india vs new zealand

IND Vs NZ T20 World Cup: આજે ભારતે સેમિ ફાઈનલની આશા જીવંત રાખવા ન્યૂઝિલેન્ડને હરાવવું પડશે- સાંજે 7.30 શરુ થશે મેચ

IND Vs NZ T20 World Cup: કોહલીની કેપ્ટન્સીની અંતિમ ટુર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સેવી રહ્યું છે અને તેને સાકાર કરવા માટે હવે ટીમના સ્ટાર ખેલાડીઓએ વિજયી પર્ફોમન્સ આપવું જરુરી

સ્પોર્ટ્સ ડેસ્ક,31 ઓક્ટોબરઃ IND Vs NZ T20 World Cup: ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હાર બાદ ભારતે સેમિ ફાઈનલની આશા જીવંત રાખવા માટે આવતીકાલે ન્યૂઝિલેન્ડને હરાવવું જ પડે તેમ છે. ભારત જો હારશે તો તેની સેમિ ફાઈનલની આશા ધુંધળી બનશે. કોહલીની કેપ્ટન્સીની અંતિમ ટુર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સેવી રહ્યું છે અને તેને સાકાર કરવા માટે હવે ટીમના સ્ટાર ખેલાડીઓએ વિજયી પર્ફોમન્સ આપવું જરુરી બન્યું છે. ન્યૂઝિલેન્ડ પણ પાકિસ્તાન સામે હાર્યું હોવાથી તેઓ વળતો પ્રહાર કરવા માટે તૈયારી કરી રહ્યા છે. આઇસીસીની ટુર્નામેન્ટ્સમાં ન્યૂઝિલેન્ડ છેલ્લા ૧૮ વર્ષથી ભારત સામે હાર્યું નથી અને તેઓ આ જ રેકોર્ડને આગળ ધપાવવાના ઈરાદા સાથે ઉતરશે. ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

પાકિસ્તાન જેવા પરંપરાગત હરિફ સામેની ટીમ ઈન્ડિયાની હાર આંચકાજનક રહી હતી. ખાસ કરીને ટીમ ઈન્ડિયામાં સામેલ હાર્દિક પંડયા અને મોહમ્મદ શમીની ઉગ્ર ટીકા થઈ હતી. આમ છતાં કેપ્ટન કોહલી અને ભારતીય ટીમ મેનેજમેન્ટ બંને ખેલાડીઓને ટીમમાં જાળવી રાખશે તેમ મનાય છે. ભારતીય ક્રિકેટ ટીમની નજીકના સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટ જણાવે છે કે, ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનને જ આવતીકાલે ન્યૂઝિલેન્ડ સામે ઉતારે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Man killed 58 cows: એક વ્યક્તિ નોકરીમાંથી કાઢી મુકવાના કારણે 58 ગાયોને ઝેર આપીને મારનાખી, પોલીસે કરી ધરપકડ

ભારતીય બેટ્સમેનો પાકિસ્તાન સામે પ્રભાવ પાડી શક્યા નહતા. હવે રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડીએ ન્યૂઝિલેન્ડ સામે ટીમ ઈન્ડિયાને આત્મવિશ્વાસભરી શરૃઆત અપાવવી પડશે. રોહિત આઇપીએલમાં પણ ખાસ ફોર્મ બતાવી શક્યો નહતો. જોકેે ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફળતા માટે તેણે જવાબદારી સાથે રમવું પડશે. પાકિસ્તાન સામે કેપ્ટન કોહલી અને પંતેે તેમની આગવી લયમાં બેટીંગ કરી હતી. આમ છતાં ઓવરઓલ બેેટીંગ યુનિટ તરીકે ભારતનું પ્રભુત્વ જોવા મળ્યું નહતુ, જે મર્યાદાને ન્યૂઝિલેન્ડ સામે દૂર કરવી પડશે. હાર્દિક પંડયાને સ્થાને ઈશાન કિશન જેવો ઈન ફોર્મ વિકલ્પ ઉપલબ્ધ છે, ત્યારે ટીમ મેનેજમેન્ટનું વલણ કેવું રહે છે તે જોવાનું રહેશે.

ન્યૂઝિલેન્ડનું બોલિંગ આક્રમણ સાઉથી અને બોલ્ટ જેવા અનુભવી ફાસ્ટરોના હાથમાં છે. સાન્ટનર અને ઈશ સોઢી ભૂતકાળમાં ભારતને પરેશાન કરી ચૂક્યા છે, જેની સામે બેટ્સમેનોએ સાવધ રહેવું પડશે. ઓલરાઉન્ડ નીશમ એકલા હાથે મેચનું પાસું પલ્ટી નાંખવા માટે સક્ષમ છે. ન્યૂઝિલેન્ડની બેટીંગ કેપ્ટન વિલિયમસનની સાથે કોન્વે, ગપ્ટિલ, મિશેલ, ફિલિપ્સ અને સેઈફેર્ટ પર આધારિત રહેશે. ન્યૂઝિલેન્ડના બેટ્સમેનો પર બુમરાહ, શમી અને ભુવનેશ્વર તેમજ જાડેજા કેવું નિયંત્રણ રાખી શકે છે, તેના આધારે મેચનું પરિણામ નક્કી થશે. વરૃણ ચક્રવર્થીને વધુ એક તક અપાઈ શકે છે.

ભારત : કોહલી (કેપ્ટન), રોહિત, રાહુલ, સૂર્યકુમાર, પંત (વિ.કી.), હાર્દિક, જાડેજા, બીી.કુમાર,  શમી, બુમરાહ, ચક્રવર્થી,  ઠાકુર,  અશ્વિન,  કિશન, આર.ચાહર.

ન્યૂઝિલેન્ડ : વિલિયમસન (કેપ્ટન), ગપ્ટિલ, મિશેલ, કોન્વે, સેઈફેર્ટ (વિ.કી.),  નીશમ, ફિલિપ્સ,  સાન્ટનર, સોઢી,  બોલ્ટ, સાઉથી,  ચેપમેન,  મિલ્ને, જેમીસન અને ટોડ એસ્ટલ.

Whatsapp Join Banner Guj