vaibhavi joshi

Garba of Gujarat: ગુજરાતની ઓળખ સમા “ગરબા”ને યુનેસ્કોએ “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે પસંદ કર્યો

ગરવા ગુજરાતીઓની(Garba of Gujarat) ગૌરવવંતી ક્ષણ:
ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે ‘ગુજરાતનાં ગરબા’નું(Garba of Gujarat) નામાંકન યુનેસ્કોની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર-સરકારી સમિતિનાં અઢારમાં સત્રમાં અંકિત થયું છે.
આપણાં ગુજરાતની ઓળખ સમા “ગરબા”ને યુનેસ્કોએ “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે પસંદ કર્યો છે એ આપણાં સૌ માટે ધન્ય પળ છે અને એટલું જ નહિ આ સિદ્ધિથી ગુજરાતનાં ગરબાની ઓળખ વૈશ્વિક સ્તરે વધુ મજબૂત થઈ છે. આ વાત માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત માટે પણ ગૌરવની વાત છે.
કહેવાય છે કે ગુજરાતીઓ ૨૦ મિનિટ વોક કરે ને તો પણ થાકી જાય પણ હા ! એ વાત પણ એટલી જ સાચી છે કે કોઈ ગુજરાતીને ૨ કલાક નોન-સ્ટોપ ગરબા રમવાનું કો તો ચોક્કસ રમી લે ? ખરું ને ? પણ આપ સહુને ખરેખર તો ગરબે રમવું એટલે શું એની જાણ છે ખરાં ? નવરાત્રિ દરમ્યાન આપણે મન મૂકીને ગરબે ઘૂમીએ છીએ પણ એનું સાચું માહાત્મ્ય આપણને ખબર છે ખરાં ??
આપણામાંથી મોટાં ભાગનાં લોકો માટે નવરાત્રિ આવે એટલે દાંડિયા રાસ અને ગરબા જે એક ચોક્કસ પ્રકારનું નૃત્ય બની ગયું છે બસ એટલા પુરતું જ સીમિત રહી ગયું છે. એમાં પાછું હવે તો છેલ્લાં ૨-૩ દાયકાઓથી આધુનિકરણનાં કારણે ઘણું બધું પરિવર્તન પણ આવ્યું છે અને ખરેખરી શ્રદ્ધા કે ભક્તિભાવ ક્યાંક ઓસરતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે થોડી વાત મારે ખરેખરનાં ગરબા વિશે કરવી છે.
ગરબો એટલે ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ગરિમા, અસ્મિતા અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ. ગરબો એ ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ’ગરબો’ શબ્દની ઉત્પત્તિ માટે આપણા વિદ્વાનો હજુ સુધી પૂરેપૂરા એકમત નથી પરંતુ दीपगर्भो घटः / दीपगर्भो / गभो / गरभो / गरबो (ગરબો) આ ક્રમે ગરબો શબ્દ ઉત્પન્ન થયો હોવાનું જણાય છે. ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ઘડાને ચારેબાજુ છીદ્રો પડાવીએ એટલે તેને ગરબો કોરાવ્યો છે એમ કહેવાય.
આ નૃત્ય દ્વારા મા જગદંબાની આરાધના કરવામાં આવે છે. નૃત્ય ઉપરાંત નવરાત્રિમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રિ દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે. ‘ગરબો’ સંજ્ઞાની અર્થછાયાઓ ક્રમશઃ વિસ્તાર પામતી રહી. ’ગરબો લખાય’, ’ગરબો છપાય’, ’ગરબો ગવાય’, ’ગરબે ઘુમાય’, ’ગરબો ખરીદાય’ આવા બધા અર્થો ગરબા શબ્દમાં સમાયેલા છે.
નવરાત્રિમાં છિદ્રવાળા માટીનાં ઘડામાં દીપ પ્રગટાવીને એની સ્થાપના કરીએ, એ ઘટ તે ’ગરબો’. આ ઘટને મધ્યમાં મૂકીને, એની આસપાસ સ્ત્રીઓ ગોળાકાર ઘૂમે તે નર્તન પ્રકાર પણ ’ગરબો’. પછી આ નર્તન સાથે ગવાતું ગીત પણ ’ગરબો’ સંજ્ઞા પામ્યું અને અંતે તો, મધ્યમાં ગરબાની સ્થાપના ન થઈ હોય તો પણ એ પ્રકારે વર્તુળાકાર થતું સામૂહિક નર્તન અને એની સાથે ગવાતું ગીત પણ ’ગરબો’ તરીકે પ્રચાર પામ્યા.
ખરેખર તો ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે. ગરબામાં ૨૭ છિદ્ર હોય છે. ૯-૯ની ત્રણ લાઈન એટલે ૨૭ છિદ્ર તે ૨૭ નક્ષત્ર છે. એક નક્ષત્રને ચાર ચરણ હોય છે એટલે ૨૭x૪ = ૧૦૮. નવરાત્રિ ગરબાને મધ્યમાં રાખી ૧૦૮ વખત ગરબી રમવાથી અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. ગરબા રમવાનું ખરું માહાત્મ્ય આજ છે. નવરાત્રિનાં પર્વમાં એ શક્તિ સ્વરુપાનાં આહ્વાન અને સ્થાપન રૂપે ભક્તિનું કેન્દ્ર થઇ પૂજવા યોગ્ય બની જાય છે.
ગરબામાં સ્ત્રીઓ વર્તુળાકારે તાલમાં તાળી દઈને રમે, કોઈ કોઈ વળી માથે દીવડાઓની માંડવડી મૂકીને ઘૂમે. કહેવાય છે કે આવી જ રીતે પ્રાચીનકાળમાં તેનો પ્રારંભ થયો હતો. આમ, નાનાં-નાનાં છીદ્રોવાળા માટીનાં ઘડામાં દીવડો પ્રગટાવીને માતાજીનાં સ્વરૂપે સ્થાપવામાં આવતી એક પરંપરા એટલે ગરબો. જાણે શરીર રૂપી ઘટમાં આતમ રૂપી પ્રકાશથી ઝગમગતું ચૈતન્ય.
એક કળા સ્વરૂપે ગરબો “વાળ્યો વળી શકે” એવો કલા પ્રકાર છે. જો ગરબો હિંચ કે ખેમટો રાગમાં હોય તો છ માત્રામાં, કેરવો હોય તો આઠ માત્રામાં ને દીપચંદી હોય તો ચૌદ માત્રામાં લેવામાં આવે છે. પહેલાં સારંગ, ભૈરવ કે મ્હાડ રાગ પર આધારીત ગરબાઓ વધારે ગવાતા હતા. હવે તો બધા જ રાગોમાં ગરબાનું સંગીત-નિયોજન થતું જોવા મળે છે.
ગરબો એ સામૂહિક સાંસ્કૃતિક આનંદનું સર્વોત્તમ માધ્યમ છે. એક-એક ગુજરાતીને ગરબા સાથે શરીર અને પ્રાણ જેવો પ્રગાઢ સંબંધ છે. ગરબો એટલે તો જાણે જીવનની વસંત…યૌવનની તાજગી આણી દેતો કળા અને ભક્તિનો સમન્વય. ગરબો આવી અનેક ઉપમાઓને તાદ્રશ કરતી, ગુજરાતીઓનાં ઉત્સાહને પોષનારી એમની પોતીકી કળા છે.
આવનારી નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય એ માટે ચાલો આપણે સહુ કટિબદ્ધ થઈએ.
ભક્તિ ભાવ-સ્નેહ અને પારંપરિક સહકારનાં પ્રતિબિંબ સમો “ગરબો” મા આદ્યશક્તિ પ્રતિ પ્રગટ થતાં ઉત્કૃષ્ટ ભાવનું પ્રતિબિંબ પણ છે. મા આદ્યશક્તિને વંદન સાથે સર્વ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન… !!! ✍🏻 વૈભવી જોશી

આ પણ વાંચો:Redevelopment of relationships: સંબંધોનું રીડેવેલપમેન્ટ: વૈભવી જોશી ‘ઝીલ’

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *