Miyavaki system farming

Vadodara Miyawaki Forest: વડોદરા જિલ્લામાં મિયાવાકી પદ્ધતિથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી ૨૮ ગામોમાં ઉછરી રહ્યાં છે ગ્રામ મીયાવાકી વનો

Vadodara Miyawaki Forest: વૃક્ષ ઉછેરની સાથે રોજગારી: તુલસીપુરા ગ્રામ પંચાયતે ૧૨ હજાર વૃક્ષોનું સઘન મિયાવાકી જંગલ ઉછેર્યું અને ગામના શ્રમિકોને તેના હેઠળ મનરેગાથી રોજગારી મળી

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૯ જુલાઈ:
Vadodara Miyawaki Forest: જળ વાયુ પરિવર્તનને કારણે પર્યાવરણને લગતી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે.ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવાનો એકમાત્ર ઉપાય મહત્તમ વૃક્ષોનું વાવેતર છે.માનવજીવનમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ વૃક્ષોનો મહિમાગાન કરવામાં આવ્યો છે.વૃક્ષો માનવીને પ્રાણવાયુ પુરો પાડે છે.

Vadodara Miyawaki Forest

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની તુલસી પુરા ગ્રામ પંચાયતે પર્યાવરણનું સંતુલન જાળવવા એક અનોખી પહેલ કરી રોજગારીના સર્જન સાથે એક જ વર્ષમાં વિવિધ ૨૦ જેટલી પ્રજાતિના ૧૨ હજાર જેટલા વૃક્ષો ઉછેરી ગામ વન ઉભુ કરી અન્ય ગામો માટે અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જેને પરિણામે આજે ગામમાં એક હરિયાળું લીલુંછમ વન લહેરાઈ રહ્યું છે. હવે તમને થતું હશે કે એક જ વર્ષમાં આવું કંઈ શક્ય બને ખરુ ? હા પણ આ સાચે જ સાકાર થયું છે.

આ પણ વાંચો…Gujarat ATS: ગેરકાયદેસર રીતે બાયોડિઝલ બનાવી વેચાણ કરનારા બે ઇસમોની ગુજરાત એટીએસએ કરી ધરપકડ- વાંચો વિગત

તુલસીપુરા ગ્રામ પંચાયતે વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના હેઠળ મિયાવાકી પધ્ધતિથી રોજગારીના સર્જન સાથે ગત વર્ષે એક હેકટર પડતર જમીન વિસ્તારમાં ૧૨ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી ઘનિષ્ઠ વન ઉભુ કરવામાં આવ્યું છે.ગામને હરિયાળું બનાવવા સાથે ગ્રામજનોને ૪૩૫૦ માનવ દિન જેટલી રોજગારી પણ ઉભી થઇ હતી. આ હરિયાળા ગામ વનમાં ગોરસ આંબલી, સાદળ, જાંબુડો, વાંસ, ગુંદા, કદમ, કાલીદ, લીમડો ,સપ્તપદી, પેસ્ટ્રો, ગોરાળ, રેટ્રી, આમરી, કનજ,નીલગીરી, ગુલમોર,શિશુ, બંગાળી,સીતાફળ અને ખાટી આમલી સહિત ૨૦ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

Vadodara Miyawaki Forest

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.પંડ્યાએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વર્ષ ૨૦૨૦- ૨૧ માં મિયાવાકી પધ્ધતિથી ૨૮ જેટલા ગામોમાં ઘનિષ્ઠ વનીકરણ કરી એક લાખ જેટલા રોપાઓ ઉછેરમાં આવ્યા છે.ગામડાઓને હરિયાળા બનાવવા સાથે મનરેગા હેઠળ ૮૦ હજાર માનવ દિન રોજગારીના ઉત્પાદન સાથે શ્રમજીવીઓને રૂ.૨૦ લાખ જેટલું વેતન ચૂકવામાં આવ્યું છે.વડોદરા જિલ્લામાં વર્ષ ૨૦૨૦- ૨૧ માં મનરેગા હેઠળ પાંચ લાખ માનવ દિન રોજગારી ઊભી કરી શ્રમજીવીઓને રૂ.૧૨ કરોડ જેટલી માતબર રકમ તેમના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવી છે.જિલ્લામાં મનરેગા હેઠળ તળાવ કિનારે કે અન્ય પડતર જમીનમાં ત્રણ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

શું છે મિયાવાકી પધ્ધતિ ?
મિયાવાકી એ એવી પધ્ધતિ છે જેની જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા શોધ કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય તેટલું નજીક વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, જે ન ફક્ત જગ્યા બચાવે છે, પરંતુ વાવેતર કરેલા રોપાઓ એકબીજાને વૃદ્ધિ અને સૂર્યપ્રકાશને જમીન પર પહોંચવામાં મદદ કરે છે. અને નિંદામણના વિકાસને અટકાવે છે. રોપાઓ ત્રણ વર્ષ પછી જાળવણી મુક્ત બને છે.આ પદ્ધતિથી છોડનો દસ ઘણો ઝડપી વિકાસ થવા સાથે ૩૦ ઘણું ગાઢ જંગલ બને છે.

વૃક્ષ વિકાસની એક પૂર્વ શરત છે.હરિયાળી થી વિકાસ તંદુરસ્ત બને છે અને દર્શનીય બને છે.વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ મનરેગાની મદદથી મીયાવાકી જંગલ ઉછેરવાનું આયોજન કરીને વૃક્ષ ઉછેરને રોજગારી સાથે જોડી સમતોલ વિકાસનો એક નવો માર્ગ ચીંધ્યો છે.