old age family

Story of old age: પચાસ વર્ષ પછીની ઉંમરે ગણતરી કરવાથી નહીં પણ ગણતરી સમજવાથી ચાલે

Banner Nilesh Dholakia

Story of old age: પચાસ વર્ષ પછીની ઉંમરે પરીવારજનો પરત્વેનું અને પોતાનું સ્વમાન જાળવવું મહત્વનું બની રહે છે અને તેવા સમયે આપણા સંસ્કારોની તાકાતને સમજવી જરુરી છે. જવાબદાર વ્યક્તિની પરીસ્થિતિ એક ખીલ્લી જેવી હોય છે – ભાર પણ ઉચકવાનો અને હથોડીના ઘા પણ સહન કરવાના. જીવનનું ગણિત બહુ સાદુ છે, જે ગણતરી કરવાથી નહીં પણ ગણતરી સમજવાથી ચાલે છે. હથેળીમાં રાખો ને તોય હેઠા પડી જાય – અમુક લોકોની લાલચ જ એવી હોય છે, ઢાળ જોઈને ઢોળાઇ જવાની.

whatsapp banner

હસ્તરેખાઓને ભૂંસીને ય મેળવીશ તને
વિધિના લેખને પલટીને ય મેળવીશ તને
લોહીની સગાઈ તો સ્વર્ગે નક્કી થાય છે
લેખમાં તો મેખ મારીને ય મેળવીશ તને
જોકે હૃદયાસન પર તો લક્ષ બિરાજે છે –
સંઘર્ષની હદ વટાવીને ય મેળવીશ એને
શું ન કરી શકે કાળા માથાના માનવી ?
નયનને સન્મુખ લાવીને ય મેળવીશ તને
હશે જે ભૂલ ઈશની તો એને ય સુધારીને
નસીબ પર થઈ હાવી ને મેળવીશ તને !

પ્રચલિત વાર્તા : મારા પપ્પાના મિત્ર દવેકાકાને મેં આજે ખાસ કામથી ફોન કર્યો. મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. દવેકાકા નજીક રહેતા હોવાથી અને રવિવાર પણ હોવાથી એ બાજુ નીકળ્યો તો મને થયું ચાલ, દવેકાકાને મળતો જાઉં. હું દવેકાકાના ઘરે ગયો. દવેકાકા આરામથી છાપુ વાંચતા હતા. મેં કીધું કાકા, કેમ છો ! કાકા ઉવાચ : આવ બેટા, હું મજામાં. બેસ. મેં પૂછ્યું : કાકા મોબાઈલ કેમ બંધ કર્યો છે ? એટલે કાકા હસીને બોલ્યા – બેટા, ફાધર ડે, મધર ડે અને તારી કાકી અને મારા બર્થ ડે ઉપર હું મોબાઈલ સ્વીચ ઓફ કરી દઉં છું. મેં કારણ પૂછ્યું તો તેઓ કહે : બેટા આખું વર્ષ જીવીએ છીયે કે મરી ગયા તેની ખબર ન હોય તેવી વ્યક્તિઓના ય ફોન આવે.

અમુક તો વેવલું વેવલું જાહેર માધ્યમો ઉપર લખે + બોલે. આવી વાતોની મને નફરત છે. બાળકોને તેમના બચપણમાં આપેલ પ્રેમ અને હૂંફ તેમનો હક્ક હતો તો ઘડપણમાં પ્રેમ અને હૂંફ આપવી તેઓની ફરજ છે અને અમારો હક્ક પણ છે ને !? જો એ તેમની ફરજ ભૂલતા હોય તો મને એવા સંબધો સાથે કોઈ મતલબ નથી. કોઈ કોઈ સંતાનોને એવો ઘમંડ હોય છે કે જાત નહી ચાલે ત્યારે તો એ ઘરડાં માં બાપ અમારી પાસે આવશે જ ને ! એ લોકોએ તેમના બાપને ઓળખવામાં ભૂલ ખાધી છે.

દવેકાકા નિરાશા સાથે બોલ્યા : મેં આપણા શહેરથી થોડે દૂર એક અઘ્યતન ઘરડાઘર બની રહ્યું છે તેની મુલાકાત પણ લીધી હતી. મહિને વ્યક્તિ દીઠ ₹. ૧૭૦૦૦ અને પતિ પત્નિ હોય તો એક રૂમમાં બે વ્યક્તિ સાથે રહી શકે. AC, LCD TV, ઇન્ટરકોમ, સોફા ને બે પલંગ. બેટા, એક થ્રી સ્ટાર હોટલમાં હોય એવી તમામ સવલતો સાથેના રૂમ, વિશાળ પરીસરની અંદર બાગ-બગીચા, મંદિર, ૨૪ કલાક એમ્બ્યુલન્સ, દીવસમાં બે વખત ડોક્ટર આવે ને જરૂરી સારવાર આપે. મહિનામાં બે વખત તેમની જ બસમાં બધાને ફરવા લઈ જાય. ઘરડા વ્યક્તિને ધ્યાનમાં રાખી સવાર સાંજનું ભોજન, બે સમય ચા / કોફી / દૂધ સાથે નાસ્તો તેમજ સાંજે ભજન કીર્તન અને સત્સંગ ! બીજું શું જોઇએ ! બેટા, મેં તો એક રૂમ લખાવી દીધો છે. છોકરાઓ એ ભૂલી જાય કે અમે લાચાર અને મજબૂર છીએ. રૂપિયા દેતા દુનિયામાં બધું જ મળે છે, પણ માઁ બાપ કે ખોવાયેલો પ્રેમ પરત નથી મળતો…

આ પણ વાંચો: Organ donation of son: બ્રેઇન ડેડ દિકરાનું અંગદાન કરીને માતાએ ૪ અન્ય માતાઓના સંતાનોને નવજીવન બક્ષ્યું

દવેકાકાની આંખો ભીની હતી પણ મારી સાથે વાતો મક્કમતાથી કરતા હતા. દવેકાકાની આંગળી તેમના બાળકો સામે હતી. સસરાના લોકોએ મારા દીકરાઓને થોડી આર્થિક મદદ કરી એટલે ભાડે મકાન લઈને એ લોકો ધીરે ધીરે જુદા થઈ ગયા. દવેકાકાએ નાના છોકરા ભાવેશને જુદા થવાનું કારણ પૂછ્યું તો કહે ઘર નાનું પડે છે. દવેકાકાએ સુંદર જવાબ આપ્યો હતો કે, બેટા, સજ્જનના ઘરે સંકડાશ ન હોય – તારી માઁનું પેટ નાનું હોવા છતાં પણ તને નવ મહિના રહેવા વ્યવસ્થા કરી આપી હતી. સંતાનોની આદત પેટમાં હોય ત્યારથી લાત મારવાની હોય છે.

બહાર આવીને પણ ઘણા આ આદત ભૂલ્યા નથી હોતા. જાવ બેટા, ઈશ્વરને પ્રાર્થના કરો કે મને તમારા લોકોની જરૂર ન પડે અને તમને મારી જરૂર ન પડે. મારા સ્વભાવ અને આદતને કારણે તમે જુદા થાવ છો પણ અમારી મજબૂરી છે, અમારી આદત કે સ્વભાવ અમે સુધારી નહીં શકીએ. દવેકાકાએ વાત આગળ વધારતા કહ્યું કે, ખરેખર એવું ન હતું અમે અમારો સ્વભાવ અને આદતો સુધારવા તૈયાર હતા…

આ મારા ત્રણેય દીકરાઓમાંથી એકેયની હિંમત પોતાની પત્નીઓના સ્વભાવ કે આદત સુધારવાની હતી નહીં એટલે બધા છોકરાઓ ધુમાડા માઁ બાપ ઉપર કાઢે. અમને અમારો સ્વભાવ સુધારવા દબાણ કરે જે મને મંજુર ન હતું એટલે મેં તેઓને જુદા થતા રોક્યા નહીં. હું મજબૂત છું, મજબૂર નથી. હું પ્રેમાળ છું, લાચાર નથી. હું ભોળો પણ નથી અને હું ભોટ પણ નથી. હજુ મારા પોતાના અંગત નિર્ણય લેવા માટે સક્ષમ છું. ઘરડાઘરમાં જતા પહેલા આ મકાન પણ હું વેચી નાખવાનો છું. બોલ બેટા, આ બાજુ કેમ આવ્યો ?

દવેકાકા સહસા બોલ્યા. કાકા, દેવાંગ, તમારો નાનીયો મળ્યો હતો. તેની નોકરી ઘણા સમયથી જતી રહી છે તેથી તે તકલીફમાં છે – તમારાથી મદદ કંઈ થાય તો…! જો બેટા, તેણે ઘર છોડયું ત્યારે તેણે સલાહ તેના સસરાની લીધી હતી તેથી તો પહેલી મદદ કરવાની ફરજ તેમની બને કે નહીં ? હું નિવૃત વ્યક્તિ હતો, છતાં પપ્પા ઘર કેમ ચલાવશે એ ચિંતા એ ત્રણેય બાળકોએ કદી કરી નથી. ઠીક છે ભગવાનની કૃપાથી સ્વમાનથી જીવાય તેટલું તો મારી પાસે છે.

અચાનક દવેકાકા ઉભા થયા – થોડી વારે અંદરથી આવ્યા અને એક ચેક મારા હાથમાં મૂકીને બોલ્યા કે, આ દેવાંગને આપી દેજે અને કહેજે : લોહીના સબંધને હું સાચવી લઈશ – ભલે એ હજુ ઓળખતા ન શીખે. તેને કહેજે કે, લગ્ન પછી ઘર ચલાવવા તારી પાસેથી હું જે રકમ લેતો હતો એ વ્યાજ સાથે આ રકમ તને પરત કરું છું. માઁ બાપ તો આપવા માટે જ સર્જાયા હોય છે – લેવા માટે તો નહીં જ ! માઁ બાપના ઋણ ઉતારવા માટે સાત જન્મ ઓછા પડે. તમારા સ્વભાવ અને ખરાબ આદતો માંબાપે પણ સહન કરી છે પરંતુ અમે તમને જંગલ કે અનાથ આશ્રમમાં મૂકી દીધા ન હતા.

મેં ચેક સામે નજર કરી, ચેકની રકમ પાંચ લાખ હતી. હું દવેકાકાના સ્વમાનથી છલકતા ચેહેરા સામે જોઈ રહ્યો. બેટા, આપણા સંતાનોને હેરાન થતા આપણે નથી જોઈ શકતા. એ લોકોને આવો વિચાર અમારા પ્રત્યે કેમ કોઈ દીવસ નહીં આવતો હોય ? દવેકાકાની આંખો ફરી ભીની થઈ. માઁબાપને રડાવી FB ઉપર હેપી ફાધર્સ ડે / હેપી મધર્સ ડે / હેપી એનિવર્સરી કહી વાણી વિલાસ કરતા નબીરાઓ સમજી લેજો તમારા કૃત્યથી સંસાર અજાણ છે પણ ઈશ્વરે નોંધ જરૂર લીધી છે. પાનખરમાં જુના પાન ખરે ત્યારે લીલી કુમળી પાનો હસતી હોય છે ત્યારે ખરતા પાન બોલે છે : માં બાપ પ્રત્યેનું આપણું વર્તન બાળકો જોતા જ હોય છે, માટે ઇતિહાસનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખજો. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે શુભેચ્છા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો