kundanika kapadia

Kundanika Kapadia: ભારતીય નારીની ગરિમાપૂર્ણ છબી ધરાવતાં એક શાલિન સન્નારી એટલે કુન્દનિકા કાપડીઆ

Banner Vaibhavi joshi

Kundanika Kapadia: કદાચ કોઈને નવાઈ લાગે પણ મારાં માટે આજે વિશેષ દિવસ. વિશેષ દિવસ એટલા માટે કે મારી જિંદગીનું સમજણ આવ્યા પછીનું વાંચેલું સૌથી પહેલું પુસ્તક જે મારી લાઈફમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું અને આજે એ પુસ્તકનાં સર્જકની જન્મજયંતિ એટલે યાદ કર્યા વગર રહી ન શકી. એક એવું પુસ્તક જેણે ખરાં સમયે મને પુસ્તકોનાં પ્રેમમાં પાડી અને એ પુસ્તક વાંચ્યા પછી વાંચનની જાણે રીતસર ઘેલછા લાગી અને વાંચન એ મારી લાઈફનું એક અભિન્ન અંગ બની ગયું. જો કદાચ સમજણ આવ્યા પછી પહેલું પુસ્તક આ ન વાંચ્યું હોત તો શક્ય છે કે હું પુસ્તકો સાથે આટલી નિકટતા ન કેળવી શકી હોત. એક વખત એવો પણ હતો કે મારું બીજું સરનામું એટલે અમદાવાદની એમ.જે. લાઈબ્રેરી. બસ એ પછીથી હું વાંચતી જ ગઈ તે બસ આજ સુધી વાંચન ચાલુ જ રાખ્યું. અને એ વિશેષ પુસ્તક એટલે ‘સાત પગલાં આકાશમાં’. ગુજરાતીમાં કોઈ એક પુસ્તકને છ પારિતોષિક મળ્યાં હોય એવું કદાચ પહેલી વાર આ પુસ્તકની બાબતમાં બન્યું છે. તેનો ભારતની કેટલીક ભાષાઓમાં અનુવાદ પણ થયો છે. અને એના સર્જક એટલે કે શ્રી કુન્દનિકા કાપડીઆ જેમણે સદેહે ભલે ૪ વર્ષ પહેલાં વિદાય લીધી પણ મારી જેમ કેટલીય સ્ત્રીઓનાં મનમાં એ ખુલ્લું આકાશ આજેય વસેલું હશે જે એમણે વર્ષો પહેલાં રચેલું.

ભારતીય નારીની ગરિમાપૂર્ણ છબી ધરાવતાં એક શાલિન સન્નારી એટલે શ્રી કુન્દનિકા કાપડીઆ..!! સાહિત્યમાં સ્ત્રી ગૌરવનાં પર્યાય સમ. ‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેનાં પત્ની શ્રી કુન્દનિકા કાપડીઆને આજે એમની જન્મજયંતિ પર સાદર વંદન..!! સુરેન્દ્રનગર જિલ્લાનાં લિંબડી ગામે આજ રોજ એટલે કે જાન્યુઆરી ૧૧, ૧૯૨૭માં જન્મેલા શ્રી કુન્દનિકા કાપડીઆનો સમગ્ર પરિવાર વેપારી હોવા ઉપરાંત શિક્ષણપ્રેમી હતો. કન્યાશિક્ષણ એ જમાનામાં બહુ જ ઓછું હતું તો પણ એમના શિક્ષણ માટેનાં અનુરાગને તેમનાં પરિવારજનોએ પ્રોત્સાહન આપ્યું હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરામાં, સ્નાતક શિક્ષણ ભાવનગરની પ્રસિદ્ધ શામળદાસ કોલેજમાં અને અનુસ્નાતક શિક્ષણ મુંબઈ ખાતે થયું હતું. વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ મૌલિક સાહિત્ય ક્ષેત્રે આરંભ કરી ચૂક્યાં હતાં. એક ઉત્તમ વાર્તાકાર અને નવલકથાકાર, ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઈતિહાસ વિષયો સાથે બી.એ., ૧૯૫૫થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’, ને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક અને ૧૯૮૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. એમનું સાહિત્યિક પ્રદાન બહુવિધ સ્તરો પર પથરાયેલું છે. તેમણે નવલકથાઓ પણ લખી છે અને વાર્તાસંગ્રહો પણ આપ્યા છે. નિબંધકાર તરીકે પણ તેમનું પ્રદાન બહુમૂલ્ય છે.

VGGS 2024 2nd Day: રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટેની પ્રતિબદ્ધતા અને રોડ મેપ પ્રસ્તુત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

એમના વાર્તાસંગ્રહોમાં ‘પ્રેમનાં આંસુ’ (૧૯૫૪) તથા ‘વધુ ને વધુ સુંદર’ (૧૯૬૮), ‘કાગળની હોડી’ (૧૯૭૮) અને ‘જવા દઈશું તમને’ (૧૯૮૩) મુખ્ય છે. ફિલસૂફી, સંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે. એમણે લખેલી ત્રણ નવલકથાઓ પૈકી પહેલી ‘પરોઢ થતાં પહેલાં’ (૧૯૬૮) જીવનમાં પડેલા દુઃખનાં તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરુપ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે. ‘અગનપિપાસા’ (૧૯૭૨) બુદ્ધિ કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવો દ્રષ્ટિકોણ પ્રગટ કરતી કથા છે.‘ સાત પગલાં આકાશમાં’ (૧૯૮૪) નામની એમની બહુચર્ચિત દીર્ધનવલ આધુનિક નારીનાં વિદ્રોહની કંઈક અંશે દસ્તાવેજી કથા છે.

આમ છતાં જે કેટલીક કૃતિઓએ સમગ્ર સમાજની ચેતના જગાવવામાં બહુ મોટું કામ કર્યું તેમાં યશસ્વી નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ ને મુખ્ય ગણવી પડે. ‘સાત પગલાં આકાશમાં’ એ સ્ત્રી અને પુરુષો વચ્ચેનાં સંબંધોની સંકુલ અને નાજુક સમસ્યાઓનાં સંદર્ભે નારીજીવનની વ્યથાને નિરુપતી, સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેનાં સંઘર્ષની કથા છે. આ કથાનું શીર્ષક લાક્ષણિક છે. સાત પગલાં દ્વારા સપ્તપદી-લગ્નજીવન સુચવાય છે, તો ‘આકાશ’ દ્વારા એ વ્યવધાનમાંથી મળતી મુક્તિ સુચવાય છે. ગુજરાતી સાહિત્યમાં નારીવાદી વલણોનો આરંભ એમનાથી થયો એવું મનાય છે. ‘સાત પગલાં આકાશમાં’ની મુખ્ય નાયિકા વસુધાનાં ગૃહસ્થજીવન નિમિત્તે સ્ત્રીનાં ગૌરવ, પુરુષનાં આધિપત્ય, પુરુષ દ્વારા થતું સ્ત્રીનું સૂક્ષ્મ શોષણ, આર્થિક સ્વતંત્રતા, વ્યક્તિત્વવિકાસ, પિતૃપ્રધાનતા – આવી આવી બાબતે સ્ત્રીને થતી સંવેદનાઓ અને તેની થતી ઉપેક્ષા, સ્ત્રીને ‘વ્યક્તિ’ ન ગણતાં માત્ર ‘વસ્તુ’ ગણી તેની સાથે થતો વ્યવહાર વગેરે દૃષ્ટિબિંદુઓથી આ અતિપ્રસિદ્ધ નવલકથા સર્જાઈ છે. વસુધાનું ‘ઘર છોડવું’ એ એક ઘટના નારીજગત અને સમાજ માટે વિચારણીય બાબત બની રહે છે. સ્ત્રીને માનવસહજ હક્ક મળે, તેનું સન્માન થાય, તેની શક્તિનું ગૌરવ થાય તે અંગે આ નવલકથામાંથી સબળ સમર્થન મળે છે. સમાજમાં સ્ત્રીઓ વિશે જે કેટલીક માન્યતાઓ સદીઓથી ચાલતી રહી છે તેમને તોડીને, આ કૃતિ નિમિત્તે, સ્ત્રીને એના અસલી-સાચા સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયત્ન થયો છે.

અહીં સામાજિક વાસ્તવિકતાની સાથે નારીચિત્તની વાસ્તવિકતા રજૂ થઈ છે. સ્ત્રીનાં વ્યક્તિત્વનાં સ્થાપનની આ ગૌરવગાથા છે. વસુધાનાં નિમિત્તે ‘સ્ત્રી પણ એક માણસ છે.’ તે સિદ્ધ કરવામાં તેઓ સફળ થયાં છે. સ્ત્રી અંગેનાં સામાજિક પરિવર્તનમાં આ નવલકથાનો વૈચારિક ફાળો નોંધપાત્ર છે. આ નવલકથા આધારિત ધારાવાહિકમાં કવિ શ્રી અનિલ જોશીની કલમે રચાયેલું દરેક સ્ત્રીની સંવેદનાને વાચા આપતું આ ગીત હજીય ઊંડે ઊંડેથી પડઘાય છે.

“હું તો નીકળી ગઈ મારી તલાશમાં,

સાત પગલાં આકાશમાં…”

એમણે ત્રણેક અનુવાદો આપ્યા છેઃ શ્રીમતી લોરા ઈંગ્લસ વાઈલ્ડર નામની લેખિકાની નવલકથાનો અનુવાદ ‘વસંત આવશે’ (૧૯૬૨) મેરી એલન ચેઝનાં જીવનનાં-ખાસ કરી બાળપણનાં અનુભવોનો સાહિત્યિક સુષ્માવાળો અનુવાદ ‘દિલભર મૈત્રી’ (૧૯૬૩) અને બંગાળી લેખિકા રાણી ચંદના- પ્રવાસવર્ણનનો અનુવાદ ‘પૂર્ણકુંભ’ (૧૯૭૭). ઉપરાંત એમના પ્રકીર્ણ લેખોનો સંગ્રહ ‘દ્વાર અને દીવાલ’ (૧૯૫૫), પ્રાર્થનાસંકલન ‘પરમસમીપે’ (૧૯૮૨) પણ નોંધપાત્ર છે.

એમણે લખેલ પ્રાર્થનાઓનો સંગ્રહ ‘પરમ સમીપે’ તેમાં વ્યક્ત થયેલી પ્રાર્થનાઓની ઋજુતા, આર્જવ અને ખાસ તો પરમશક્તિ પ્રત્યેનાં સમર્પિતભાવનાં કારણે એટલો લોકપ્રિય બન્યો છે કે વર્ષોથી તે બેસ્ટ સેલર તરીકે પંકાય છે. પુસ્તકો વસાવતાં પ્રત્યેક ગુજરાતી પરિવારમાં આ પ્રાર્થના સંગ્રહ આજેય જોવા મળે છે. તેમણે પોતાના ઘણાં ચિંતનાત્મક લખાણો ”ઈશા કુન્દનિકા”ના નામે પણ લખ્યાં છે. સ્ત્રી સહજ સંવેદના, પોતાની પ્રતિભાનાં બળે ગુજરાતી સાહિત્યની પ્રતિષ્ઠા વધારનાર, બહુવિધ સ્તર પર સાહિત્યનું સર્જન કરનાર, જાહેરજીવનમાં આધૂનિકતાની ઘેલછા વગર પરિધાન અને વ્યવહારમાં પરંપરાનો આદર કરનાર, આ કક્ષાનાં લેખિકાની વિદાયનો ખાલીપો સદાય અનુભવાશે. તેમની ખોટ તેમની વલસાડ નજીકની કર્મભૂમિ ‘નંદિગ્રામ’ ને તો શું, પરંતુ સમગ્ર ગુજરાતનાં સાહિત્ય અને સંસ્કાર જગતને કદી નહી પૂરાય. આજે ફરી એકવાર ભીના થયેલા આંખોનાં ખૂણેથી એમને જન્મજયંતિ પર સાદર વંદન..!!🙏🙏

(સૌજન્ય : પુસ્તકો અને વર્ષની માહિતી વિકિપીડિયામાંથી સાભાર અને નવલકથાની વિશેષ માહિતી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાંથી સાભાર: વૈભવી જોશી)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો