information about shradh

Shraddha Paksha: તમારા જીવનમાં શ્રાદ્ધ પક્ષનું શું છે મહત્વ? જાણો વૈભવી જોશી પાસેથી..

Shraddha Paksha: “શ્રાધ્ધ” એવો જ કઈંક અંધશ્રદ્ધાથી ભરેલો કે પાયા વિહોણો વિષય હશે તો મને થયું કે મારા વાંચન અને અનુભવનાં આધારે જે કઈ પણ હું જાણી શકી છું એ વાતો શ્રાધ્ધ પક્ષ નિમિત્તે આપ સહુ સુધી પહોંચાડું.

Shraddha Paksha: વિશેષ નોંધ: જો તમને ધર્મમાં શ્રદ્ધા છે તો આ લેખ તમે વાંચશો જ પણ જો તમને ધર્મ કરતાં વધારે વિજ્ઞાન અને પર્યાવરણને લગતી તાર્કિક દલીલોમાં રસ છે તો તો આ લેખ એકીશ્વાસે વાંચવો જ રહ્યો. આ લેખ અત્યાર સુધીમાં ઘણા બધા અખબાર અને સામાયિકોમાં પ્રકાશિત થઇ ચુક્યો છે તો જેને પણ યોગ્ય લાગે એ હજી બહોળા જન સમુદાય સુધી પહોંચાડી આજની અને આવનારી પેઢીને માહિતગાર કરી શકે છે.

Banner Vaibhavi joshi

ઘણી બધી જગ્યાએ ભાદરવી પૂનમથી શ્રાદ્ધ પક્ષનો(Shraddha Paksha) પ્રારંભ થાય છે તો ઘણી જગ્યાએ આજથી. આમ જુઓ તો ઘણા બધા લોકો માટે “શ્રાધ્ધ” એવો જ કઈંક અંધશ્રદ્ધાથી ભરેલો કે પાયા વિહોણો વિષય હશે તો મને થયું કે મારા વાંચન અને અનુભવનાં આધારે જે કઈ પણ હું જાણી શકી છું એ વાતો શ્રાધ્ધ પક્ષ નિમિત્તે આપ સહુ સુધી પહોંચાડું.

ભાદરવી પુનમથી ભાદરવી અમાસ સુધી આ શ્રાધ્ધનું પર્વ મનાવાય છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ આ દિવસોનો મહિમા અન્ય હિન્દુ પર્વ જેવો જ પવિત્ર છે. ફક્ત ધાર્મિક જ નહીં, ખગોળની દ્રષ્ટિએ, પર્યાવરણનાં સંબંધમાં પણ આ દિવસો મહત્ત્વના છે. મને તો હંમેશા આ આભાર વ્યક્ત કરવાનુ પર્વ લાગ્યું છે. ઘરોની છત કે બિલ્ડીંગની પાળીઓ પર ખીર પુરી સહિતનાં સંપુર્ણ ભોજનનો થોડો ભાગ આપણને શ્રાધ્ધ પક્ષમાં જોવા મળે છે.

મને હંમેશા લાગ્યા કર્યું છે કે આપણા દરેકેદરેક વાર-તહેવાર કે કોઈ વિશેષ તિથિ કે આપણા રીતિ-રિવાજો પાછળ આપણા ઋષિમુનિઓનું ખુબ ઊંડુ ચિંતન અને પર્યાવરણમાં આવતા બદલાવની સાથે અનુકૂલન સાધવાની વાત કરાઈ છે. શક્ય છે કે દરેક વખતે એની પાછળનું વૈજ્ઞાનિક કારણ નવી પેઢી સુધી નથી પહોંચી શકતું છતાંય આપણા ધર્મમાં મને એક અતૂટ શ્રધ્ધા બેઠી છે. જેમ-જેમ હું વધારે ને વધારે એમાં ઊંડી ઊતરતી જાઉં છું એમ-એમ મારી શ્રધ્ધા વધુ ને વધુ દ્રઢ થતી જાય છે.

અમારી અને આવનારી પેઢીને મારો એક જ અનુરોધ છે કે ક્યારેય પણ આપણા ધર્મ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુને અંધશ્રદ્ધામાં ન ખપાવતા કેમ કે શક્ય છે કે જે તે સમયનું એની પાછળ રહેલું વૈજ્ઞાનિક તથ્ય આપણાથી અજાણ હશે પણ હશે તો ખરાં જ. ઘણી બધી વસ્તુ કદાચ એવી પણ હશે જે એ વખતનાં સમય સંજોગોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી હશે. એ વખતે જેટલી પણ ટેક્નોલોજી હશે એને ધ્યાનમાં રાખીને કે અન્ય સામાજિક કારણોસર કે કોઈ વસ્તુ ધર્મ સાથે જોડી દેવાથી જ એનું અમલીકરણ શક્ય બન્યું હશે માટે જ અમુક માન્યતા કે રીતી-રિવાજો આજે પણ સમાજમાં પ્રવર્તે છે.

શ્રાધ્ધ કરવાની પરંપરા આજકાલની નથી. મહાભારત કાળ પહેલાં થઈ ગયેલાં રામાયણ કાળમાં પણ શ્રાદ્ધ વિધિનું વર્ણન સાંભળવા મળ્યું છે. રામચરિત માનસમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામે રાજા દથરથનું શ્રાદ્ધ કર્યું હતું. માતા સીતા પાસે ગયાજીમાં નદીમાંથી બે હાથ પિંડદાન લેવા માટે લંબાવવામાં આવ્યા હોવાનું સુવિદિત છે. રામ સાધન સામગ્રી લેવા ગયા હોવાથી નદી કિનારે બેઠેલા સીતા માતા પાસે કશું જ ન હોવાથી રેતનાં પિંડનું દાન કર્યું હોવાનું અને રાજા દશરથની મુક્તિ થઈ હોવાનો ઉલ્લેખ પણ મળે છે.

આ ઉપરાંત મહાભારતનાં અનુસાશન પર્વમાં પણ ભિષ્મ પિતામહે યુધિષ્ઠિરને શ્રાદ્ધ વિશે ઘણી એવી વાતો જણાવી હતી જે વર્તમાન સમયમાં ઘણા ઓછા લોકો જાણે છે. મહાભારત પ્રમાણે, સૌથી પહેલો શ્રાદ્ધનો ઉપદેશ મહર્ષિ નિમિને મહાતપસ્વી અત્રિ મુનિએ આપ્યો હતો. આમ સૌથી પહેલા શ્રાદ્ધની શરૂઆત મહર્ષિ નિમિએ કરી હતી. ત્યારબાદ અન્ય મહર્ષિઓ પણ શ્રાદ્ધ કરવા લાગ્યા. ધીમે ધીમે ચારે વર્ણનાં લોકો શ્રાદ્ધમાં પિતૃઓને અન્ન આપવા લાગ્યા. લગાતાર શ્રાદ્ધનું ભોજન કરતા-કરતા દેવો અને પિતૃઓ પૂર્ણ તૃપ્ત થઈ ગયા.

Shraddha Paksha

હિન્દુ ધર્મમાં ત્રણ પ્રકારનાં ઋણ વિશે જણાવામાં આવ્યું છે, દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ ત્રણે ઋણમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાધ્ધવિધિ હિન્દુ ધર્મનુ અભિન્ન અંગ છે. સમય અને સંજોગો અનુસાર તેમાં થોડા ફેરફાર ચોક્કસ આવ્યા છે, પરંતુ શ્રાધ્ધપક્ષમાં કાગવાસ નાખવાની પ્રથા હજી આજે પણ યથાવત છે.

શ્રાદ્ધ પક્ષમાં જમણવારમાં દૂધપાક કે ખીરનો જ આગ્રહ રાખવામાં આવે છે એની પાછળ એનું વૈજ્ઞાનિક તથ્ય રહેલું છે. તેની પાછળ સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક સમન્વયની ભાવના છે. ભાદરવા મહિનામાં કફ અને પિત્તનાં રોગો વધુ પ્રમાણમાં થાય છે. ખીર તેને શાંત પાડવાનું કામ કરે છે. વરસાદ પછી પડતાં આકરા તડકાને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે જેના ભરાવાથી વ્યક્તિમાં પિત્ત કે લોહી વિકાર જેવા રોગો પેદા કરે છે અને તેનું શમન અનિવાર્ય છે. માટે જ દૂધપાક કે ખીર બનાવીને આ ૧૫ દિવસ સુધી ખાવામાં આવે છે જેથી આ બધા વિકારોનું શમન થઈ જાય.

હું નાની હતી ત્યારે મને હંમેશા આ પ્રશ્ન થયા કરતો કે હંમેશા કાગડાને જ કેમ બીજું કોઈ પક્ષી કેમ નહિ? કદાચ આજે પણ આ પ્રશ્ન ઘણા બધાનાં મનમાં થતો જ હશે ખાસ કરીને આવનારી પેઢીને. તો મને થયું આજે થોડીક વાત કાગવાસ વિશે પણ કરું. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. માન્યતા એ પણ છે કે ઈન્દ્રનાં પુત્ર જયંતે જ સૌથી પહેલાં કાગડાનું સ્વરુપ ધારણ કર્યું હતું.

આ કથા ત્રેતા યુગની છે. જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરુપ ધારણ કરીને સીતાને ઘાયલ કરી હતી. ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી. જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે શ્રી રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન સીધું જ પિતૃઓને મળશે.

ત્યારથી શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયો છે. કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું મનાય છે કે કાગડાએ કરેલ ભોજન સીધુ પિતૃ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમનાં આશીર્વાદ મળે છે. આ તો થઇ આપણી ધાર્મિક માન્યતા પણ નવી પેઢીને હંમેશા ધાર્મિક માન્યતાની સાથે પર્યાવરણ સબંધિત કે વૈજ્ઞાનિક તથ્ય વધુ મગજમાં બેસે છે.

Reduce cholesterol levels: કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં કોથમીર થાય છે મદદરૂપ! જાણો, તેને ડાયટમાં કેવી રીતે સામેલ કરવા?

તો એની પાછળ આ પક્ષીનું મહત્વ પણ જાણીયે. મોટા ભાગે કાગડાઓ ભાદરવા મહિનામાં ઇંડા મુકે છે. આ નાના નાના બચ્ચા હજી જંતુઓ પચાવવા માટે સક્ષમ નથી હોતા. તેથી કાગડાનાં બચ્ચાઓ કાગવાસ થકી પોષણ મેળવે છે અને તેના બચ્ચાઓને પોષણરુપે ખીરનો ખોરાક મળી જાય છે અને કાગડાઓની નવી જનરેશન ઉછરી જાય છે.

કાગડાઓ સૃષ્ટિને સ્વચ્છ કરવામાં મહત્ત્વની ભુમિકા ભજવે છે. સાથે તેઓ પીપળા અને વડને ઉગાડવામાં પણ મદદ કરે છે. આ બંને વૃક્ષોનાં ટેટા કાગડો ખાય છે અને તેના પેટમાં પ્રોસેસ વડે તેને બહાર કાઢે છે અને તેની ચરક જ્યાં પડે ત્યાં વડ અને પીપળો ઉગી નીકળે છે. આ બંને વૃક્ષોનું મહત્વ આપણે ક્યાં નથી જાણતા.

શક્ય હોય તો આ બધી માન્યતા કે રીતિ-રિવાજો વિશે આપણે પણ માહિતી મેળવીયે અને આપણી સંસ્કૃતિનો આ અમૂલ્ય વારસો આવનારી પેઢી પણ જાળવે એ માટેની સાચી સમજ આપીયે. કોઈ પણ ધાર્મિક પર્વ કે રીતિ-રિવાજો પાછળ એની સાથે જોડાયેલાં વૈજ્ઞાનિક કે પર્યાવરણીય પાસાઓ સંબંધિત સાચી માહિતી આપીશું તો આવનારી પેઢીમાં શ્રદ્ધાનાં બીજ ચોક્કસ રોપાશે.

આશા રાખું છું કે આપણે બધા સમજણ પૂર્વક શ્રાધ્ધ પક્ષને શ્રધ્ધાથી પાર પાડીશું..!! – વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો