75 years amul celebration

Amul 75 year success story: કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના હસ્‍તે અમુલના વિવિધ પ્રકલ્‍પોનું કરાયું લોકાર્પણ

Amul 75 year success story: પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના પ્રધાનમંત્રીના સ્‍વપ્‍નને સાકાર કરવામાં સહકારિતા ક્ષેત્ર આગવા યોગદાન સાથે આત્‍મનિર્ભર ભારત બનાવવામાં પ્રેરક બળ પુરૂ પાડશે: અમિતભાઇ શાહ

Amul 75 year success story: કેન્‍દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે સહકારિતાને આર્થિક વ્‍યવસ્‍થાનો મજબુત સ્‍થંભ બનાવવા માટે સૌને સંકલ્‍પબધ્‍ધ થવા હાકલ કરી છે. તેમણે સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું કે, પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના પ્રધાનમંત્રીના સ્‍વપ્‍નને સાકાર કરવામાં સહકારિતા ક્ષેત્ર આગવા યોગદાન સાથે આત્‍મનિર્ભર ભારત બનાવવામાં પ્રેરક બળ પુરૂ પાડશે. કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે રાષ્‍ટ્રીય સહકારી વિકાસ નિગમ (એન.સી.ડી.સી.) દ્ધારા ડેરી ઉદ્યોગના વિકાસ માટે રૂા.૫૦૦૦ હજાર કરોડની ડેરી સહકાર યોજનાનું લોન્‍ચીંગ કર્યું હતું.

અહેવાલ: ઉદય વૈષ્ણવ, સી. એમ- પીઆરઓ
ગાંધીનગર, ૩૧ ઓક્ટોબર:
Amul 75 year success story: કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં દુધ નગરી આણંદમાં એશિયાની સૌથી મોટી અમુલ ડેરીના પરિસરમાં નવનિર્મિત સરદાર સભા ગૃહનું લોકાર્પણ કરવા સાથે કણજરી દાણ ફેકટરીમાં રૂા.૧.૭૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઇથનો વેટરનરી પ્રોડક્સનું લોન્‍ચીંગ કર્યું હતું. તેમણે ખાત્રજમાં ૨૫૦૦ મેટ્રીક ટન ચીજની સંગ્રહ ક્ષમતા ધરાવતા ચીઝ વેર હાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું.

અમુલ દ્ધારા બનાવવામાં આવેલ જૈવિક ખાતર (બાયોફર્ટીલાયઝર) નું લોન્‍ચીંગ કરવા સાથે ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે અમુલની ૭૫ વર્ષની સફળ ગાથા નિદર્શન કરતી સ્‍મરણિકાનું પણ વિમોચન કર્યું હતું. કેન્‍દ્રિય મંત્રીએ વિશેષ પોસ્‍ટલ સ્‍ટેમ્‍પ તથા ભારતીય પોસ્‍ટ વિભાગ દ્ધારા સ્‍પેશિયલ એન્‍વલપ અને દેશમાં ૧૦૦ કરોડ કોરોના રસીકરણની ઐતિહાસિક સિધ્‍ધિ બદલ વિશેષ એન્‍વલપનું અનાવરણ કર્યું હતું. આ અવસરે કેન્‍દ્રિય મંત્રીના હસ્‍તે મહત્તમ દુધ ઉત્‍પાદક મહિલા સભાસદો, મહત્તમ ઉત્‍પાદક દુધ મંડળીઓના ચેરમેનોનું સન્‍માન કર્યું હતું.

કેન્‍દ્રિય મંત્રી અમિતભાઇ શાહ તેમજ મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે સહિત કેન્‍દ્ર-રાજય સરકારના મંત્રીઓએ ડેરીના પ્‍લાન્‍ટની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કેન્‍દ્રિય મંત્રી અમિતભાઇ શાહે જણાવ્‍યું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ પોતાની આગવી દ્ધષ્‍ટીથી સહકારિતા મંત્રાલયની રચના કરી છે. સહકારથી સમૃધ્‍ધિના ધ્‍યેય મંત્ર સાથે સહકારિતા મંત્રાલય દ્ધારા સહકારી માળખાને વધુ સુદ્ધઢ બનાવવા જરૂરી બદલાવ કરવામાં આવશે.

Amit shah amul plant, Amul 75 year success story

તેમણે ઉમેર્યું કે, ઇફકો, ક્રિભકો અને લિજ્જત પાપડ જેવા સહકારિતાના સફળ મોડેલ આપણી સમક્ષ છે ત્‍યારે કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા વિષયોને સહકારિતા સાથે જોડી આત્‍મનિર્ભર બનાવવાની દિશા તરફ આગળ વધુ વધવું પડશે. અમુલ જેવી સહકારી સંસ્‍થા આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે તેમ તેમણે ઉમેર્યું હતું. ખેડૂતો સજીવ અને પ્રાકૃતિક ખેતી તરફ વળે એટલું જ નહીં ખેડૂતો દ્ધારા ઉત્‍પાદિત ફળ, ફુલ, શાકભાજી અને ધાન્‍ય જેવી ખેત પેદાશોને સહકારિતાના ધોરણે યોગ્‍ય વેચાણ વ્‍યવસ્‍થા ઉભી કરવા અમુલને પ્‍લેટફોર્મ પુરૂ પાડવા તેમણે આહવાન કર્યું હતું. તેમણે જણાવ્‍યું કે, સહકારિતાના માધ્‍યમથી ખેતી-ખેડૂતો, પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સમય સાથે આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે બદલાવ લાવી ખેડૂતોની આવક બમણી કરવામાં સહકારિતાનું આગવું પ્રદાન રહેશે. મંત્રીએ કેન્‍દ્ર સરકારની ડેરી સહકાર યોજનાનો વિશેષ લાભ લઇ ગુજરાતના ડેરી ઉદ્યોગના આંતર માળખાકીય સુવિધામાં વધારો કરવા દુધ સંઘોના સંચાલકોને અનુરોધ કર્યો હતો.

સહકારિતાના આંદોલનનો પ્રાણ ગુજરાતની મહિલાઓ છે તેનો સવિશેષ ઉલ્‍લેખ કરતા સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહે જણાવ્‍યું કે, દેશમાં આઝાદી પછી મહિલાઓનું સશક્તિકરણ અમુલના માધ્‍યમથી થયું છે. સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે ઉમેર્યું કે, સરદાર સાહેબનો અમુલ સાથે ગહેરો નાતો હતો. ખાનગી ડેરીના અન્‍યાય સામે ખેડૂતોના સંઘર્ષને સરદાર સાહેબની પ્રેરણાથી કર્મઠ એવા ત્રિભુવનદાસ પટેલે સકારાત્‍મક વિચાર સાથે સહકારિતા આંદોલન ઉપાડ્યું હતું. જે બીજ આજે વટવૃક્ષ બની ૩૬ લાખ પરિવારો માટે જીવન નિર્વાહનું કેન્‍દ્ર બન્‍યું છે.

Amit shah tribhuvan das malyarpan

સ્‍વ. ત્રિભુવનદાસ પટેલે સરદાર સાહેબની પ્રેરણાથી પુરૂષાર્થથી પરાકાષ્‍ઠા સર્જી અમુલને આજે વિશ્વ બ્રાન્‍ડ બનાવી છે તેમ તેમણે ઉમેર્યું છે. તેમણે જણાવ્‍યું કે, ૨૦૦ લીટર દુધ એકત્રિકરણથી શરૂ થયેલ અમુલ આજે દૈનિક ૩૦ લાખ લીટર દુધની ક્ષમતા ધરાવે છે. જેના થકી ૩૬ લાખ ખેડૂત પરિવારો સન્‍માનપૂર્વક જીવન નિર્વાહ કરી રહયા છે. ૧૮૬૦૦ દુધ મંડળીઓ અને ૧૮ જિલ્‍લા સ્‍તરીય સંઘો તેમજ ગુજરાત સહિત અન્‍ય રાજયોમાં ૮૭ સ્‍થળોએ મિલ્‍ક પ્રોસેસીંગ પ્‍લાન્‍ટ સાથે અમુલ આજે વટવૃક્ષ બની વિશ્વમાં નામના મેળવી છે. અમુલે પશુઓના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કરવા સાથે કૂપોષણ સાથેની લડાઇમાં પણ સહકાર આપી સમાજ પ્રત્‍યેની પોતાની જવાબદારી નિભાવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ અમૃત મહોત્સવ પ્રસંગે ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતુ કે, આઝાદી પહેલાં બ્રિટીશરો સામે અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે ર૧મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે. ગુજરાતની દૂધ સહકારી ચળવળની આ સફળતા એ સરદાર સાહેબના વિઝનને જ આભારી છે.

તેમણે ગુજરાતમાં સરદાર પટેલની હાકલથી ત્રિભૂવનદાસ પટેલે સહકારી ચળવળનો આરંભ કર્યો હતો તે બાબતનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતના બે સપૂત ગાંધીજી અને સરદાર સાહેબની જોડીના સફળ પ્રયાસોથી દેશમાં સહકારિતાનો પાયો નંખાયો હતો. જેને ગુજરાતના બે પનોતાપુત્રો નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ એ સહકારથી સમૃધ્ધિની નવી દિશા આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર કેન્દ્ર સરકારમાં અલાયદો સહકાર વિભાગ શરૂ કરીને આપી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે, દેશની એકતા અખંડિતતાના જ્યોર્તિધર સરદાર સાહેબના માર્ગદર્શનમાં દૂધ ઉત્પાદકોની એકતાની શકિતથી શરૂ થયેલી દૂધ મંડળી અમૂલ વર્લ્ડ બ્રાન્ડથી આજે વટવૃક્ષ બની ગઇ છે. સૌના સાથ સૌના વિકાસનો અને આત્મનિર્ભર ભારતનો મંત્ર અમૂલ પરિવારે સાકાર કર્યો છે. આજે અમૂલ બ્રાંડ વિશ્વભરમાં વિખ્યાત છે અને તે સમગ્ર વિશ્વમાં એક પ્રેરણાનો સ્રોત બની છે.એટલું જ નહીં, સમગ્ર વિશ્વમાં સહકારીતાના પ્રતિક તરીકે પ્રખ્યાત છે.

તેમણે અમૂલ એ માત્ર શ્વેત ક્રાંતિની પ્રક્રિયા અંગેની વાત નથી પરંતુ સશક્તિકરણનું સર્વશ્રેષ્ઠ મોડલ પણ છે. આજે ‘‘અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડીયા’’ એ તો એક એવી પંચલાઇન બની ગઇ છે કે દૂધ એટલે અમૂલ જ એવો ભાવ જન-જનમાં જાગ્યો છે. દૂધ એટલે અમૂલ એવો હવે પર્યાય બની ગયો છે અને દૂધમાંથી થતી અન્ય પેદાશોનું વેલ્યુએડીશન કરીને અમૂલે હોલિસ્ટીક એપ્રોચથી વ્હાઇટ રિવોલ્યુશનની આગવી ભાત ઉપસાવી છે. આઝાદીના અમૃત મહોત્સવ અને અમૂલનો પણ અમૃત મહોત્સવનો આ સુયોગ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો પથ કંડાર્યો છે, તેમ જણાવ્યું હતુ.

Amul plant visit n inograts amul plants

ગુજરાતે પંચાયતી રાજ વ્યવસ્થામાં જેમ જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતોનું ત્રીસ્તરિય માળખું વિકસાવ્યું છે. તેમ દૂધ સહકારી માળખું પણ થ્રી ટાયર છે. તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતમાં દૂધ મંડળીઓની સાથે દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલા નોંધપાત્ર વધારાનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષોમાં દૂધ મંડળીઓ જે ૭૬૦૦ હતી તે વધીને ૧૮,૫૬૫ થઇ છે. એટલું જ નહીં, દૂધ ઉત્પાદકોની સંખ્યા જે બે દાયકા પહેલા ૨૧ લાખ હતી જે વધીને ૩૬ લાખથી વધુ થઇ ગઇ છે. જે પૈકી પૈકી ૧૧ લાખ મહિલા દૂધ ઉત્પાદકો છે. નારી સશકિતકરણ દૂધ અને પશુપાલનના વ્યવસાય દ્વારા ગુજરાતની ગ્રામીણ બહેનોએ સાકાર કર્યુ છે. દૂધ ઉત્પાદકોને સતત દૂધના સારા ભાવ મળવાને કારણે ગુજરાતમાં કુલ દૂધ ઉત્પાદન જે બે દાયકા પહેલા ૧.૬ કરોડ લિટર હતું તે વધીને ૪.૩ કરોડ લિટર પ્રતિ દિવસ થઇ ગયું છે.

કેન્‍દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, આજે વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ તરીકે ભારત ઉભરી રહયું છે. જેમાં અમૂલનો ફાળો બહુમૂલ્ય રહયો છે.

ગુજરાતમાં સહકારી ક્ષેત્રે થયેલા સિમાચિન્હ રૂપ કાર્યોનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, આપણા ડી.એન.એ. માં જ સહકાર વણાયેલું છે, ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ખૂબ સારૂં કાર્ય થઈ રહયું છે. સહકારના ક્ષેત્રને વધુ આગળ ધપાવવાં કેન્દ્ર સરકાર દ્વારા પણ અનેકવિધ પ્રયાસો હાથ ધરી સહકારીતા વિભાગની રચના કરવામાં આવી છે. ભારતમાં સહકારી ક્ષેત્રને આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલ કાર્યોના પરિણામે આગામી દિવસોમાં સહકાર વિભાગ એ દેશની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બની રહેશે.

મંત્રીએ પશુપાલકો અને ડેરી ઉદ્યોગ માટેની ભારત સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો ઉલ્લેખ કરી સમયની સાથે આવતા બદલાવો ને સ્વીકારી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે આ તકે ડેરીઓને સહાય કરવાની એન.સી.ડી. સી.ના નવા પ્રકલ્પ રૂપ રૂપિયા પાંચ હજાર કરોડની ‘‘ડેરી સહકાર યોજના’’ની જાહેરાત કરી હતી.

Whatsapp Join Banner Guj

પ્રારંભમાં અમૂલના ચેરમેન રામસિંહ પરમારે સૌનો આવકાર કરતા જણાવ્યું કે એક દૂધ મંડળી અને ૨૫૦ લીટર દૂધથી શરૂ થયેલ અમૂલ આજે ૧૨૦૦ મંડળીઓ સાથે દૈનિક ૩૩ લાખ લીટર દૂધ એકત્રીકરણ સાથે વાર્ષિક રૂ. દસ હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે.રાજ્યના ૧૮ દૂધ સંઘોનું ટર્નઓવર રૂ.૫૩ હજાર કરોડ પર પહોંચ્યું છે. દેશના છ રાજ્યોમાં અમૂલના પ્લાન્ટ કાર્યરત છે. અમૂલ ચોકલેટ,ચીઝ આજે વિશ્વ બજારમાં વેચાય છે. કોરોના કાળમાં પણ અમૂલ એક પણ દિવસ બંધ રહી નહોતી.અમૂલ એ સભાસદોની છે.ખેડૂતોની આવક બમણી કરવામાં અને આત્મ નિર્ભર ભારત નિર્માણમાં સહકારી ક્ષેત્રનું બહુમૂલ્ય યોગદાન રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. અંતમાં અમૂલના એમ.ડી. અમિત વ્યાસે આભારવિધિ કરી હતી.

આ અવસરે કેન્દ્રિય મંત્ર બી.એલ. વર્મા, દેવુસિંહ ચૌહાણ, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્‍યક્ષ જેઠાભાઇ ભરવાડ, સાંસદ મિતેશભાઇ પટેલ, રતનસિંહ રાઠોડ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધારાસભ્યો, પૂર્વ સાંસદો, અગ્રણીઓ, પદાધિકારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર વિભાગના અધિકારીઓ, વિવિધ દૂધ સંઘોના ચેરમેન, નિયામક મંડળના સભ્યો સહિત વિશાળ સંખ્યામાં મહિલાઓ સહિત સભાસદો હાજર રહ્યા હતા.