Vijaya Ekadashi 2024 lord vishnu

Vijaya Ekadashi 2024: આજે વિજયા એકાદશી, જાણો પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણ દ્વારા આ દિવસનું મહત્વ

Vijaya Ekadashi 2024: આપણા પુરાણો મુજબ સૂર્યોદય સમયની તિથિ માન્ય રાખવામાં આવતી હોવાથી અમારે અહીંયા સિડનીમાં વિજયા એકાદશી આવતી કાલે ગણાશે.

Vijaya Ekadashi 2024: સ્કંદ પુરાણનાં વૈષ્ણવ ખંડમાં આખા વર્ષની બધી જ એકાદશીઓનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર વિજયા એકાદશીનાં દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ-વિધાનથી કરવાથી દરેક કાર્યમાં વિજય મળે છે અને શત્રુઓથી મુક્તિ મળે છે. વિજયા એકાદશીનું જેવુ નામ છે ઠીક એ જ રીતે આ વ્રતને કરનારાં સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે.

પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતનાં પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતાં. વિજયા એકાદશીનુ મહત્વ પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણમાં પણ જોવા મળે છે. એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે.

દરેક વાર તહેવારની જેમ જ આની સાથે પણ પૌરાણિક માન્યતા જોડાયેલી છે જે ઘણી રસપ્રદ છે. આ કથા મુજબ ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જયારે ચૌદ વર્ષનો વનવાસ થયો ત્યારે તે માતા સીતા અને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા. જ્યારે રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા. ફરતાં-ફરતાં તેઓ મરણાસન્ન જટાયુની પાસે પહોંચ્યાં. જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો.

આ પણ વાંચોઃ Stock Market Update: પહેલીવાર સેન્સેક્સ 74000ને પાર, નિફ્ટીમાં પણ તેજી- છંતા રોકાણકારોને થયુ નુકસાન

થોડાં આગળ વધીને શ્રી રામની સુગ્રીવ સાથે મિત્રતા થઇ અને વાલીનો વધ કર્યો. શ્રી હનુમાનજી રામચંદ્રજીની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યાં. શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીંછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જયારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે લક્ષ્મણજીને કહ્યું : “હે લક્ષ્મણ ! આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું ?”

ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા : ”હે રામજી ! તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દુરી ઉપર કુમારી દ્વીપમાં બક્દાલભ્ય નામનાં ઋષિ રહે છે. તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો.” લક્ષ્મણજીનાં વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બક્દાલભ્ય ઋષિ પાસે ગયાં અને એમને પ્રણામ કરીને બેઠા. મુનીએ તેમને પૂછ્યું , ”હે રામજી ! તમે ક્યાંથી પધાર્યા છો ?”

શ્રી રામજી બોલ્યા : ”હે મહર્ષિ ! હું મારી સેના સહિત અહીંયા આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું.” બક્દાલભ્ય ઋષિ બોલ્યા : ” હે રામજી ! હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસનાં કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે.” શ્રી રામચંદ્રજીએ મુનીની આજ્ઞા અનુસાર વિધિ પૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી વિજય મેળવ્યો .

જો કે આ તો થઇ આપણી માન્યતા અને આપણા પુરાણોની વાતો પણ મને રસ છે એની પાછળ જોડાયેલાં તત્ત્વજ્ઞાનમાં. આપણે ખરેખર તો તન, મન અને ચિત્તની શુદ્ધિ માટે ઉપવાસ કરી એકાદશી કરવી જોઈએ, પરંતુ મને પ્રશ્ન એ થાય કે ઉપવાસ એટલે શું? અને એકાદશી એટલે શું? ઉપવાસનો અર્થ જોઈએ તો ‘ઉપ’ એટલે નજીક અને ‘વાસ’ એટ્લે રહેવું એટલે કે નજીક રહેવું.

આ પણ વાંચોઃ Shri Kashi Vishwanath Temple: મહાશિવરાત્રી પર કાશી વિશ્વનાથ મંદિર જવાનું વિચારી રહ્યા છો, તો જાણીલો આરતીનું નવુ ટાઇમ ટેબલ

ખરેખર ઉપવાસનો મતલબ છે કે આ દિવસે આપણે આપણી તમામ ઇન્દ્રિયોને સાંસારિક અને દોષયુક્ત પ્રવૃત્તિઓમાંથી કાઢીને ઈશ્વરની નજીક રહેવું જોઈએ. બીજા અર્થમાં જોઈએ તો એકાદશી એટલે કે એક અંતઃકરણ અને દશ ઇન્દ્રિયો જેનાં વડે આપણે પોતાનાં જીવનનું અંતિમ લક્ષ્ય ઈશ્વરની પ્રાપ્તિ કરવાની છે. મારાં મતે મનુષ્યોની આ પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને આપણાં અંતઃકરણની શુદ્ધિ કરવાનું વ્રત એટલે એકાદશી.

આ સિવાય જેમ એકાદશી પર આપણે ગૌશાળામાં જઈ ગાયોને ચારો નાખીયે છીએ કે પક્ષીઓને ચણ નાખીયે છીએ કે અન્યો કોઈ દાન-પુણ્યનાં કામ કરીયે છીએ તો જીવતાં જાગતાં મનુષ્યને કેમ ભૂલી શકાય ? દુ:ખી, નિ:સહાય એવા મનુષ્યોની સહાય તો કરવી જ રહી. શિયાળાની ઠંડીમાં કોઈ ગરમ વસ્ત્ર વગર ફૂટપાથ પર ઠરડાતાં લોકોને ગરમ વસ્ત્રો આપો તો એનાથી ઉત્તમ બીજું શું હોય ! એ સિવાય પણ અન્ય કોઈ આર્થિક કે સામાજિક સહાય ભલે યથાશક્તિ મુજબ પણ જો કરી શકાય તો એનાથી બીજું રૂડું શું હોઈ શકે ?

@followers: સાચી શ્રદ્ધાથી કોઈને કરેલી મદદ એકાદશીનાં પુણ્યનાં રૂપમાં જરૂરથી ફળશે અને એનાથી ઘરમાં આપ મેળે જ શાંતિ અને સમૃદ્ધિ પણ આવશે. આપ સહુને મારાં તરફથી વિજયા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો