Bahula chauth 2022

Bahula chauth 2022: આજે બોળચોથ, વાંચો આ વ્રતનું મહત્વ, પૌરાણિક કથા અને માન્યતા

Bahula chauth 2022: બોળચોથ પછીના દિવસે નાગપાંચમ આવે, તે પછી રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા, આ સમગ્ર તહેવારની શરૂઆત બોળચોથથી થાય છે.

ધર્મ ડેસ્ક, 15 ઓગષ્ટઃ Bahula chauth 2022: શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોળ ચોથ તરીકે ઓળખાય છે. જેને ઘણાં લોકો બહુલા ચોથ તરીકે પણ ઊજવતા હોય છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામમાંથી પરવારી કંકુ, ચોખા, તથા ફૂલના હારથી ગાય-વાછરડાનું પૂજન કરવું અને એક ટાણું કરવું. ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં. બોળચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં.

બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે. બોળચોથ પછીના દિવસે નાગપાંચમ આવે, તે પછી રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા, આ સમગ્ર તહેવારની શરૂઆત બોળચોથથી થાય છે. વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનો મેળો ભરાય છે.

આ પણ વાંચોઃ CM flag hosting ceremony at modasa: મોડાસામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો, જુઓ વીડિયો

બોળ ચોથની પૌરાણિક કથા
પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉંલો ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયાં. ગાયના વાછરડાનું નામ ઘઉંલો હોવાથી વહુએ એને ખાંડીને એની રસોઈ બનાવી દીધી હતી. માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે ક્યારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી કે કોઈ પણ વસ્તુ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી ચાલી આવે છે. તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી. પરિણામે મોટા ભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલા જમવાનુ પસંદ કરે છે. જ્યારે ઘણી મહિલાઓ તો માત્ર બાજરીના લોટની કુલેર ખાઈને પણ વ્રત કરતી હોય છે.

બોળચોથનું વ્રત
સાંજે ચાર વાગ્યે વાછરડા સાથેની ઘઉંવર્ણી ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુક્ત થવાય એ પણ રિવાજ છે. ગાયમાં 33 કરોડ દેવોનો વાસ હોવાથી અનેક જન્મનાં પાપોનો નાશ થાય છે. રીત-રિવાજ, માન્યતાઓને કે પછી પૌરાણિક કથાઓ જે હોય તે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પુજન કરે છે. ગાયનું પુજન કરતાં પહેલાં ભુદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે. ત્યાર પછી ગાયના શિંગડા પર તેલ ચોપડી, મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચઢાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે. પૂંછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે. આમ, આ પ્રકારે બોળ ચોથની પુજા અને વ્રત કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Today PM address the Nation: લાલ કિલ્લા પરથી PM મોદીએ રજૂ કરી આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ, વાંચો શું કહ્યુ વડાપ્રધાને સંબોધનમાં?

Gujarati banner 01