Festival & celebration in India: ભારતભરમાં ઉજવવામાં આવતાં નવા વર્ષનાં તહેવારની ઉજવણી અને પ્રકૃતિ સાથેનાં તાદાત્મ્યની વાત

(વિશેષ નોંધ: અગાઉનાં મણકામાં મેં ખગોળીય તત્ત્વોની, ધાર્મિક તત્ત્વોની અને પુરાતનકાળથી ચાલતાં આવતાં જુદાં-જુદાં સંવત્સર અને સંવતની સવિસ્તર વાત કરી છે પણ આ બીજા મણકામાં કરવી છે.)

Festival & celebration in India: વિવિધતાથી ભરેલાં ભારત દેશનાં અનેક રાજ્યોમાં આજે ચૈત્ર સુદ એકમથી શરૂ થયેલાં નવાં શક સંવતની હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી હશે. ભારતીય સંસ્કૃતિ પર્વપ્રધાન છે. દેશનાં દરેક ક્ષેત્રનાં પરંપરાગત પર્વો અને તેનું આધ્યાત્મિક માહાત્મ્ય વિવિધ હોય છે. ભારતમાં અનેક સમુદાયનાં લોકો રહે છે જેમનાં ધર્મ અને સંપ્રદાયનાં નવ વર્ષ પણ અલગ-અલગ હોય છે.

મોટાં ભાગે બધી જગ્યાએ નવાં વર્ષનો ઉત્સવ પહેલી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, પણ ભારતીય જ્યોતિષશાસ્ત્રની ગણનાં અનુસાર નવા વર્ષની શરૂઆત નવ સંવત્સર ‘ચૈત્ર નવરાત્રિ’થી થાય છે. ચૈત્ર નવરાત્રિ વસંત ઋતુમાં આવતી હોવાથી તેને “વાસંતી નવરાત્રિ” તરીકે પણ ઓળખવામાં આવે છે અને ‘રામ નવરાત્રિ’ તરીકે પણ જાણીતી છે, કારણ કે ‘રામ નવમી’ ચૈત્ર માસનાં નવમાં દિવસે આવે છે.

ચૈત્ર સુદ પડવાથી શરૂ થઇ રહેલા સંવત્સરની કાળગણનાં બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનાં નિર્માણની તિથિથી કરવામાં આવે છે, આથી તેને “સૃષ્ટિની જયંતી” પણ માનવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે, આ દિવસે મહાન ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યએ પંચાંગની રચના કરી હતી જેમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત અને દિવસ, મહિનાઓ તમામ આવરી લેવાયાં હતા. એટલે કે હિન્દુ પંચાગની શરૂઆત પણ આજનાં દિવસથી થાય છે.

ગુજરાત સહિત દેશનાં અન્ય રાજયોમાં પણ આજથી મા શક્તિની ઉપાસના અને શક્તિસંચયનાં પર્વ ગણાતાં એવા ચૈત્રી નવરાત્રિ પર્વનો પણ પ્રારંભ થયો છે. હવે પછીનાં મણકામાં ચૈત્રી નવરાત્રિ વિશે સવિસ્તર વાત રજુ કરી છે પણ આ ઉપરાંત ભારતીય નવું વર્ષ નવ સંવત્સરનો પણ આજથી પ્રારંભ થયો છે. સમગ્ર ભારત દેશમાં આ તહેવાર અલગ-અલગ નામોથી અને વિવિધ રીતે ઉજવાતો આવ્યો છે.

જેમકે, મહારાષ્ટ્રમાં મરાઠીઓનું નવું વર્ષ ‘ગુડી પડવો’, આંધ્રપ્રદેશમાં નવું વર્ષ ‘ઉગાદી’, કર્ણાટકમાં ‘યુગાદી’, તમિલનાડુમાં ‘પુથંડુ’, કેરળમાં ‘વિશુ’, કોંકણમાં ‘સંવત્સર પડવો’, સિંધીઓનું નવું વર્ષ ‘ચેટી ચાંદ’, પંજાબમાં ‘વૈશાખી’, બંગાળમાં ‘પોઈલા બૈશાખી’, કાશ્મીરમાં ‘નવરેહ’ મણિપુરમાં ‘સાજિબુ નોંગમપંબા કાઈરોબા’, ઓરિસ્સામાં ‘ચૈત્યપરબ’, આસામમાં ‘બોહાગ બિહુ’ અને બિહાર તેમજ નેપાળમાં ‘સત્તૂ સંક્રાતિ’ નામથી ઓળખવામાં આવે છે.

Festival & celebration in India

મહારાષ્ટ્રીયન લોકો ગુડી પડવાનાં પર્વને નૂતન વર્ષ તરીકે મનાવે છે. એક લોકમાન્યતા મુજબ માલવાનાં નરેશ વિક્રમાદિત્યે શકોને પરાજિત કરીને વિજય મેળવ્યો હતો, તેથી મરાઠી લોકો ગુડીને (લાકડીને) એક વિજયધ્વજનાં રૂપે શણગારીને ઘરની બહાર રાખે છે.

અન્ય એક કથા અનુસાર એક રાજા ઉપર પાડોશી રાજાએ આ રાજા પર હુમલો કર્યો ત્યારે તે રાજા નિર્બળ બનીને ભાગવા લાગ્યો. પોતાના રાજાને આ રીતે ભાગતો જોઈ તેનાં સૈનિકોનું બળ ભાંગી ગયું. રાજાનાં સૈનિકોને પરાસ્ત થતાં જોઈ તે એક કુંભારનાં પુત્ર શાલિવાહનને શૂરાતન ચડી ગયું તેણે સૈનિકોને કહ્યું ડરો નહીં મારી પાસે એક ઋષિની મંત્રવિદ્યા છે. આ મંત્રવિદ્યાથી હું નિર્જીવ પૂતળામાં જીવ પૂરી શકું છું. ત્યારે સૈનિકોએ શાલિવાહનની મદદ માંગી. સૈનિકોની વિનંતીથી શાલિવાહને માટીનું સૈન્ય તૈયાર કરી તેમને સજીવન કર્યા.

આ સૈન્યની મદદથી શાલીવાહનનાં ગામનાં સૈન્યએ શત્રુઓને પરાજિત કર્યા. શાસ્ત્રો કહે છે કે શાલિવાહને માટીનાં સૈન્યમાં મંત્ર શક્તિ દ્વારા પ્રાણ પૂર્યો તે માત્ર સૂચક છે આ કથાનો સાર એ કાઢી શકાય કે શાલિવાહને સિપાહીઓનો ખોવાયેલ આત્મવિશ્વાસ અને આત્મશક્તિને ફરી જગાવ્યો જેથી કરીને ચેતનહીન, પરાક્રમહીન બની ગયેલા લોકોમાં શત્રુઓ સામે લડવા માટે બળ આવ્યું. શાસ્ત્રો અનુસાર શાલિવાહન શક સંવતનો પ્રારંભ આ જ દિવસથી થાય છે.

મરાઠી લોકો ગુડી પડવાને દિવસે સવારે ભગવાનની પૂજા કરીને ગુડીને સુંદર નવી સાડી પહેરાવીને સજાવે છે. તેના પર ઊલટો કળશ રાખે છે અને પછી ગુડી પર લીમડાની ડાળખી, ફૂલનો હાર અને હારડો પહેરાવે છે. તેમા કેરીનાં પાન અને નારિયળથી ઘરની બહાર ઉત્તોલકનાં રૂપે ટાંગવામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિનું ઊજળું પાસું એ છે કે દરેક પર્વ પાછળનો ઉદ્દેશ જીવનને સુખદ ભવિષ્ય તરફ લઈ જવાનો હોય છે.

પર્વ પાછળનાં વિધિવિધાન અને કર્મકાંડનું પ્રતીકાત્મક મૂલ્ય સમજવામાં આવે તો પર્વની ઉજવણી વધુ અર્થપૂર્ણ રીતે કરી શકાય. ગુડી પડવાનું પણ એક પ્રતીકાત્મક મૂલ્ય છે. દરવાજા પર ખેંચાઈને ઉભી કરવામાં આવેલ ગુડી મતલબ વિજય પતાકા સ્વાભિમાનથી જીવવા અને જમીન પર લાકડીની જેમ પડતા જ સાષ્ટાંગ દંડવત કરી જીંદગીનાં ઉતાર-ચઢાવમાં તૂટ્યા વગર ઉઠવાનો સંદેશ આપે છે.

ગુડીનું પૂજન, આરતી કરીને ગુડીને ઘરની બહાર આંગણામાં અથવા ઘરની બાલ્કનીમાં રાખે છે અને સૂર્યાસ્ત થતાં ઉતારી લે છે. ગુડી જે સુંદર સાડીમાં લપેટીને રાખવામાં આવે છે તે વિજયનું પ્રતીક છે. ભૂતકાળમાં થયેલી હાર, ઉદાસીનતાને ત્યજીને નૂતન વર્ષમાં વિજયની કામના સાથે આગળ વધવાની પ્રેરણા ગુડી આપે છે. ગુડીને લીમડાની ડાળખી અને હારડો અર્પણ કરવામાં આવે છે. લીમડાનાં પાન કડવાં હોય છે ત્યારે આ કડવાં પાન નકારાત્મક આવેગોનું પ્રતીક છે. મનમાંથી વેરઝેર, દ્વેષને દૂર કરીને હારડા જેવા મીઠા મધુરા બનવાની પ્રેરણા પણ ગુડી પડવામાંથી લેવામાં આવે છે.

તેલુગુ લોકો દ્વારા ઉજવાતાં ઉગાદી પર્વમાં લીમડાનાં ફૂલ, આંબલી, ગોળ, કેરી, મીઠું જેવાં ખાધ્યપદાર્થો ભેગા કરી ઉગાદી બનાવી પ્રસાદ તરીકે વહેંચે છે. જેનો અર્થ એવો થાય છે કે જીવનમાં સમરસ રહેવું. આ દિવસ નવજીવનનો સંદેશો લઈને આવે છે અને પોતાની સાથે કડવા લીમડાનો રસ અને સાકરનો પ્રસાદ પણ લઈને આવે છે. કડવો અને મીઠો આ બંને સ્વાદ સ્વાસ્થ્ય અને જીવન સાથે સંકળાયેલા છે.

કડવા રસનું તાત્પર્ય એ છે કે જીવનમાં થોડી કડવાશની પળો હોય તો મનુષ્ય તે કડવાશને સાથે રાખીને તેમાંથી કશું નવું શીખવાનો પ્રયત્ન કરે છે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ લીમડાનો રસ તનને વધુ સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે અને સાકર એ જીવનમાં મધુરતા ઉમેરે છે અને જેમ જીવનમાં મધુરતા આવે તેમ જીવનને વધુ ને વધુ પોઝિટિવ દૃષ્ટિએ જોવાની આદત પડતી જાય છે, જેથી મનુષ્ય સફળતાના માર્ગે આગળ વધતો જાય છે.

બૈસાખીનો તહેવાર પંજાબ અને હરિયાણામાં ધામધૂમથી ઉજવાય છે. બૈસાખીની ઉજવણી કરવા પાછળ ધાર્મિક અને ઐતિહાસિક કારણ પણ છે. આ પર્વ ખેતી સાથે જોડાયેલો હોવાથી લોકોને હર્ષોઉલ્લાસ સાથે મનાવે છે. વૈશાખ માસના આરંભે ઘઉં, તલ, શેરડીની ફસલ તૈયાર થતી હોવાથી ખેડૂતો આ દિવસે કાપણીની શરૂઆત કરી આનંદ-ઉલ્લાસ મનાવે છે.

ઘરની સાફ-સફાઈ, આંગણામાં રંગોળી, ભાંગડા અને ગિધા નૃત્યથી આનંદની અભિવ્યક્તિ કરે છે અને કુસ્તી સ્પર્ધા, બેલગાડી દોડ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓથી ખેડૂત પરિવાર આનંદથી નાચી ઊઠે છે. ખેતરોમાં પાક આવ્યા બાદ આ તહેવાર ઉજવાય છે. આ પર્વનું ધાર્મિક કારણ એ પણ છે કે આ દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે અને નવા વર્ષનો પણ પ્રારંભ થાય છે. આ દિવસે શીખોનાં ૧૦માં ગુરુ ગોવિંદ સિંહએ ખાલસા પંથની સ્થાપના પણ કરી હતી.

ચેટીચાંદ એ સિંધી સમુદાયનું નૂતન વર્ષ છે. આ દિવસે સિંધી સમુદાય નદી, તળાવ કે સમુદ્ર પાસે જઇને પોતાનાં આરાધ્ય ઝુલેલાલ-વરુણદેવની પૂજા, સ્તુતિ-ભજન-કીર્તન અને અનુષ્ઠાન કરી આરાધના કરે છે. અન્ય રાજ્યોનાં લોકો પણ એટલાં જ હર્ષોલ્લાસથી આ બધા તહેવારોની ઉજવણી પરંપરાગત રીતે કરતા જોવા મળે છે. ટૂંકમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ઉત્તર ભાગ હોય કે દક્ષિણ ભાગ કે પછી પશ્ચિમ હોય કે પૂર્વ ભાગ પણ સમગ્ર ભારત દેશમાં આજનાં દિવસે વિવિધતામાં એકતાનાં દર્શન થતાં જોવા મળે છે.

આ પણ વાંચો:-Buddy’s Pizza: ગઈ સવારી buddy’s પિઝામાં, ચટાકા કરવા…

આમ જુઓ તો સંવત્સર એટલે જ્યારથી વર્ષની શુભ શરુઆત થાય પણ એ સિવાય બધી ઋતુઓનાં એક આવર્તનને પણ ‘સંવત્સર’ કહેવામાં આવે છે. વસંત ઋતુમાં શરૂ થતું આ સંવત્સર સમસ્ત ઋતુઓની પરિક્રમા કર્યા પછી અંતે વસંત ઋતુમાં સમાપ્ત થાય છે. વસંતને ‘ઋતુરાજ’ માનવામાં આવે છે તેથી સંવત્સરનો પ્રારંભ અને અંત આ ઋતુરાજમાં જ થવાનું સ્વાભાવિક પણ લાગે છે.

ઉપરાંત આપણું આ નવું વર્ષ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. નવા વર્ષની શરૂઆત થતાં જ પ્રકૃતિનો સંકેત મળી જાય છે. પાનખરનો અંત અને પ્રકૃતિને નવાં વાઘા પહેરાવવાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠે છે. આ બદલાવથી આપણે સહુ કહી શકીએ છીએ કે નવાં વર્ષનું આગમન થઈ ચૂક્યું છે.

જો કે વર્તમાન સમયમાં આપણે પોતે જ પ્રકૃતિનું સંતુલન બગાડ્યું છે અને તેનું પરિણામ આપણને વિવિધ પ્રકારની કુદરતી આફતો સ્વરૂપે જોવા મળી રહ્યું છે. પ્રકૃતિનાં નિયમોની અવહેલના કરીને કૃત્રિમ જીવનશૈલી અપનાવીને પણ આપણે અનેક રોગ – વ્યાધિઓને આમંત્રણ આપ્યું છે. હવે જો સંભાળવું હોય, જીવનમાં સુધારો કરવો હોય તો પ્રકૃતિનાં સંરક્ષણ અને સંતુલનનાં ઉપાય કરવાં પડશે અને આપણું જીવન પ્રકૃતિને અનુરૂપ જીવવું પડશે.

જો આમ થશે તો આ નવ સંવત્સર ઉત્સવ આપણાં બધા માટે વરદાન રૂપ બની રહેશે એવી મને શ્રદ્ધા છે. દરેક સમુદાયને મારા તરફથી આજનાં વિશેષ દિવસની અઢળક શુભેચ્છાઓ..!!– વૈભવી જોશી

(હવે પછીનાં મણકામાં આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિ અને મા ની આરાધના વિશે વાત કરીશું.)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *