Dev Diwali: કારતક માસની પૂર્ણિમા; જે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જાણીએ એનો મહાત્મ્ય..
(વિશેષ નોંધ : Dev Diwali: દિવાળી નિમિત્તે દસ મણકામાં તૈયાર કરેલી લેખમાળાનો આજે દસમો અને છેલ્લો મણકો છે. દિવાળીનાં સપ્તરંગી પર્વનો પ્રારંભ કરતી અને આખા વર્ષની અંતિમ એવી રમા એકાદશીથી લઈને આજે દેવદિવાળી સુધીમાં આવતાં અલગ-અલગ પર્વ વિશે રોજ શક્ય એટલી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આજનો દેવદિવાળીનો મણકો વાંચવાનો શરૂ કરશો તો એકીશ્વાસે અંત સુધી વાંચી જશો એ વાત તો નક્કી.)
આખરે દિવાળીનાં મહાપર્વનો અંતિમ દિવસ આવી જ ગયો. આપણા માટે દિવાળી એટલે સત્ય, પ્રકાશ અને ઉત્સાહનું પર્વ. એ દિવસે સત્યનો અસત્ય સામે કે ધર્મનો અધર્મ સામે વિજય થયો એટલે આપણે દીવડાઓની હારમાળા પ્રગટાવીને આ આનંદનો ઉત્સવ મનાવ્યો અને આટલાં વર્ષોથી મનાવતા આવ્યા છીએ. આજનો દિવસ પણ આવું જ કઈંક મહત્વ ધરાવે છે.
આજે કારતક માસની પૂર્ણિમા છે જે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારતક પૂર્ણિમાની તિથિ આજે બપોરે ૩ઃ૫૩ મિનિટે શરૂ થઈ આવતી કાલે ૨ઃ૪૫ મિનિટ સુધી રહેશે. આ સમય ભારતીય સમયાનુંસાર મુક્યો છે. આ કારતક સુદ પૂનમનાં રોજ આપણે વર્ષોથી દેવદિવાળી ઉજવતાં આવ્યા છીએ. આજનાં દિવસ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા ખૂબ જ રસપ્રદ છે તો મને થયું આજે આ કથા આપ સહુ સાથે પણ વહેંચું જે ખરેખર માણવી ગમે એવી છે.
શિવપુરાણમાં કરેલાં ઉલ્લેખ મુજબ તારકાસુર નામનો એક રાક્ષસ હતો. એના તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી નામનાં ત્રણ પુત્ર હતાં. આ તારકાસુર નામનો મહાદૈત્ય પ્રયાગક્ષેત્રમાં તપ કરતો હતો. તેણે ઉગ્ર તપશ્ચર્યા કરી અને એના તપનાં તેજ અને પ્રભાવથી ત્રિભુવન પણ બળવા માંડયા. એને સંમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા, પરંતુ તપસ્વી દૈત્ય ચલિત થયો નહીં અને કામ, ક્રોધ કે લોભને પણ વશ થયો નહીં.
તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અમરત્વ માગ્યું પણ શરીરધારીઓ માટે મરણ અનિવાર્ય છે એટલે બ્રહ્માજીએ મારી પાસેથી અન્ય વરદાન માગી લે એવું કહ્યું. બ્રહ્મા એને મહાદેવનાં અંશ સિવાય કોઈનાથી તારું મૃત્યુ નહિ થાય એવું વરદાન આપી અંતર્ધ્યાન થાય છે. એ પછી તો તારકાસુરે દૈત્યોને આદેશ આપ્યો કે, ‘આપણા વિરોધી દેવોને હણી નાખો. એમ ન થાય તો એમની પાસેની સર્વોત્તમ વસ્તુઓ છીનવી લો અને મને સમર્પિત કરો.’
દૈત્યરાજની આજ્ઞા થતાં, દૈત્યોએ સર્વ દેવોને, સર્પોને અને યક્ષોને બંદીવાન બનાવી ચોતરફ હાહાકાર મચાવી દીધો. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, ‘હે ત્રિલોકવિજેતા તારકાસુર, તમે મહાન યોદ્ધા છો, તમે શક્તિશાળી છો, નિર્બળ અને પરાજિત દુશ્મનોને આવી યાતના આપો એ તમને શોભતું નથી. તમે આ દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણોને છોડી દો. જો તમે આ નિર્બળ દેવગણોને નહીં છોડો તો હું પોતે બ્રહ્માજીને વિનંતી કરીશ કે તમને વરદાનવિહીન કરે.’
દેવર્ષિ નારદથી ગભરાયેલો તારકાસુર આદેશ આપે છે કે ‘આ નિર્બળ અને પરાજિત દેવગણોને છોડી દો, પણ જો તેઓ સ્વર્ગની નજીક પણ આવવાની કોશિશ કરે તો તેમનો વધ કરવામાં આવે.’ તારકાસુરનો આદેશ મળતાં જ બંદી દેવગણોને છોડી દેવામાં આવે છે અને તેઓ દેવર્ષિ નારદ સહિત બ્રહ્મલોક પહોંચે છે કે કઈ રીતે આ સમસ્યાનું સમાધાન મેળવી શકાય.
ત્યારે બ્રહ્મા જણાવે છે કે, ‘દેવગણો, તમારે એ સમજવું રહ્યું કે તારકાસુરે જપ-તપ અને પુણ્યનાં બળે વરદાન મેળવ્યું છે. હવે સત્તા મળતાં તારકાસુર સ્વાર્થ, લોભ અને ભોગનાં અંધકારમાં ગરકાવ થઈ જાય તો તેનાં પુણ્ય સમાપ્ત થતાં તેનો વધ થઈ શકે. તારકાસુર જેવા સંસ્કારી અને શક્તિશાળી અસુરનો વધ કરવા ભોગવૃત્તિવાળા નહીં પણ યોગવૃત્તિવાળા માનવીની જરૂર છે.
આવા સંસ્કારી, શક્તિશાળી, તેજસ્વી અને અહંકારવિહીન ફક્ત ભગવાન શિવનો જ અંશ હોઈ શકે. તારકાસુરનો વધ ફક્ત ભગવાન શિવનાં પુત્ર દ્વારા જ થશે.’ તારકાસુરનાં તપનો પ્રતાપ એટલો બધો હતો જેના કારણે શિવજીને લગ્ન કરવા પડ્યા અને માતા સ્કંદથી ઉત્પન્ન થયેલા પુત્ર કાર્તિકેય સાથેનાં ભીષણ યુદ્ધમાં છેવટે કાર્તિકેયનાં હાથે તારકાસુર મૃત્યુ પામ્યો.
આમ ભગવાન શિવનાં પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો એટલે પિતાનાં વધથી ત્રણેય પુત્રો ક્રોધિત થયાં. તારકક્ષ, કમલાક્ષ અન વિદ્યુન્માલી આ ત્રણેય પુત્રો ત્રિપુરાસુર કહેવાયા જેમણે પિતાનાં મૃત્યુનું વેર વાળવા ઘોર તપ કર્યું. તેમણે તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને અમર થવાનું વરદાન માંગ્યું. શરીર ધારીઓ માટે મરણ અનિવાર્ય છે એટલે બ્રહ્માજીએ મારી પાસેથી અન્ય વરદાન માગી લો એવું કહ્યું.
ત્રણેય જણાએ ખૂબ વિચાર કર્યા પછી એક મુશ્કેલ શરત મૂકી જે પૂર્ણ થાય તો જ એમનું મૃત્યુ થાય. તેમણે એવું વરદાન માંગ્યું કે તેમના માટે ત્રણ પુરી (નગર) બનાવામાં આવે અને અને જયારે એ ત્રણ પૂરીઓ અભિજીત નક્ષત્રમાં એક પંક્તિમાં ઊભી હોય અને ખૂબ જ શાંત ક્રોધની સ્થિતિમાં કોઈ અશક્ય રથ અને અશક્ય બાણની મદદથી તેમને મારવામાં આવે તો જ તેઓ મૃત્યુ પામે.
વેદ અને પુરાણોમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે સૃષ્ટિનાં સર્જનહાર તથા દેવ અને દાનવનાં સર્જક વિશ્વકર્મા મનાય છે. એ જ રીતે દાનવોના સ્થપતિ મય દાનવ છે જે મયાસુર તરીકે ઓળખાયા. ભાગ્યે જ કોઈ જાણતું હશે કે મયાસુર એટલે મંદોદરીનાં પિતા અને રાવણનાં સસરા.
મયાસુર એક ઉત્કૃષ્ટ શિલ્પી હતાં. બ્રહ્માનાં વચન અનુસાર એમણે તેજ ગતિથી ઉડનારાં ધાતુનાં વિમાન જેવાં ત્રણ પુરીઓની રચના કરી હતી. તારકક્ષ માટે સ્વર્ણપુરી, કમલાક્ષ માટે રજતપૂરી અને વિદ્યુન્માલી માટે લોહપુરીનું નિર્માણ કર્યું. ત્રણેયે પોતાના નગરોમાં અધિકાર જમાવ્યો અને ચોતરફ હાહાકાર મચાવ્યો.
આ ત્રિપુરાસુર એક પુરથી પાતાળમાં, એક પુરથી સ્વર્ગમાં અને એક પુરથી પૃથ્વી પર ઈચ્છાનુસાર વિચરતા અને વિનાશ સર્જતા. દેવોએ ત્રસ્ત અને લાચાર બની ત્રિપુરાસુરનાં સંહાર માટે શિવજીનું શરણ સ્વીકાર્યું. ત્રિપુરાસુરે જયારે કૈલાસ પર આક્રમણ કર્યું ત્યારે ત્રણ દિવસ સુધી સર્વ એકત્રિત દેવો સાથે ત્રિપુરાસુરે મહાયુદ્ધ કર્યુ અને કાર્તિક માસની શુકલ પક્ષની પૂર્ણિમાને દિવસે ભગવાન શિવજીએ એક જ બાણથી ત્રિપુરાસુરને મારી નાખ્યા. સર્વ દેવો પ્રસન્ન થયાં અને હર્ષોલ્લાસથી તેઓએ સદાશિવને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ ઉજવ્યો. આથી આ દિવસને ‘દેવદિવાળી’ તરીકે ઓળખવામાં આવે છે.
આ ત્રિપુરાસુરનો વધ કઈ રીતે કરવામાં આવ્યો એના વિશે પણ પુરાણોમાં વિગતવાર વર્ણન છે. દેવતાઓ આ દાનવોથી ત્રસ્ત થયાં અને શિવજીની શરણે ગયા ત્યારે શિવજીએ અર્ધનારીશ્વરનું રૂપ લીધું અને આ દાનવોનો નાશ કરવા માટે વિશ્વકર્મા પાસે એક દિવ્ય રથ બનાવડાવ્યો. જેના પર સવાર થઈને આ ત્રણે રાક્ષસોનો વધ થઈ શકે. આ દિવ્ય રથનાં નિર્માણમાં દરેક દેવતાઓએ પોતાની વિશિષ્ટતા પ્રદાન કરી.
વિશ્વકર્માએ પૃથ્વીનો રથ બનાવ્યો, ચંદ્રદેવ અને સુર્યદેવ આ રથનાં પૈડાં બન્યા, સૃષ્ટિનાં સર્જક બ્રહ્મદેવ સારથિ બન્યા, શ્રી વિષ્ણુ બાણ બન્યા, અગ્નિદેવ બાણની ધાર બન્યા, મેરુ પર્વત ધનુષ્ય બન્યા, નાગરાજ વાસુકી તેમના ધનુષ્યની પ્રત્યંચા બન્યાં. ચાર ઘોડાં ઈન્દ્ર, યમ, વરુણ અને કુબેરને બનાવવામાં આવ્યા. આ રીતે એક અશક્ય રથ તૈયાર કરવામાં આવ્યો. આ રથ પર સવાર થઈ શિવજીએ પશુપતાસ્ત્રનું સંધાન કર્યું અને ત્રણેય પુરીઓને ભેગા કરવાનો સંકલ્પ કર્યો.
ભગવાન શિવ અને આ ત્રિપુરાસુર વચ્ચે યુદ્ધ શરૂ થયું અને જ્યારે અભિજીત નક્ષત્રમાં આ ત્રણેય પૂરીઓ એક રેખામાં ભેગી થઈ ત્યારે ભગવાન શિવે બાણ છોડ્યું અને આ ત્રિપુરાસુરનો વધ થયો. ત્યારથી ભગવાન શિવ ત્રિપુરારી પણ કહેવાયા અને દેવોએ દિવાળી જેવો ઉત્સવ ઉજવ્યો. ત્યારબાદ દર વર્ષે કારતક માસની પૂનમનાં દિવસને દેવોની દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. કારતક માસની પુનમનાં દિવસે જ ભગવાન શંકરે આ વધ કર્યો હોવાથી આ ઉત્સવ ત્રિપુરોત્સવ તરીકે અને આ પુનમ ત્રિપુરારી પુનમ તરીકે પણ ઓળખાય છે.
આના પરથી એક વાત તો માનવી જ રહી કે સામાન્ય મનુષ્ય હોય કે દેવ કે પછી દાનવ પણ યુગો-યુગોથી સત્યનો અસત્ય સામે કે ધર્મનો અધર્મ સામે સંઘર્ષ ચાલતો જ આવ્યો છે અને કદાચ ચાલતો જ રહેશે પણ અંતે તો વિજય સત્ય કે ધર્મને જ જઈને વરે છે એ વાત તો નક્કી. આપણે બધા પણ ઘણી વાર અમુક સંજોગોમાં ધીરજ ગુમાવી બેસીયે છીએ કે કોઈ સંઘર્ષનાં દિવસોમાં તાત્કાલિક પરિણામ મેળવવા માટે અસત્ય કે અધર્મનો સાથે દઈ બેસીયે છીએ. આપણે કઈ તરફ રહેવું છે એ આપણે નક્કી કરવાનું છે.
આજનાં સંદર્ભમાં એક વાત કહેવા માટે ખાસ આ ત્રણ નામોનો ઉલ્લેખ હું કારણસર કરવા જઈ રહી છું. એનો તાગ બેસાડવો હોય તો આ વાત સમજવાનો પ્રયત્ન કરીયે. ભીષ્મ પિતામહ એ પરશુરામનાં શિષ્ય હતા અને પરશુરામ એ શ્રી વિષ્ણુનાં અવતાર. આપણે બધા જ જાણીયે છીએ કે પરશુરામે ધરતીને ૨૧ વાર ક્ષત્રિય વિહોણી કરી હતી.
આ પણ વાંચો:- Miracle: શું ખરેખર ચમત્કાર થાય છે?
એ પોતે ભીષ્મનાં ગુરુ હોવા છતાંય તેઓ ભીષ્મને હરાવી શક્યા નહોતા. એવાં અજેય ભીષ્મ પિતામહની સામે મહાભારતનાં યુદ્ધમાં શ્રી વિષ્ણુનાં જ અવતાર શ્રી કૃષ્ણ કાળ બનીને ઊભા હતાં અને માત્ર થોડીક ક્ષણ માટે જો અર્જુન પગે ન પડ્યો હોત તો શ્રી કૃષ્ણ એમની જ લીધેલી પ્રતિજ્ઞા તોડીને પણ એમનો વધ કરી ચુક્યાં હોત. આ વાત શું બતાવે છે ?
તમે કેટલાં પરાક્રમી છો કે કેટલાં સમર્થ છો એ વાત તો પછી આવે છે પણ તમે કોના પક્ષે છો એ વાત પર બધો જ આધાર છે. જો સત્ય કે ધર્મ સાથે હશું તો સ્વયં કૃષ્ણ આપણા સારથી બની રહેશે નહીંતર ઈચ્છામૃત્યુનું વરદાન જેમને વરેલું હતું એવા અજેય મહામહિમ ભીષ્મ પિતામહ સામે પણ કૃષ્ણ રથનું પૈડું ઉઠાવી સામે પક્ષેથી એમનો વધ કરતા જોવા મળશે.
આજ વાત મહાપરાક્રમી કર્ણને પણ લાગુ પડી હતી. ભારતવર્ષનાં ઈતિહાસમાં ભીષ્મ પિતામહ પછી જો બીજો કોઈ પરાક્રમી અને અજેય યોધ્ધો હોય તો એ અર્જુન નહિ પણ કર્ણ હતો. કર્ણ માત્ર અધર્મનાં પક્ષે લડ્યો એટલે અર્જુનનાં હાથે મૃત્યુ પામ્યો બાકી જે સેનામાં કર્ણ અને ભીષ્મ પિતામહ હોય એ સેનાને સ્વયં નારાયણ સિવાય કોઈ પણ પરાસ્ત ન કરી શકે.
આશા રાખું કે દિવાળીનાં મહાપર્વનાં આ અંતિમ દિવસે આ બધી વાતો માત્ર ધાર્મિક કે પુરાણોમાં ન રહેતા એની પાછળનાં સાચા ભાવાર્થને સમજીયે અને રોજબરોજનાં જીવનમાં એનો અમલ પણ કરીયે. આપ સહુને મારા તરફથી દેવદિવાળીની વિશેષ શુભેચ્છાઓ..!!
અંતમાં એટલું ચોક્કસ કહીશ કે આપ સહુ મિત્રોએ અને મારાં તમામ વાચકવર્ગે દિવાળી નિમિત્તે રજુ કરેલી દસ અંકની લેખમાળાને ખૂબ જ ઉષ્માભેર આવકાર આપ્યો છે. આપ સહુનાં ઉમળકાભેર પ્રતિભાવોથી મારામાં લખવાનો ઉત્સાહ ન તો માત્ર જળવાઈ રહે છે પરંતુ ચોક્કસ બેવડાઈ જાય છે. આપ સહુનાં લાગણીથી છલોછલ અને પ્રોત્સાહનસભર પ્રતિભાવો બદલ હું આપ તમામની ઋણી રહીશ. ✍🏻 વૈભવી જોશી