rama ekadashi

Rama Ekadashi: આસો વદ અગિયારસ એટલે કે રમા એકાદશી; જાણો એની મહાત્મ્ય..

“મણકો ૧ – રમા એકાદશી”(Rama Ekadashi)

Rama Ekadashi: શરદપૂર્ણિમાંનાં દૂધ – પૌંઆ ખાઈને પૂર્ણ ચંદ્રની રાત્રીની શીતળ ચાંદની માણતાં-માણતાં જાણે-અજાણે આપણે ગરબાને આવજો કહી દઈએ છીએ. નવરાત્રિ પૂરી થાય પછી શરદપૂર્ણિમાંની રઢિયાળી રાતે ગરબા રમવાનો છેલ્લો દિવસ હોય છે. પછીથી શરૂ થાય છે આસો વદની ક્ષીણચંદ્રવાળી રાત્રીઓનો સમય, પણ જાણે કે આ ઘસાતાં જતાં ચંદ્રનાં તેજની ખોટ પૂરવાની હોય તે રીતે ક્ષિતિજે દિવાળીનાં સપરમા દિવસોનાં પર્વકાળનો ઉદય થાય છે.

આ પર્વ એક કરતાં વધારે પ્રસંગો લઈને આવે છે. સમગ્ર ભારતમાં દિવાળીની ઉજવણી સાત દિવસોમાં વહેંચાયેલી છે. દિવાળી એ પ્રકાશનું પર્વ છે. લોકો દિવાળીની સજાવટનાં અભિન્ન અંગ તરીકે આખા ઘરની સાફ-સફાઈ પછી પ્રતિકાત્મક દીવા સાથોસાથ ભાતીગળ રંગોળી અને બારણે ઝૂલતાં આસોપાલવ કે ફૂલનાં તોરણેથી આ પર્વ ઉજવે છે. પાછું બાળકો માટે ફટાકડાં અને જાતભાતનાં નાસ્તાઓ અને મીઠાઈઓ તો ભુલાય જ નહિ હો..!!

Rama Ekadashi: vaibhavi Joshi

આ સાત દિવસનાં મહાપર્વનો આજથી પ્રારંભ થશે. આજે આ પર્વનો પહેલો દિવસ એટલે કે રમા એકાદશી. અમારાં સિડનીનાં સમય અનુસાર આ તિથિ ગઈ કાલે બપોરે ૧ઃ૫૩ મિનિટે શરૂ થઈ ને આજે બપોરે ૪ઃ૧૧ મિનિટ સુધી રહેશે. એ પછી વાક્ બારસ, ધન્વંતરિ તેરસ, કાળી ચૌદસ, દિવાળી, નૂતન વર્ષ, ભાઈબીજ ને એમ શરૂ થાય આ દિવાળીનું મહામુલું પર્વ.

દિવાળીની આ લેખમાળામાં આજે શરૂઆત કરીયે આ પર્વનાં પહેલાં દિવસથી. આજનો દિવસ આસો વદ અગિયારસ એટલે કે રમા એકાદશી અને આ અગિયારસ આખા વરસની સૌથી અંતિમ એકદાશી છે જેનું એક આગવું મહત્વ પણ છે. આ વ્રત સ્ત્રી સન્માન સાથે જોડાયેલું છે અને એની પાછળ દાંમ્પત્ય જીવનનું મહત્વ દર્શાવતી એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે.

કહેવાય છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. સ્ત્રીનું એક સ્વરૂપ રમાનાં નામથી પણ ઓળખાય છે. આ સ્વરૂપ એવું હોય છે જે એક આંખે વિશ્વને ભષ્મીભૂત કરી દેવાની ક્ષમતા ધરાવે છે તો બીજી તરફ સંસારને નવપલ્લવિત કરીને નવજીવન આપવાની પણ તેનામાં શક્તિ રહેલી છે.

નારાયણીનું પૂજન નારાયણનું કરીએ ત્યારે સાથે જ કરવું જોઈએ. બંનેને એકસાથે પ્રસન્ન કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને વૈભવનું આહ્વાન થાય છે. દરેક સ્ત્રીમાં સ્વાભાવિક રીતે સમર્પણ, સ્નેહ અને સહનશીલતાનાં સદગુણો રહેલાં છે. આ સાથે સ્ત્રી તેના પતિનાં પ્રાણની રક્ષા હેતુ પોતાનાથી થાય તેવા તમામ બલિદાન આપી દેવા તત્પર રહેતી હોય છે. આ વાતને યથાર્થ કરવા માટે પુરાણોમાંથી એક રસપ્રદ કથા છે જે આપ સહુને માણવી ગમશે.

આ કથાનો ઉલ્લેખ શ્રીપદ્મપુરાણમાં કરવામાં આવ્યો છે જે મુજબ પ્રાચીન કાળમાં મુચુકુંદ નામનાં પ્રખ્‍યાત રાજા થઇ ગયા કે જે વિષ્‍ણુનાં પરમ ભકત અને સત્‍ય પ્રતિજ્ઞ હતાં. તે સત્યવાદી, વિષ્ણુભક્ત અને ભજન કરનારાં હતાં. મોટી કુશળતાથી રાજ્યનુ સંચાલન કરતાં હતાં. એકવાર એમના ઘરે કન્યાનો જન્મ થયો. ત્યાંની શ્રેષ્ઠ નદી ચંદ્રભાગાનાં નામ પર એ કન્યાનું નામ ‘ચંદ્રભાગા’ રાખવામાં આવ્યુ. રાજાએ ચંદ્રસેનનાં પુત્ર શોભન સાથે એનાં લગ્‍ન કરાવી દીધા.

એક વખત શોભન દસમનાં દિવસે સસરાનાં ઘરે આવ્‍યા. અને એજ દિવસે સમગ્ર નગરમાં પહેલાની જેમ ઢંઢેરો પીટવામાં આવ્‍યો કે “એકાદશીનાં દિવસે કોઇ પણ ભોજન ન કરે !” આ સાંભળીને શોભને પોતાની પ્રિય પત્‍ની ચંદ્રભાગાને કહ્યું : “પ્રિયે ! હવે આ સમયે મારે શું કરવું જોઇએ એ વિશે કહે.” ચંદ્રભાગા બોલીઃ “સ્‍વામી ! મારા પિતાને ઘેર એકાદશીનાં દિવસે મનુષ્‍ય તો શું કોઇ પાળેલા પશું પણ ભોજન નથી કરી શકતાં. પ્રાણનાથ ! જો તમે ભોજન કરશો તો તમારી ખૂબ નિંદા થશે. આ પ્રમાણે તમે મનમાં વિચાર કરીને પોતાના ચિત્તને દ્દઢ કરો.” શોભને કહ્યું : “પ્રિયે ! તારું કહેવું સત્‍ય છે. હું પણ આજે ઉપવાસ કરીશ. દેવનું જેવું વિધાન છે, એવું જ થશે.”

Is it necessary to get married?: શું લગ્ન કરવા જરૂરી છે!?

આ પ્રમાણે દ્દઢ નિશ્ર્ચય કરીને શોભને વ્રતનાં નિયમનું પાલન કર્યું. પરંતુ સુર્યોદય થતા એમનો પ્રાણાંત થઇ ગયો. રાજા મુચુકુંદ એ શોભનનો રાજોચિત અગ્નિ સંસ્‍કાર કર્યો. ચંદ્રભાગા પણ પતિનું પારલૌકિક કર્મ કરીને પિતાનાં ઘરે જ રહેવા લાગી. બીજી બાજુ શોભન આ વ્રતનાં પ્રભાવથી મંદરાચળ પર્વતનાં શિખર પર વસેલ પરમ રમણીય દેવપુરને પ્રાપ્‍ત થયાં. ત્‍યાં શોભન બીજા કુબેરની જેમ શોભવા લાગ્‍યા.

એક વખત રાજા મુચુકુંદનાં નગરવાસી પ્રસિધ્‍ધ બ્રાહ્મણ સોમશર્મા તીર્થયાત્રાનાં પ્રસંગે ફરતાં-ફરતાં મંદરાચળ પર્વત પર ગયાં. ત્‍યાં એમને શોભન જોવા મળ્યાં. રાજાનાં જમાઇને ઓળખી તેઓ એમની પાસે ગયાં. શોભન એ વખતે બ્રાહ્મણશ્રેષ્‍ઠ સોમશર્માને આવેલ જોઇને તરત જ આસન પરથી ઊભા થયાં અને એમને પ્રણામ કર્યાં. પછી પોતાના સસરા રાજા મુચુકુંદનાં, પ્રિય પત્‍ની ચંદ્રભાગાનાં અને સમગ્ર નગરનાં કુશળ સમાચાર પૂછયા.

સોમશર્માએ કહ્યું : “રાજન ! ત્‍યાં બધા કુશળ છે. આશ્ર્ચર્ય છે ! આવું સુંદર અને પવિત્ર નગર તો કયાંય કોઇએ પણ નહિ જોયું હોય ! કહો તો ખરાં, તમને આ નગર કેવી રીતે મળ્યું ?” શોભન બોલ્‍યાઃ “બ્રહ્મન ! આસો માસનાં વદ પક્ષમાં જે રમા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઇ છે. મેં શ્રધ્‍ધાહિન બનીને આ વ્રત કર્યું હતું આથી હું એવું માનું છું કે આ નગર સ્‍થાયી નથી, તમે મુચુકુંદની પુત્રી ચંદ્રભાગાને આ વૃંતાંત કહેજો.”

શોભનની વાત સાંભળીને સોમશર્મા મુચુકુંદરપૂર ગામમાં ગયા અને ત્‍યાં ચંદ્રભાગાને સમગ્ર વૃંતાંત કહી સંભળાવ્‍યો. સોમશર્મા બોલ્‍યા “મેં તમારાં પતિને જોયા છે અને ઇન્‍દ્રપુરી જેવા એમના સુંદર નગરનું પણ અવલોકન કર્યું છે. પરંતુ એ નગર અસ્‍થાયી છે. તમે એને સ્‍થાયી બનાવો.” ચંદ્રભાગાએ કહ્યું : “બ્રહ્મર્ષિ ! મારાં મનમાં પતિનાં દર્શનની લગન લાગી છે. તમે મને ત્‍યાં લઇ જાઓ. હું મારાં વ્રતનાં પ્રભાવે એ નગરને સ્‍થાયી બનાવીશ.”

ચંદ્રભાગાની વાત સાંભળીને સોમશર્મા એને સાથે લઇને મંદરાચળની પાસે વામદેવ મુનિનાં આશ્રમમાં ગયાં. ત્‍યાં ઋષિનાં મંત્રની શકિત અને એકાદશીનાં વ્રતનાં પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્‍ય બની ગયું અને એણે દિવ્‍ય ગતિ પ્રાપ્ત કરી લીધી. ત્‍યારબાદ એ પોતાના પતિ પાસે ગઇ. શોભને પોતાની પ્રિય પત્‍નીને પોતાની ડાબી બાજુનાં સિંહાસન પર બેસાડી.

ત્‍યારપછી ચંદ્રભાગાએ પોતાનો પ્રિયતમને આ પ્રિય વચનો કહ્યાઃ “નાથ ! હું તમને હિતની વાત કરું છું. સાંભળો. જયારે હું આઠ વરસની થઇ ત્‍યારથી આજ સુધી કરેલી એકાદશીથી આ નગર કલ્‍પનાં અંત સુધી સ્‍થાયી રહેશે, અને બધા પ્રકારનાં ઇચ્છિત વૈભવથી સમૃદ્ધિશાળી રહેશે.” આ પ્રમાણે રમા એકાદશીનાં વ્રતથી ચંદ્રભાગા દિવ્‍ય ભોગ, દિવ્‍ય રુપ, અને દિવ્‍ય આભુષણોથી વિભૂષિત બનીને પોતાના પતિની સાથે મંદરાચળ પર્વતનાં શિખર પર વિહાર કરે છે.

આ એકાદશી ચિંતાહરી અને કામધેનુંની જેમ બધા મનોરથો પૂર્ણ કરનારી છે. આપ સહુને મારાં તરફથી રમા એકાદશી અને સાથોસાથ આવનારાં તમામ દિવાળીનાં પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો