંચ્યું છે.

ઊર્જા:

એક સમયે વીજળીની અછત સામે ઝઝૂમી રહેલું ગુજરાત આજે એનર્જી સરપ્લસ રાજ્ય બન્યું છે. રાતે મીણબત્તીના પ્રકાશમાં ભોજન કરતા ગુજરાતના લોકો માટે નરેન્દ્ર મોદીએ જ્યોતિગ્રામ યોજના શરૂ કરી હતી. આ યોજનાના માધ્યમથી રાજ્યના તમામ 18 હજાર ગામોમાં વીજળી પહોંચાડવામાં આવી અને ગામોને 24 કલાક થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો.

આજે સોલાર રૂફટોપ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય છે. 31 જૂલાઈ, 2023 સુધીમાં ગુજરાતમાં 2842 મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ કાર્યરત છે. ચારણકામાં દેશનો પ્રથમ સોલાર પાર્ક સ્થિત છે, તેમજ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન છે.

2002 માં રાજ્યમાં રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન ફક્ત 99 મેગાવોટ હતુ, જ્યારે 2023માં તે વધીને 21,504 મેગાવોટ થયું છે. આ જ રીતે, પરંપરાગત વીજળીનું ઉત્પાદન પણ 2002માં 8750 મેગાવોટમાંથી વધીને 2023માં 45, 026 મેગાવોટ થઈ ગયું છે. ગુજરાતમાં 40,000 કિમીથી પણ લાંબુ ગેસ પાઇપલાઇન નેટવર્ક છે, જેના દ્વારા ઘરે-ઘરે રાંધણગેસ પહોંચ્યું છે.

જળ વ્યવસ્થાપન:

દુકાળ આજે ગુજરાત માટે ભૂતકાળ બની ચૂક્યો છે. એક સમયે રાજ્યમાં ટેન્કર રાજ ચાલતું હતું અને પાણીની અછતની સ્થિતિમાં પાણી મેળવવા માટે ટેન્કરો મંગાવવા પડતા હતા. આજે, 69 હજાર કિમી લાંબા કેનાલ નેટવર્કથી નર્મદાના નીર દરેક ઘર અને ખેતર સુધી પહોંચાડવામાં આવ્યા છે અને ટેન્કર રાજનો અંત આવ્યો છે. પીવાનું શુદ્ધ પાણી મળવાતી દૂષિત પાણીથી ફેલાતી બીમારીઓથી છૂટકારો મળ્યો છે.

પ્રથમવાર વડાપ્રધાન બન્યાના 17 જ દિવસમાં નરેન્દ્ર મોદીની સરકારે સરદાર સરોવર ડેમને તેની પૂર્ણ ઊંચાઈ સુધી લઇ જવા તેમજ તેના પર દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી. સૌની (SAUNI) યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના 115 ચેકડેમ્સને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે. સુજલામ સુફલામ જન અભિયાન દ્વારા રાજ્યમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે જનભાગીદારીની શરૂઆત કરવામાં આવી. મહિલાઓની પાણી સમિતિ બનાવીને તેમના ગામડાઓના પાણીના સ્ત્રોતોનું વ્યવસ્થાપન મહિલાઓને સોંપવામાં આવ્યું.

2002માં ગુજરાતમાં ફક્ત 26 ટકા ઘરોમાં જ ‘નલ સે જલ’ મળતું હતું, આજે 2023માં 100 ટકા ઘરોમાં ‘નલ સે જલ’ મળી રહ્યું છે. 2002માં રાજ્યના ફક્ત 6 જિલ્લાઓમાં વોટર ટેસ્ટિંગ લેબોરેટરીઓ હતી, જ્યારે 2023માં રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં 80 વોટર ટેસ્ટિંગ લેબોરેટરીઓ કાર્યરત છે.

શિક્ષણ

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ સુધારવા પર ભાર મૂક્યો. તેઓની શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવી પહેલો થકી શાળાઓમાં બાળકોનું ઐતિહાસિક નામાંકન થયું. કન્યા કેળવણી માટે નરેન્દ્ર મોદીએ એક વિશેષ ભંડોળ બનાવ્યું, અને પોતાને મળેલી ભેટ-સોગાતોની હરાજી કરાવીને તેમાંથી મળેલી રકમને કન્યાઓના શિક્ષણ ભંડોળમાં દાનમાં આપી.

રાજ્યમાં આજે દેશનું પ્રથમ વિશ્વ સ્તરીય કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત લર્નિંગ આઉટકમ આધારિક સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ બનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યની લગભગ 20,000 શાળાઓમાં આમૂલ પરિવર્તન લાવવા માટે ₹10,000 કરોડના ખર્ચે ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

શિક્ષણ ક્ષેત્રે અમલી બનેલી વિવિધ પહેલો અને યોજનાઓને પરિણામે વર્ષ 2002માં રાજ્યમાં ધોરણ 1 થી 8 નો સ્કૂલ ડ્રોપઆઉટ રેટ 37.22 ટકા હતો, જે આજે ઘટીને 2.8 ટકા થયો છે. રાજ્યમાં યુનિવર્સિટી અને કોલેજોની સંખ્યા 2002માં અનુક્રમે 14 અને 685 હતી, જે 2023માં વધીને અનુક્રમે 108 અને 2848 થઈ છે. રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણ આપતી કોલેજોની સંખ્યામાં પણ વધારો થયો છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ માટે અત્યારસુધીમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹1850 કરોડથી વધુની સહાયતા ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત એમબીબીએસનો અભ્યાસ કરતી 15,000થી વધુ વિદ્યાર્થીનીઓને અત્યારસુધીમાં ₹450 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. શોધ (SHODH) યોજના અંતર્ગત પીએચડી કરતા 2676થી વધુ વિદ્યાર્થીઓને અત્યારસુધીમાં ₹69.90 કરોડથી વધુની સહાયતા આપવામાં આવી છે.

ફિનિશિંગ સ્કૂલ પ્રકલ્પ અંતર્ગત ઉચ્ચ શિક્ષણની સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો તથા ટેકનિકલ શિક્ષણની સરકારી કોલેજોના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને લાઈફસ્કીલ, એમ્પ્લોયબીલીટી સ્કીલ અને ફંકશનલ તેમજ સ્પોકન ઈંગ્લીશની કુલ 80 કલાકની કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવે છે.

આ સાથે જ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી દ્વારા, ગુજરાત યુવા પ્રતિભાઓના ઇનોવેશનને નાણાકીય સહાય પૂરી પાડીને યોગ્ય પ્લેટફોર્મ પ્રદાન કરીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને આગળ ધપાવી રહ્યું છે.

આરોગ્ય

ગુજરાત આજે ભારત અને તેના પડોશી દેશો માટે મેડિકલ હબ તરીકે જાણીતું છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ હોસ્પિટલો આવેલી છે. વિશ્વનું પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ ગુજરાતના જામનગરમાં નિર્માણાધીન છે. આ ઉપરાંત, ગુજરાતના રાજકોટમાં અદ્યતન સુવિધાઓ ધરાવતી AIIMS હોસ્પિટલ કાર્યરત છે.

જોકે, બે દાયકા પહેલા ગુજરાતનું ચિત્ર કંઇક અલગ જ હતું. તે સમયે બાળકોમાં કુપોષણ ગુજરાત સામે એક ભયંકર પડકાર હતો. તે સમયે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે કુપોષણ વિરુદ્ધ એક મોટી જંગ છેડી. સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ અને બાળકોને ઘરે જ પોષણયુક્ત આહાર મળે તે માટે રાશન પહોંચાડવાનું શરૂ કર્યું.

રાજ્યની આંગણવાડીઓમાં પણ મહિલાઓને પોષણયુક્ત આહાર પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી. કિશોરીઓને આયર્નની ગોળીઓ આપવાની શરૂઆત કરવામાં આવી. આ લડાઈમાં ગુજરાત જીત્યું અને માતા અને બાળ મૃત્યુદરમાં ભારે ઘટાડો નોંધાયો. આજે હોસ્પિટલોમાં બાળકોની ડિલિવરીનો (ઇન્સ્ટિટ્યૂશનલ ડિલિવરી) દર 99.5 ટકાએ પહોંચ્યો છે.

આજે ગુજરાતમાં દર અઠવાડિયે 30 વર્ષથી વધુ વયના લોકો માટે બિન-સંક્રામક રોગોની તપાસ અને નિદાનનું વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. તુલનાત્મક દ્રષ્ટિએ જોઇએ તો 2002માં ગુજરાતમાં 4,00,000 મોતિયાના ઓપરેશન થયા હતા, જ્યારે 2023માં આ સંખ્યા વધીને 6,50,000 થઈ છે. 2002માં ગરીબ દર્દીઓને આધુનિક સારવાર અને મોંઘા ઓપરેશન સુલભ ન હતા, જ્યારે આજે 2023માં વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં પણ નિઃશુલ્ક સારવારની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે.

વર્ષ 2002માં રાજ્યના અમુક જ વિસ્તારોમાં એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ હતી, જ્યારે 2023માં 108 એમ્બ્યુલન્સ ફક્ત મિનિટોમાં જ રાજ્યના કોઈપણ ખૂણે પહોંચી જાય છે. ફૂડ ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો, આજે ગુજરાત મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન શરૂ કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે.

ઉદ્યોગ

ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતે છેલ્લા 22 વર્ષોમાં હરણફાળ ભરી છે. છેલ્લા બે દાયકાઓમાં ઉદ્યોગો માટે સાનુકૂળ નીતિઓ, વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણને કારણે વિશ્વના મોટા-મોટા ઉદ્યોગોએ ગુજરાતને પોતાનું ઘર બનાવ્યું છે.

પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરની ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ ની શરૂઆત કરી, અને આજે આ સમિટ વિશ્વભરના ઉદ્યોગો અને રોકાણકારો માટે એક પ્રતિષ્ઠિત મંચ તરીકે સ્થાપિત થઈ છે.
ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે અલગ GIDC (ઔદ્યોગિક વિસ્તારો) શરૂ કરવામાં આવી હતી. ભારતનું પ્રથમ ડાયમંડ રિસર્ચ અને મર્કન્ટાઈલ સિટી (ડ્રીમ સિટી) ‘સુરત ડાયમંડ બુર્સ’નું નિર્માણ કરવામાં આવ્યું. ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની બાબતમાં ગુજરાત સતત ત્રણ વર્ષથી પ્રથમ સ્થાને છે.

આજે સેમીકંડક્ટર અને ડિફેન્સ જેવા આધુનિક ક્ષેત્રો ગુજરાતની ધરતી પર આકાર લઇ રહ્યા છે. તાજેતરમાં જ અમેરિકન કંપની માઇક્રોન ટેક્નોલોજીએ ગુજરાતના પોતાની ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો છે. દેશમાં પહેલીવાર સાણંદ ખાતે ₹22,516 કરોડના ખર્ચે સેમીકંડક્ટર એસેમ્બ્લી, ટેસ્ટ અને પેકેજિંગ પ્લાન્ટ સ્થાપિત થશે.

ભારત સરકારના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2022ના ચાર મુખ્ય સ્તંભોમાં એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક-સિટી (GIFT સિટી) માં સ્થિત IFSCA માં વેપાર વૃદ્ધિની નવી પહેલ તથા લેબ ગ્રોન ડાયમંડ ઉત્પાદનને વેગ આપવાના વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તે જ રીતે, 920 ચોરસ કિમીમાં વિસ્તરેલનું ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ધોલેરા SIR) ભારતનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ રોકાણ ક્ષેત્ર છે. દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનો 38 ટકા હિસ્સો ગુજરાતમાંથી પસાર થશે. માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન વૈશ્વિક ઓટોમોબાઈ અને ઓટો કોમ્પોનેન્ટ્સ કંપનીઓનું હબ બન્યું છે, જ્યારે દહેજમાં 453 ચોરસ કિમીમાં ફેલાયેલું પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટેન્ટ રિજન (PCPIR) દેશનું આ પ્રકારનું પ્રથમ રોકાણ ક્ષેત્ર છે.

ગુજરાતને મળેલી કેટલી ખાસ ભેટ

નરેન્દ્ર મોદીએ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યને દેશ માટે વિકાસ મોડલ તરીકે સ્થાપિત કર્યું હતું. 13 વર્ષના તેમના મુખ્યમંત્રી કાર્યકાળ અને ત્યારબાદ 9 વર્ષના તેમના ભારતના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ આમ, છેલ્લા કુલ 22 વર્ષોમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતને ઘણી ભેટ આપી છે, જે નીચે મુજબ છે:

  1. સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજુરી: 2014માં વડાપ્રધાન તરીકે શપથ લીધાના માત્ર 17 દિવસની અંદર નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજુરી આપી દીધી અને આ રીતે ગુજરાતના લોકોનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું.
  2. ગુજરાતને વર્ષોથી બાકી રહેલી ક્રૂડ રોયલ્ટી મળીઃ વડાપ્રધાન બન્યા પછી, નરેન્દ્ર મોદીએ માર્ચ 2015માં ક્રૂડની રોયલ્ટી સંબંધિત એક મોટી સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું અને ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ. 800 કરોડ આપવાનો નિર્ણય કર્યો.
  3. બુલેટ ટ્રેન
  4. સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન હેઠળ ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના.
  5. રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ
  6. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીની રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓની સ્થિતિ.
  7. એઈમ્સ, રાજકોટ
  8. કચ્છમાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું ઉદ્ઘાટન
  9. લાઇટ હાઉસ પ્રોજેક્ટ (LHP)- રાજકોટ
  10. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રેલ કનેક્ટિવિટી
  11. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, જામનગર
  12. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
  13. ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ.
  14. GIFT સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX).
  15. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન
  16. તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી
  17. રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ
  18. દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન પ્રોડક્શન યુનિટનો શિલાન્યાસ
  19. ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કનું લોકાર્પણ
  20. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં 1000 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાઓનું નિર્માણ ચાલી રહ્યું છે.
  21. ગુજરાતમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન
  22. ભારતના G20 પ્રમુખપદ હેઠળ ગુજરાતમાં 18 બેઠકોનું આયોજન
  23. સ્માર્ટ સિટી મિશન હેઠળ ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ સહિત કુલ 6 શહેરો પસંદ કરવામાં આવ્યા છે.
  24. નવસારીમાં PM મિત્ર પાર્ક
  25. ભુજમાં સ્મૃતિ વન ભૂકંપ સ્મારક
  26. અંજાર, કચ્છમાં વીર બાલ સ્મારક
  27. સાબર ડેરી ચીઝ પ્લાન્ટ
  28. ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ.
  29. સાબરમતી રિવરફ્રન્ટમાં અટલ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ.
    *30. નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) *
  30. અંબાજી-પાવાગઢ-સોમનાથમાં પ્રવાસન વિકાસના કામો
  31. એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે, જૂનાગઢ
  32. એસ્ટોલ પ્રોજેક્ટ
  33. વિદ્યા સમીક્ષા કેન્દ્ર

એકંદરે, નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી શરૂ થયેલી આ યાત્રાએ વિવિધ ક્ષેત્રોમાં વિકાસના નવા માપદંડો સ્થાપિત કરીને રાજ્યને સફળતાના શિખરનો સ્પર્શ કરાવ્યો છે. મોદીના વિઝન હેઠળ ગુજરાત અને ભારત વિકાસના નવા આયામો સ્થાપી રહ્યા છે.

આ પણ વાંચો… Vibrant Gujarat Global Summit-2024: નવી દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્સ-હેડ ઓફ ધી મિશન સાથે મુખ્યમંત્રીની બેઠક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો