image e1669444515760

Cold Wave: રાજ્યનું સૌથી ઠંડુગાર બન્યું આ શહેર, આક્રમક બની રહેલી ઠંડીની જનજીવન ઉપર અસર વર્તાઇ રહી

Cold Wave: સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો પુનઃ શરૃ થતાં આ ઠંડા પવનોની અસર પાટનગર ઉપર પણ જોવા મળી

અમદાવાદ, 10 જાન્યુઆરીઃCold Wave: ઉત્તરાયણ પર્વ અગાઉ જ બદલાયેલા વાતાવરણથી તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહયો છે. જેના પગલે આક્રમક ઠંડીનો અહેસાસ લોકોને કરવો પડી રહયો છે. તો બીજી તરફ માવઠાંની અસરની સાથેસાથે ઉત્તર ભારતમાં છેલ્લા ઘણા દિવસથી પુનઃ શરૃ થયેલી હિમવર્ષાના પગલે શીત લહેરો ફુંકાતા તેની અસર રાજ્યના પાટનગર ઉપર પણ અનુભવવા મળી રહી હોય તેમ તાપમાનનો પારો દિન પ્રતિદિન ગગડી રહ્યો છે. વધી રહેલી ઠંડીના પગલે નલિયાની સાથે પાટનગર પણ સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ત્યારે રવિવારે ૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઠંડીને અસર જનજીવન ઉપર પણ જોવા મળી હતી તો નગરજનો પણ ઠંડીમાં રક્ષણ મળી શકે તે માટે ઘરમાં જ રહેવાનું મુનાસીફ માન્યુ હતું.

ઉત્તરભારતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી હિમવર્ષા થઇ રહી છે. જેના પગલે ઘણી જગ્યાએ તાપમાનનો પારો માઇનસ ડિગ્રીમાં પહોંચી ગયો છે. ત્યારે હિમવર્ષાના પગલે શીત લહેરોની અસર ગુજરાત રાજ્ય ઉપર પણ જોવા મળી રહી છે. તો થોડા દિવસ અગાઉ બદલાયેલા હવામાનના પગલે કમોસમી માવઠું થવાથી વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. આમ અચાનક જ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો પુનઃ શરૃ થતાં આ ઠંડા પવનોની અસર પાટનગર ઉપર પણ જોવા મળી હતી.

આ પણ વાંચોઃ Doctor Shilpi dies from corona: 28 વર્ષીય ડો. શિલ્પીની કોરોનાથી મોત, બંને વેક્સીન લઈ ચુક્યા હતા- વાંચો વિગત

તો બીજી તરફ હિમવર્ષાના પગલે શીતલહેરો ચાલુ રહેતાં તેની અસર હજુ પણ તાપમાન ઉપર જોવા મળી રહી છે. પાંચ-છ દિવસથી સતત લઘુત્તમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઇ રહી છે. ત્યારે જાન્યુઆરી માસના શરૃઆતના જ દિવસોમાં ઠંડી આક્રમક બની હોય તેમ લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાતાં શનિવારે ૧૫.૨ ડિગ્રીએ આવીને અટક્યો હતો. તો બીજી તરફ મહત્તમ તાપમાન ૨૪.૬ ડિગ્રીએ પહોંચ્યું હતું.ત્યારે શનિવારે વાદળછાયા વાતાવરણમાં ઠંડીએ પણ રોદ્રસ્વરૃપ ધારણ કર્યું હોય તેમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાતાં નગરજનો પણ આ કાતિલ ઠંડીમાં થરથરી રહ્યાં છે.

આમ મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાતા તેની અસર સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી હતી. ઠંડા પવનોની સાથે શહેરમાં રવિવારે લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રીએ પહોંચી જતાં નલિયાની સાથે સૌથી વધુ ઠંડા દિવસનો સામનો લોકોને કરવો પડયો હતો. ત્યારે મહત્તમ તાપમાન ર૬ ડિગ્રીએ આવીને અટકયું હતું. આમ હરીયાળા શહેર ઉપર ઠંડીએ જમાવટ કરી હોય તેવા વાતાવરણનો સામનો કરી રહેલાં નગરજનો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યાં છે અને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યાં છે પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં વસવાટ કરતાં શ્રમજીવીઓની હાલત આ ઠંડીમાં કફોડી બની જવા પામી છે. ત્યારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં ચાર ગણો તફાવત હોવા છતાં કડકડતી ઠંડી નગરજનોના હાડથીજાવી રહી છે.

વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીના પગલે શહેરમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં ઠંડીના પારામાં આઠ ડિગ્રીનો ઘટાડો નોંધાતાં તેની અસર હેઠળ આવેલી ગયેલા નગરજનો તીવ્ર ઠંડીમાં થરથરી રહ્યાં છે. ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના પગલે ઠંડીનું આક્રમણ યથાવત્ રહ્યું હોય તેમ નગરજનોના હાડ પણ આ ઠંડીમાં થીજી રહ્યાં છે. ત્યોર આગામી દિવસોમાં હજુ પણ ઠંડી આક્રમક બનશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. દિવસે પણ નગરજનો ગરમ વસ્ત્રોના સહારે અવર જવર કરી રહ્યાં છે તો ઠંડીમાં રક્ષણ મળી શકે તે માટે તાપણાનો સહારો પણ લઇ રહ્યાં છે

Whatsapp Join Banner Guj