Bhashini website

Bhashini website: ડિજિટલ ઇન્ડિયા’’ની પહેલ ‘‘ભાષિણી’’ ખોલશે ભારતીય ભાષાઓના દ્વાર:ગુજરાતી સાથે કુલ ૨૨ ભારતીય ભાષાઓનો સમાવેશ

Bhashini website: ભાષિણી વેબસાઈટ પર તમામ લોકો પણ લખીને, બોલીને, જોઇને અને સાંભળીને ભાષાદાન કરી શકશે

  • દેશની IIT-બોમ્બે અને IIT-મદ્રાસ જેવી, નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ પણ ભાષિણી માટે કાર્યરત

નવી દિલ્હી, 09 જુલાઇઃ Bhashini website: ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારતના સામાન્ય નાગરિકોને અનેકવિધ સેવાઓ ઘેરબેઠાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. તાજેતરમાં ‘‘ડિજિટલ ઇન્ડિયા’’ સપ્તાહ-૨૦૨૨ના ઉદઘાટન પ્રસંગે ગાંધીનગરથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિવિધ ડિજિટલ એપ્લિકેશન્સ દેશને સમર્પિત કરવામાં આવી જેમાંની એક છે ભાષિણી.

ભાષિણીનો ઉદ્દેશ્ય તમામ ભારતીયોને તેમની પોતાની સ્થાનિક ભાષામાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓનો સરળ ઍક્સેસ આપવા અને ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટ વધારવાનો છે. ભાષિણીમાં ગુજરાતી સહિત કુલ ૨૨ બંધારણીય ભારતીય ભાષાઓમાં હિન્દી અને અંગ્રેજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી ૧૧ ભાષાઓ પર કામ પૂર્ણ થઇ ચુક્યું છે, જ્યારે બાકીની ૧૧ ભાષાઓ પર કામ ચાલુ છે.

ભાષિણીનો વ્યાપ વધારવા ભાષાદાનની આવશ્યકતા છે અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોને www.bhashini.gov.in પર ભાષાનું દાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ભાષિણી વેબસાઈટ પર લખીને, બોલીને, જોઇને અને સાંભળીને ભાષાદાન કરી શકાય છે. ભાષાઓના દાન થકી સમગ્ર ડેટા એકત્ર કરવામાં આવશે અને તેને એપના માધ્યમથી નાગરિકો સુધી પહોચાડવામાં આવશે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (Meity)ના મનોજ કુમાર કહે છે કે, મંત્રાલય દ્વારા ભાષાવર્સ નામની પ્રયોગાત્મક એપ્લિકેશન બનાવાઈ છે જેના પર પ્રયોગો દ્વારા એકત્રિત ડેટા પર સંશોધન અને વિકાસ કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI મોડેલ્સ બનાવાશે જે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગોના વિકાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ પણ વાંચોઃ Yatri sewa samiti inspected various stations: સુરત રેલવે સ્ટેશનની સ્વચ્છતા અને યાત્રી સુવિધાથી ‘યાત્રી સેવા સમિતિ’ના ચેરમેને સુરત સ્ટેશનને રૂ.૧૦ હજાર પુરસ્કાર રાશિ ઘોષિત કરી
વધુમાં AI મોડેલ્સ બનાવવા માટે દેશની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ પણ કાર્યરત છે જેમાં આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી હૈદરાબાદ, જે.એન.યુ., દિલ્હી યુનિવર્સિટી, સીડેક-પુણે અને કોલકાતા વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી આઈઆઈટી બોમ્બે અગ્રણી ભૂમિકા નિભાવી હાલ બે વિશેષ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ઇશાન અને વિદ્યાપતિ જેમાં અંગ્રેજી-આસામીઝ, બોડો, મણિપુરી, નેપાળી, હિન્દી-મણિપુરી વગેરે ભાષાઓનું અનુવાદ ચાલી રહ્યું છે. ભાષિણી એપ્લિકેશનનું વિઝન, ભાષા અવરોધોને દૂર કરવાના હેતુથી ફાળો આપનાર, ભાગીદારી સંસ્થાઓ અને નાગરિકોના વૈવિધ્યસભર ઇકોસિસ્ટમને સક્ષમ કરવા માટે ભાષા તકનિકીઓ, આત્મનિર્ભર ભારતમાં ડિજિટલ સમાવેશ અને ડિજિટલી સશક્ત કરવાનો છે.

ભાષા ટેક્નોલોજી સોલ્યુશન્સ વિકસાવવા માટે ભાષા ડેટાસેટ્સ અને AI ટેક્નોલોજી બનાવીને ભાષિણી તમામ ભારતીયો માટે વધુ સમાવિષ્ટ ભવિષ્યને સક્ષમ બનાવશે. જેમાં ઈન્ટરનેટ, માહિતી, સેવાઓ અને એપ્સને પોતાની ભાષામાં સરળતાથી ઍક્સેસ કરવા જેમાં વોઈસ એક્સેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતીય ભાષામાં બનાવેલા વિડીયો, ઓડિયો અને દસ્તાવેજો પોતાની ભાષામાં શોધવા, જોવા અને સાંભળવા મળશે. જેના પરિણામે આરોગ્ય સંભાળ, એન્જિનિયરિંગ અને કાયદાઓ જેવા વિવિધ ક્ષેત્રોની સેવાઓને વધુ પ્રાધાન્ય અને સ્થાનિક ભાષામાં નવીન શબ્દભંડોળ પણ વધશે. અન્ય ભારતીય ભાષા બોલનારા સાથે પોતાની ભાષામાં વાતચીત, બાળકોને માતૃભાષામાં ડિજિટલ શિક્ષણ પણ મળી રહેશે.

આમ વડાપ્રધાનના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૫થી સૌ પ્રથમ શરૂ કરાયેલ ‘‘ડિજિટલ ઇન્ડિયા’’ થકી સરકારી-નાણાકીય સેવાઓ ઘેર બેઠા ઉપલબ્ધ થવાની સાથે હવે ભારતની વિવિધ સ્થાનિક ભાષાઓમાં સંવાદ અને સમજણ વધવાથી એક બીજા રાજ્યોની ભાષા સરળતાથી સમજી શકાશે, જેથી ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’’ની સંકલ્પના વધુ મજબૂત બનશે.

આ પણ વાંચોઃ Sri Lanka Crisis update: શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન ઘેરતા, રાષ્ટ્રપતિ આવાસ છોડી ભાગ્યા

Gujarati banner 01